Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્રિકેટની પિચના ખરા કસબી નદીમ મેમણ

ક્રિકેટની પિચના ખરા કસબી નદીમ મેમણ

19 May, 2020 10:24 PM IST | Gujarat
Vasant Maru

ક્રિકેટની પિચના ખરા કસબી નદીમ મેમણ

ક્રિકેટની પિચના ખરા કસબી નદીમ મેમણ


ગયા મંગળવારે કચ્છી ક્રિકેટરત્ન આણંદજીભાની વાત વાંચી. ‘મિડ-ડેના વાચકોએ બહોળો પ્રતિસાદ આપ્યો એ બદલ આભાર. ઇન્ડિયન ક્રિકેટમાં બીજા એક કચ્છી રત્ન પણ ખૂબ ગાજ્યા છે. પડદા પાછળના આ કસબી એટલે નદીમ મેમણ. નદીમ મેમણ વાનખેડે સ્ટેડિયમ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, અમદાવાદના મોટેરા tક્યુરેટર તરીકે કાર્ય કરી મેદાનોની માવજત કરી છે. નદીમભા મૂળ ભુજના છે. ભુજમાં તેમના દાદાની તેલિબિયાંમાંથી તેલ કાઢવાની ઘાણી હતી. કુટુંબને ઉપર લઈ આવવા તેમણે ભુજથી મુંબઈની વાટ વર્ષો પહેલાં પકડી. મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં મોટી-મોટી કંપનીઓમાંથી વેસ્ટ પેપર લેવાનો કારોબાર શરૂ કર્યો. આ કામ તેમના પુત્ર તૈયબ અહેમદે આગળ વધાર્યું. તૈયબભા અને શરીફાબેનને ત્યાં ત્રણ દીકરા જન્મ્યા, એમાં એક નદીમ મેમણ!

નદીમ મેમણ બાળપણમાં બહુ તોફાની હતા. ક્રિકેટ અને ફુટબૉલ તેમની પ્રિય રમત. મળતાવડા અને બોલકા સ્વભાવના નદીમભા ભણવાને બદલે ક્રિકેટ અને ફુટબૉલમાં રચ્યાપચ્યા રહેતા. તેમનું ઘર ફોર્ટમાં હોવાથી ત્યાંનાં મોટાં-મોટાં મેદાનમાં તેમનું બાળપણ વીત્યું.



ફોર્ટની ‘ઇન્ટર કનાડા’ ફુટબૉલ મૅચ ક્રૉસ મેદાનમાં રમાતી. એ સમયે ફુટબૉલ ખેલાડીઓમાં બહુ આક્રમક હોવાનો ગુણ હોવો જરૂરી હતો અને નદીમમાં ભરપૂર આક્રમકતા હતી. પરિણામે મહારાષ્ટ્ર વતીથી નૅશનલ ફુટબૉલ ટુર્નામેન્ટ્સ ઘણી વાર રમ્યા. આ કચ્છીમાડુ પાસે જન્મજાત આયોજનશક્તિ હતી. નદીમભા વેસ્ટર્ન ઇન્ડિયા ફુટબૉલ દ્વારા ‘રોઝ કપ ફુટબૉલ ટુર્નામેન્ટ’નું આયોજન કૂપરેજ ફુટબૉલ ગ્રાઉન્ડમાં કરતા. દેશની પ્રખ્યાત મોહનબાગાનથી લઈ ઈસ્ટ બંગાળ અને પંજાબ જેવી માતબર પચીસેક ટીમો એમાં ભાગ લેતી. ભરપૂર પ્રેક્ષકોની વચ્ચે રમાતી ઇવેન્ટના આયોજનનું અઘરું કામ નદીમભાએ સંભાળીને કાબેલિયતતાનું દર્શન દેશને કરાવ્યું.


ફુટબૉલની જેમ નદીમભાને ક્રિકેટમાં પણ જબરો શોખ. વરસાદની સીઝનમાં રમાતી એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કાંગા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ. આ કાંગા લીગ ટુર્નામેન્ટમાં નદીમ મેમણ ૧૧-૧૧ વર્ષ સુધી એ ડિવિઝનમાંથી રમ્યા. ઉપરાંત કૅથલિક જિમખાનાથી તાલ્યારખાન ટુર્નામેન્ટ, ઇસ્લામ જિમખાના વતીથી પુરુષોત્તમ શિલ્ડમાં રમી ઑલરાઉન્ડર તરીકે પ્રખ્યાત થયા.

ફુટબોલર, ઑલરાઉન્ડર ક્રિકેટર અને અદ્ભુત આયોજક તરીકે હીર બતાવનાર નદીમ મેમણે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમ.સી.એ.)ની મૅનેજિંગ કમિટીમાં સ્વબળે સ્થાન મેળવી લીધું હતું. જોકે ક્રિકેટને અનહદ પ્રેમ કરનાર નદીમભાને ક્રિકેટની દુનિયા યાદ કરે છે પિચ ક્યુરેટર તરીકે. છેક ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ મેદાન પર પિચ બનાવવાની તાલીમ લઈ ભારત પરત આવ્યા અને ક્રિકેટના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું. ટવેન્ટી-ટવેન્ટી, વન-ડે કે ટેસ્ટ મૅચની અલગ-અલગ તાસીરની વિકેટ બનાવવાની કળા આ કચ્છીમાડુએ હાંસલ કરી લીધી. પિચ બનાવવી એટલે કે રીડેવલપ કરવા કઈ માટી વાપરવી, પિચ પર કેટલું ઘાસ રાખવું, પિચને કેટલું પાણી પીવડાવવું, પિચને કેટલી ઊંડી ખોદવી, કયુ રોલર ફેરવવું, પિચને કઈ રીતે માવજત આપવી, આઉટફીલ્ડમાં કેટલું ઘાસ રાખવું જેવા વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખવા પડે છે અને આ બધામાં ઊંડા ઊતરી ચૂકેલા નદીમ મેમણે વાનખેડે સ્ટેડિયમ, મોટેરા સ્ટેડિયમ, ડી.વાય. પાટીલ સ્ટેડિયમ જેવા નૅશનલ અને ઇન્ટરનૅશનલ મૅચોનાં મેદાનો પર પિચ ક્યુરેટર તરીકે અદ્ભુત કાર્ય કર્યું.


નદીમ મેમણે ‘મેમન્સ મિડાસ મોમેન્ટ’ નામનું  પુસ્તક પિચની વિવિધતાઓ વિશે લખ્યું છે.  નવા ક્રિકેટરોને તૈયાર કરવા ઉપરાંત પિચ ક્યુરેટર તરીકે બાંદરાની એમ.આઇ.જી ક્રિકેટ ક્લબ, બૉમ્બે જિમખાના, પારસી જિમખાના, ઇસ્લામ જિમખાના, પોલીસ જિમખાના, મહાલક્ષ્મી ગ્રાઉન્ડ, ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબથી લઈ ઓરંગાબાદ ક્રિકેટ અસોસિએશન કે બારામતી સ્ટેડિયમ સુધીનાં અસંખ્ય સ્ટેડિયમ કે પિચો તૈયાર કરવા મન મૂકીને કાર્ય કર્યું છે અને સિદ્ધિ મેળવી છે.

થોડાં વર્ષ પહેલાં આઝાદ મેદાન, ક્રૉસ મેદાન, ઓવલ મેદાન જેવાં મુંબઈનાં મેદાનો પર ફેરિયાઓએ સારા પ્રમાણમાં કબજો જમાવ્યો હતો. કેટલાંક મેદાન પર તો રીતસરની ઝૂંપડપટ્ટી બંધાઈ ગઈ હતી. નેટ પ્રૅક્ટિસ અને ક્રિકેટની પ્રાથમિક તાલીમ દ્વારા જ્યાં ટેલેન્ટેડ ક્રિકેટરોનો જન્મ થાય એ જગ્યા પર ફેરિયાઓ, ભિખારીઓ કે નશાખોરોએ કબજો કરેલો જોઈ નદીમભાનું દિલ કકળી ઊઠ્તું. ઓવલ મેદાનની અવદશા તરફ દિલીપ વેંગસરકરે નદીમભાનું ધ્યાન દોર્યું અને નદીમભા એ મેદાનોને બચાવવા મેદાને પડ્યાં અને સફળ થયા.

અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 10:24 PM IST | Gujarat | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK