ડૉક્ટરે ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજીયે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી?

Published: 19th October, 2020 22:50 IST | Dr.Ravi Kothari | Mumbai

જો સર્જરી દરમ્યાન બન્ને ઓવરી કાઢી નાખી હોય તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નથી. સ્ત્રીબીજ પેદા કરતું અવયવ જ ન હોય ત્યારે ગર્ભાશય હોય કે ન હોય, પ્રેગ્નન્સી રહી શકતી નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- વાઇફને માસિકની તકલીફ થઈ છે જેને કારણે તે શરીર-મનથી સાવ થાકી ગઈ છે. તેની ઉંમર ૪૪ વર્ષ છે. તેને છેલ્લા નવેક મહિનાથી ખૂબ માસિક જતું હતું એટલે તે શરીરે સાવ જ નબળી પડી ગઈ હતી. તપાસ કરાવતાં ટ્યુબમાં અને ઇંડાં પેદા કરતી થેલીમાં કડક ગાંઠો થઈ ગયેલી. ડૉક્ટરે ઈંડાંની થેલી અને ટ્યુબ કાઢવાનું ઑપરેશન કર્યું છે. એ વાતને હવે દોઢ મહિનો થશે, પણ હજી તેની કામેચ્છા ઠીક નથી થઈ. પહેલાં તેને નબળાઈને કારણે મન નહોતું થતું એ સમજી શકાય એવું છે, પણ હવે બધું બરાબર થતાં કેટલો સમય લાગશે? ડૉક્ટરે ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજીયે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી? અમારાં બાળકો મોટાં છે અને હવે આગળ સંતાન નથી જોઈતાં. તો શું હવે ગર્ભનિરોધ ન વાપરીએ તો ચાલે?
જવાબ- લાંબા સમયની માંદગી અને નબળાઈ પછી વ્યક્તિની શારીરિક સ્થિતિ કથળી જાય એ સ્વાભાવિક છે. મહિનાઓની બીમારીમાંથી પાછા બેઠા થવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે. એટલે હજી માત્ર દોઢ મહિનો જ થયો છે. પહેલાં તો શરીરનો ઘસારો રિકવર થાય એટલી તંદુરસ્તી તો આવવા દો. બીજું, જ્યારે ઓવરી કાઢી નાખવામાં આવી હોય ત્યારે શરીરમાં સ્ત્રી-હૉર્મોન્સની કમી થઈ જાય છે. આને કારણે મેનોપૉઝ વખતે જેવી શરીર-મનની સ્થિતિ હોય એવી પેદા થાય છે. હૉર્મોન્સની અચાનક કમીને પણ સેટલ થવા માટે થોડોક સમય જોઈશે. લોહીની કમી હોય તો વિટામિન્સ, આયર્નની વધુ જરૂરિયાત પેદા થાય છે. મોટા ભાગે ગાયનેકોલૉજિસ્ટે આ દવાઓ આપી જ હશે. જો ન આપી હોય તો નબળાઈ માટે આ સપ્લિમેન્ટ્સ લખી આપવા ડૉક્ટરને કહો. થોડોક સમય જવા દો. સેક્સને બદલે રોજ માત્ર સંવનનમાં સમય ગાળો. રોમૅન્ટિક સમય પસાર કરવાથી આપમેળે મન થશે.
જો સર્જરી દરમ્યાન બન્ને ઓવરી કાઢી નાખી હોય તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નથી. સ્ત્રીબીજ પેદા કરતું અવયવ જ ન હોય ત્યારે ગર્ભાશય હોય કે ન હોય, પ્રેગ્નન્સી રહી શકતી નથી. એ બાબતે ભલે નચિંત રહો, પણ કૉન્ડોમનો ઉપયોગ કરવાનું ટાળશો નહીં. કૉન્ડોમ માત્ર ગર્ભનિરોધ જ નથી, એમાં આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ હોય છે જે મૂવમેન્ટ દરમ્યાન ઘર્ષણ પેદા થવા નથી દેતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK