બૅન્ગલોર ભણવા ગયેલો દીકરોને સાઉથ ઇન્ડિયન છોકરી સાથે લગ્ન કરવા છે એ વડીલોને મંજૂર નથી

Published: Feb 12, 2020, 12:47 IST | Sejal Patel | Mumbai

મને બે પેઢીઓ વચ્ચેની વધતીજતી ખાઈની બહુ ચિંતા થાય છે. હું માનું છું કે નવી પેઢીને છૂટ આપવી જરૂરી છે, પણ કેટલી અને કેવી એ સમજાતું નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મને બે પેઢીઓ વચ્ચેની વધતીજતી ખાઈની બહુ ચિંતા થાય છે. હું માનું છું કે નવી પેઢીને છૂટ આપવી જરૂરી છે, પણ કેટલી અને કેવી એ સમજાતું નથી. એક તરફ મારા સાસુ-સસરાએ અમારા અને દિયરના પરિવારને ખૂબ જ ઑર્થોડોક્સ રિવાજોમાં બાંધી રાખ્યો છે. હું અને દેરાણી તો માની ગયા, પણ હવેની પેઢી માને એમ નથી. મારા દીકરાને લઈને ઘરમાં જબરી બબાલ ઊભી થઈ છે. તેને એન્જિનિયરિંગમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરવા માટે વિદેશ જવું હતું, પણ વડીલોનો બહુ વિરોધ થયો. એમ છતાં તેણે વિદેશ જવા માટે અપ્લાય કરેલું. જોકે ટકાવારી ખૂટતાં તેને અમેરિકામાં જ્યાં ઍડમિશન જોઈતું હતું એ મળ્યું નહીં એટલે વાત વણસતી અટકી. દીકરો બૅન્ગલોરની યુનિવર્સિટીમાંથી પોસ્ટ-ગૅજ્યુએશન કરવા ગયેલો. ત્યાં જ તેને ઇન્ટર્નશિપની ઑફર પણ મળી ગઈ. હવે બીજી તકલીફ એ થઈ છે કે તેને ત્યાં સાથે ભણતી કોઈ સાઉથ ઇન્ડિયન છોકરી પસંદ આવી ગઈ છે. તેણે અમને વાત કરી છે ત્યારથી ઘરમાં જાણે બૉમ્બ ફૂટ્યા પછી માતમ છવાયો હોય એવું વાતાવરણ છે. એ છોકરીને નથી આપણી ભાષા આવડતી નથી આપણી સંસ્કૃતિની કોઈ ખબર. સાસુ-સસરા અને મારા હસબન્ડનું પણ માનવું છે કે વહુ તો ગુજરાતી જ હોવી જોઈએ. મને પણ થાય છે કે સાવ સાઉથ ઇન્ડિયન છોકરી કેવી રીતે આપણામાં ભળશે? આ વાતે દીકરો મને અંગત રીતે ધમકી આપી ચૂક્યો છે કે જો તમે લોકો પ્રેમથી નહીં સ્વીકારો તો હું ઉનાળામાં જાતે બૅન્ગલોરમાં જ લગ્ન કરી લઈશ. બહેન, દીકરાના પ્રેમનો વિરોધ નથી, પણ આપણા રિવાજો, સંસ્કૃતિ અને ભાષાથી જાણકાર એવું હોય એવી વહુ તો લાવી શકેને?

જવાબ : મને એક વાતનો જવાબ આપો. તમે લગ્ન કરીને આવ્યા ત્યારે તમારા પિયરમાં અને સાસરિયામાં ઘરની રહેણીકરણી, ‌રીતરિવાજો, રસોઈ કરવાની ઢબ વગેરે શું એકસરખાં ડિટ્ટો હતા? તમારો જવાબ ના જ હશે. એનું કારણ એ છે કે દરેક પરિવાર અને દરેક કુટુંબની રહેણીકરણી જુદી હોય જ છે. માત્ર જુદાપણું  હોય એટલે સાથે ન રહી શકાય એવું નથી. તમે એ જુદાપણું હોવા છતાં એકબીજાની સાથે રહેવા માગો છો અને સાથે રહેવા માટે ઍડજસ્ટમેન્ટ કરવા તૈયાર છો એ વધુ મહત્ત્વનું છે.

જુદાપણું થોડું હોય કે વધુ, એકમેક તરફ કદમ આગળ માંડીને અંતર ઓગાળવાની તૈયારી હોય એ વધુ મહત્ત્વનું છે. બાકી, છોકરી ગુજરાતી હોય કે સાઉથ ઇન્ડિયન, તેનો સ્વભાવ, તેનો દીકરા પ્રત્યેનો પ્રેમ, તેની વડીલો માટેની સન્માનભાવના કેવી છે એ સમજવા જેવી છે. ગુજરાતી છોકરી હશે પણ જો ઍડજસ્ટમેન્ટ તો ધરાર નહીં કરું એવું વિચારનારી નીકળશે તો તમે શું કરશો?

બીજું, જે વ્યક્તિ સાથે તેણે જીવન વીતાવવાનું છે એની પસંદગી કરવાની છૂટ દીકરાને આપવી જ જોઈએ. તમે તમારી પસંદની છોકરી સાથે દીકરો ખુશ રહે એવી અપેક્ષા રાખો છો, પણ જો એવું કરવા જતાં તમે ખોટી પસંદ તેના ગળે વળગાડી દીધી તો શું થશે? તમે કહેશો કે તેની પસંદ જ ખોટી છે એવું સાબિત થશે તો શું? ઍટલીસ્ટ દીકરો તમને તો કોસશે નહીંને?

આજની પેઢીને વડીલો ના પાડે એ બહુ કરવા જોઈતું હોય છે. તમે ના પાડીને તમારા દીકરાને પણ તમારાથી દૂર કરી રહ્યા છો. એના કરતાં તેની પસંદને જુઓ. રીત-રિવાજ અને ભાષાના ભેદને ભૂલીને માત્ર એક યુવતી તરીકે તેને સમજવાની કોશિશ કરો. બની શકે કે એ પછી તમારો પોતાનો વિચાર પણ બદલાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK