દારૂ પીને ઢોરમાર મારતો પતિ જ્યારે પશ્ચાતાપ થયો હોવાનું કહીને મનાવે છે

Published: Jul 10, 2020, 22:33 IST | Sejal Patel | Mumbai

જો માણસે વ્યસનો છોડી દીધાં હોય અને પ્રામાણિકતાથી નોકરીમાં મન લગાવ્યું હોય તો સમજવું કે માણસના બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે એ પછી પણ તમારી સ્વતંત્રતા જળવાય એવી શરતો મૂકવી જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૩૭ વર્ષની છું. લગ્ન પછી એવા નરકની યાતના અનુભવી ચૂકી છું જેની કલ્પના પણ કંપાવી દે છે. હવે તો મેં એકલવાયી જિંદગીને સ્વીકારી લીધી છે ત્યારે નવી અસમંજસ ઊભી થઈ છે. ત્રણ વરસથી હું પતિનું ઘર છોડીને એકલી રહેવા લાગી છું. મારાં લગ્ન થયાં ત્યારે માત્ર મમ્મી જીવતાં હતાં ને એ પણ લગ્ન પછી બે વરસમાં અવસાન પામ્યાં. પિયરમાં કોઈ નહોતું ને પતિને દારૂ-જુગાર અને સિગારેટ એટલાં પ્રિય હતાં કે તેણે પોતાની બધી જ કમાણી એમાં જ ફૂંકી નાખી. નશાને કારણે નોકરી છૂટી ગઈ અને પોતાના પૈસા ખૂટી ગયા એટલે તેની નજર મારાં ઘરેણાં પર પડી. સાસરી પક્ષ તરફથી મળેલાં ઘરેણાં તો હક કરીને પડાવી લીધાં, પણ પછી પિયરથી મળેલી મિલકત માટે મારપીટ કરવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે જા એ પણ આપી દઈશ તો પછી આગળ મારું ભવિષ્ય શું થશે? એટલે હું ધરાર નહોતી માનતી. એક વાર તો હું પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે મને ઢોરમાર માર્યો અને બાળક પડી ગયું. પછી તેણે મારા પર કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી આપીને મંગળસૂત્ર, બંગડી અને વીંટી પડાવી લીધાં. સાસુમા મગનું નામ મરી પાડે એવા નહોતા એટલે મદદ મળે એમ નહોતી. આખરે મેં પોલીસમાં ફરિયાદ કરી અને ઘર છોડીને એક મહિલા સંસ્થામાં રહેવા જતી રહી. એક વરસ ચલાવ્યું અને પછી બ્યુટીપાર્લરનું કામ શીખી ગઈ ને હવે જાતે પૈસા કમાઈને ઘર ચલાવું છું. એકલી છું, હિજરાઉં છું, પણ માનસિક ત્રાસ નથી એનો આનંદ છે.
છ મહિનાથી મારા પતિના પણ ફોન આવે છે. ફોનમાં તેઓ રડે છે અને હવે પોતાની ભૂલ સુધારવા માટે એક મોકો ફરી આપું એવી વિનંતી કરે છે. મનમાં તો જાણે યુદ્ધ ચાલે છે. એક તરફ પરિવારવાળી જિંદગી જીવી શકાય તો સારું એવી ઇચ્છા થાય છે ને બીજી તરફ ફરીથી એ દોજખમાં જવાના વિચારથી પણ થથરી જવાય છે. ખરેખર પતિનું હૃદયપરિવર્તન થયું છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય?
જવાબ-સૌથી પહેલાં તો તમારી હિંમતને સલામ. જુલમ મૂંગે મોંએ સહન કરીને પતિના ઘરની કામવાળી બની રહેવા કરતાં તમે કઠિન પણ આત્મસન્માનપૂર્વક જીવવાની પહેલ કરી એ કાબિલેદાદ છે.
બદલાયેલા સંજાગોમાં પતિ અને સાસુમા તમને પાછાં ઘરે આવી જવા કહે છે ત્યારે આંધળો વિશ્વાસ કરી લેવો યોગ્ય નથી, પરંતુ ખરેખર જો ભૂલ સમજાઈ હોય તો વ્યક્તિને પશ્ચાતાપનો એક મોકો જરૂર આપવો જોઈએ. જોકે પશ્ચાતાપ થયો છે ખરો એ કેવી રીતે નક્કી કરવું? તો એ માટે કેટલાંક પ્રાથમિક મૂલ્યો નક્કી કરો. શું તેણે દારૂ પીવાનું અને જુગાર રમવાનું છોડી દીધું છે? ક્યારેક પીઉં છું કે રમું છું એવું જો કોઈ કહેતું હોય તો એને સાચું ન માનવું. સંપૂર્ણપણે આ બે આદતો છૂટી ગઈ હોય એ જરૂરી છે. બીજી ખૂબ જ અગત્યની વાત. શું તે ફરી નોકરીએ લાગ્યા છે? કેટલા સમયથી? જયાં કામ કરે છે ત્યાંની ઑફિસમાં તેના વિશેનો અભિપ્રાય શું છે?
જો માણસે વ્યસનો છોડી દીધાં હોય અને પ્રામાણિકતાથી નોકરીમાં મન લગાવ્યું હોય તો સમજવું કે માણસના બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે એ પછી પણ તમારી સ્વતંત્રતા જળવાય એવી શરતો મૂકવી જરૂરી છે. તમે જે આર્થિક પગભરતા કેળવી છે એને તમે કદી નેવે મૂકશો નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK