બીજી છોકરી સાથે દોસ્તી કરતા ગર્લફ્રેન્ડે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું

Published: Jan 29, 2020, 17:08 IST | Sejal Patel | Mumbai

ગર્લફ્રેન્ડના દોસ્તોની ઈર્ષા થતી હોવાથી તેને દેખાડી દેવા બીજી ફ્રેન્ડ બનાવીને આગળ વધ્યો, પણ પસ્તાઉં છું, શું કરું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું સ્કૂલમાં હતો ત્યારથી એક છોકરીના પ્રેમમાં હતો. પહેલું એક વર્ષ તો ચુપકેથી જોતો રહેતો અને તેની સાથે દોસ્તી કરવાના સપનાં જોતો. વરસ પછી માંડ તેને પટાવી શક્યો. તેની સાથે દોસ્તી અને પછી સ્પેશ્યલ ફ્રેન્ડશિપ કરવા માટે મારે બહુ મહેનત કરવી પડી. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડનું ઑફિશ્યલ સ્ટેટસ મેળવ્યું ત્યારે મને લાગેલું કે હું દુનિયા જીતી ગયો છું. હવે તે મારી જ કૉલેજમાં ભણે છે ને પહેલેથી જ ફૅશનેબલ અને મળતાવડી છે. મને ખબર છે કે કૉલેજમાં પણ તેના ખૂબબધા મિત્રો છે, જોકે અમારી ઑફિશ્યલ રિલેશન પછી તો તેણે બીજા કરતાં મને વધુ મહત્ત્વ આપવું જોઈએને? પણ ના, તેના બીજા દોસ્તોની સંખ્યામાં કોઈ ફરક નથી પડ્યો. તે બીજા ગ્રુપ સાથે પણ ફિલ્મો જોવા જાય છે અને તેમની સાથે ડિનર પાર્ટીઓમાં પણ જાય છે. એમાંથી એક જણ સાથે તો તેને બહુ જ વધુપડતું બનતું હોય એવું મને લાગવા લાગ્યું હતું. એ વિશે જ્યારે તેને પૂછ્યું તો તેણે બેફિકરાઈથી કહી દીધું કે એ પણ મારા ફ્રેન્ડ્સ છે અને લગ્ન પછી પણ રહેશે જ. તે મને ચીટ કરી રહી છે એ જાણીને મને પણ ગુસ્સો આવ્યો. તેને બતાવી દેવા માટે મેં પણ બીજી છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ને તેને કહી દીધું કે મારા જીવનમાં પણ મારા ફ્રેન્ડ્સ રહેશે જ. હવે હું પણ બીજી એક છોકરી સાથે ફરવા જાઉં છું. સમસ્યા એ છે કે આ નવી છોકરી જોડે હરવા-ફરવાની સાથે થોડીક ફિઝિકલ ઇન્ટિમસી પણ આવી ગઈ છે. હું અવઢવમાં છું. હું ખરેખર મારી ગર્લફ્રેન્ડને છોડવા નથી ઇચ્છતો. જોકે સમસ્યા ત્યાં વધી છે કે આ નવી છોકરી સાથેની દોસ્તી વધતાં મારી ગર્લફ્રેન્ડે મારી સાથે બોલવાનું અને મળવાનું ઓછું કરી દીધું છે. હું તો તેને બતાવવા માગતો હતો કે કોઈ પોતાનું થઈને બીજાને વધુ મહત્ત્વ આપે તો કેવું લાગે. પણ હવે સ્થિતિ સાવ ગૂંચવાઈ ગઈ છે. હું ફરી તેનો વિશ્વાસ મેળવવા માટે શું કરું?

જવાબ : સંબંધો આપણા પ્રતિબિંબ જેવા હોય છે. એમાં જે આપો એ જ પાછું મળે. મમ્મી-પપ્પા, ભાઈ-બહેન કે પ્રેમી-પ્રેમિકા એમ બધા જ સંબંધોમાં આ વાત લાગુ પડે છે. શંકા આપો તો શંકા, ધિક્કાર આપો તો ધિક્કાર, પ્રેમ આપો તો પ્રેમ. એ જ ન્યાયે તમે સબક આપ્યો તો તમને પણ સબક મળ્યો. હા, થોડુંક કડવું લાગે એવું છે, પણ તમે ભૂલ કરી છે એનાં પરિણામો ભોગવવામાંથી છુટકારો મળે એમ નથી. તમારી ગર્લફ્રેન્ડ બીજા છોકરાઓ સાથે વાતચીત કરતી હતી કે ફરતી હતી એ વાત તમને ખૂંચતી હતી. તમારા પૂછવા પર તેણે જે રિસ્પૉન્સ આપ્યો એ અને તમે જ્યારે તમારી બીજી ફ્રેન્ડ વિશે તેને વાત કરી ત્યારે તેણે જે રિસ્પૉન્સ આપ્યો એ પણ એટલો જ સ્વસ્થ હતો. તમને એમાં ચીટિંગ દેખાઈ એ તમારી સંકુચિતતા હતી. જોકે સૌથી મોટી ભૂલ તો તમે તમારા સ્વાર્થ માટે કોઈ ત્રીજી જ વ્યક્તિને હાથો બનાવવાની કરી છે. જે છોકરી સાથે તમે ટાઇમપાસ સંબંધો બાંધ્યા છે તેના પ્રત્યેની તમારી જવાબદારીનું શું? તમે પ્રેમ પામવા માટે પ્રેમ શબ્દને લજવાવું પડે એવું કર્યું છે.

હું માનું છું કે સૌથી પહેલાં તો તમારે ટાઇમપાસ સંબંધોને બંધ કરવા પડશે. એ પછીથી તમારી ગર્લફ્રેન્ડ પાસે જઈને સાચી વાત કરીને માફી માગી લો. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વાસ તૂટી શકે છે, પણ વિશ્વાસ નવેસરથી કેળવવા માટે ધીરજ, સમજણ અને સંબંધો પ્રત્યેની સમર્પિતતા બહુ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK