Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેક્નિક

માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેક્નિક

31 December, 2020 03:25 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેક્નિક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે આપણે નાદની આપણા અસ્તિત્વ પર થતી અસર વિશે ચર્ચા કરી. હવે આ જ નાદયોગના સમન્વયથી બનેલી અને કેટલાંક સર્વેક્ષણોએ જેની અક્સીરતા પર મહોર પણ મારી છે એવી એક મેડિટેશન ટેક્નિક વિશે વર્ષના છેલ્લા દિવસે જાણી લો

એક વાત તો લગભગ બધાને જ ખબર હશે કે આપણા શરીરનું હીલિંગ અથવા તો શરીરનું ઇન્ટરનલ રિપેરિંગ કામ તમે કંઈ કરો ત્યારે નહીં પણ કંઈ જ ન કરો ત્યારે વધુ ઇફેક્ટિવલી થતું હોય છે. શરીરને માત્ર શિથિલ કરી દો અને જે ભાગમાં પીડા હોય ત્યાં જો ધ્યાનને કેન્દ્રિત કરી દો તો શરીરના એ ભાગમાં ઊર્જાનો પ્રવાહ વધશે અને ત્યાં શરીર દ્વારા સ્વસ્થતા પ્રદાન કરવાના પ્રયાસો શરૂ થઈ જશે. જેમ કે ગયા ગુરુવારે આપણે વાત કરેલી કે માત્ર સહજ કોઈ પણ આસનમાં બેસીને આંખો બંધ કરીને ઓમનું રટણ કરો અને સાથે તમારું ધ્યાન જ્યાં પીડા છે ત્યાં કેન્દ્રિત કરો તો સહજ રીતે પીડા હશે ત્યાં રિલીફ થશે. આમાં સાઉન્ડ અને એનર્જી બન્નેનું સંયોજન થવાથી રિલૅક્સેશનની પ્રોસેસ ઝડપ પકડશે. અને હીલિંગની સ્પીડ પણ વધશે. આ જ નાદયોગના કન્સેપ્ટ સાથે જોડાયેલી માઇન્ડ સાઉન્ડ રેઝોનન્સ ટેક્નિક બૅન્ગલોરની સ્વામી વિવેકાનંદ કેન્દ્ર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બનાવાઈ છે જેમાં મંત્ર અને સાઉન્ડ વાઇબ્રેશન્સથી રેઝોનન્સ એટલે કે અનુનાદ ક્રીએટ કરીને શરીરને અને મનને સ્વસ્થ બનાવવાના પ્રયાસો થાય છે.



શું છે આ ટેક્નિક?


ત્રણ મુખ્ય શબ્દો આ ટેક્નિકમાં સમાવિષ્ટ છે. માઇન્ડ એટલે કે વિચારોનો સમૂહ. સાઉન્ડ એટલે કે નાદ જે આહત એટલે કે કોઈ પણ મીડિયમની મદદથી ઉત્પન્ન થતો નાદ અને અનાહત નાદ એટલે કે કોઈ પણ મીડિયમ વિના તમારા મનમાં માનસિક રટણ દ્વારા ઉત્પન્ન થતો નાદ. રેઝોનન્સ એટલે કે સુમેળ અથવા અનુનાદ. આ ટેક્નિકમાં તમે ઉચ્ચારણયુક્ત સાઉન્ડથી અને મેન્ટલ સાઉન્ડથી રેઝોનન્સ ક્રીએટ કરો છો. બાહ્ય નાદની અને આંતરનાદની ફ્રીક્વન્સી અને શરીરના વિવિધ ભાગની ફ્રીક્વન્સ મૅચ થાય ત્યારે એક પ્રકારનું રેઝોનન્સ ક્રીએટ થતું હોય છે. આ રેઝોનન્સ એ રિકવરી તરફ, તમારી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જવાનું કામ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રૅક્ટિસની મેથડ વિશે આગળ ચર્ચા કરીએ. પરંતુ ટૂંકમાં એવું કહી શકાય કે અહીં દરેક પ્રકારના અવાજના જે મૂળ ત્રણ સાઉન્ડ છે પહેલાં એને મોટેથી અને પછી મનમાં એ જ તીવ્રતા સાથે રટણ કરવાના હોય છે. તમને ખબર હશે કે માનસિક જાપ હોઠથી થતા જાપ કરતાં અઘરો હોય છે, કારણ કે એમાં તમારું ચિત્ત, તમારું મન વધુ ફોકસ્ડ હોવું જરૂરી છે. તમે ટોટલી રિલૅક્સ હો, માનસિક રીતે સ્વસ્થ હો પછી જ તમે મેન્ટલ ચૅન્ટિંગ કરી શકો. એ સમયે તમારી સંવેદનશીલતા હાઈ નોટ પર હોવાથી એની અસર શારિરીક, માનસિક અને અધ્યાત્મિક સ્તર પર અકલ્પનીય રીતે થતી હોય છે. આ ટેક્નિકમાં મહામૃત્યુંજય મંત્ર પણ સામેલ કરવામાં આવ્યો છે. સૌથી નાનામાં નાનો મંત્ર એટલે ઓમ. દરેક મંત્રની આપણા શરીર પર એક વિશિષ્ટ અસર પડતી હોય છે. આપણા પૂર્વના ઋષિમુનિઓએ એ જ રીતે એનું ગઠન કર્યું છે. જો પ્રૉપર આરોહ-અવરોહ સાથે મંત્રનું ઉચ્ચારણ થાય તો એની અદ્ભુત અસર આપણા આખા અસ્તિત્વ પર પડે છે. મહામૃત્યુંજય મંત્ર મુખ્યત્વે ભયનું નિવારણ કરનારો મંત્ર છે. પદ્ધતિસર જો આ મંત્રનું આ ટેક્નિકમાં ઉચ્ચારણ કરો તો ધીમે-ધીમે શારીરિક ઉપરાંત ચેતનાસ્તરે એની અસર થતી હોય છે. વિવિધ નાદનાં સ્પંદનો જ્યારે શરીર અને મન સાથે લયબદ્ધ થઈ જાય ત્યારે અદ્ભુત ટ્રાન્સફૉર્મેશનની સંભાવનાઓ વધી જાય છે. વારંવાર એ મંત્રનું વાચસિક અને માનસિક રટણ કરો એટલે વાઇબ્રેશન્સની પૅટર્ન ક્રીએટ થાય છે જે ઊંડાણ સુધી તમારા અસ્તિત્વને પ્રભાવિત કરે છે. છેલ્લે એક સ્ટેજ એવું આવે છે કે આ વાઇબ્રેશન્સ એટલે ઊંડે સુધી પહોંચી ગયાં હોય કે મન સંપૂર્ણ શૂન્ય અવસ્થા સુધી પહોંચી જાય છે. અનંત મૌનનો, સાઇલન્સનો અનુભવ થાય છે. આ અનંત સાઇલન્સની સ્ટેટમાં જો તમે કોઈ સંકલ્પ અથવા માનસિક નિર્ધાર કરો તો એની ફલિત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. જોકે શરત માત્ર એટલી જ કે એ જે પણ નિશ્ચય હોય એ નજીકના ભવિષ્યમાં સાકાર થઈ શકનારો, તમારા પોતાના હાથમાં હોય એવો હોવો જોઈએ. આ ડીપ સાઇલન્સ સ્ટેટમાં તમે ‘હું સંપૂર્ણ સ્વસ્થ છું’ અથવા તો ‘હું આજે ખૂબ શાંત અને ખુશ રહીશ’ અથવા ‘આજે હું મારા સમયપત્રકને અનુરૂપ ચાલીશ’ જેવો નિશ્ચય કરશો તો તરત તમને એમાં સફળતા મળતી દેખાશે. આ સંકલ્પ સંપૂર્ણ શ્રદ્ધા અને હૃદયના ઊંડાણથી લેવાય એ જરૂરી છે. આ શબ્દો માઇન્ડમાં રિપીટ કરો. તમે જે વિચારો છો એ જ તમે છો. તમે સતત પોતાને કહેશો કે આઇ ઍમ યુઝલેસ કે મારાથી તો કંઈ થતું જ નથી તો તમે વધુને વધુ નબળા પડતા જશો. મનને તમે જેમ કેળવશો એમ એ કેળવાતું જશે એ આ ડીપર સાઇલન્સ સ્ટેટની તાકાત છે. છેલ્લે આ પ્રૅક્ટિસની પૂર્ણાહુતિ સર્વ સુખી થાઓ, નીરોગી થાઓ એવી બહુજન હિતાયની પ્રાર્થનાથી કરવાની હોય છે. આ પ્રૅક્ટિસ વિશે તમને યુટ્યુબ પર તૈયાર ઑડિયો પણ મળી શકશે જેને સાંભળીને તમે મેડિટેશન કરી શકો છો. છતાં એક નજર એના તબક્કાઓ પર પણ કરી લો.

આ ઍડ્વાન્સ મેડિટેશન ટેક્નિકના બે મુખ્ય મંત્ર અને એના અર્થ


1. આ સંસારના પાલનહાર ત્રણ નેત્રવાળા શંકર ભગવાનને અમે નમન કરીએ છીએ, જેઓ અમને પુષ્ટ કરે છે અને સંપૂર્ણ વિશ્વમાં સુગંધ ફેલાવનારા છે. જેઓ ખૂબ જ સહજ રીતે અમારામાં રહેલા મૃત્યુના ભય અને તમામ બંધનોમાંથી અમને મુક્ત કરનારા છે.

2. ૐ એટલે કે હે ઈશ્વર, સૌ સુખી થાય, સૌ નીરોગી થાય, શ્રેષ્ઠતા તરફ સૌની નજર રહે અને દુઃખ, પીડા, કલેશ અને ચિંતાથી સૌ મુક્ત રહે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2020 03:25 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK