Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વેઇટલૉસ માટે પહેલાં સ્ટ્રૉન્ગ બનાવો મેટાબોલિઝમ

વેઇટલૉસ માટે પહેલાં સ્ટ્રૉન્ગ બનાવો મેટાબોલિઝમ

19 December, 2014 06:14 AM IST |

વેઇટલૉસ માટે પહેલાં સ્ટ્રૉન્ગ બનાવો મેટાબોલિઝમ

વેઇટલૉસ માટે પહેલાં સ્ટ્રૉન્ગ બનાવો મેટાબોલિઝમ



metabolismo



જિગીષા જૈન


મોટા ભાગના મેદસ્વી લોકોના મોઢે સાંભળવા મળતા શબ્દો એ છે કે દૂબળા લોકો થાળી ભરીને ખાય તોય વાંધો નહીં, પરંતુ અમે તો શ્વાસ પણ લઈએ તો વજન વધી જાય છે. શું તમને એવો અનુભવ છે કે કેટલાક લોકો દસ-દસ અડદિયા ઝાપટી જતા હોય છતાં તેમનું વજન એવું ને એવું રહેતું હોય અને તમે ઘીવાળા અડદિયા તો શું ખીચડીમાં એક ચમચી ઘી નાખો તો પણ બીજે દિવસે વજનકાંટો ઉપર તરફ ખસી જઈને તમને ચીડવતો હોય છે. તમે તમારા વધેલા પેટને કારણે પીત્ઝાનો વિચાર પણ ન કરી શકો, જ્યારે ઘણા લોકો એકસાથે ચીઝથી લથબથતો આખો પીત્ઝા ખાઈ જાય તો પણ તેમના પેટનો ઘેરાવો વધે નહીં. આવું શા માટે થતું હશે? એક રીતે જોવા જઈએ તો ખરેખર એ લોકો નસીબવંતા એટલે કે લકી છે જેમને વજન વધી જશે એવા ડરથી ખોરાકમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડતું નથી. એ નસીબનું નામ છે મેટાબોલિઝમ. જે લોકોનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ હોય તેઓ પાણા પણ પચાવી શકે છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. મેટાબોલિઝમ જેનું સ્ટ્રૉન્ગ હોય તેનું વજન વધારે નથી હોતું એટલું જ નહીં, એ વ્યક્તિ ખૂબ જ હેલ્ધી હોય છે. પણ આ મેટાબોલિઝમ છે શું? શું વ્યક્તિ પોતાનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ બનાવી શકે ખરી? આ સવાલોના જવાબ આજે આપણે મેળવીશું.

મેટાબોલિઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રક્રિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ થાય છે. બાકીના નકામા પદાર્થો મળ-મૂત્ર દ્વારા શરીર બહાર ફેંકી દે છે. ખોરાકમાંથી જે શક્તિ જન્મી છે એ શક્તિનો ઉપયોગ શરીર જુદાં-જુદાં કાર્ય કરવા માટે કરે છે. બાકી જે શક્તિનો ઉપયોગ ન થાય એ શક્તિ મેદસ્વરૂપે શરીરમાં સચવાઈ રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા કહી શકાય. એ કઈ રીતે સમજી શકાય એ વિશે વાત કરતાં મલાડનાં ડાયટ અને ફિટનેસ કન્સલ્ટન્ટ પ્રિયા ખન્ના કહે છે, ‘જે દરે શરીર કૅલરી બાળી શકે એ દરને મેટાબોલિક રેટ એટલે કે મેટાબોલિક દર કહે છે. એને બેઝલ મેટાબોલિક રેટ એટલે કે ગ્પ્ય્ કહે છે. જ્યારે શરીર કાર્યશીલ ન હોય એટલે કે આરામની સ્થિતિમાં હોય ત્યારે પણ શરીરના બીજા ભાગો જેમ કે હાર્ટ, કિડની, મગજ વગેરે ચાલતાં હોય છે તો આ ભાગોને ચાલતા રહેવા દેવા માટે કૅલરી ખર્ચાતી રહે છે. આ આરામની અવસ્થામાં શરીર જેટલી કૅલરી ખર્ચે એ સંખ્યાને ગ્પ્ય્ રેટ કહેવાય છે. એ જેટલો ઊંચો એટલું વધુ હિતકારી ગણાય છે.’

મેટાબોલિઝમ દરેક વ્યક્તિનું જુદું-જુદું હોય છે. એક માનાં બે સંતાનોનું મેટાબોલિઝમ સરખું જ હોય એ જરૂરી નથી. મેટાબોલિઝમ જન્મજાત મળતું હોય છે એટલે કે એ જિનેટિક છે. વળી સ્ત્રીઓનું મેટાબોલિઝમ પુરુષોના મેટાબોલિઝમ કરતાં ઓછું સક્રિય હોય છે, કારણ કે સ્ત્રીઓનું શરીર મેદ સંગ્રહ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. આ ઉપરાંત મેટાબોલિઝમનો આધાર ઉંમર પર પણ રહેલો છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ-તેમ મેટાબોલિઝમ ધીમું પડતું જાય. એને કારણે જ નાની ઉંમરે વજન જેટલું જલદી ઊતરે છે ઉંમર વધી ગયા પછી એટલી જલદી ઊતરતું નથી. ખાસ કરીને સ્ત્રીઓનું વજન મેનોપૉઝ પતી ગયા પછી ઉતારવું મુશ્કેલ બને છે એનું કારણ આ જ છે. એ વિશે વાત કરતાં પ્રિયા ખન્ના કહે છે, ‘જે લોકોને વારસાગત થાઇરૉઇડનો પ્રૉબ્લેમ હોય તે લોકોનું મેટાબોલિઝમ ધીમું હોય છે. આમ એ જિનેટિક અથવા વારસાગત પ્રૉબ્લેમ કહી શકાય. આ ઉપરાંત જે લોકોમાં મસલ માસ વધારે હોય તેવા લોકોનું મેટાબોલિઝમ ઊંચું હોય છે. પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ મસલ માસ વધુ હોય છે માટે જ સ્ત્રીઓ કરતાં પુરુષોનું મેટાબોલિઝમ ઊંચું હોય છે. જિનેટિક્સ, જાતિ અને ઉંમર આ બધાં પરિબળો મેટાબોલિઝમ પર અસર કરે છે. પરંતુ આ એવાં પરિબળો છે જે આપણા હાથમાં નથી.’

શેનાથી બચવું?


શું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરી શકાય? હા, મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરી શકાય છે. જો લાઇફ- સ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો મેટાબોલિઝમને સ્ટ્રૉન્ગ બનાવી શકાય છે. આ બાબતે કયા ફેરફાર કરવાથી મદદ મળી શકે છે તે ડાયટ અને ફિટનેસ કન્સલ્ટન્ટ પ્રિયા ખન્ના પાસેથી જાણીએ.

દિવસ દરમ્યાન દર ૨-૩ કલાકે થોડું-થોડું ખાવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે એનાથી શરીરને એ સંકેત મળે છે કે એને થોડા-થોડા સમયે કંઈ ને કંઈ મળતું રહેશે જેથી શરીરે એનર્જીનો સંગ્રહ કરવાની જરૂર નથી. આમ શરીરને મળતી શક્તિનું મેદના રૂપમાં સંગ્રહ થવાનું ઘટશે અને મેટાબોલિઝમ ઊંચું જશે.

મેટાબોલિઝમ એટલે તમે કેટલી કૅલરી ઉત્પન્ન કરો છો અને કેટલી ખર્ચ કરો છો એનું ગણિત. આજની આપણી જીવનશૈલી એવી છે કે આપણે જે ખાઈએ છીએ એટલું ખર્ચ કરતા નથી. માટે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં પાંચ કલાક એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરને કૅલરી ખર્ચ કરવાની આદત પડશે અને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે.

લાંબા ગાળે વેઇટ-ટ્રેઇનિંગ લઈ શકાય તો લેવી, કારણ કે વેઇટ-ટ્રેઇનિંગથી બૉડીમાં મસલ માસનો વધારો થાય છે જે મેટાબોલિઝમ માટે ફાયદાકારક છે.

વધુ સમય ભૂખ્યા ન રહેવું, રાત્રે મોડે સુધી ન જાગવું, મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવું, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું. 


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK