શું કુપોષણને કારણે માસિકમાં અનિયમિતતા હશે?

Published: 20th January, 2021 07:59 IST | Dr. Ravi Kothari | Mumbai

સ્ટ્રેસ, વધુપડતી શારીરિક પ્રવૃત્તિ અને અતિશય થાકને કારણે પણ માસિકમાં અનિયમિતતા અથવા તો ઓછું માસિક આવવાની સમસ્યા થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી દીકરી ૧૯ વર્ષની છે. તેને માસિકની તકલીફ છે. તેનું વજન નૉર્મલ છે અને ઍક્ટિવ પણ ખૂબ જ છે છતાં તેને માસિકની પાળી ખૂબ ડિલે થઈ જાય છે. સામાન્ય રીતે માસિક શરૂ થાય ત્યારે અનિયમિત હોય અને પછી નિયમિત થઈ જાય. મારી દીકરીના કેસમાં ઊલટું થયું છે. પાંચ વર્ષ પહેલાં શરૂ થયું ત્યારે માસિક ખૂબ નિયમિત હતું, પણ છેલ્લા એકાદ વર્ષથી એમાં ગરબડ શરૂ થઈ છે. તે ખૂબ જ ઍક્ટિવ છે અને રોજ વીસ-પચીસ કિલોમીટરનું સાઇક્લિંગ, વીક-એન્ડમાં રનિંગ અને એવી પ્રવૃત્તિઓ સતત કરતી રહે છે. તે ખૂબ જ પાતળી છે, શું એને કારણે અનિયમિતતા હશે? સાંજ પડ્યે ખૂબ થાકી જાય છે અને એનર્જી ન હોવાથી ખાધા વિના જ સૂઈ જાય છે. શું કુપોષણને કારણે માસિકમાં અનિયમિતતા હશે?

જવાબ : જેમ સાવ જ બેઠાડું જીવન બહુ સારું નહીં એમ અતિશય થકવી નાખે એવી પ્રવૃત્તિ પણ સારી નહીં. તમારી દીકરીનું વજન ઓછું છે અને તે પ્રવૃત્તિશીલ છે એટલે નૉર્મલી હાલમાં યંગ છોકરીઓમાં જોવા મળતી પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની તકલીફ હોવાની સંભાવના નથી, પરંતુ માસિકમાં અનિયમિતતાનાં બીજાં પણ અનેક કારણો હોય છે. સ્ટ્રેસ, વધુપડતી શારીરિક પ્રવૃત્તિ અને અતિશય થાકને કારણે પણ માસિકમાં અનિયમિતતા અથવા તો ઓછું માસિક આવવાની સમસ્યા થઈ શકે છે.

શારીરિક પ્રવૃત્તિ એટલી જ સારી જેટલી શરીર ખમી શકે. એક્સરસાઇઝ કર્યા પછી ફ્રેશ ફીલ થવું જોઈએ, થાકીને ઠૂસ થઈ જવાતું હોય તો પહેલાં એ માટેનો સ્ટૅમિના કેળવવો અને પછી જ હેવી એક્સરસાઇઝ કરવી. તમારી દીકરી ઓવર-એક્ઝરશન ન કરે અને સંતુલિત ડાયટ લે એ જરૂરી છે. ખોરાકમાં લીલાં પાનવાળાં શાકભાજી, ફળો, કઠોળ, દૂધ એમ બધાનું સંતુલન હોય એ જરૂરી છે. યોગ્ય ડાયટ લેવાય તો જ એક્સરસાઇઝનો બેસ્ટ ફાયદો થાય, નહીંતર આંતરિક સિસ્ટમ ખોરવાય અને શરીર કંતાઈ જાય. જો સિસ્ટમમાં કોઈ ખામી નહીં હોય તો ઉપરોક્ત કાળજીથી ત્રણ-ચાર મહિનામાં માસિક નિયમિત થશે. આટલી કાળજી રાખવા ઉપરાંત એક વાર તેની ફીમેલ હૉર્મોન્સની તપાસ કરાવી લેવી જોઈએ જેથી જો એમાં કંઈક ગરબડ હોય તો એ માટેનાં પગલાં લઈ શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK