નવા પપ્પાઓને પણ ડિપ્રેશન આવી શકે છે

મૅન્સ વર્લ્ડ - સેજલ પટેલ | Jul 08, 2019, 13:11 IST

બાળકના જન્મ પછી માત્ર મમ્મીઓમાં જ નહીં, ડૅડીઝમાં પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળી શકે છે. હૉર્મોનલ બદલાવોથી માંડીને સામાજિક જવાબદારીઓનું પ્રેશર પિતાને પરેશાન કરતું હોય છે.

નવા પપ્પાઓને પણ ડિપ્રેશન આવી શકે છે
નવા પપ્પાઓને પણ ડિપ્રેશન આવી શકે છે

બાળકના જન્મ પછી માત્ર મમ્મીઓમાં જ નહીં, ડૅડીઝમાં પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળી શકે છે. હૉર્મોનલ બદલાવોથી માંડીને સામાજિક જવાબદારીઓનું પ્રેશર પિતાને પરેશાન કરતું હોય છે. જોકે ચિંતા એ છે કે આ બાબતનો સ્વીકાર ન તો પુરુષો પોતે કરવા તૈયાર છે કે ન તો એ બાબતે સમાજમાં ખાસ અવેરનેસ છે

હજી થોડા સમય પહેલાં જ બ્રિટનના ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હૅરીના ઘરે પારણું બંધાયું. રાજકુમાર આર્ચીના જન્મ પછી સ્થાનિક મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં હૅરીએ કહેલું કે મને અત્યારે મમ્મી પ્રિન્સેસ ડાયનાની ખોટ સાલે છે. ઘરે બાળકના જન્મ પછી તે અચાનક જ ખૂબ ઇન્ટ્રોવર્ટ અને ગંભીર થઈ ગયો છે. આર્ચીને હાથમાં લઈને તે સાતમા આસમાને ઊડતો હોય એવું મહેસૂસ કરે છે ને છતાં તેને પિતા બનવાની જવાબદારીના અહેસાસને કારણે હવે બહુ ભાર વર્તાય છે. ઍપલ માટે ઓપ્રા વિન્ફ્રે સાથે મેન્ટલ હેલ્થ ડૉક્યુમેન્ટરી ટીવી-સિરીઝ બનાવનાર હૅરીએ પિતા બન્યા પછી અચાનક વર્તાતાં ડિપ્રેસિવ લક્ષણોની વાત પણ કરી છે. બ્રિટિશ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંઈ નવી વાત નથી, છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા અભ્યાસ મુજબ મમ્મીઓની જેમ નવા પપ્પાઓમાં પણ બેબી બ્લુઝનાં લક્ષણો જોવા મળે છે. સ્ત્રીઓમાં જેમ હૉર્મોનલ ઊથલપાથલને કારણે મધ્યમ, તીવ્ર કે અતિતીવ્ર ડિપ્રેસિવ લક્ષણો દેખાય છે એવું જ પુરુષોમાં પણ થાય છે, પરંતુ આ બાબતે પુરુષો ખૂલીને વાતચીત કરવા તૈયાર ન હોવાથી એ વિશેની માહિતી બહુ સ્પષ્ટપણે બહાર આવી શકતી નથી.

અમેરિકન મેડિકલ અસોસિએશનના કહેવા મુજબ પત્નીને ગર્ભધારણ થાય એની સાથે પતિના મેન્ટલ સ્ટેટમાં ફરક આવવા લાગે છે. પ્રથમ ત્રણ મહિના દરમ્યાન લગભગ દસ ટકા પુરુષો વધતેઓછે અંશે ડિપ્રેસિવ લક્ષણો ફીલ કરે છે. પ્રેગ્નન્સીના અંતિમ તબક્કાથી લઈને બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધીના ગાળામાં ડિપ્રેશન અનુભવનારા પુરુષોની સંખ્યા ૨૬ ટકા જેટલી હોય છે. વર્જીનિયાની ઓલ્ડ ડોમિનિયન યુનિવર્સિટીના નિષ્ણાતોએ ૨૮,૦૦૦ પુરુષો પર થયેલા ૪૩ અલગ-અલગ અભ્યાસનો તુલનાત્મક અભ્યાસ કરીને તારવ્યું છે કે પપ્પા બનનારાઓ અથવા તો નવાસવા પપ્પા બનેલા પુરુષોને મેન્ટલ હેલ્થ માટે સપોર્ટ મળે અને તેઓ પણ માનસિક અવસ્થા બાબતે ખૂલીને વાત કરતા થાય એ બહુ મહત્ત્વનું છે.

બ્રિટનના કૅમ્બ્રિજમાં આવેલી ઍન્ગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સોશ્યલ સાઇકોલૉજીના પ્રોફેસર વીરેન સ્વામી જ્યારે પોતે પિતા બન્યા ત્યારે ખુદ વિચિત્ર માનસિક ઊથલપાથલમાંથી પસાર થયા હતા. વીરેનનું કહેવું છે કે હું પોતે માનવા તૈયાર નહોતો કે પુરુષોને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આવી શકે છે, પણ જ્યારે હું પોતે એમાં સપડાયો ત્યારે ખબર પડી કે પિતા બનતા પુરુષના શરીરમાં ભલે દેખીતા ફેરફારો ન થતા હોય, પણ છતાં તેમનામાં હૉર્મોનલ બદલાવો આવે છે. જસલોક હૉસ્પિટલ રિસર્ચ સેન્ટરનાં સાઇકોલૉજિસ્ટ રિતિકા અગરવાલ મહેતા આ બાબતે સહમત થતાં કહે છે, ‘મોટા ભાગે પુરુષોમાં ડિપ્રેશનનાં લક્ષણો વખતે ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં અચાનક ડ્રૉપ જોવા મળે છે. ખાસ કરીને પહેલી વાર પિતા બનતા પુરુષોમાં કુદરતી રીતે જ બાળક માટેની ફીલિંગ્સ પેદા થવાની સાથે આ હૉર્મોન્સમાં ટેમ્પરરી ઘટાડો જોવા મળી શકે છે. અલબત્ત, દરેક પિતામાં આવું નથી હોતું. ‌પિતાના ડિપ્રેશનમાં બીજાં પણ ઘણાંબધાં ફૅક્ટર્સ કારણભૂત હોય છે.’

વીરેન સ્વામીના અભ્યાસ મુજબ ન્યુ બોર્ન બેબીના પિતાના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો થવાની સાથે સ્ત્રી-હૉર્મોન ઇસ્ટ્રોજન, પ્રોલૅક્ટિસ અને સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિસોલનું પ્રમાણ વધે છે. આવું કેમ થાય છે એ હજી સુધી શોધી શકાયું નથી, પરંતુ ઉત્ક્રાન્તિવાદને સમજનારા નિષ્ણાતોનું કહેવું છે કે પિતા બન્યા પછી પુરુષ કૂણો પડે અને તેની અંદર પણ વાત્સલ્યનું ઝરણું ફૂટે એ માટે કુદરત જ આ બદલાવ કરતી હશે.

સામાન્ય રીતે માનસિક ડિસઑર્ડર્સની બાબતમાં પશ્ચિમના દેશો વધુ સંશોધન કરીને આગળ રહ્યા છે. બાળકના જન્મ પછી ખુશીની સાથે આવતી વિચિત્ર અસમંજસ, જવાબદારીની ભાવનાને કારણે આવતી ફીલિંગ્સ માટે બેબી બ્લુઝ શબ્દ વપરાતો આવ્યો છે. જોકે પશ્ચિમ કરતાં ભારતીય પુરુષો આ બેબી બ્લુઝની ચપેટમાં આવે એવી સંભાવનાઓ વધુ હોય છે એવું માનતાં રિતિકા અગરવાલ મહેતા કહે છે, ‘ભારતીય અને ખાસ કરીને હાલમાં બાળકની જવાબદારી અડધોઅડધ શૅર કરવાની માનસિકતા ધરાવતા મૉડર્ન યુવકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. હવે સ્ત્રીઓને પોસ્ટ-ડિલિવરી હૉર્મોનલ ચેન્જને કારણે આવતા માનસિક બદલાવો વિશે ઘણી જાગૃતિ ફેલાઈ છે. યુવતી મા બન્યા પછી તેને આવતાં ડિપ્રેસિવ લક્ષણો વિશે વાતો કરવામાં છોછ નથી અનુભવતી. રાધર સેલિબ્રિટીઝ પણ હવે તો આ બાબતે વાત કરીને આ લક્ષણોને સ્વીકારવાની વાત કરતી થઈ છે. તેને ગુસ્સો આવે તો તે કરી લે છે, રડવું આવે તો રડી લે છે. આ બાબતે હસબન્ડ્સ અને પરિવારવાળા પણ બહુ કમ્પેશનેટ હોય છે જેથી પોસ્ટ-ડિલિવરી ડિપ્રેશનમાં સ્ત્રીઓને સપોર્ટ મળી રહે છે. જોકે સમસ્યા એ છે કે પુરુષોને પણ ડિપ્રેશન આવી શકે છે એનો સ્વીકાર ખુદ પુરુષો પણ નથી કરી શકતા. તેમના મૂડસ્વિંગ્સ આવે તો એને સમજવાને બદલે તેમના પર વધુ બ્લૅમ આવે છે.’

neha-dhupia

બેબી બ્લુઝનાં લક્ષણો શું?

પુરુષોમાં પોસ્ટ-ડિલિવરી ડિપ્રેશનનાં લક્ષણો અન્ય ‌ડિસઑર્ડર કરતાં થોડાં જુદાં પડે છે અને એ વ્ય‌ક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે એમ જણાવતાં સાઇકોલૉજિસ્ટ રિતિકા કહે છે, ‘ઘણા પુરુષો બાળકના આગમન પછી અચાનક ઘરમાં ઓછો સમય આપવા માંડે છે. તેમને બાળક સાથે ઇમોશનલ જોડાણ કરવામાં બહુ તકલીફ પડે છે. બાળક તેની મા પાસે વધુ કમ્ફર્ટેબલ છે એ જોઈને તેને અલગ પડી ગયાની ફીલિંગ આવે છે. કેટલાક પિતા બહુ સરળતાથી ઇમોશનલી જોડાઈ જાય છે, પણ પછી બાળકને ખવડાવવા, રમાડવામાં પોતે પાછા પડી રહ્યા છે અથવા તો પૂરતો સમય નથી આપી રહ્યા એ વાતનું ગિલ્ટ તેને કોરી ખાય છે. રડતું બાળક માની ગોદમાં મૂકતાં જ છાનું થઈ જાય છે, કેમ કે બાળકનું માના શરીર સાથેનું ૯ મહિનાનું કનેક્શન હોય છે. આ કનેક્શન પિતા સાથે જોડાતાં વાર લાગે છે જેનો સ્વીકાર પુરુષ નથી કરી શકતો. નવજાત શિશુ ઘરમાં હોય ત્યારે રાતની ઊંઘમાં આપેમળે કાપ મુકાઈ જાય છે જેને કારણે મેન્ટલ થાક અને સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. ઑફિસમાં કે ધંધામાં મન નથી લાગતું. કામના સમયે તે ઘરની ચિંતા કરે અને ઘરમાં તે કામની ચિંતા કરીને બાવાનાં બેય બગાડે છે. કેટલાક પુરુષો ડિપ્રેશનમાં આવીને બાળકને રમાડવા કે હાથમાં લેવા સુધ્ધાં તૈયાર નથી થતા.’

કારણ શું?

બાળકનું આગમન જીવનમાં ખુશીની દસ્તક દેતું હોય છે, પણ બાળકનો ઉછેર સ્ટ્રેસફુલ હોય છે. પિતા બનવાથી નવી ભૂમિકામાં સામાજિક જવાબદારીઓનો નિભાવ કરવાનું પ્રેશર પણ પુરુષોમાં વણજોઈતું પ્રેશર પેદા કરે છે. હૉર્મોનલ બદલાવ ઉપરાંતનાં આવાં સામાજિક કારણો વિશે સમજાવતાં રિતિકા કહે છે, ‘ભલે મૉડર્ન સમયમાં સ્ત્રી હવે કમાઈને આર્થિક બોજ સંભાળતી થઈ છે, પણ ભારતીય ઘરોમાં આજેય ઘરની જવાબદારી મુખ્યત્વે સ્ત્રીની અને કમાવી લાવવાની જવાબદારી પુરુષની છે. જોકે બાળક આવ્યા પછી પતિ બાળકનાં બાળોતિયાં પણ બદલે અને ઘરની જવાબદારી પણ ઉઠાવે એવી અપેક્ષા હોય છે. વધતા ખર્ચને પહોંચી વળવાની ચિંતા તેને સ્ટ્રેસ આપે છે. તેણે વધુ કમાવા માટે ઑફિસમાં વધુ કામ કરવાનું છે અને ઘરે આવીને બાળકની જવાબદારીમાં પણ સાથ આપવાનો છે. આખો દિવસ પત્ની બાળકને રાખીને થાકી જાય છે અને જેવો પતિ ઘરમાં આવે એટલે બાળક તેને થમાવી દેવામાં આવે છે. તેને બાળક માટે બહુ લાગણી હોય છે; પરંતુ થાક, ચિંતા, ઓવર-એક્ઝર્શનને કારણે પેદા થતો સ્ટ્રેસ પિતાની માનસિક સ્થિતિ પર અસર કરે છે. પત્નીમાં જો ડિપ્રેશનનાં લક્ષણો હોય તો એ માટે પણ પતિએ વધુ સમજુ બનવાનું આવે છે. તેણે પોતાની અંદર ચાલતી હલચલને બાજુએ મૂકીને શો મસ્ટ ગો ઑનનો અભિગમ જાળવીને કામ કરવાનું હોય છે એ પણ તેને માનસિક રીતે થકવી દે છે. સામાન્ય સંજોગોમાં પત્નીનો કમ્પેનિયન તરીકે મળતો સાથ પણ ઓછો થઈ જાય છે. પત્નીનું ધ્યાન પણ બાળક પર વધુ હોય છે એટલે પુરુષ પત્નીથી પણ પોતાને દૂર થતો માની લે છે. આવાં અનેક સંકુલ સામાજિક કારણોથી પુરુષ ડિપ્રેસિવ લક્ષણોની અસર હેઠળ આવી જાય છે.’

કરવાનું શું?

બાળકનો જન્મ થાય ત્યારે યુગલને તેમના પેરન્ટ્સ તરફથી મળતો સહકાર બહુ જ મહત્ત્વનો છે. જૂના જમાનામાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને કારણે બાળક ક્યાં મોટું થઈ જતું એનું સ્ટ્રેસ પેરન્ટ્સને વર્તાતું નહોતું. આજે પણ નવજાત શિશુના આગમન વખતે જો બન્ને પાર્ટનરના પેરન્ટ્સનો અલગ-અલગ રીતે સહકાર મળતો રહે તો યુગલ માટે સહેલું બને

પુરુષને જો સ્ટ્રેસ અનુભવાતું હોય તો એનો સ્વીકાર કરવો. તેને એ સમજાવવું જરૂરી છે કે જો તે શારીરિક-માનસિક રીતે સ્વસ્થ રહેશે તો જ તે પરિવારની જવાબદારી ઉઠાવી શકશે. પોતાની ચિંતાઓ કે તકલીફો વિશે દોસ્તો કે પત્ની સાથે શૅર કરવું જરૂરી છે

બાળકના જન્મ પછી પણ દર ૧૦-૧૫ દિવસે ઓછામાં ઓછું એક વાર ટાઇમઆઉટ લઈને વાતો કરવાનો સમય કાઢવો.

આ પણ વાંચો : જમ્યા પછી શું કરવું અને શું નહીં કરવું?

માતા-પિતા બનેલા નવયુગલના વર્તનમાં ડિપ્રેસિવ અથવા તો તેમની નૅચરલ ફિતરત કરતાં અલગ પ્રકારના બદલાવો જોવા મળે તો પરિવારજનોએ આ બાબતે અલર્ટ થઈને તેમને સપોર્ટ કરવો અથવા તો કાઉન્સેલર પાસે મોકલવા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK