Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મેનોપૉઝથી મૂંઝાશો નહીં

19 October, 2011 04:10 PM IST |

મેનોપૉઝથી મૂંઝાશો નહીં

મેનોપૉઝથી મૂંઝાશો નહીં



(સેજલ પટેલ)



૪૪ વર્ષનાં કોકિલાબહેનને અચાનક જ શરીરમાં ગરમી અને બળતરા થવા માંડતી. કપાળથી શરૂ થઈને ગળા, છાતી અને પછી આખા શરીરમાં જાણે બળતરાનો કરન્ટ ફરી વળે. થોડીક વાર આકળવિકળ થયા પછી સખત પસીનો વળે અને પછી રાહત થાય. જોકે પસીનો થઈ ગયા પછી ખૂબ ઠંડી લાગે. ક્યારેક બેએક દિવસે એક વાર થાય તો ક્યારેક દિવસમાં છ-સાત વાર આમ થાય.



૪૦થી ૫૦ વર્ષની વચ્ચેના સમયગાળામાં આવાં લક્ષણો મેનોપૉઝનાં હોઈ શકે છે. એને ઇગ્નોર કરવાની કે પછી એનાથી હતાશ થવાની જરૂર નથી. દરેક મહિલાને મેનોપૉઝ વખતે આવી બળતરા થાય જ એવું જરૂરી નથી. મેનોપૉઝ એક એવી અવસ્થા છે જેમાં મહિલાને માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ કાળજી અને સંભાળની જરૂર પડે છે. મેનોપૉઝ પહેલાં, દરમ્યાન અને પછી કેવાં લક્ષણો હોય એ જોઈએ.


મેનોપૉઝ પહેલાં

માસિકમાં અનિયમિતતા. ક્યારેક બે-અઢી મહિને આવે, ક્યારેક મહિનામાં બે વાર. શરીરમાં ખૂબ જ ગરમી ફીલ થાય, લાલ ચકામાં પડી જાય. રાતના સમયે ખૂબ જ પસીનો થાય. છાતીમાં ગભરામણ થાય, અચાનક જ માથું દુખવા માંડે અને મટી પણ જાય. ગુપ્ત ભાગમાં ખૂજલી આવવા માંડે, સફેદ પાણી પડે.  કામેચ્છા ઘટી જાય. સમાગમ દરમ્યાન દુખવાની ફરિયાદ વધી જાય.  મૂડમાં ચડાવઉતાર વધી જાય, અડધી રાતે ઊંઘ ઊડી જાય. કોઈ કારણ વિના આપઘાત કરવાની ઇચ્છા થાય.

મેનોપૉઝ દરમ્યાન

માસિક એક વરસ સુધી બંધ રહે એટલે મેનોપૉઝ આવી ગયો છે એમ કહી શકાય. એ પછીય ઉપરનાં લક્ષણોમાં વધઘટ થાય, પણ સાથે અન્ય તકલીફો ઉમેરાય. યોનિમાર્ગમાં શુષ્કતા આવે, ચીરા પડે, ખૂજલી આવે, ઇન્ફેક્શન થાય. સમાગમ વખતે ઘર્ષણને કારણે બળતરા અને પીડા થાય.વારેઘડીએ યુરિન પાસ કરવા જવાની ઇચ્છા થાય. આખા શરીરની ચામડી પાતળી અને સૂકી થાય, સરળતાથી ઉઝરડા પડે. વાળ અને નખ બરડ થઈ જાય.

મેનોપૉઝ પછીની અવસ્થા

માસિક બંધ થયાનાં બે-ચાર વરસ પછીથી મેનોપૉઝ પછીની સમસ્યાઓ દેખાય છે. ઇસ્ટ્રોજન હૉમોર્ન્સમાં ઘટાડો થવાને કારણે માત્ર પ્રજનનતંત્ર પર જ નહીં, શરીરના અન્ય અવયવો પર પણ માઠી અસર પડે છે. સૌથી કૉમન છે હાડકાં નબળાં પડવાની તકલીફ - ઑસ્ટિયોપોરોસિસ. એમાં હાડકાંની ઘનતા ઘટતાં સ્ટ્રેન્ગ્થ ઘટે છે અને એટલે જરાકઅમથું વાગવાથી પણ ફ્રૅક્ચર થવાની સંભાવના વધી જાય છે. બ્લડપ્રેશર અને હાર્ટની કામગીરીમાં પણ મેનોપૉઝ પછી ગરબડ થઈ શકે છે.કમર-પગ અને અન્ય સાંધા અને સ્નાયુઓમાં દુખાવો. કમરેથી વાંકાં વળી જવું.

માનસિક સમસ્યાઓ

એક ખોટી માન્યતા મેનોપૉઝ એટલે સેક્સલાઇફનો અંત. એમાં માસિક બંધ થાય છે અને એટલે પ્રજનનક્ષમતા પૂરી થાય છે, સેક્સની ક્ષમતા નહીં. શુષ્ક યોનિમાર્ગને કારણે સેક્સમાં સમસ્યા ઊભી થાય છે. બીજી તરફ સંતાનો પણ મોટાં થઈને સ્વતંત્ર થઈ ગયાં હોય છે. એને કારણે મહિલાને લાગે છે કે હવે તેની જરૂરિયાત કોઈને નથી રહી. શારીરિક સમસ્યાઓની ફરિયાદ વધી જતાં કાં તો તે પતિ અને બાળકોને કહ્યા વિના મનમાં જ સોરવાય છે અને કાં તો પછી વારંવારની ફરિયાદને કારણે ઘરનાંઓથી કંટાળી જાય છે.

સમસ્યાનો ઉકેલ પણ છે

મેનોપૉઝ દરેક સ્ત્રીના જીવનમાં આવે છે. એને આવતો રોકી ન શકાય, પરંતુ એને કારણે થતાં લક્ષણોને જરૂર કાબૂમાં લઈ શકાય. વધુપડતી સેન્સિટિવિટીને કારણે થતી તકલીફો તેમ જ હૉમોર્ન્સની ઊણપને કારણે ઑસ્ટિયોપોરોસિસ અને હાર્ટ ડિસીઝનું રિસ્ક વધે છે એને કાબૂમાં લઈ શકાય છે.

કોઈકને મેનોપૉઝ દરમ્યાન અત્યંત તીવ્ર લક્ષણો દેખાય છે તો કોઈકને માઇલ્ડ. તમને વધુ તકલીફ થતી હોય કે ઓછી, આ સમયગાળા દરમ્યાન એક વાર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું જરૂરી છે. Whatsapp-channel Whatsapp-channel

19 October, 2011 04:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK