ટાપટીપ માટે પત્નીઓને વગોવતા પુરુષો પણ કંઈ ઓછા નથી

Published: Oct 07, 2019, 13:31 IST | મેન્સ વર્લ્ડ- વર્ષા ચિતલિયા | મુંબઈ

અરીસા સામે કલાકો સુધી ઊભા રહી ટાપટીપ કરવામાં હવે પુરુષો મહિલાઓ કરતાં આગળ નીકળી ગયા છે એવું લંડનની એક ગ્રૂમિંગ માર્કેટ રિસર્ચ એજન્સીએ શોધી કાઢ્યું છે.

ટાપટીપમાં પુરૂષો પણ નથી પાછળ
ટાપટીપમાં પુરૂષો પણ નથી પાછળ

તૈયાર થવામાં મહિલાઓને બહુ વાર લાગે છે એવું કહીને અત્યાર સુધી પત્નીઓને વગોવતા પુરુષો પોતે જ ગ્રૂમિંગ માટે ખાસ્સો સમય લેવા માંડ્યા છે એવું જાણવા મળ્યું છે. અરીસા સામે કલાકો સુધી ઊભા રહી ટાપટીપ કરવામાં હવે પુરુષો મહિલાઓ કરતાં આગળ નીકળી ગયા છે એવું લંડનની એક ગ્રૂમિંગ માર્કેટ રિસર્ચ એજન્સીએ શોધી કાઢ્યું છે. પુરુષોના ઠાઠમાઠ વિશે અભ્યાસ કરતાં તારણ નીકળ્યું છે કે આજની ગ્લૅમરસ અને મૉડર્ન લાઇફ-સ્ટાઇલ સાથે મૅચ થવા પુરુષોમાં મહિલાઓની જેમ બનીઠનીને રહેવાનો શોખ જાગ્યો છે.
ઉપરોક્ત રિસર્ચમાં ભારતીય પુરુષોની લાઇફ-સ્ટાઇલને પણ આવરી લેવામાં આવી હતી. એજન્સીનો રિપોર્ટ કહે છે કે આપણા દેશના પુરુષો ગ્રૂમિંગ માટે સરેરાશ રોજની ૪૨ મિનિટ ફાળવે છે. બૉડી ગ્રૂમિંગ માટે ૧૬ મિનિટ, વાળ માટે ૧૪ મિનિટ અને ચહેરાની ખૂબસૂરતી માટે તેઓ ૧૨ મિનિટનો સમય લેતા હોવાનું જાણવા મળ્યું છે. લુક, પર્સનાલિટી અને સ્ટાઇલ પર માત્ર મહિલાઓની ઇજારાશાહી નથી એ વાત સાથે કેટલા પુરુષો સહમત છે તેમ જ ગ્રૂમિંગ પાછળ તેઓ કેટલો સમય ફાળવે છે એ તેમની પાસેથી જાણીએ.

હું તો દસ મિનિટમાં તૈયાર થઈને દાદરો ઊતરી જાઉં છું
ડ્રેસિંગ ટેબલ પર મહિલાઓનું વર્ચસ્વ રહ્યું છે અને રહેશે એમાં કોઈ બેમત નથી એવો અભિપ્રાય આપતાં શૅરમાર્કેટ સાથે જોડાયેલા ગોરેગામના ૨૮ વર્ષના ભાવિન વોરા કહે છે, ‘ગ્રૂમિંગમાં આજે પણ મહિલાઓની જ મોનોપૉલી છે. મને નથી લાગતું કે પુરુષોને તૈયાર થવામાં વાર લાગતી હોય. હું તો દસ મિનિટમાં તૈયાર થઈને દાદરો ઊતરી જાઉં છું. જો એમ ન કરીએ તો ટ્રેનની રાહમાં વેઇટિંગ રૂમમાં બેઠેલા મુસાફરોની જેમ ડ્રેસિંગ ટેબલમાં એક ઝલક જોવા માટે રાહ જોવી પડે. આટલો સમય પુરુષો પાસે નથી. કોઈક વાર શુભ પ્રસંગમાં કે અન્ય ફંક્શનમાં જવાનું હોય ત્યારે તો અમે સાઇડમાં બેસી જઈએ. ઘરની મહિલાઓ તૈયાર થઈ જાય પછી ઓલા કે ઉબર બુક કરીએ. ગાડી આવે એટલી વારમાં તો પુરુષો તૈયાર થઈ જાય. ગ્લૅમર વર્લ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તેમ જ ફોટોગ્રાફી અને ટિકટોક વિડિયોના શોખીન યુવાનો વાળમાં વૅક્સ લગાવવાથી લઈને બૉડી વૅક્સિંગ જેવા અનેક પ્રકારના ટ્રેન્ડ ફૉલો કરે છે, પરંતુ સામાન્ય પુરુષો શેવિંગ, હેરકટિંગ જેવી જરૂરિયાતની વસ્તુ સિવાય કંઈ કરતા નથી. કપડાંની ખરીદીમાં પણ પુરુષોના ફન્ડા સિમ્પલ જ હોય છે. વન ટાઇમ શૉપિંગ કરો એટલે પત્યું. મહિલાઓની જેમ એક્સચેન્જ કરવા જેવાં નખરાં પુરુષોનાં નથી હોતાં. તેથી જ મારા જેવા અનેક પુરુષો લેડીઝ સાથે શૉપિંગ કરવાનું ટાળે છે.’

આપણને તો ભાઈ, ટૉપથી બૉટમ બધું અપ-ટુ-ડેટ જોઈએ
સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ૩૦ વર્ષના પ્રશાંત સોલંકી પાસે શૂઝ અને ગોગલ્સની ભરમાર છે ને વોર્ડરૉબ તો ઠસોઠસ ભર્યો છે. ડ્રેસિંગના ટાઇમિંગ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સહેજે ત્રીસથી ચાળીસ મિનિટ તો લાગે મને તૈયાર થતાં. હું તૈયાર થતો હોઉં ત્યારે કોઈએ ડ્રેસિંગ ટેબલ પાસેથી ફરકવું નહીં એવી શિખામણ ઘરમાં બધાને આપી રાખી છે. કપડાં પહેર્યા બાદ જુદા જુદા ગૉગલ્સ, બેલ્ટ અને શૂઝ ટ્રાય કરી ટૉપથી બૉટમ પોતાની જાતને અરીસામાં જોઉં અને સૅટિસ્ફેક્શન થાય પછી જ ત્યાંથી ખસું. લેટેસ્ટ સ્ટાઇલનાં જીન્સ, ટી-શર્ટ, શર્ટ અને ટ્રેડિશનલ ડ્રેસથી મારો કબાટ ખચોખચ ભર્યો છે તેમ છતાં કોઈ પાર્ટીમાં કે ફંક્શનમાં જવાનું હોય ત્યારે આગલા દિવસે ટ્રાયલ લઈ લઉં જેથી છેલ્લી ઘડીએ મૂડ ખરાબ ન થાય. હું જ નહીં, મારા પપ્પાને પણ તૈયાર થવામાં ખાસ્સો સમય લાગે છે. મમ્મી અને વાઇફ અમારા કરતાં જલદી રેડી થઈ જાય. એ લોકો તો બોલે કે તમારા લાલી-લિપસ્ટિક પત્યાં હોય તો બહાર જઈએ. સ્ટાઇલની સાથે ચહેરાને આકર્ષક રાખવા મહિનામાં બેથી ત્રણ વાર સૅલોંની મુલાકાત લઈ આવું. બિયર્ડનો ટ્રેન્ડ હોય તો એને મેઇન્ટેન કરવા અને ક્લીન શેવ રાખવાનું હોય તો શેવિંગ માટે સૅલોંમાં તો રેગ્યુલર જવાનું જ. હેરસ્ટાઇલમાં પણ નો કૉમ્પ્રોમાઇઝ.’

ઇસ્ત્રી ટાઇટ કપડાં વગર તો ઘરની બહાર ડગલુંય ન માંડું
તૈયાર થવાની બાબતમાં ઍક્રિલિક પ્લાસ્ટિકનો બિઝનેસ ધરાવતા ૭૨ વર્ષના લલિત પડિયાએ તો યુવાનોને પણ હાંસિયામાં ધકેલી દીધા છે. તેઓ કહે છે, ‘ટાપટીપ તો કરવી જ જોઈએને. અરીસા સામે ઊભા રહી તૈયાર ન થાઉં તો મજા જ ન આવે. વ્યવસ્થિત તેલ નાખી માથું ઓળવાનું, ચહેરો ચમકાવવાનો અને પછી ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરીને જ ઘરની બહાર પગ મૂકવાનો એવો મારો વણલખ્યો નિયમ છે એની આખા કુટુંબને ખબર છે. હવેલીમાં જતી વખતે કે શુભ પ્રસંગોમાં જ નહીં, ઉઠમણામાં પણ હું તો બનીઠનીને જ જાઉં. નહાતાં અડધો કલાક લાગે. મારાં પત્ની પરણીને આવ્યાં એ પહેલાંથી જ મને વાર લાગે છે તેથી તેઓ ટેવાઈ ગયાં છે, પરંતુ ઘણી વાર ચિડાઈને કહે કે તમારા પફ-પાઉડર પત્યા હોય તો અરીસા સામેથી આઘા ખસો, અમારો વારો આવવા દો. અરીસા માટે તેને રાહ જોવી પડે. એકાદ વાર એવું પણ બન્યું છે કે ઘરનાં બધાં તૈયાર થઈને નીકળી જાય ત્યાં સુધી હું તૈયાર જ થતો હોઉં. શોખ ખરો, પણ આજની પેઢી જેવાં ફૅશનેબલ કપડાં ન પહેરું. મને સીવડાવેલાં પેન્ટ-શર્ટ જ ફાવે. ફિટિંગ બરાબર ન હોય એ ન ચાલે. જોકે સંતાનો કંઈ લાવી આપે તો એકાદ વાર પહેરી લઈએ.’

આવનારા સમયમાં બેડરૂમમાં બે ડ્રેસિંગ ટેબલ રાખવાં પડશે
તૈયાર થવા માટે હું પંદર મિનિટ જેટલો જ સમય લઉં છું તેમ છતાં મારી વાઇફની ફરિયાદ છે કે તમને બહુ વાર લાગે છે એમ જણાવતાં ૪૫ વર્ષના બિઝનેસમૅન નયન કામદાર કહે છે, ‘પુરુષોને પણ હૅન્ડસમ દેખાવાની ચાહ તો હોયને. એક વાર તૈયાર થઈ ગયા પછી જેમ મહિલાઓ ફાઇનલ રાઉન્ડ માટે અરીસામાં જોઈ આવે છે એવું જ મારું પણ છે. ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં એક વાર ડ્રેસિંગ ટેબલ સામે ઊભો રહી કન્ફર્મ કરી લઉં, પરફ્યુમ છાંટી લઉં પછી જ ઑફિસ જવા નીકળું. સ્કિનની સંભાળ રાખવામાં પણ ખાસ્સો રસ પડે છે. પહેલાં સાબુ વાપરતો હતો, હવે ફેશવૉશ વાપરું છું. પ્રસંગોપાત્ત ફેશ્યલ કરાવું. યંગ લુક માટે ડ્રેસિંગ સેન્સ પણ સારી હોવી જોઈએ એવો મારો આગ્રહ છે. મારી કપડાંની ચૉઇસ હટકે છે. બહુ એક્સપેન્સિવ નહીં પણ ટ્રેન્ડી ક્લોધિંગ પહેરવાનો શોખ છે. સોસાયટીમાં નીકળું ત્યારે ઘણા પૂછે કે ક્યાંથી ખરીદી લાવ્યા. પર્સનાલિટી ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાની સાથે પેટ વધી ન જાય એ માટે એક્સરસાઇઝ કરી બૉડીને ફિટ રાખું એટલું જ નહીં ટૅટૂ પણ કરાવ્યું છે. મને લાગે છે કે પુરુષોમાં આ બાબત જાગરૂકતા આવી છે. આવનારા સમયમાં કદાચ બેડરૂમમાં બે ડ્રેસિંગ ટેબલ જોવા મળે તો નવાઈ નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK