માત્ર ભાખરી અને શાક પીરસતી રેસ્ટોરાં ચાલે?

Published: Aug 03, 2020, 11:46 IST | Pooja Sangani | Mumbai

મોણવાળી જાડી ઘઉંની ઘર જેવી ભાખરી અને દેશી શાકની લારીની શરૂઆત મગનલાલનાં ભાખરી-શાકના નામે ૧૯૬૩માં શરૂ થયેલી

 મહેસાણા-પાલનપુર હાઇવે પર લગભગ પચાસેક ઢાબા-સ્ટાઇલ રેસ્ટોરાં ખૂલી ગઈ છે
મહેસાણા-પાલનપુર હાઇવે પર લગભગ પચાસેક ઢાબા-સ્ટાઇલ રેસ્ટોરાં ખૂલી ગઈ છે

હા, ચાલે. આવી ત્રણ-ચાર ડઝન રેસ્ટોરાં મહેસાણામાં છે. મોણવાળી જાડી ઘઉંની ઘર જેવી ભાખરી અને દેશી શાકની લારીની શરૂઆત મગનલાલનાં ભાખરી-શાકના નામે ૧૯૬૩માં શરૂ થયેલી, જે હવે મોટી રેસ્ટોરાં બની ગઈ છે. એટલું જ નહીં, ભાખરી-શાક હવે લોકોની દાઢે એવાં વળગ્યાં છે કે મહેસાણા-પાલનપુર હાઇવે પર લગભગ પચાસેક ઢાબા-સ્ટાઇલ રેસ્ટોરાં ખૂલી ગઈ છે. હવે ઉત્તર ગુજરાત જાઓ તો આ ઘર જેવાં ભાખરી-શાક ખાવાનો લહાવો ચૂકતા નહીં

આપણે ત્યાં જેમ કાઠિયાવાડી ફૂડ ફેમસ થઈ ગયું છે અને ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમને તીખું અને તેલથી તરબતર પરંતુ અત્યંત સ્વાદિષ્ટ બાજરીના રોટલા, રીંગણાનું ભડથું, સેવ-ટમેટાંનું શાક, લસણિયા બટાટા વગેરે મળે છે. જોકે ઉત્તર ગુજરાતના મુખ્ય કેન્દ્ર મહેસાણામાં ભાખરી-શાક ખૂબ જ પ્રખ્યાત છે અને કાઠિયાવાડી ફૂડથી જરાય કમ નથી. એક વાર જો તમે આ ભાખરી-શાક ખાઈ લો તો એમ થાય કે વારંવાર આવવું પડશે. તો ચાલો આજે આપણે મહેસાણાનાં ભાખરી-શાકની વાત કરીશું.

 

તમારે રાજસ્થાન જવું હોય અને મહેસાણાવાળા રસ્તે થઈને પસાર થવાનું થાય ત્યારે જોજો. આ શહેરની સરહદ શરૂ થાય ત્યારે રસ્તાની ડાબે અને જમણી બાજુ ‘ભાખરી-શાક’નાં મોટાં-મોટાં બોર્ડ લાગેલા ઢાબાઓ જોઈ શકશો. અહીં ભાખરી-શાક એટલે કે ખરા અર્થમાં ગુજરાતી ફૂડ ભાખરી અને શાક જે શુદ્ધ ગુજરાતીઓના ઘરે-ઘરે બને છે અને એટલું સ્વાદિષ્ટ  ભોજન મળે છે કે તમે આંગળાં ચાંટતા રહી જાઓ.
 મસ્ત મોટી અને સહેજ પાતળી ભાખરીને લોઢી પર કાપડનો જાડો અને મોટો ડટ્ટો બનાવીને ઘસી-ઘસીને ભઠ્ઠા પર શેકવામાં આવે છે. ઉપરથી ક્રિસ્પી, પરંતુ અંદરથી સૉફ્ટ ભાખરી અને એની સાથે ઉત્તર ગુજરાતના પાણી અને હાથની ખાસ બનાવટથી બનેલાં લીલા શાકભાજી, કઠોળ, વઘારેલું દહીં, લસણની ચટણી અને બીજી વાનગીઓ સાથે ખાવાની મોજ જ મોજ છે. તમે જો પ્રવાસ કરતા હો તો તમારે ભાખરી પાર્સલ કરાવી દેવી તો એ બે દિવસ બગડે નહીં અને પ્રવાસ દરમ્યાન ચા-દૂધની સાથે ઘઉંની ભાખરી ખાવાની ખૂબ જ મજા છે. મહેસાણા-પાલનપુર હાઇવે પર ઓછામાં ઓછી ૫૦ જેટલી દુકાનો થઈ ગઈ છે અને આસપાસના લોકો ત્યાં ભાખરી-શાક ખાવા માટે લાઇન લગાવે છે. રજાના દિવસોમાં પરિવાર સાથે આવે છે. ભાખરી-શાકના ધંધામાં સ્થાનિક પ્રજાપતિ સમુદાયનો દબદબો છે. 
શરૂઆત થઈ મગનકાકાથી

food
ભાખરી-શાક પ્રખ્યાત કરવાનું શ્રેય ગાયત્રી રેસ્ટોરાંવાળા મગનકાકાને જાય છે અને તેમના જેવી અનેક ડુપ્લિકેટ રેસ્ટોરાં ખૂલી ગઈ છે એટલે તેમની રેસ્ટોરાં પર મગનકાકાનો ફોટો લગાવવામાં આવે છે. મગનલાલના ભાખરી-શાકવાળા નામથી પ્રખ્યાત એટલે કે ગાયત્રી રેસ્ટોરાં જે અમદાવાદ-પાલનપુર હાઇવે રોડ, શિલ્પા ગૅરેજની બાજુમાં આવેલી છે. આ પેઢીના સંચાલક સ્વર્ગીય મગનલાલ પ્રજાપતિ હતા. અત્યારે તેમના દીકરા અને ત્રીજી પેઢી આ રેસ્ટોરાં ચલાવે છે.
 તેમની પેઢી વિશે માહિતી આપતાં વિક્રમ પ્રજાપતિ કહે છે, ‘પિતા મગનલાલ ગાંધીધામ રેલવેમાં નોકરી કરતા હતા અને ઘરનો ખર્ચો કાઢવો મુશ્કેલ હોવાથી બધા મૂળ વતન મહેસાણા પાછા ફર્યા અને હાઇવે પર ભાખરી-શાકની લારી શરૂ કરી હતી. ૧૯૬૭માં લારીની શરૂઆત અત્યારની રેસ્ટોરાંની ૨૦૦ મીટર આગળ હતી. એ સમયે ભાખરી-શાકનો ભાવ માત્ર ૨૫ પૈસા હતો. અત્યારે ૮૫ રૂપિયા છે, જેમાં પાંચ ભાખરી અને ફુલ પ્લેટ શાક પીરસાય છે.’
 તેઓ વધુમાં જણાવે છે, ‘અમારે ત્યાં ઘઉંની ભાખરીથી અને તાજી કાચી શાકભાજીથી લઈને બધા મસાલા અને શાકની ડિશ તૈયાર થાય ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા જાતે જ કરવામાં આવે છે. અમારે ત્યાં રસોઈયા નથી, ઘરના લોકો જ બનાવે છે. કાયમી શાકમાં સેવ-ટમેટાં, આખા દહીંની કઢી, લસણિયા બટાટા મળી જ રહે છે. કઠોળ અને બીજાં શાક ઋતુ પ્રમાણે બદલાતાં રહે છે.’ 

ખોડિયારના ભાખરી-શાક અને ચૂરમું પણ

food

મગનલાલ ભાખરી-શાક ઉપરાંત ખોડિયાર રેસ્ટોરાંનું પણ સારું નામ છે. તેમણે પણ શરૂઆત બસ-સ્ટૉપ પાસે એક નાનકડી ભાખરી-શાકની લારી ખોલીને કરી હતી. તેઓએ તેમનું ઘર વેચીને પૈસા ભેગા કરી ૧૯૮૫માં પહેલી દુકાન લીધી.
ધીમે-ધીમે પ્રગતિ દેખાવા લાગી. એકમાંથી બીજી, ત્રીજી એમ ૭ દુકાન લીધી. બધી જ દુકાનો ભેગી કરીને એક આલીશાન રેસ્ટોરાં બનાવી દીધી છે. અહીંની યુનિક ખાસિયત બિસ્કિટ જેવી ભાખરીમાં છે. એ વિશે ગોવિંદભાઈ કહે છે, ‘લોઢીમાં એકસરખા તાપે કાપડ પહેરાવેલા લાકડાના ડટ્ટાથી દબાવીને બિસ્કિટ જેવી કડક ભાખરી બનાવવામાં આવે છે. એ ઉપરાંત અમારું સેવ-ટમેટાંનું શાક, આખા દહીંની કઢી,  લસણિયા બટાટા, વઘારેલી ઢોકળી, ડુંગળીના શાકના અનોખા સ્વાદ હોય છે. સેવ-ટમેટાંનું શાક બહુ ટેસ્ટી હોય છે અને એમાં રતલામી સેવ નખાય છે. બાજરીનો ચૂરમો પણ અચૂક ખાવા જેવો ખરો.’

શું કહે છે મહેસાણાના ભાખરી-શાકપ્રેમીઓ?

હું લગભગ પાંચ વર્ષથી મગનલાલનાં ભાખરી-શાક, ખોડિયારનાં ભાખરી-શાક અને બાજરીના ચૂરમાની મોજ માણી રહ્યો છું. તેમનો સ્વાદ ૧૦૦ ટકા ઘરની અનુભૂતિ કરાવશે અને ખાસ વાત એ છે કે મહેસાણામાં આવો એટલે આ મહેસાણાની બિસ્કિટ ભાખરી તરીકે પણ ઓળખાય છે. તીખાં અને સ્વાદિષ્ટ ભાખરી-શાક ખાધા પછી આ ચૂરમું ખાવાની ખૂબ મજા આવે છે. આંગળીઓ ચાટતા રહી જાઓ એવી મોજ આવે છે.
 - રૉની મોદી, યુટ્યુબર અને ફૂડપ્રેમી
ખાસ કરીને દક્ષિણ ગુજરાત જેટલી લીલોતરી અને સૌરાષ્ટ્ર જેટલો સૂકો પ્રદેશ નહીં હોવાથી અહીંના ભોજનમાં બન્નેની વિવિધતા જોવા મળે છે. પાલક-મગની દાળ, લસણિયા બટાટા અને તુવેરના ટોઠા તો ખાસ ખાવાની મજા આવે છે. હું મૂળ મહેસાણાની છું અને હાલ અમદાવાદમાં સ્થાયી થઈ છું. મારા પપ્પા પાક્કા ગુજરાતી છે એટલે તેમને શુદ્ધ ગુજરાતી ફૂડ બહુ ભાવે એટલે અમે મગનકાકાનાં ભાખરી-શાક ખાવા જઈએ. તેમને ત્યાં આખા દહીંની કઢી ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
- અભિનીષા જાની આશરા, ફૂડ અને ફૅશન ઇન્ફ્લુઅન્સર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK