ગુજરાતી છું ભાઈ, ફાફડા ને મીઠું પાન ખાવાની તલપ લાગે

Published: May 29, 2020, 17:47 IST | Varsha Chitaliya | Mumbai

ગળ્યું અને ચટપટું ખાવાના શોખીન કાંદિવલીના મિતેશ સરવૈયાએ લૉકડાઉનમાં કિચનને પોતાની કર્મભૂમિ બનાવી દીધી છે

ગળ્યું અને ચટપટું ખાવાના શોખીન કાંદિવલીના મિતેશ સરવૈયાએ લૉકડાઉનમાં કિચનને પોતાની કર્મભૂમિ બનાવી દીધી છે. નવી ડિશ ટ્રાય કરતાં પહેલાં તેઓ ખાસ્સી જહેમત ઉઠાવે છે એટલું જ નહીં, રસોઈની પૂર્વતૈયારીથી લઈને પ્લૅટફૉર્મ ચોખ્ખુંચણક કરવા સુધીનાં તમામ કામો જાતે કરવામાં તેમને આનંદ આવે છે

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા મિતેશ સરવૈયાને રસોડામાં કામ કરવાનો થોડોઘણો શોખ પહેલેથી હતો. ગુરુવારે તેમનો ગાર્મેન્ટ્સનો શોરૂમ બંધ હોય ત્યારે સૅન્ડવિચ કે ભેળપૂરી જેવી સિમ્પલ ડિશ રેડી કરવામાં વાઇફને હેલ્પ કરતા હતા. લૉકડાઉનમાં સમય પસાર કરવા વધુ હેલ્પ કરતાં-કરતાં તેમનો આ શોખ પૅશનમાં કન્વર્ટ થઈ ગયો છે.

અત્યારે અઠવાડિયામાં ત્રણ દિવસ રાતનું જમવાનું બનાવવાની જવાબદારી મિતેશભાઈએ ઉપાડી લીધી છે. ઉત્સાહમાં આવીને તેઓ કહે છે, ‘વાઇફ નિશા અને મમ્મી રોજિંદી રસોઈ બનાવે છે; જ્યારે ફાસ્ટ ફૂડ, ઇટાલિયન, ચાઇનીઝ, મેક્સિકન, પંજાબી સબ્જી, મસાલા ઢોસા, હની-ચિલી પટેટોઝ અને ગુજરાતી ફરસાણ જેવી વરાઇટી બનાવવાનો ડિપાર્ટમેન્ટ મારો છે. પહેલાં સૅન્ડવિચ જેવું આવડતું હતું. હવે તો તમે કહો એ બનાવીને ખવડાવું. લેટેસ્ટમાં સ્પિનૅચ વેજ કટલેટ વિથ બટર ગાર્લિક રાઇસ સિઝલર બનાવ્યું હતું. આ ડિશની રેસિપી તમને ક્યાંય નહીં મળે. ગુજરાતીઓના ટેસ્ટને ધ્યાનમાં રાખી રેસિપી તૈયાર કરી છે. આપણને ગળપણ અને તીખાશ બન્નેનું કૉમ્બિનેશન હોય એવી વાનગીઓ વધુ ભાવે. નવી ડિશ ટ્રાય કરતી વખતે હું આ બાબતને ખાસ ધ્યાનમાં રાખું છું.’

મિતેશભાઈ પર્ફેક્શનના આગ્રહી છે. નવી ડિશ ટ્રાય કરતાં પહેલાં ચૉપિંગ સહિતની તમામ તૈયારી કરી લે. રસોઈ બનાવતી વખતે પ્લૅટફૉર્મ પર કોઈ વસ્તુ આડી આવે એ ન ચાલે. જાતે પ્લૅટફૉર્મ સ્વચ્છ કરી લે એટલું જ નહીં, રસોઈ બની ગયા પછી પથારા પણ ઉપાડી લે. આમ તેમની વાઇફને નિરાંત છે. નવું શીખતી વખતે સૌથી પહેલાં ફાફડા ટ્રાય કર્યા એમ જણાવતાં તેઓ કહે છે, ‘ગુજરાતી એટલે ફૂડી પ્રજા. એમાંય અઠવાડિયું થાય એટલે ફાફડા ખાવાની તલપ લાગે. હમણાં ફરસાણની દુકાનો બંધ છે તો થયું ઘરે ફાફડા ટ્રાય કરીએ. પહેલી વાર બનાવ્યા ત્યારે ફાફડા ઊખડતા નહોતા. જોકે ખાવા જેવા બન્યા એટલે ફરી ટ્રાય કરી. આ વખતે રાજકોટના ગાંઠિયાવાળા કઈ રીતે ફાફડા ઉખેડે છે એની ટ્રિક જોઈ લીધી. મસ્ત સૉફ્ટ બન્યા હતા. મીઠું પાન ખાવાની ઇચ્છા થઈ તો પાન શૉટ્સ બનાવ્યા. અમારા ઘરમાં બાળકો ક્રિટિક્સની ભૂમિકા ભજવે છે. કોઈ પણ ડિશનો રિવ્યુ લેવા સંતાનોને પૂછું. તેમની હા આવે એટલે ફરી બનાવવાની.’

કુકિંગમાં મિતેશભાઈએ અઢળક પ્રયોગો કર્યા છે. એક્સપરિમેન્ટ્સ બાદ બનેલી નવી વાનગીઓને તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ પર લૉન્ચ કરવા માગે છે. એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમનું માનવું છે કે કિચનમાં કામ કરવાથી તમારું મગજ નકારાત્મક ઊર્જાથી દૂર રહે છે. બહારનું વાતાવરણ ગંભીર હોય ત્યારે મગજને વ્યસ્ત રાખવાનો આ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.

હની-ચિલી પટેટોઝ

સામગ્રી : પાંચ નંગ બાફેલા બટાટા, નાની સાઇઝનું ૧ કૅપ્સિકમ, ૨-૩ કાંદા, ૮ કળી સમારેલું લસણ, અડધી ચમચી વાટેલાં આદું-મરચાં, ૧ ચમચી તલ, ૧ ચમચી મરી પાઉડર, ૪ ચમચી તેલ, ૩ ચમચી ટમેટો કેચપ, બે ચમચી મધ, બે ચમચી સૉય સૉસ, મીઠું સ્વાદ અનુસાર

રીત : પૅનમાં તેલ ગરમ કરો. એમાં બટાટાના પીસ કરીને નાખો. ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લો. વધેલા તેલમાં લસણ અને આદું-મરચાંની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ સ્ક્વેર કાપેલા કાંદા અને કૅપ્સિકમ નાખી ફ્રાય કરતા હો એ રીતે સાંતળી લો. હવે મરી પાઉડર, સૉય સૉસ, કેચપ, સૉલ્ટ નાખી બે મિનિટ ચડવા દો. બટાટા નાખી સરખી રીતે હલાવી લો. ઉપરથી મધ ઉમેરો. આ ડિશને ગરમાગરમ પીરસો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK