Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક હાથથી બંદૂક અને બીજા હાથથી કલમ ચલાવનાર ગૌતમ જોષી

એક હાથથી બંદૂક અને બીજા હાથથી કલમ ચલાવનાર ગૌતમ જોષી

16 June, 2020 06:07 PM IST | Kutch
Vasant Maru

એક હાથથી બંદૂક અને બીજા હાથથી કલમ ચલાવનાર ગૌતમ જોષી

એક હાથથી બંદૂક અને બીજા હાથથી કલમ ચલાવનાર ગૌતમ જોષી


ભુજથી થોડે દૂર વરલી નામના ગામમાં એક સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ નામના એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માધવ જોષીએ મોટા થઈને કૌટુંબિક પરંપરાથી હટીને કચ્છના દરબારી પોલીસ ખાતામાં નોકરી લીધી. એમની ઇમાનદારી, ફરજપરસ્તી અને ધાકથી જબરું નામ કાઢ્યું.

સમય જતાં માધવબાપાનાં યુવાન પુત્ર શાંતિલાલભા પણ દરબારી પોલીસમાં ભરતી થઈ ડંકો વગાડવા લાગ્યા. સમયનો ચક્ર ફર્યો, દેશ આઝાદ થયો અને શાંતિલાલભાના પુત્ર ગૌતમ જોષી પણ પોલીસ ખાતામાં દાખલ થઈ હેડ-કૉન્સ્ટેબલથી શરૂઆત કરી સીઆઇડી (છૂપી-પોલીસ)ના ઊંચા પદ પર પહોંચ્યા. સીઆઇડીમાં રહીને એમણે અનેક પરાક્રમો કર્યા. પરંતુ એમની સાચી ઓળખ છે કચ્છી સાહિત્યકાર તરીકેની. ઇમાનદારીપૂર્વક નોકરી અને કચ્છી સાહિત્ય-સર્જન કરી નામના મેળવી છે.



ગૌતમભાના હાથમાં પોલીસ હેડ-કૉન્સ્ટેબલ તરીકેનો પહેલો પગાર આવ્યો રૂપિયા એકસો ચોરાણુંનો! ઉપરથી પાંત્રીસ રૂપિયા મોંઘવારી ભથ્થુ. ભુજમાં એ સમયે એમનું કુટુંબ ‘મેજરસાબના કુટુંબ’ તરીકે ઓળખાતું. પહેલો પગાર એમના બાઈ (બા)ના હાથમાં મૂકતા એમના બા ચંચળબાઈ વહાલથી એમને ભેટી પડ્યાં. અધા(બાપુજી) નિવૃત્ત પોલીસ ઑફિસર શાંતિલાલભાની આંખમાં ઝળહળિયા બંધાયા. ત્યારે ક્યાં ખબર હતી કે નિયતિ ચંચળબાઈ સાથે કેવો ખેલ કરવાની છે?


ગૌતમભાના બા ભણ્યાં નહોતાં પણ અદ્ભુત કંઠને કારણે ગીત અને હાલરડાં ગાય, વાર્તાઓનો તો એમની પાસે ખજાનો હતો. રોજ સાંજે વાળું કરીને ભુજની જે ખત્રી શેરીમાં રહેતા હતા એ શેરીનાં બાળકો એમની વાર્તા સાંભળવા ભેગાં થાય. આ વાર્તા, ગીતો અને હાલરડાંની બાળ મહેફિલમાં ગૌતમનું ભાવવિશ્વ પાંગરવા લાગ્યું. સાહિત્ય તરફ આકર્ષાવા લાગ્યા.

બહુ યુવાન વયમાં ગૌતમે એક વાર્તાનો પ્લોટ વિચાર્યો અને બાને કહ્યો. ગૌતમની વાર્તા સાંભળી ચંચળબાઈએ હર્ષાવેશમાં આવી આશીર્વાદ આપતાં વાર્તાને જાણીતા છાપામાં છપાવવાનો આગ્રહ કર્યો. અને ગૌતમે વાર્તા લખી છાપામાં છપાવવા મોકલી દીધી. મહિના-દોઢ મહિના પછી આ કચ્છી વાર્તા ‘શંકા ભૂત ને મંછા દેણ’ જાણીતા છાપામાં છપાઈ ત્યારે ચંચળબાઈ કૅન્સરના રોગમાં સપડાઈ હૉસ્પિટલના બીછાના પર કણસતાં હતાં, પણ પુત્રની વાર્તા છાપામાં છપાઈ છે એ જાણીને આંખમાં આંસુ આવી ગયા. આ જીવલેણ બીમારીમાં પણ બાએ આગ્રહ કરી-કરીને ગૌતમ પાસે વાર્તાઓ લખાવડાવી. કૅન્સરના અસાધ્ય રોગને કારણે જ્યારે વિદાય લીધી ત્યારે બાના ચહેરા પર સંતોષ હતો, કારણ કે વાર્તા કહેવાનો એમનો વારસો ગૌતમને આપી એને કલમ ચલાવતા કરી દીધો હતો!


બા પછી એમના બીજા સાહિત્યગુરુ હતા પ્રાણગીરી ગોસ્વામી. ગૌતમ પોલીસ હેડક્વાટર્સ શાળામાં ભણતા હતા ત્યારે ઇતિહાસકાર અને કવિ પ્રાણગીરી ગોસ્વામી જેઓ શાળાના હેડમાસ્ટર હતા એ ગૌતમને વાર્તાઓ લખવા પ્રોત્સાહન આપતા, તો જયંતી જોષી ‘સબાબ’ કચ્છી વાર્તાઓ લખવા ગૌતમને પાનો ચડાવતા. આ ગૌતમભાની કચ્છી નવલકથાઓ, વાર્તાઓએ સરળ ભાષા અને સચોટ વિષયવસ્તુને કારણે ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ગુજરાતી સાહિત્ય એકૅડમીએ જ્યારે કચ્છીમાં લખાયેલા પુસ્તકોને પુરસ્કાર આપવાનું શરૂ કર્યું ત્યારે પ્રથમ વર્ષે જ એમની કચ્છી નવલકથા ‘ભેકાર ભોમિયો’ને એકૅડમીના પ્રમુખ મનુભાઈ પંચોલી દર્શકને હસ્તે પુરસ્કાર અપાયો.

પોલીસમાં એમની નોકરીની શરૂઆત ભુજમાં આરમોરર (હથિયાર મેકેનિક)ના હેડ કૉન્સ્ટેબલ તરીકે થઈ. થોડાં વર્ષો પછી ભારતનાં બધાં રાજ્યોમાંથી પસંદ કરાયેલા હેડ-કૉન્સ્ટેબલોને બોરાગઢ (ભોપાલ) ખાતે તેર મહિના સુધી આરમોરરની વધુ તાલીમ આપવા ભેગા કરવામાં આવ્યા. ગુજરાતમાંથી ગૌતમ જોષીની પસંદગી થઈ. આ તેર મહિનાની તાલીમ દરમ્યાન ફુરસદના સમયમાં આરામને બદલે ગૌતમભાએ વિવિધ રાજ્યોમાંથી આવેલા પોલીસકર્મીઓના લાંબા ઇન્ટરવ્યુ લીધા, અલગ અલગ રાજ્યોના રીતરિવાજો, સંસ્કૃતિ, તહેવારો ઇત્યાદિની માહિતી ભેગી કરવા આ કચ્છીમાડુએ મહેનત કરી. પરિણામે સર્જાયું પ્રવાસ વર્ણનનું પહેલું કચ્છી પુસ્તક ‘એન્ધર લઠ’  (ઇન્દ્રધનુષ) - ભાગ્યે જ આ કક્ષાનું પુસ્તક કોઈ ભાષામાં લખાયું હશે.

નોકરીમાં બઢતી મેળવી મેળવીને ગૌતમભા સીઆઇડીમાં આવી પહોંચ્યા. અહીં જીવ સટોસટના ખેલ થતા. કચ્છ બોર્ડર પર હોવાથી વિશેષ સજાગતા રાખવી પડતી. ક્યારેક વેશપલટો કરીને, ક્યારેક ધર્મપરિવર્તન કરીને, ક્યારેક અલગ અલગ ગેટઅપમાં લોકો વચ્ચે જઈ બારીક નજરથી માહિતી મેળવવી પડતી, પણ આ બધી ઘટનાઓમાંથી ક્યાંકને ક્યાંક વાર્તાઓનું કથાબીજ એમને મળતું રહેતું.

જ્યારે જ્યારે વીવીઆઇપી વ્યક્તિઓ કચ્છ આવતી ત્યારે ગૌતમભાને દિવસરાત કામગીરી કરવી પડતી. કચ્છનાં ભૂકંપ પછી રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ત્રણેક દિવસ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગૌતમભાની ડ્યુટી રાષ્ટ્રપતિ સાથે હતી. અબ્દુલ કલામસાહેબે કચ્છીભાષાની જાણકારી ગૌતમભા પાસેથી મેળવી બંદૂક સાથે કલમ ચલાવનાર એમના હાથની તારીફ કરી હતી.

એક વાર કચ્છની બોર્ડર ઉપર બીએસએફના ડીઆઇજી તરીકે મનોહરલાલ બાથમની નિમણૂક થઈ. મનોહરલાલ બાથમ પણ સ્વભાવે કડક શિસ્તપ્રિય હતા પણ એમની અંદર એક કવિ જીવ પણ જીવતો હતો. કચ્છની બોર્ડર ઉપર બીએસએફના વડા તરીકે ફરજ નિભાવતા નિભાવતા કચ્છના સુરખાબ, રણ કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ પર હિન્દી કાવ્ય લખી કાવ્યસંગ્રહ ‘સરહદ’ના નામે પ્રકાશિત કર્યું. કચ્છનું આલેખન કરતાં આ કાવ્યોથી કચ્છીઓ જ વંચિત રહી જાય એ કેમ ચાલે? પણ હિન્દીમાંથી કચ્છીમાં રૂપાંતર કોણ કરે એ જ ગડમથલ કરતા રહ્યા ત્યાં એમનો પરિચય ગૌતમભા સાથે થયો. સીઆઇડી ગૌતમભા કચ્છી સાહિત્યકાર છે એ જાણી ઊછળી પડ્યા.. એમના હિન્દી કાવ્યસંગ્રહને કચ્છીમાં રૂપાંતર કરવા વિનંતી કરી અને ગૌતમભાની કલમમાંથી ‘સરહદ’નું રૂપાંતરિત કાવ્યોનું પુષ્પગુચ્છ કચ્છને મળ્યું. ‘સરહદ’ પુસ્તકરૂપે કચ્છી સાહિત્ય એકૅડમી દ્વારા પ્રકાશિત થઈ પ્રશંસા પામ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક માણસાઈના દીવાનું ‘માણસાઈ જા ડીયા’ નામે લખ્યું. એ સમયે મુંબઈના ડૉ. રમેશ દેઢિયાના તંત્રીપદે ‘પગદંડી’ સામયિકમાં સતત પાંચ વર્ષ સુધી ધારાવાહિક રૂપે છપાયું અને લોકપ્રિય થયું. એક તબીબ અને એક સીઆઇડીએ ભેગા મળીને કચ્છી સાહિત્યને નવું આયામ આપ્યું. પાછળથી ‘માણસાઈ જા ડિયા’ પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયું.

ગૌતમભાની સૌથી મસમોટી પ્રદાનતા હવે આવે છે. શ્રીમદ ભાગવત, રામાયણ, શિવપુરાણ કચ્છીમાં લખવા (રૂપાંતર નહીં) એ કલ્પના બહારની વાત હતી, પણ ગૌતમભાને ધૂન ચડી એટલે કચ્છ જ્યોતિ નામના કચ્છના અખબારમાં પાંચ પાંચ વર્ષ સુધી શ્રીમદ ભાગવત કચ્છીમાં લખી અનહદ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. માધાપરના નારાયણભા રાજાણીએ પોતાના ખર્ચે એને પુસ્તક તરીકે પ્રગટ કર્યું. એટલું જ નહીં કચ્છી શ્રીમદ ભાગવતની પાંચ-પાંચ આવૃત્તિ પ્રકાશિત કરવી પડી. છતાં આ પુસ્તક અત્યારે અપ્રાપ્ત છે. એ જ રીતે શિવકથાને ‘શિવસૃષ્ટિ’ના નામે લખી પ્રકટ કરી પોતાના અભ્યાસી જ્ઞાનનો પરિચય આપ્યો.

એમણે કચ્છીમાં રામાયણ લખ્યું. રામાયણ પણ ત્રણ વર્ષ સુધી દૈનિક ધોરણે છપાતું. ગૌતમભાએ સ્વખર્ચે રામાયણને પુસ્તક આકારે પ્રકાશિત કરવાનું સાહસ કર્યું. એનો પ્રથમ ભાગ ‘બાલકાંડ’ પ્રકાશિત થયો. બાકીના ભાગ પ્રકાશિત કરવા તૈયારી શરૂ થઈ. બધું મટિરિયલ ભુજની પ્રેસ પર પહોંચી ગયું, ત્યાં ૨૬મી જાન્યુઆરીએ ધરતીકંપ થયો. આખી પ્રેસ અને રામાયણના તમામ ભાગ ધરતીકંપમાં નેસ્તનાબૂદ થયેલા જોઈ ગૌતમભા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયા. ઉપરથી પ્રકાશન ખોટમાં જતાં દેવું વધી ગયું. આ ઇમાનદાર ઑફિસરની ઊંઘ હરામ થઈ ગઈ ત્યારે એમનાં પત્ની ઇન્દિરાબેને પોતાના બધા દાગીના એમના હાથમાં મૂકી દીધા અને પત્નીના આ ત્યાગથી હસમુખભાની આંખો ફરીથી આંસુથી તગતગી ઊઠી.

હસમુખભાઈએ નિજાનંદ ખાતર કચ્છીમાં પચ્ચીસ અને ગુજરાતીમાં ત્રણ એમ કુલ અઠ્યાવીસ જેટલાં પુસ્તકો, નવલકથા, વાર્તાસંગ્રહ ઇત્યાદિ રૂપે આપ્યાં. કચ્છીમાં પુસ્તકો લખીને પ્રકાશિત કરવા એ ખાવાના ખેલ નથી, જરૂર પડે ત્યાં સ્વખર્ચે પુસ્તકો પ્રકાશિત કર્યા. એમને બીડી, તંબાકુ, મદિરાનું વ્યસન નથી એટલે મનમાં વિચારતા કે વ્યસનોમાં બચેલા મારા પૈસા આ સદ્પ્રવૃત્તિમાં વાપરી કચ્છી ભાષાના સૂર્યને અંજલિ આપતો રહીશ.

હસમુખભાઈના દાદા માધવબાપા, પિતા શાંતિલાલભા, પુત્ર ચેતન જે હાલમાં રાજકોટ ખાતે ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે એમ ચાર-ચાર પેઢી પોલીસ ખાતામાં સેવા કરી ખાનદાનને મળેલ ‘મેજરસાબ’ની ખાનદાની ઉપમાને સાર્થક કરી છે. એમના પુત્ર હાર્દિક વનરક્ષક અધિકારી તરીકે કચ્છમાં સેવા આપે છે. બન્ને પુત્રો પણ ક્યારેક કાવ્યસર્જન કરી લે છે.

મનમાં બહાદુરી અને હૈયામાં લેખકની કુમાશ ભરીને જીવનારા આ નોખી માટીના નોખા માડુને કચ્છી સાહિત્ય સભા દ્વારા સાહિત્યરત્ન અને શ્રીમતી તારામતી વસનજી ગાલા સાહિત્યકલા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીનાં કાશ્મીરાબેન મહેતા એમની કચ્છી વાર્તાઓનું ગુજરાતીમાં રૂપાંતર કરી રહ્યાં છે. એમણે લખેલું સાડાચારસો પાનાંનું ગુજરાતી પુસ્તક ‘રંગમંચ’માં કચ્છની નાટ્યપ્રવૃત્તિ ઇતિહાસનું અદ્ભુત આલેખન થયું છે. અખબારમાં અવાર-નવાર પ્રસિદ્ધ થતી એમની કચ્છી ટૂંકી વાર્તાઓ આ લખનાર પણ વાંચીને મંત્રમુગ્ધ બની ગયો છે.

કચ્છી કથાકથન કરનાર ધીરજ છેડાથી ઉત્તમ છેડા સુધી, કચ્છી કટાક્ષ કવિ તેજથી મણિલાલ રાંભિયા ‘અશ્ક’ સુધી, કચ્છી સાહિત્યકાર પદ્મશ્રી નારાયણ જોષીથી હસમુખ જોષી સુધીના કચ્છી સાહિત્યના દીપકને ઝળહળતો રાખ્યો છે. એટલે જ હસમુખભાની ષષ્ટિ-પૂર્તિની ઉજવણીની તૈયારી કોરોનાને કારણે અત્યારે મંદ ગતિમાં છે, પણ આ અલગારી સાહિત્યકારને પોંખવા વિજયાદશમીના દિવસે ભુજ ઘેલું થશે જ થશે.  ‘મિડ-ડે’ વતી આવા અલગારી સર્જકનું અભિવાદન કરી વિરમું છું. અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 06:07 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK