પહેલાં મારા હસબન્ડ રોમૅન્ટિક હતા, પણ હવે બીજી છોકરી ગમે છે એટલે મારા પર શંકા કરે છે

Published: 10th November, 2011 19:04 IST

મારાં લગ્નને અઢી વર્ષ થયાં. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ. પતિ એક મલ્ટિનૅશનલ કંપનીમાં મોટી પોસ્ટ પર છે અને હું એક નાની ફર્મમાં મૅનેજર છું. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે. જોકે નવાં-નવાં લગ્ન થયાં ત્યારે તેમણે મને પ્રેમલગ્ન કરતાંય વધુ રોમૅન્ટિક પળો આપી છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને અઢી વર્ષ થયાં. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ. પતિ એક મલ્ટિનૅશનલ કંપનીમાં મોટી પોસ્ટ પર છે અને હું એક નાની ફર્મમાં મૅનેજર છું. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે. જોકે નવાં-નવાં લગ્ન થયાં ત્યારે તેમણે મને પ્રેમલગ્ન કરતાંય વધુ રોમૅન્ટિક પળો આપી છે. છેલ્લા છ-આઠ મહિનાથી તેઓ ખૂબ ઠંડા રહ્યા છે. રાતે ઘરે આવીને માંડ વાતચીત કરે અને તરત સૂઈ જાય. હમણાંથી મને એવું જાણવા મળ્યું છે કે છેલ્લાં બે વર્ષથી મારા પતિને તેમની ઑફિસની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે. ઑફિસથી તેઓ સાંજે સાત વાગ્યે નીકળી જાય છે, પણ ઘરે આવતાં હંમેશાં અગિયાર વાગી જાય છે. ક્યારેક ઑફિસના કામનું બહાનું કાઢે તો ક્યારેક કહે કે દોસ્તો સાથે બહાર ફરવા ગયો હતો. મેં બે-ત્રણ વાર ઑફિસમાં ફોન કર્યો તો તેઓ ઑફિસમાંથી તો ક્યારનાય નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું. મોડું થવા વિશે પૂછું તો રાતે ઘરે આવીને પાછા મને જ ધમકાવે છે. રોજના ઝઘડાને કારણે અમારી વચ્ચે સીધા મોંએ વાતચીત પણ નથી થતી. તેમના અત્યારના લફરા વિશે તેમની જ ઑફિસના એક મિત્રે મને કહ્યું છે. હું તે યુવતીને મળી તો તે કહે છે કે તેને મારા પતિ સાથે કશું જ નથી. મારા પતિને આ વાતની ખબર પડી તો તેઓ ગુસ્સાથી તપી ગયા અને હવે તો ઘરમાં એક અક્ષરનીયે વાતચીત નથી થતી. આ ઘટના પછી તો તેઓ વધુ મોડા ઘરે આવે છે અને હું હવે તેમને વફાદાર નથી રહી એવો અવળો આરોપ મૂકે છે. તેઓ ઑફિસમાં ફોન કરીને ઊલટતપાસ કરે છે અને સાંજે ઑફિસથી આવતાં શાકભાજી લેવાનું પણ મોડું થાય તો તરત ફોન કરીને શું કરે છે અને શું નહીં એવી જાંચતપાસ કરે છે. માર્કેટનો અવાજ સાંભળીને તેમણે સીધી એ જ શંકા કરી કે હું કોઈકની સાથે ફરવા નીકળી છું. તેઓ ઊલટાનું મારા ચારિત્ર્ય પર શંકા કરે છે. આખો દિવસ આના વિચારો કરીને હું ખૂબ જ ત્રાસી ગઈ છું.

- માટુંગા

જવાબ : જ્યારે લગ્નજીવનનો મુખ્ય પાયો જ હલબલી ગયો હોય ત્યારે કલહ અને ક્લેશ થવાના જ. તમે પતિ પર શંકા કરો છો અને પતિ તમારા પર શંકા કરે છે. તમારા પતિ તમારી સાથે ઓછી રોમૅન્ટિક રીતે વાત કરે છે એનો સીધો મતલબ તેમને બીજા કોઈમાં રસ પડી ગયો છે એવું ન મનાય. હું સમજી શકું છું કે પતિ બીજા કોઈ તરફ નજર ઉઠાવીને જુએ છે એ વાત પચાવવી સહેલી નથી હોતી, પરંતુ જ્યારે શંકા થાય ત્યારે છૂપી રીતે પૂછપરછ કરવાથી અને અવિશ્વાસ પેદા કરવાથી એ પરિસ્થિતિને વધુ બગાડે છે. એમાંય પતિ-પત્નીના સંબંધોમાં જ્યારે પણ શંકા પેદા થાય ત્યારે ત્રીજી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મૂકવા કરતાં એકમેક પર વિશ્વાસ મૂકવાનું પહેલાં પસંદ કરવું.

તમારા પતિ પર અવિશ્વાસ મૂકવાની શરૂઆત તમે કરી હતી તો વિશ્વાસ મૂકવાની શરૂઆત પણ તમે જ કરો. કદાચ તમને આવું કરવું નહીં ગમે, પરંતુ સંબંધો ફરી પ્રસ્થાપિત કરવા માટે તેમના પર શંકા કરવા બદલ દિલથી માફી માગો. જો ખરેખર કોઈ અફેર નહીં હોય તો તમારી ઊલટતપાસ બંધ થતાં તેમને ઘરમાં આવવાનું અને વાતચીત કરવાનું મન થશે. તમે તેમને અનકન્ડિશનલ પ્રેમ આપવાનું શરૂ કરશો એટલે તેમના તરફથી પણ પ્રેમનો હાથ જરૂર લંબાશે. થોડાક નકારાત્મક અનુભવોને કારણે થોડીક વાર લાગે તોય ચિંતા કરશો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK