Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી

ટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી

08 July, 2020 09:31 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી

ધર્મેશ મહેતા

ધર્મેશ મહેતા


‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’ જેવી સુપરહિટ સિરિયલથી માંડીને ‘પપ્પા, તમને નહીં સમજાય’ અને ‘ચીલઝડપ’ જેવી ગુજરાતી ફિલ્મો અને અઢળક ગુજરાતી નાટકો ડિરેક્ટ-પ્રોડ્યુસ કરી ચૂકેલા ધર્મેશ મહેતા માને છે કે જન્ક ફૂડની સામે આપણી પણ અનેક વરાઇટી એવી છે જે ફટાફટ અને ચપટી વગાડતાં તૈયાર થઈ જાય છે. રશ્મિન શાહ સાથેની વાતચીતમાં ધર્મેશ મહેતા પોતાના ફૂડી સ્વભાવની વાતો શૅર કરે છે

મને બધું ભાવે, એક પણ વરાઇટી એવી નહીં કે જેમાં મારી ના હોય. સાઉથ ઇન્ડિયનથી માંડીને પંજાબી, મેક્સિકન, કૉન્ટિનેન્ટલ, થાઇ, ચાઇનીઝ. બધેબધી ડિશ મને ભાવે. હું એટલો ફૂડી છું કે શૂટ માટે આઉટડોર પર જવાનું હોય ત્યારે મારા મનમાં પહેલો વિચાર ત્યાંના ફૂડનો આવે. અનેક વખત એવું બન્યું છે કે મેં જતાં પહેલાં જ મોબાઇલમાં એક લિસ્ટ બનાવી લીધું હોય કે મારે ત્યાં જઈને શું-શું ટેસ્ટ કરવું છે. મારી સાથે કામ કરી ચૂકેલા મોટા ભાગના ઍક્ટરોને એ ખબર પણ હોય. જૉની લિવર તો મજાકમાં એવું પણ કહે કે ધર્મેશ, તૂ સિર્ફ ખિલાકર કિસી કા મર્ડર કર સકતા હૈ.
મને જોહાનિસબર્ગમાં ખાવા જેવું શું એની પણ ખબર હોય અને ધોરાજીમાં શું ખાવું જોઈએ એનું પણ હું તમને લિસ્ટ આપી શકું. વારાણસીમાં ક્યાં રબડી ખાવી અને ક્યાં પૂરીભાજી ખાવાં એ પણ મને ખબર છે અને વીરમગામમાં કોની ચા બેસ્ટ એ પણ હું કહી શકું. દરેક જગ્યા, દરેક સિટી, દરેક સ્ટેટ અને કહો કે જે કોઈ કન્ટ્રીમાં ગયો છું એનું ફૂડ મેં ટ્રાય કર્યું છે. હવે તો એવી પરિસ્થિતિ છે કે મારા ફ્રેન્ડ્સ એ સિટીમાં જાય તો મને ફોન કરીને પૂછે કે આ સિટીમાં અમે શું ટેસ્ટ કરીએ.
મોટા ભાગના સિટીમાં હું બને ત્યાં સુધી મારા કોઈ લોકલ ફ્રેન્ડને સાથે લઈ લઉં એટલે ઑથેન્ટિક ફૂડની જગ્યા ઈઝીલી મળી જાય અને સાચા ટેસ્ટની ખબર પડે. અમદાવાદનું કહું તો થિયેટર ઍક્ટર રાગી જાની મારો મિત્ર છે. જ્યારે પણ અમદાવાદ જવાનું બને ત્યારે રાગીને ફોન થઈ જ જાય અને રાતે અમે માણેક ચોક પહોંચી જ જઈએ. માણેક ચોકની પાઉંભાજી, તવાપુલાવ, ગ્વાલિયર ઢોસા, અસર્ફીની કુલ્ફી ખાવાનાં જ ખાવાનાં. ગ્વાલિયર ઢોસા માત્ર અમદાવાદમાં મળે છે. તમે એક વાર ટ્રાય કરજો. સામાન્ય રીતે ઢોસામાં બટર હોય, પણ અહીં બટરમાં ઢોસા હોય છે. માણેક ચોકમાં જ એક જગ્યા છે ‘૩૬પ બિરયાની’. લિટરલી, ૩૬પ ટાઇપની બિરયાની અહીં મળે છે. હું તો યાદ રાખીને એ મેનુમાંથી ડિફરન્ટ બિરયાની ટ્રાય કરતો રહું છું. અત્યાર સુધીમાં સો જેટલી બિરયાની ટેસ્ટ કરી હશે અને બાકીની પણ કરવાનો જ છું. રાજકોટ જાઓ તો પણ લાંબું લિસ્ટ છે. સર્વેશ્વર ચોકમાં મગનનો સમોસા-રગડો, શાસ્ત્રી મેદાનની સામે લારીમાં મળતો સૅન્ડવિચ-રગડો. આ સૅન્ડવિચ-રગડાની ખાસિયત એ કે એ સગડી પર બને છે. રગડામાંથી તમને રીતસર કોલસાની આછીસરખી ખુશ્બૂ આવે. સૅન્ડવિચ-રગડો મેં ક્યાંય જોયો નથી, એ રાજકોટમાં જ મળે છે. આખી સૅન્ડવિચ નાખીને રગડો એના પર પાથરી દે. સૅન્ડવિચ સાથે રગડો કેવો લાગે એ કુતૂહલથી જ મેં એ ટેસ્ટ કર્યો પણ મજા આવી ગઈ. આજુબાજુની સ્કૂલમાં ભણતા છોકરાઓ આવીને એ સૅન્ડવિચ-રગડો જ ખાતા હોય છે.
મુંબઈનું પણ આખું લિસ્ટ છે મારી પાસે. વડાપાંઉ ખાવાં હોય તો ભાસ્કરનાં, દાદરમાં છબીલદાસનાં બટાટાવડા, અમરની પાંઉભાજી, કાંદિવલીમાં ભગવતીનો તવાપુલાવ, બોરીવલીમાં બન્ટીના જૂસ. બન્ટીમાં તમને અઢળક જાતના જૂસ મળે છે. હું માનું છું ત્યાં સુધી બસોથી ત્રણસો જાતના જૂસ મળતા હશે. બન્ટી મારું ઑલટાઇમ ફેવરિટ છે. ઝવેરી બઝારમાં ભગત તારાચંદ છે, ત્યાં પાપડ ચૂરી મળે છે. આ પાપડ ચૂરી મેં એટલી ખાધી છે કે હવે હું પોતે એવી જ પાપડ ચૂરી ઘરે બનાવી શકું છું. આપણે ટૂ-મિનિટ નૂડલ્સના પાછળ પડ્યા છીએ, પણ જો તમે ધારો તો એક મિનિટમાં પાપડ ચૂરી ઘરમાં જ તૈયાર કરીને છોકરાઓને આપી શકો અને એ પણ પેલાં નૂડલ્સ કરતાં હેલ્ધી. મુંબઈ પર આપણે પાછા આવીએ. જુહુ બીચ પર મળતી પાણીપૂરી. મને આજે પણ બીચ પર મળતા પ્યાલી ગોલા ખૂબ ભાવે. એ હાથમાં આવે ત્યાં જ એવું લાગે કે આપણે ફરીથી નાનપણમાં પાછા આવી ગયા. ભાઈદાસનાં વડાપાંઉ, ઑડિટોરિયમની સામે મળતી ફ્રૅન્કી, દાદરમાં પ્રકાશની ભાખરવડી. આ જગ્યાની આસપાસમાં નીકળવાનું બને તો પણ હું ત્યાં જઈ આવું અને આ વરાઇટી ટેસ્ટ કરું જ કરું.
લૉકડાઉન મારા માટે પહેલી વારનો એવો તબક્કો છે કે જેમાં મેં આટલા દિવસ ઘરમાં રહીને બધું ઘરનું જ ખાધું હોય. બાકી દિવસમાં એકાદ વખત તો મેં બહારનું ફૂડ ખાધું જ હોય. ઘરમાં જમવાનું હોય ત્યારે ફુલ મીલ જોઈએ. ફુલ મીલ એટલે રોટલી, દાળ-ભાત, શાક, પાપડ, છાશ, કચુંબરથી લઈને મીઠાઈ સુધ્ધાં હોવી જોઈએ. લૉકડાઉનમાં મીઠાઈ પણ ઘરમાં જ બનતી. લાડુથી માંડીને ગોળપાપડી કે પછી ઘઉંનો શીરો કે એવી વરાઇટી દરરોજ જમવામાં હોય જ.
મને બહુ બધું બનાવતાં નથી આવડતું પણ હા, લિમિટેડ આઇટમ બનાવતાં આવડે. મને રાંધતાં મારી વાઇફ જિજ્ઞાએ શીખવ્યું છે. વીસેક વર્ષ પહેલાં હું આફ્રિકા ગયો ત્યારે ત્યાં ફૂડનો પ્રૉબ્લેમ થયો એટલે હું કામચલાઉ ધોરણે અમુક આઇટમ બનાવતાં શીખ્યો, એમાં રોટલી પણ આવી ગઈ. મારી રોટલી ગોળ નથી થતી. લૉકડાઉનમાં પણ બહુ ટ્રાય કરી, પણ એ ગોળ થતી જ નથી એટલે હવે નક્કી કરી નાખ્યું છે કે ગોળ રોટલી બનાવવાનો પ્રયાસ કરવાનો નહીં અને આમ પણ ગોળ હોય તો જ રોટલી રોટલીનો સ્વાદ આપે એવું પણ નથી તો પછી શું કામ આકારની લપમાં પડવું? તવાપુલાવ હું સારો બનાવી શકું છું. જો બાજુમાં ઊભા રહીને ગાઇડન્સ મળતું રહે તો શાક પણ બનાવી શકું. ફોન પર ગાઇડન્સ મળે તો પણ ચાલે.
હમણાં લૉકડાઉનમાં મેં તવાપુલાવ બનાવ્યો ત્યારે જબરો ગોટાળો થઈ ગયો. ઘરના બધા માટે હું બનાવતો હતો અને એમાં મારાથી ભૂલમાં બે વખત નમક નખાઈ ગયું. તવાપુલાવ થઈ ગયો ખારો ધુધવા જેવો. એ લોકોએ તો ખાવાનું શરૂ પણ કરી દીધું હતું પણ હું જ્યારે જમવા બેઠો ત્યારે ખબર પડી. આવું પહેલી વાર બન્યું હતું એટલે હું પણ જરા મૂંઝાયો પણ જિજ્ઞાએ તરત જ રસ્તો કાઢીને એમાં ખાંડ નાખી નવેસરથી ગરમ કર્યો. ખારાશ પ્રમાણમાં ઘણી એવી ઓછી થઈ ગઈ એટલે જિજ્ઞાએ જ તવાપુલાવમાં દહીં નાખીને નવેસરથી એને પીરસી દીધો. એ પછી ખાવામાં કોઈ પ્રૉબ્લેમ નહોતો.
બહુ હેવી જમાઈ ગયું હોય તો ફૂલઝર સોડા ઘરે ટ્રાય કરજો. એમાં કરવાનું એવું કે સોડા લેવાની અને એ પછી એમાં ઈનો પાઉડર નાખી તરત જ સોડા મોઢે માંડવાની. સોડામાં જાણે કે ફૂલઝર થતી હોય એમ આખી સોડા બહાર આવવા માટે રીતસર ભાગશે. પીવાની પણ બહુ મજા આવશે.
હું માનું છું કે દરેકને ફૂડ બનાવતાં આવડવું જોઈએ. ઍટ લીસ્ટ કામચલાઉ તો આવડવું જ જોઈએ. લૉકડાઉનમાં મારી દીકરી રાજવી અને દીકરો નમન પણ ચા-કૉફી અને બીજી આઇટમ બનાવતાં શીખ્યાં. તેમને કિચનમાં કામ કરતાં જોઈને મને સાચે જ લાગ્યું કે લૉકડાઉન વસૂલ છે.



કડવું, તીખું, ગળ્યું, ઠંડું બધું જ ભાવે


હું તમને મારો એક પ્લસ પૉઇન્ટ કહું. દરેક વસ્તુને એક્સ્ટ્રિમ લેવલ પર હું ટ્રાય કરી શકું. તીખી તમતમતી વરાઇટી પણ હું આરામથી ખાઈ શકું અને બરફથી પણ ઠંડી હોય એવી વરાઇટી પણ મારાથી ખાઈ શકાય તો કડવું કરિયાતું પણ હું કોલ્ડ ડ્રિન્ક્સની જેમ આસાનીથી પી શકું. કોઈ એક ટેસ્ટ મારો ફેવરિટ નથી. તીખું શાક ખાવા મળે તો એ પણ મને ભાવે અને ઘીથી લથબથ ઘારી હોય તો પણ મને ભાવે. જો કોઈ એવું કહે કે ફલાણી જગ્યાએ આદું-કારેલાંનો જૂસ મળે છે એ પૉપ્યુલર છે તો હું એ પણ પીવા જાઉં અને પેટ ભરીને પીઉં.

આ રીતે પાપડ ચૂરી અને બ્રેડ કુકીઝ ટ્રાય કરી જોજો


પુલાવ સિવાય જો બીજી કોઈ આઇટમમાં મારી માસ્ટરી હોય તો એ છે પાપડ ચૂરી. ચોખાના પાપડને શેકી એનો ભૂકો કરી નાખવાનો અને પછી એમાં બટર, ટમેટા, વટાણા, લીલું મરચું, તીખાશ મુજબ લાલ મરચું પાઉડર, જીરું પાઉડર અને જો સુગંધ ગમતી હોય તો જરા હિંગ નાખવાની. બધું મિક્સ કરીને એમાં કોથમીર ઍડ કરવાની અને એ પછી પ્લેટમાં લઈને એના પર ચીઝનું ગાર્નિશિંગ કરવાનું. મૅગી કે એવાં બીજાં નૂડલ્સ ખવડાવવાને બદલે બાળકોને આવી આઇટમ તરફ વાળવાં જોઈએ. બ્રેડ કુકીઝ પણ મને સરસ બનાવતાં આવડે છે. બ્રેડના રાઉન્ડ પીસ કરી બે બ્રેડની વચ્ચે ડેરીમિલ્ક ચૉકલેટનો એક પીસ મૂકી દેવાનો અને એ પછી એને બેક કરી નાખવાનું. ચૉકલેટ મેલ્ટ થઈ જશે અને બ્રેડ સહેજ હાર્ડ. એક વાર ટેસ્ટ કરજો, ખાવાની બહુ મજા આવશે અને બેથી ત્રણ મિનિટમાં બની પણ જશે.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 09:31 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK