ઇગતપુરી, અહીં સર્વે ઇચ્છાઓ થશે પૂરી...

Published: 24th December, 2020 15:49 IST | Alpa Nirmal | Mumbai

મહારાષ્ટ્રના આ નાનકડા- રૂપકડા હિલ સ્ટેશનનો વિકાસ બહુ થયો છે છતાં એની દિવ્યતા અકબંધ રહી છે

જો તમને મનમાં પ્રશ્ન થાય કે ઇઝ ઇગતપુરી વર્થ વિઝિટિંગ?

તો આપણો પેલો શિયાળે સોરઠવાળો લોકદુહો યાદ કરો. એ દુહો અહીં અલગ ફૉર્મેટમાં.

શિયાળે આ શહેર ભલું ને

ઉનાળે ઠંડુંગાર, ચોમાસે અહીં જલસા ઘણા

વ્હાલા, ઈગતપુરી બારેમાસ...

ખરેખર, ઠંડીની સીઝનમાં અહીં ધુમ્મસની ધજા લહેરાય છે. તો મૉન્સૂનમાં ચારે બાજુ પથરાયેલા નાના-મોટા ડુંગરાઓની હારમાળાઓમાંથી ફૂટી નીકળતાં અસંખ્ય ઝરણાંઓનો ઝગમગાટ હૃદયને ભીનું-ભીનું કરી દે છે. અને ઉનાળે તન-મનને ટાઢક આપતી પશ્ચિમી ઘાટની ગિરિશૃંખલાઓ... આ જ પરિબળો ઇગતપુરીને મસ્ટ વિઝિટ પ્લેસમાં સ્થાન અપાવે છે.

મુંબઈથી ૧૩૫ કિલોમીટરના અંતરે આવેલા ઇગતપુરી જવા ટ્રેન અને રોડ-વેની બેઉ ફૅસિલિટી ફર્સ્ટ ક્લાસ છે. ઈઝી અપ્રોચ હોવાને કારણે જ વીક-એન્ડ આવતાં વ્યસ્ત મુંબઈગરો હેડ્સ ટુ ધિસ પ્લેસ.

હવે અહીંના ટૉપ અટ્રૅક્શનની વાત કરીએ તો સૌપ્રથમ અહીંની મોસમ જ તમને મદહોશ કરી દેવા પૂરતી છે. છતાં ઇગતપુરીની આજુબાજુ આવેલા ભાવલી ડૅમ, વૈતરણા ડૅમ, હૃષ્ટપુષ્ટ વૈતરણા લેક પરના વૉટરફૉલ્સ, કૅમલ વૅલી, ભાત્સા રિવર વૅલી, દારણા ડૅમના સરાઉન્ડિંગના નેચર પાર્ક, માડણગઢના સપાટ માઉન્ટન કારોલી ઘાટ, મહારાષ્ટ્રના ઐતિહાસિક સિમ્બૉલ સમ ભાસ્કરગઢ ઇગતપુરીને વધુ મોહનીય બનાવે છે.

ઇગતપુરીની વાત કરતા હોઈએ ને ધમ્મગિરિની વાત ન કરીએ એ ન જ ચાલે. આ ઇન્ટરનૅશનલ વિપશ્યના મેડિટેશન સેન્ટરે ઇગતપુરીને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. ભવ્ય શબ્દ વામણો લાગે એવા સંકુલના મ્યાનમાર ગેટમાં પ્રવેશતાં જ સુકૂનની અનુભૂતિ થાય છે. અહીંનો સોનેરી પગોડા પણ ધ્યાનાકર્ષક. વેલ, ફિલોસૉફિકલ વાતો પછી ફનની વાત કરીએ તો અહીં દિલ સે બચ્ચા વયસ્કોથી લઈ કિડ્સ કંપનીને મજા પડી જાય એવી અનેક ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ પણ છે. વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુરીમાં હરણાંઓની ગેલમસ્તી માણો કે પછી વિહંગોના કલરવમાં ખોવાઈ જાઓ. જોશ અને જોમ હોય તો ટિંગલવાડી ફોર્ટની ટોચે પહોંચો કે કળશુબાઈ શિખરની મુલાકાત લો. અમૃતેશ્વર શિવાલય ઘંટાદેવી મંદિરે મથ્થા ટેકો કે શાંત સરોવરમાં નૌકાવિહારે ઊપડો... અહીં તમારી બધી જ ઇચ્છાઓ-એષણાઓ પૂરી થશે જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK