ગર્લફ્રેન્ડ છે પણ પ્રેમમાં પડવાની ફીલિંગ કે બ્રેક-અપની પીડા થતી નથી

Published: 6th December, 2012 08:47 IST

બહેન, મારી સમસ્યા એકદમ વિચિત્ર છે. હું ઓવર-રોમૅન્ટિક છું એવું મારા બધા ફ્રેન્ડ્સનું કહેવું છે. કૉલેજમાં મારા ગ્રુપમાં ઘણી છોકરીઓ છે. એમાંથી એક-બે છોકરીઓને મેં લાઇન મારવાની કોશિશ પણ કરી છે. જોકે મારા બીજા ફ્રેન્ડ્સને પ્રેમમાં જેમ પાગલપનનો અનુભવ થાય છે એવું મને ક્યારેય નથી થયું.(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ :
બહેન, મારી સમસ્યા એકદમ વિચિત્ર છે. હું ઓવર-રોમૅન્ટિક છું એવું મારા બધા ફ્રેન્ડ્સનું કહેવું છે. કૉલેજમાં મારા ગ્રુપમાં ઘણી છોકરીઓ છે. એમાંથી એક-બે છોકરીઓને મેં લાઇન મારવાની કોશિશ પણ કરી છે. જોકે મારા બીજા ફ્રેન્ડ્સને પ્રેમમાં જેમ પાગલપનનો અનુભવ થાય છે એવું મને ક્યારેય નથી થયું. મને તો બધી જ છોકરીઓ ગમે છે અને એમાંથી કોઈ પણ મળી જાય તો ચાલશે એવું લાગે છે. મારા ફ્રેન્ડ્સને તો ફિલ્મોમાં કહેવાતું હોય છે એમ આખો દિવસ તેમની ગર્લફ્રેન્ડના જ વિચારો આવે છે. તેને જોતાં જાણે હવા ફૂંકાવા લાગે છે અને પોતે સપનામાં સરી પડે છે. મને એવું કાંઈ જ થતું નથી એટલે જ મારા દોસ્તો કહે છે જે ક્યાં જ્યાં સુધી આવુંબધું ન થાય ત્યાં સુધી કોઈ છોકરીને પ્રપોઝ નહીં કરવાનું.

હું ૨૧ વર્ષનો છું. રોમૅન્ટિક હોવાની સાથે થોડોક પ્રૅક્ટિકલ પણ છું. આ પહેલાં મારાં બે બ્રેક-અપ થયાં, પણ મને એનું જરાય દુ:ખ નથી થતું. મારે જાણવું છે કે શું ખરેખર પ્રેમમાં પડીએ તો આવી ફિલ્મોમાં દેખાડાય છે એવી ફીલિંગ થાય? હું ખરેખર મારી હાલની ગર્લફ્રેન્ડને જોઈને આવુંબધું અનુભવવાની કોશિશ કરું છું, પણ ખરેખર કાંઈ નથી થતું. મારી ગર્લફ્રેન્ડ પણ મને કહે છે કે હું ફ્લર્ટ છું, રોમૅન્ટિક નહીં. મારે શું કરવું? 

- વિલે પાર્લે

જવાબ :
પ્રેમની લાગણી ખૂબ જ સહજ છે. એમાં પ્રયત્ન કે પ્રૅક્ટિસ કરવાની ન હોય. જોકે તમે જે ઉંમરે છો એમાં સહજપણે વિજાતીય આકર્ષણ અનુભવાય. તમે એ વિજાતીય આકર્ષણને પ્રેમ માની બેસો છો અને ગર્લફ્રેન્ડ બનાવો છો. આવા ઉપરછલ્લું આકર્ષણ ધરાવતા સંબંધો તૂટે તો એનાથી દુ:ખ ન થાય એ પણ એટલું જ સ્વાભાવિક છે.

તમે ફિલ્મોમાં દેખાડાય છે એવી ફીલિંગની શોધ કરતા હશો તો એ મૃગજળ શોધવા જેવું થશે, કેમ કે દરેક વ્યક્તિની પ્રેમમાં પડ્યા પછીની લાગણી એકદમ યુનિક હોય છે.

તમારા માટે એક બાબત વિચારવા જેવી લાગે છે કે તમે જુવાનીના જોશમાં ક્યાંક સંબંધોને બહુ હળવાશથી તો નથી લેતાને? એક ગર્લફ્રેન્ડ ગઈ તો બીજી આવશે એવા ઍટિટ્યુડથી એ વખતની પીડા તો ટળી જાય, પણ સંબંધો પ્રત્યે લાગણી અનુભવવાની ક્ષમતા બુઠ્ઠી થતી જાય.

પ્રેમ અને પ્રૅક્ટિકલિટી બન્નેનું યોગ્ય સંતુલન થાય ત્યારે જ સાચા સંબંધો સ્થાપિત થઈ શકે. તમે અત્યારે મહાપરાણે પ્રેમની લાગણી ઊભી કરવાની કોશિશ કરો છો એની પણ જરૂર નથી. મારી તમને એક જ સલાહ છે કે પ્રેમ થાય તો શું થાય એ વિચારવાનું બંધ કરી દો. તમારા કામમાં ધ્યાન પરોવો. કોઈ જ પૂર્વગ્રંથિઓ વિના દોસ્તો સાથે સમય ગાળો. સમય આવ્યે પ્રેમની લાગણી પેદા થવાની હશે તો થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK