બૉયફ્રેન્ડને તેની ઑફિસની છોકરી વિશે પૂછ્યું અને વાત છેક અબોલા સુધી પહોંચી ગઈ

Published: 7th December, 2011 08:45 IST

મારી ઉંમર ૨૪ વર્ષ છે. કૉલેજના સમયથી એટલે કે લગભગ પાંચ વરસથી હું જે છોકરાને જાણતી હતી તેને મેં પ્રપોઝ કરેલું. છેલ્લાં બે વરસથી અમે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ હતાં. શરૂઆતમાં ખૂબ જ સારું ચાલતું હતું. દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક અમે ફોન પર વાતો કરતા.

 

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. કૉલેજના સમયથી એટલે કે લગભગ પાંચ વરસથી હું જે છોકરાને જાણતી હતી તેને મેં પ્રપોઝ કરેલું. છેલ્લાં બે વરસથી અમે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ હતાં. શરૂઆતમાં ખૂબ જ સારું ચાલતું હતું. દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક અમે ફોન પર વાતો કરતા. રાતના ત્રણ-સાડાત્રણ સુધી વાતો ચાલતી ને તે મને ખૂબ જ ખુશ રાખશે એવું લાગતું હતું. જોકે સમય જતાં અમારી વચ્ચે વાતે-વાતે દલીલો અને મતભેદ વધવા લાગ્યાં. અમે બન્નેએ નવી નોકરી શરૂ કરેલી એટલે વાતો કરવાનો સમય પણ ઓછો થઈ ગયો. જોકે એક દિવસ મેં તેને તેની ઑફિસની એક છોકરી સાથે બસસ્ટૅન્ડ પર જોયો. તે જે રીતે ચીપકીને ઊભેલો એ જોતાં મને દાળમાં કાળું લાગ્યું. સાંજે ફોન પર હસતાં-હસતાં જ મેં તેને પૂછ્યું કે પેલી કોણ હતી? તો પહેલાં તો તેણે હું તેની જાસૂસી કરું છું એ વાતે ઝઘડો કર્યો. વાત આગળ વધી ને તેણે કહી દીધું કે તેને પેલી છોકરી ગમે છે ને તે તેની ખાસ ફ્રેન્ડ છે અને રહેશે. મને ખૂબ ખરાબ લાગ્યું. એ પછી તેણે એટલે સુધી કહી દીધું કે હવેથી જાસૂસી કરવી હોય તો ફોન પર પણ વાત કરવાની જરૂર નથી.

એ પછીના બે દિવસ સુધી તેના ઘણા ફોન આવ્યા, પણ હું ગુસ્સામાં હતી એટલે મેં ફોન જ ન ઉપાડ્યો. ત્રણ-ચાર દિવસ પછી ગુસ્સો ઊતર્યો એટલે મેં ત્રણથી ચાર વાર ફોન કર્યો તો તેણે ફોન ન ઉપાડ્યો. ઊલટાનું કાપી નાખ્યો. જાણે અચાનક જ અમારા સંબંધો તૂટી ગયા. હવે નથી તેનો ફોન આવતો નથી મને તેને ફોન કરવાની હિંમત થતી. આ વાતને એક મહિનો થઈ ગયો. હવે મારે શું સમજવું? અમારું બ્રેક અપ થઈ ગયું છે કે પછી આવું તો પ્રેમમાં થાય? શું ખરેખર તે પેલી છોકરી સાથે જોડાઈ ગયો છે? શું તેને માત્ર ફ્રેન્ડશિપ છે કે પછી તેની ગર્લફ્રેન્ડ બદલાઈ ગઈ? કદાચ એટલે જ તો તેને હવે મારી પડી નથી. હું આખો દિવસ ખૂબ જ મૂડલેસ રહું છું. કંઈ કરવાનું મન નથી થતું. શું કરું?

- સાંતાક્રુઝ

જવાબ : પ્રેમસંબંધોમાં આવી ખાટીમીઠી રકઝક થાય એ સ્વાભાવિક છે, પણ નાના ઝઘડાનું જે મોટું સ્વરૂપ થઈ ગયું છે એ ચિંતાજનક છે. પેલી છોકરી સાથે તેને ખરેખર માત્ર ફ્રેન્ડશિપ છે કે પછી કંઈક વધારે એનો જવાબ મારી પાસે નથી, પરંતુ કદાચ તમે ઉતાવળિયાં થઈને જે રીતે વાત કરી છે એને કારણે અચાનક જ મોટો ઝઘડો થઈને કમ્યુનિકેશન તૂટી ગયું છે.

મને લાગે છે કે તમારે એક વાર તમારો ઈગો બાજુ પર મૂકીને તમારા ફ્રેન્ડને ફોન કરવો જોઈએ. તમારા ઝઘડા પછી જેમ તમને ફોન ઉપાડવાનું મન નહોતું થતું એમ કદાચ અત્યારે તેને પણ તમારી પર ગુસ્સો જ હશે. મનમાં ને મનમાં મૂંઝાવાને બદલે તમે ફોન કરી લો. ન ઉપાડે તો તેની ઑફિસમાં ફોન કરો અથવા તો ત્યાં જઈને મળી લો. આ વખતે દિમાગ ઠંડું રાખજો. મળીને પહેલાં તો શંકા કરવા બદલ માફી માગો. ગુસ્સામાં બેઉ પક્ષે કંઈકેટલુંય એકબીજાને હર્ટ થાય એવું બોલાયું હશે એને ભૂલી જાઓ. જો ખરેખર તેને તમારા માટે હજી પ્રેમ હશે તો માફી માગતાં જ તે પીગળી જશે અને અબોલાનો અંત આવશે. ઊલટતપાસની દૃષ્ટિએ નહીં; કોઈ ટોણો મારતાં હો એમ પણ નહીં, પરંતુ જાણવા માટે થઈને પેલી છોકરી સાથે તેને કેવા સંબંધો છે એ જાણો. કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન કમ્યુનિકેશનથી થઈ શકે છે. અબોલા લઈને નહીં બોલવાથી કે ટણીમાં આવીને વાતચીત બંધ કરી દેવાથી ગેરસમજ જ વધે છે, સમજણ નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK