(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. મારી ગર્લફ્રેન્ડ મારાથી પાંચ વર્ષ નાની છે. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, પણ અમારી જુદી જ્ઞાતિને કારણે અમારા સંબંધો પેરન્ટ્સને પસંદ નથી. મારા ઘરમાં તો મેં કહી દીધું છે કે લગ્ન કરીશ તો આ જ છોકરી સાથે, બાકી નહીં. એટલે તેઓ કૂણા પડ્યા છે. જોકે તેના પેરન્ટ્સ કોઈ વાતે તૈયાર થાય એમ નથી. અમારા કરતાં તેમની જ્ઞાતિ ઊંચી મનાય છે એટલે તેમને વધુ વાંધો છે. મેં તેને ભાગીને કોર્ટમૅરેજ કરી લેવાનું કહ્યું તો તેણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે લગ્ન થશે તો આપણા પેરન્ટ્સની મરજીથી જ, નહીંતર નહીં થાય. તે એવી ઇમોશનલ વાત કરે છે કે આ જન્મમાં નહીં તો આવતા જન્મે મળીશું.
જો બે દિવસ ન મળાય તો તે ખૂબ જ ઇમોશનલ થઈને રડે છે. તેનું કહેવું છે કે તેનાથી નાની બહેનનું એક વાર ગોઠવાઈ જાય એ પછી આપણે ભાગી જઈએ તો ચાલે. મોટી દીકરી ભાગી ગઈ હોય તો એને કારણે નાનીનાં લગ્નમાં અડચણ પડી શકે છે. તેની નાની બહેન હજી માંડ એકવીસ વરસની છે. તેનાં લગ્ન બે-ચાર વરસમાં થાય એવી કોઈ શક્યતા નથી. મને તો ક્યારેક શંકા થાય છે કે તેને મારી સાથે લગ્ન કરવાં જ નથી. હું સારી જૉબ કરું છું, સારો પગાર છે. તેને ખુશ રાખવાના હું બધા જ પ્રયત્નો કરું છું અને તે મારાથી ખુશ છે, પણ લગ્નની બાબતમાં આ અડચણને હું કેવી રીતે ઉકેલું? મારા ઘરમાં હવે પેરન્ટ્સનું દબાણ વધી રહ્યું છે. હું આ છોકરીને એટલોબધો પ્રેમ કરું છું કે ન પૂછો વાત. મારે તેની સાથે જ સાત ફેરા લેવા છે.
- સી. પી. ટૅન્ક
જવાબ : તમારી વાત બહુ ગૂંચવાડાવાળી છે. એક તરફ તમે કહો છો કે તમે બન્ને એકમેકને ખૂબ જ પ્રેમ કરો છો અને એકબીજા વિના રહી નહીં શકો, જ્યારે બીજી તરફ તમને એવી શંકા પણ લાગે છે કે તે તમારી સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી. પ્રેમ હોય ત્યાં શંકા ન હોય.
બીજું, એક રીતે જોવા જઈએ તો તમારી ગર્લફ્રેન્ડની વાત સાચી છે. ભાગીને લગ્ન કરવાં એના કરતાં પેરન્ટ્સને મનાવીને લગ્ન કરવાં એ સાચું પગલું છે. મુંબઈ જેવા શહેરમાં હજીયે જ્ઞાતિને લઈને સમસ્યાઓ સર્જાય છે. સામાજિક દૃષ્ટિએ જોતાં તમારી ગર્લફ્રેન્ડ બહેનની ચિંતા કરે છે એ પણ વાજબી જ છે. આ પરિસ્થિતિમાં શંકા કરવાને બદલે એનો ઉકેલ શોધવો જરૂરી છે. તમારે સામી છાતીએ લડીને તમારો એકમેક માટેનો પ્રેમ પુરવાર કરવો પડશે. ક્યાંક પણ એકમેક માટેની શંકા હોય કે બેમાંથી એકનું મન પણ ઢીલું હશે તો કામ નહીં ચાલે.
તમારી ગર્લફ્રેન્ડને એ સમજાવો કે હવે પહેલાં જેવો જમાનો નથી રહ્યો જેમાં જ્ઞાતિનો સાથ નહીં હોય તો જીવન ન જીવી શકાય. તેણે પોતાના પેરન્ટ્સને સમજાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ. તમે અને તમારા પેરન્ટ્સ પણ જો મળીને તેને મદદ કરો તો જરૂર વાત બનશે. તેના પેરન્ટ્સ પણ નહીં ઇચ્છતા હોય કે દીકરી ભાગીને લગ્ન કરે. તમારા જેવું જ મક્કમ વલણ તમારી ગર્લફ્રેન્ડ પણ બતાવે તો તેના પેરન્ટ્સ જરૂર માનશે. ભાગીને લગ્ન કરશો તો કદાચ નાની બહેનને તકલીફ થાય, પણ જો પેરન્ટ્સની સંમતિથી લગ્ન કરશો તો એટલી તકલીફ નહીં થાય. આ બાબત પણ તેના પેરન્ટ્સને સમજાવવી જરૂરી છે. પેરન્ટ્સ એમ ને એમ માની જવાના નથી; પણ તેમને મનાવવા માટે જે હિંમત, સ્વસ્થતા અને સંવેદનશીલતા જોઈએ એ કેળવવાની જરૂર છે. જો તમે બન્ને મક્કમ હશો તો જરૂર આજે નહીં તો આવતી કાલે મનાવી શકશો. બેમાંથી એક પણ પાત્ર ઢીલું પડશે તો વાસ્તવિકતાને સ્વીકારી લેવી રહી.
છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTહમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે, તો શું કરવું?
25th February, 2021 12:02 ISTઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 ISTશું વિદેશી વાયેગ્રાની કોઇ આડઅસર થાય? લાંબાગાળે મુશ્કેલી આવી શકે?
23rd February, 2021 13:30 IST