મારી ગર્લફ્રેન્ડ તેના પપ્પાથી ડરી ગઈ છે કે ખરેખર મને ભૂલી જવા માગે છે એ જ સમજાતું નથી, શું કરું?

Published: 25th October, 2011 18:05 IST

એક યુવતીને ત્રણ વરસથી પ્રેમ કરું છું. છેલ્લા એક વરસથી અમારા પ્રેમમાં વિઘ્નો ઊભાં થયાં છે. અમારા સંબંધની ખબર પડતાં તેના પપ્પાએ તેની નોકરી છોડાવી દીધી, અમારું મળવાનું બંધ કરાવી દીધું અને તેની આગળપાછળ કડક ચોકીપહેરો મૂકી દીધો હતો.

 

(સેજલ પટેલ)

સવાલ : એક યુવતીને ત્રણ વરસથી પ્રેમ કરું છું. છેલ્લા એક વરસથી અમારા પ્રેમમાં વિઘ્નો ઊભાં થયાં છે. અમારા સંબંધની ખબર પડતાં તેના પપ્પાએ તેની નોકરી છોડાવી દીધી, અમારું મળવાનું બંધ કરાવી દીધું અને તેની આગળપાછળ કડક ચોકીપહેરો મૂકી દીધો હતો. જોકે એ પછી પણ અમે ક્યારેક ચોરીછૂપીથી મળી લેતાં હતાં. તેના ઘરમાં અમારા સંબંધ માટે વિરોધ છે. જોકે અમને બહાર મળતાં જોઈ લીધા પછી તો તેના પપ્પા વધુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે અને તેની સગાઈ પણ નક્કી કરી લીધી છે. ત્રણ-ચાર મહિનામાં લગ્ન પણ કરી નાખવાનાં છે એવી મને તેની સોસાયટીમાં રહેતા એક યુવક તરફથી ખબર પડી છે અને સાથે તેના પપ્પાએ મને એવી ધમકી પણ આપી છે કે જો હું તેમની દીકરીને ફરી મળ્યો તો તેઓ અમને બન્નેને મારી નાખશે. મને આવી ધમકીઓની અસર નથી. મેં ત્રણથી ચાર વાર કોઈક રીતે તેને ચિઠ્ઠીઓ મોેકલીને મળવા બોલાવી છે, પણ હવે તેનું કહેવું છે કે આપણે દૂર થઈ જઈએ એ જ ઠીક રહેશે. આ ધમકીની તો મને કંઈ નથી પડી. તેના માટે હું જીવ આપવા પણ તૈયાર છું. મેં મનોમન નક્કી કર્યું છે કે તેના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. હું તેના ઘરે જઈને બધાની વચ્ચેથી તેનો હાથ પકડીને તેને લઈ આવવા તૈયાર છું, પરંતુ છેલ્લે જ્યારે મેં ચિઠ્ઠી મોકલી ત્યારે તેણે મારી ફ્રેન્ડની બહેન સાથે કહેવડાવેલું કે હવે તે મને ભૂલી જવા માગે છે. શું ખરેખર તે ધમકીને કારણે ડરી ગઈ હશે કે પછી ખરેખર તેના દિલમાંથી હું ભૂંસાઈ ગયો હોઈશ? હું શું કરું?

- હિન્દમાતા

જવાબ : તેના પપ્પાએ જે ધમકી આપી છે એ જોતાં છોકરી ડરી ગઈ હોવાની શક્યતાઓ સૌથી વધુ દેખાય છે, પરંતુ ખરેખર તેના મગજમાં શું હશે એ તો તેની પાસેથી જ જાણવું પડે. ત્રણ વર્ષના સંબંધો દરમ્યાન તમે તેને જેટલું ઓળખી શક્યા છો એ પરથી કંઈક સમજવાની જાતે કોશિશ કરો એ જ બહેતર છે. તે ચોરીછૂપીથી તમને મળવા આવતી હતી એટલે ધારી શકાય કે તેને પ્રેમ છે, પરંતુ ઘર તરફથી દબાણ થયું એ પછી ઘરના લોકોની સામે બોલવાની તેની હિંમત નહીં થતી હોય.

એક વાત યાદ રાખવી કે પ્રેમમાં હંમેશાં બે હાથે તાળી પડે. એમાં બન્ને પક્ષોએ હિંમત દાખવાય તો જ મિલન શક્ય છે. તમે ગમે એટલી બહાદુરી બતાવો, પરંતુ તે પણ ખૂલીને તમારી જેમ મેદાનમાં પડવા તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ હાથ નથી લાગવાનું. જો તેની હિંમત ઓછી પડતી હોય તો તમે તેને હિંમત આપો. તેને મળીને કોઈ પણ પ્રકારનું દબાણ કર્યા વિના તે શા માટે હવે ભૂલી જવાની વાત કરે છે એ સમજો. છેલ્લે તમે તેને કહો કે જો તે ઘરવાળાઓ સાથે થોડીક હિંમતપૂર્વક તમારા પ્રેમનો એકરાર કરશે તો તમે એ પછી આવનારા તમામ ઝંઝાવાતો સામે લડી લેવા તૈયાર છો. એ પછીય જો તેનું મન ન માને તો દબાણ કરવામાં સાર નથી એમ સમજવું.

છેલ્લે, આ છોકરી નહીં તો બીજું કોઈ નહીં એવા વિચારો લાગણીશીલ અવસ્થા સૂચવે છે. જીવન લાગણીથી ભીનું રહે છે, પણ લાગણીશીલતામાં તણાવાથી રોળાઈ જવાય. તમે તમારા પ્રેમને મેળવી શકો એ માટે ઑલ ધ બેસ્ટ, પણ ધારો કે ન મળે તો એટલું યાદ રાખજો કે કોઈનાય વિના કોઈનીય દુનિયા અટકતી નથી અને અટકવી પણ ન જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK