“અમારાં લવમૅરેજથી સાસુમા ખુશ નથી અને પરેશાન કરે છે, શું કરું?”

Published: 19th October, 2011 15:50 IST

હું કૉલેજના છેલ્લા વરસમાં હતી ત્યારે જ મને પ્રેમ થઈ ગયેલો અને સાત મહિનામાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. મારા પેરન્ટ્સને આ સંબંધ મંજૂર નહોતો એટલે તેઓ મને બીજે પરણાવી દેવાની કોશિશ કરી રહ્યા હતા. મારી સાસુને પણ હું ખાસ પસંદ નહોતી, પણ સસરાએ અમને બન્નેને પૂરો સપોર્ટ આપેલો. નવ મહિના પહેલાં જ મારાં લવમૅરેજ થયાં છે.

 

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું કૉલેજના છેલ્લા વરસમાં હતી ત્યારે જ મને પ્રેમ થઈ ગયેલો અને સાત મહિનામાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. મારા પેરન્ટ્સને આ સંબંધ મંજૂર નહોતો એટલે તેઓ મને બીજે પરણાવી દેવાની કોશિશ કરી રહ્યા હતા. મારી સાસુને પણ હું ખાસ પસંદ નહોતી, પણ સસરાએ અમને બન્નેને પૂરો સપોર્ટ આપેલો. નવ મહિના પહેલાં જ મારાં લવમૅરેજ થયાં છે. મારી સાસુ આ લગ્નથી બહુ ખુશ નહોતી, છતાં તેમણે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. મારા હસબન્ડે નવો બિઝનેસ શરૂ કયોર્ છે. શરૂઆત હોવાથી વધુ નફો નથી એટલે મેં પણ નોકરી કરીને આર્થિક રીતે ઘરને સાચવી લેવાનું વિચાર્યું છે. આમેય મારે ભણીને ઘરમાં શો-કેસની જેમ બેસવું તો નહોતું જ. લગ્ન પછીના ત્રીજા જ મહિને મેં નોકરી જૉઇન કરી લીધી છે. જોકે મારી સાસુ ડબલ ઢોલકી છે.

પતિ અને સસરાની સામે કહે છે કે વહુબેટા, તું ઘરની ચિંતા ન કર. સવારે હું ઑફિસે જવા તૈયાર થાઉં એટલે માંદગીનું બહાનું કાઢે. ક્યારેક માથું દુખે છે તો ક્યારેક કમર. ક્યારેક ચક્કર આવે છે તો ક્યારેક નબળાઈ લાગે છે. છ મહિનામાં નહીં-નહીં તો પંદરથી વીસ દિવસ તેમણે મને બીમારીના નામે ઘરે રોકી લીધી. છેલ્લી ઘડીએ ફોન કરીને રજા મૂકવાનું પણ ઠીક નથી હોતું. પહેલાં તો તેમની તબિયત ખરાબ જોઈને હું જાતે જ જવાનું માંડી વાળતી, પણ હવે સમજાય છે કે આ તો તેમની ચાલ છે. હવે તો તેમને કમર દુખતી હોય છતાં હું ઑફિસે જાઉં છું એટલે રોજ રાતે મોટો તમાશો કરે છે. તેમનાથી હલાતું પણ નથી એવું બતાવે છે એટલે મારા હસબન્ડ પણ હવે મારા પર ભડકે છે. મને એ નથી સમજાતું કે ઘરમાં બધું જ કામ કરવા ઘાટી છે અને સવારની રસોઈ બનાવવા માટે બાઈ પણ છે તો પછી તેમને કામ શું કરવું પડે છે?

- સાયન

જવાબ : ઘણી વાર લવમૅરેજ થતાં હોય છે ત્યારે ખાસ કરીને દીકરાની માને એવું લાગવા માંડે છે કે હવે દીકરો તેમના હાથમાંથી જતો રહ્યો છે. આ જ અસલામતીને કારણે તેઓ ન હોય ત્યાંથી વાંધાવચકા ઊભા કરે છે. પૂરી શક્યતાઓ છે કે તેમને આ લગ્ન પસંદ નથી એને કારણે તેઓ આમ બહાનાં કાઢે છે. જોકે તમે ઘરની જ સ્થિતિ સુધારવા માટે નોકરી કરો છો એ વાત પણ તેમને સમજાતી તો હોવી જ જોઈએ.

મને લાગે છે કે તમારે હવે એ શોધવું જોઈએ કે તમારાં લગ્ન તેમને કેમ પસંદ નથી. શું તેમના દિમાગમાં બીજી કોઈ છોકરી હતી અથવા તેમને તમારી સાથે વાંધો છે કે પછી બીજું કંઈ છે? આ બધાથી તમારે ઉશ્કેરાઈને કે ઑફેન્સિવ થઈને લડવાના મૂડમાં આવી જવાની જરૂર નથી. તમે સાસુ સાથે વહુની જેમ નહીં, પણ થોડીક ફ્રેન્ડશિપ કેળવીને રહી શકો ખરાં? થોડોક પ્રયત્ન કરી જોજો. એક વાર તેમના હૈયે ધરપત આવશે કે લગ્ન પછી પણ તેમનો દીકરો તેમનો જ છે એટલું જ નહીં, દીકરીનો પ્રેમ પણ મળી રહ્યો છે તો તેમનું વલણ જરૂર બદલાશે. આ થોડીક લાંબી પ્રોસેસ છે, ઝટપટ બધું સારું થઈ જઈ શકે નહીં. હજી વધુ કડવાશ ગહેરી થાય એ પહેલાં જ પ્રેમથી તેમને જીતી લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK