Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > લૉકડાઉને ઈટિંગ હૅબિટ્સમાં શું ફરક આણ્યો?

લૉકડાઉને ઈટિંગ હૅબિટ્સમાં શું ફરક આણ્યો?

20 April, 2020 08:55 PM IST | Mumbai
Puja Sangani

લૉકડાઉને ઈટિંગ હૅબિટ્સમાં શું ફરક આણ્યો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેમ છો મિત્રો, આ લૉકડાઉને તો ભારે કરી છે. અતિ ગંભીર વાતાવરણ સમગ્ર દેશમાં છવાઈ ગયું છે પણ એ વચ્ચે પણ કેટલીક હળવી ટીખળ કરવાનું મન થઈ જાય છે. જાત-જાતના વિચારો આવે છે. કોરોના વાઇરસ અને એની ખાસિયતો જોઈને સર્જાયેલી સ્થિતિમાં પેલાં સૉન્ગ્સ યાદ આવે છે જેમાં ‘બૉબી’ મૂવીનું સૉન્ગ ‘અંદર સે કોઈ બાહર ના જા સકે, બાહર સે કોઈ અંદર ના આ સકે’ યાદ આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે લૉકડાઉન છે. તો પાછું બીજું પણ એક સૉન્ગ છે ‘સાગર’ મૂવીનું જે કોરોનાના કારણે એકબીજાને અડકવાથી દૂર રહેવાનો નિર્દેશ કરે છે. ‘જાને દો ના, પાસ આઓ ના, છુઓ ના છુઓ ના મુઝે છુઓ ના...’ જેવી સ્થિતિ છે. બન્ને સૉન્ગમાં એક વાત કૉમન છે. બન્ને મૂવીનાં મુખ્ય પાત્રોમાં ડિમ્પલ કાપડિયા અને એવરગ્રીન રિશી કપૂર છે. આપણે ગુજરાતીઓ કોઈકને કોઈક રીતે આફતમાંથી અવસર શોધી જ લઈએ છીએ નહીં? તો આટલી પૂર્વભૂમિકા બાંધવાનો મૂળ હેતુ વાતાવરણને હળવું કરવાનો હતો અને હવે આપણે લૉકડાઉનના કારણે આપણામાં શું-શું ફેરફાર આવ્યા એ વિશે વાતો કરીશું.

ખોરાક અને સમયસર ભોજનનું મહત્ત્વ સમજાયું



લૉકડાઉનના સમય દરમિયાન જીભને તો ચટાકા લાગે જ અને આપણે ખાઈએ પણ છીએ, પરંતુ જ્યારે પેટ સાથ ન આપે ત્યારે શરીરમાં તકલીફો સર્જાય છે. શરૂઆતમાં તો ઉત્સાહમાં આવીને લોકોએ અલગ-અલગ ભોજન કર્યું, પરંતુ પછી યોગ્ય ખોરાક નિયમનનું અને સમયસર જમવાના મહત્ત્વની પણ ખબર પડવા લાગે. આ બાબતે જણાવતાં અમદાવાદનાં નિલોફર મેમણ કહે છે, ‘નોકરી કરતી હોવાથી ખાવાનો સમય સચવાતો નહોતો, પરંતુ એની સાથે હલનચલન અને શરીરને શ્રમ મળતો હોવાથી વાંધો નહોતો આવતો. પરંતુ લૉકડાઉનના કારણે બધું શિથિલ થઈ ગયું છે. આથી હું તો હેલ્થ માટે ખૂબ જ જાગૃતિ રાખું છું અને સમયસર જમી લઉં છું. આ સમય દરમિયાન મને એક સારો અનુભવ થયો જે તબીબો પણ કહેતા જ હોય છે. એકસામટું પેટ ભરીને જમી લેવાના બદલે બે કે ત્રણ કલાકે ભૂખ લાગે ત્યારે હું થોડું-થોડું ખાઉં છે. એના કારણે પેટ ભારે રહેતું નથી અને સ્ફૂર્તિ રહે છે. મારી અનેક સખીઓએ તો દિવસમાં ફક્ત બે વાર જ ખાવાનો નિયમ બનાવ્યો છે. ફ્રૂટ ડિશ હું રોજ ખાઉં. સાથે રોજ નવીન વરાઇટી મારા અને ઘરના સભ્ય માટે પણ બનાવું જેમ કે મંચાઉ સૂપ, નાચોઝ વિથ હોમમેડ સાલસા ડિપ, ભાતની પૅટિસ, બટાટાપૌંઆ, પાણીપૂરી, ગાર્લિક બ્રેડ અને મિષ્ટાન્નમાં રસગુલ્લા, બ્રાઉની વિથ આઇસક્રીમ તથા ડાલગોના ઓરિઓ કૉફી.’ 


રસોઈના પ્રયોગો કરવાની ખૂબ મજા આવે છે

દિવસભર સમય કેમ પસાર કરવો? જે લોકોને રસોઈ કરવી ખૂબ ગમે છે અને અવનવી વાનગીઓ બનાવીને ખવડાવવાનો શોખ છે એ લોકો માટે તો આ બહુ મજાનો સમય છે. સામાન્ય દિવસોમાં પણ પ્રયોગો કરીને નવી વાનગી તો બનાવતા જ હશો, પરંતુ હાલમાં ખાસ્સો નવરાશનો સમય રહેતો હોવાથી રસોઈમાં કોઈને કોઈ સંશોધન કરીને બનાવવાની મજા પડે છે. ઘણીબધી ગૃહિણીઓ છે કે જેઓ નવરાશનો સમય રસોઈના નવા પ્રયોગ કરવામાં પસાર કરે છે. આ બાબતે અમદાવાદમાં પાલડી ખાતે રહેતાં પારુલ શાહ જણાવે છે, ‘મને તો નાનપણથી જ રસોઈકળાનો ખૂબ જ શોખ છે અને ઘરે હું કોઈ સામાન્ય વાનગી બનાવું તો પણ સજાવટ કરીને ફોટો પાડીને વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયામાં શૅર કરતી હોઉં છું. પરંતુ હવે અવનવી વાનગીઓ બનાવવા બાબતે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરું છું અને વિડિયોઝ જોઈને કેવી રીતે વાનગીઓમાં ટ્‍વિસ્ટ અને ટેસ્ટ લાવી શકાય. આ સમય દરમિયાન મને રસોઈકળા બાબતે ખૂબ નવી-નવી બાબતો જાણવા મળી છે. આ દરમિયાન મેં દાળવડાં, સાલ્સા બાઇટ્સ, પનીર પરાઠાં વિથ સૂપ, રોઝી બ્રેડ દહીંવડાં, ડાર્ક ગ્લેઝ ચૉકલેટ મૂસ વગેરે વાનગીઓ બનાવી છે.’


રોજ ખાવા મળે છે અવનવી વસ્તુઓ  

લૉકડાઉન વગર પણ દરરોજ નવીન ખાવા તો મળતું જ હતું, પરંતુ આટલું નિયમિત રીતે તો ક્યારેય મળતું નહોતું. હાલના સમયમાં ઘરના દરેક સભ્ય કોઈને કોઈ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરતા જ હોય છે. આથી દરરોજ ટેસ્ટી અને નવીન પ્રકારની વાનગીઓ બનાવવાનો સમય હોતો નથી, પરંતુ લૉકડાઉનના કારણે મળેલી નવરાશના કારણે ઘર જાણે રેસ્ટોરન્ટ અથવા કૅફેમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગે છે. સવારે નાસ્તાથી લઈને રાતે સૂતી વખતે કંઈક ને કંઈક નવું ખાવા મળે છે. આખા વર્ષમાં જેટલા પ્રકારની વરાઇટી નહીં ખાધી હોય એટલા પ્રકારની વરાઇટી આ એક મહિનામાં ખાઈ લીધી હશે.
આ વિશે સેલવાસ રહેતા શીતલભાઈ ઘીવાલા જણાવે છે, ‘સામાન્ય દિવસોમાં સવારે ટિફિન લઇને હું ઑફિસ ચાલ્યો જાઉં એટલે એમાં મર્યાદિત ભોજન હોય અને રાત્રે પણ વહેલં-મોડું થતું હોવાથી સામાન્ય ભોજન જ લેતો હતો, પરંતુ હવે તો દરરોજ મારી પત્ની અવનવી વાનગી બનાવીને પીરસે છે જેમ કે મસાલા પનીર સાથે ઘઉંના નાન (ઈસ્ટ વગરના), લચકો દાળ ભાત-કઢી સાથે તુવેરદાળ વેડમી/પૂરણપોળી, અનેક પ્રકારના ખમણ જેમ કે નાયલૉન તથા વાટી દાળ અને રસાવાળાં ખમણ, સુરતી લોચા સાથે મીઠી ચટણી, સમોસા, પનીર ચિલી, ફણગાવેલા મગના ઉસળ સાથે તરી, સૅલડ અને પરોઠાં (લૉકડાઉનમાં બ્રેડ ઉપલબ્ધ નથી), નાસ્તામાં ફરસીપૂરી/ગોબાપૂરી વગેરે જેના કારણે ખૂબ જ મજા આવે છે. એટલી બધી વરાઇટી ખાઈ લીધી છે કે હવે તો સવાર પડે અને શું બનાવવું કે ખાવું એનો પ્રશ્ન થાય છે, પણ યુટ્યુબમાં જોઈને નવી રેસિપી બનાવી લઈએ છીએ.’

વર્કઆઉટ કરીને શરીર સૌષ્ઠવ જાળવવાનો સમય

ઘણા લોકોએ તો જાણે આફતને અવસરમાં ફેરવી નાખી છે. મોટા ભાગના લોકો ખાઈપીને મોજ કરવામાં માને છે એની સામે એક વિશાળ વર્ગ એવો પણ છે કે તેઓ રેગ્યુલર વર્કઆઉટ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન તરફ વળી ગયા છે અને પોતાનું શરીર નીરોગી અને આરોગ્યપ્રદ બનાવવામાં વ્યસ્ત છે. આ બાબતે જણાવતાં ઉદ્યોગ સાહસિક અને સામાજિક કાર્યકર પ્રિયાંશી પટેલ જણાવે છે, ‘નૉર્મલ દિવસોમાં તો શરીર માટે વર્કઆઉટ કરતા જ હોઈએ છીએ, પરંતુ મને આ દિવસોમાં સારોએવો સમય મળ્યો છે કે હું મારા શરીરની તાસીરને જાણીને સ્વસ્થ રહેવાય એ માટે કસરત તેમ જ યોગ કરતી હોઉં છું. ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક ખાઉં છું જેથી એવું લાગે છે કે મારું શરીર ખૂબ જ ઍક્ટિવ થઈ ગયું છે અને જાણે કે આ દિવસો મને મારા શરીર માટે મળ્યા હોય એવું લાગે છે. મેં આ સમયમાં ઘણી હેલ્ધી વાનગીઓ બનાવી જેમ કે રાજમા હમસ સાથે પાલક, રાજમા ફલાફલ, બીટ પૅટી સાથે તળેલા રીંગણ, ટમેટા-કાંદા માઇક્રોગ્રીન્સ, નારિયેળ સાથે કાળા ભાત, પુડિંગ પેર અખરોટ સૅલડ સાથે માઇક્રોગ્રીન્સ અને કાળી દ્રાક્ષ (બેરીઝ), કાકડી અને દ્રાક્ષ સૅલડ સાથે પિસ્તાં અને ચિયા સીડ્સ વગેરે.’ 

જૂના મિત્રોને યાદ કરવાનો સમય
આપણી જિંદગીની દોડાદોડમાં તો જાણે જૂની યાદો ભુલાઈ ગઈ હતી, પરંતુ લૉકડાઉનના કારણે એ તાજી થઈ છે. સંબંધોને એક નવો નિખાર અને ગતિ મળ્યાં છે. આ બાબતે જણાવતાં વડોદરા ખાતે રહેતાં અલ્પા દેસાઈ જણાવે છે, ‘હું એક હાઉસવાઇફ છું અને મોટા ભાગનો સમય પરિવાર સાથે વ્યસ્ત રહું છું, પરંતુ લૉકડાઉન દરમિયાન ખાસ્સો સમય મળ્યો છે અને મેં દરરોજ પાંચ એવા મિત્રો અને સગાંસંબંધીઓને ફોન કરીને વાત કરવાનું નક્કી કરેલું છે કે જેમને હું સામાન્ય દિવસોમાં મળી શકતી નહોતી. એના કારણે તમે નહીં માનો કે એટલી બધી નવી વાતો જાણવા મળી, સંબંધો તાજા થઈ ગયા અને એકબીજાને અહેસાસ થયો કે આપણી કોઈ ચિંતા કરે છે. આને સમયનો હું સદુપયોગ માનું છું.’

 

 

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 08:55 PM IST | Mumbai | Puja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK