Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઘરની અંદર કપડાં સૂકવવાની ભૂલ પડી શકે છે ભારે

ઘરની અંદર કપડાં સૂકવવાની ભૂલ પડી શકે છે ભારે

05 December, 2014 06:06 AM IST |

ઘરની અંદર કપડાં સૂકવવાની ભૂલ પડી શકે છે ભારે

ઘરની અંદર કપડાં સૂકવવાની ભૂલ પડી શકે છે ભારે



હેલ્થ-વેલ્થ- જિગીષા જૈન

મુંબઈ શહેરની ઘણી ખાસિયતોમાંની એક ખાસિયત એ છે કે અહીં બધું જ મળી જાય, પરંતુ જગ્યા મળતી નથી. એક કરોડનું ઘર પણ તમે ખરીદો તો એમાં બાલ્કની મળે એની કોઈ ગૅરન્ટી હોતી નથી. ખુલ્લી જગ્યા, બાલ્કની, ટેરેસ, મોટી વૉશિંગ સ્પેસ વગેરે મુંબઈગરાઓના નસીબમાં લખાયેલી હોતી નથી. બીજાં શહેરોમાં આ વસ્તુઓ જરૂરિયાતમાં ગણાય, જ્યારે મુંબઈમાં કોઈના ઘરમાં આ બધું હોય તો એ એક લક્ઝરી છે. પૈસા દીધે પણ એવા ફ્લૅટ્સ મળતા નથી જેમાં વૉશિંગ સ્પેસ અલગથી હોય. મોટા ભાગે લોકો નાહવાના બાથરૂમમાં જ કપડાં ધોતાં હોય છે અને કિચનના બેઝિનમાં વાસણો. બાલ્કની નથી એટલે કપડાં સૂકવવાની પણ તકલીફ હોય. વળી જો રોડની અડોઅડ ઘર હોય તો બારીની બહાર દોરી ટાંગીને કપડાં પણ ન સુકવાય નહીં તો ધોયેલાં કપડાં ગંદાં થઈ જાય. આપણા શહેરમાં ચોમાસાનો વરસાદ હોય કે ઉનાળાનો તાપ, રોડની બાજુનું ઘર હોવાને કારણે કે નાનકડી ખોલી છે એટલે કોઈ પણ કારણોસર કપડાં ઘરમાં સૂકવવાની રીત જોવા મળે છે. ભીનાં કપડાં ઘરની અંદર બંધ બારી-બારણાં સાથે પંખાની નીચે સુકાતાં જોવા મળે છે. ઘરમાં ભીનાં કપડાં સૂકવવાની આ આદત ફક્ત આપણે ત્યાં નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળે છે. પરંતુ જો કોઈ એવું કહે કે આ આદત તમારી હેલ્થ પર મોટો ખતરો હોઈ શકે છે તો તમે માનશો?

તાજેતરમાં મૅન્ચેસ્ટરના નૅશનલ ઍસ્પરજિલૉસિસ સેન્ટરે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં ઘરમાં કપડાં સૂકવતા લોકોને ચેતવવામાં આવ્યા છે કે તેમની આ આદત તેમની હેલ્થ પર મોટો ખતરો છે. એટલે કોઈએ ઘરમાં કપડાં સૂકવવાં નહીં એવું આ ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે. મૅકિન્ટોશ સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, ગ્લાસગોના રિસર્ચ મુજબ ઘરમાં કપડાં સૂકવવાને કારણે ઘરમાં ભેજનું પ્રમાણ ૩૦ ટકા જેટલું વધી જાય છે જેને કારણે ઘરમાં ઍસ્પરજિલસ નામની ફૂગ થવાની શક્યતા ઘણી વધી જાય છે. આ એક પ્રકારની ફૂગ છે જે શ્વાસમાં જતાં સામાન્ય શ્વાસની તકલીફથી લઈને પલ્મનરી ઍસ્પરજિલૉસિસ જેવું ફેફસાનું ખતરનાક ઇન્ફેક્શન પણ થઈ શકે છે જેને કારણે ફેફસાં કાયમી ધોરણે ડૅમેજ થઈ જાય છે. ખાસ કરીને જે લોકોને ફેફસાંની કોઈ પણ પ્રકારની તકલીફ હોય છે જેમ કે અસ્થમા, ઍલર્જી‍, ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ, ક્રૉનિક કફ વગેરે જેવી બીમારી ધરાવતા લોકોને આવા ભેજવાળા વાતાવરણમાં ખૂબ જ હેરાનગતિ થાય છે એટલું જ નહીં; જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને પણ આ પ્રકારની ફૂગ હેરાન કરી શકે છે. જેમ કે જે લોકો બીમાર હોય, જેમને કૅન્સર કે એઇડ્સ જેવી બીમારી હોય અને તેમનો ઇલાજ ચાલુ હોય તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ નબળી હોય છે. વળી નવજાત બાળકોની પણ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેમને પણ આ ફૂગ અસર કરે છે.

બીજાં કારણો

શું ઘરમાં કપડાં સૂકવવાથી જ ઍસ્પરજિલસ નામની ફૂગ ઘરમાં ફેલાય છે? એનો જવાબ આપતાં ડૉ. રૉય હેલ્થ સૉલ્યુશન્સ ક્લિનિક, દાદરના અમેરિકન ર્બોડ સર્ટિફાઇડ અસ્થમા-ઍલર્જી‍ સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સીતેશ રૉય કહે છે, ‘આ ફૂગને ફેલાવવાનું કારણ ભેજ છે. એ કારણોસર ઘરમાં ભેજનું પ્રમાણ વધે એ કારણો આ ફૂગને જન્મ આપે છે અને એને ફેલાવે છે, જેમ કે મુંબઈનાં મોટા ભાગનાં બિલ્ડિંગમાં લીકેજનો પ્રૉબ્લેમ જોવા મળે છે. જ્યાં ખૂબ જ વધારે લીકેજ હોય ત્યાં પાણીના ધાબાની ઉપર પહેલાં લીલા અને પછી કાળા રંગની ફૂગ જામેલી બધાએ જોઈ હશે. આ કાળા રંગની ફૂગ ઍસ્પરજિલસ છે. આ ફૂગ બંધ જગ્યાઓમાં જ જોવા મળે છે જેમ કે ઘર કે ઑફિસ. જે ઘરોમાં ઍરકન્ડિશનની સફાઈ અને સર્વિસિંગ બરાબર થતાં ન હોય, ઓવરઑલ હાઇજિન જે જગ્યાએ ઓછું હોય એવી જગ્યાએ આ ફૂગ ફેલાય છે.

ઍસ્પરજિલૉસિસ

ઍસ્પરજિલસ નામની ફૂગને કારણે જે અલગ-અલગ હેલ્થ પ્રૉબ્લેમ્સ થાય છે એને ઍસ્પરજિલૉસિસ કહે છે. એ કોઈ એક કન્ડિશન નથી, પરંતુ ફૂગને કારણે આવતી હેલ્થ કન્ડિશનનું ગ્રુપ છે. ઍસ્પરજિલસ નામની ફૂગ આમ તો શરીરના કોઈ પણ ભાગમાં ફેલાઈને ઇન્ફેક્શન કરી શકે છે, પરંતુ મોટા ભાગે એ શ્વસનતંત્રને એટલે કે શ્વાસનળી, સાઇનસ અને ફેફસાંને અસરકર્તા છે. જે ઘરમાં આ ફૂગ હોય એ ઘરના લોકોના શ્વાસમાંથી આ ફૂગ તેમનાં ફેફસાંમાં પ્રવેશે છે અને એને ડૅમેજ કરે છે. ઘણી વાર જ્યાં આ ફૂગ વધુ માત્રામાં ફેલાયેલી હોય એ ઘરોમાં ખોરાક વાટે પણ એ વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે. જ્યારે એ શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે ત્યારે કયા પ્રકારનાં લક્ષણોથી જાણી શકાય કે વ્યક્તિને ફંગલ ઇન્ફેક્શન થયું છે એ સમજાવતાં ડૉ. સીતેશ રૉય કહે છે, ‘જેમને ફેફસાંને લગતી કોઈ જ તકલીફ નથી તેવા લોકોને સામાન્ય શરદી, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, વિસલિંગ એટલે કે શ્વાસમાં સિસોટી જેવો અવાજ આવવો વગેરે જેવાં લક્ષણો જણાય છે. આ ઉપરાંત ઍસ્પરજિલસને કારણે એવા રોગ પણ થઈ શકે છે જે ખૂબ જ સિવિયર કન્ડિશન ગણાય છે.’

શું કરવું?

ઍસ્પરજિલસ નામની ફૂગ ખૂબ જ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધુ વિકસે છે જે વાતાવરણ મુંબઈમાં એક વર્ષમાં લગભગ ૮ મહિના રહે જ છે. જ્યારે ખૂબ જ ભેજ વાતાવરણમાં હોય ત્યારે એ ખૂબ જ જરૂરી હોય છે કે ઘરમાં ભેજ વધુ ન રહે એની સાવચેતી તમે રાખો. આ ફૂગ બન્ને રીતે અસર કરે છે. જેમને ફેફસાંનો કે શ્વાસનો પ્રૉબ્લેમ હોય તેવા લોકોને આ ફૂગ અસર કરે છે અને જેમને કોઈ પ્રકારની બીમારી ન હોય છતાં આ ફૂગનો ભરાવો તેમનાં ફેફસાંમાં થાય તો એ અસ્થમા, ઍલર્જી‍ કે બીજી કોઈ પણ ફેફસાની તકલીફ તેમને થઈ શકે છે. એટલે જેમને પ્રૉબ્લેમ છે તેમને તો બચીને રહેવાની જરૂર છે જ, પરંતુ જેમને પ્રૉબ્લેમ નથી તેમણે પણ બચવાની જરૂર છે. આથી ખાસ કરીને ઘરમાં જો લીકેજ હોય તો એને રિપેર કરાવો, ઘરની અંદર બંધ વાતાવરણમાં કપડાં ન સૂકવો, ઘરના ઍરકન્ડિશરની રેગ્યુલર સર્વિસ કરાવો. બને ત્યાં સુધી ઘરમાં હવા-ઉજાસ આવે અને ઘર બંધ ન રહે એનું ખાસ ધ્યાન રાખો.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2014 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK