આજે મળીએ રસોઈમાં ઇનોવેશન લાવનારી મહારાણીઓને

Published: Jan 03, 2020, 19:12 IST | Mumbai Desk

ગુજરાતી ગૃહિણીઓ : શોધ-સંશોધનમાં કોઈથી પાછળ નથી એ વાતની ખાતરી આજે તમને અહીં કેટલીક કુકિંગ ક્વીને જાતે ઇન્વેન્ટ કરેલી વાનગીઓ અને એ બનાવતા થયેલા અનુભવો વિશે જાણીને થઈ જશે

બાર્લી ઍન્ડ બીન રિસોટો
બાર્લી ઍન્ડ બીન રિસોટો

રસોઈ બનાવવી એ ગૃહિણીઓ માટે ચૅલેન્જિંગ ટાસ્ક છે. ગુજરાતી પ્રજા ચટાકેદાર ખાણીપીણીની જબરી શોખીન છે તેથી ગૃહિણીઓએ ઘરના દરેક સભ્યના ટેસ્ટ અને હેલ્થને ધ્યાનમાં રાખી સતત નવું-નવું પીરસવું પડે છે. ટ્રેડિશનલ ડિશ હોય કે કૉન્ટિનેન્ટલ, કંઈક ઇનોવેટિવ ઉમેરો તો બધાને જલસો પડી જાય. જોકે રોજિંદી રસોઈમાં નવીનતા ઉમેરવા મગજ કસવું પડે. આજે આપણે ત્રણ કિચનક્વીન પાસેથી રોજબરોજની સિમ્પલ રસોઈમાં નવીનતા ઉમેરી એને કઈ રીતે સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવી શકાય એ શીખીએ.

મલાડનાં આ બહેને જ્યારે ટ્રાય કર્યું ગુજરાતી-ઇટાલિયન ફ્યુઝન

ભાખરી પનીર ટિક્કા પીત્ઝા
સામગ્રી
બનાવેલી ભાખરી, પનીર ટિક્કા, પીત્ઝા સૉસ, મેયોનીઝ, ચીઝ, બટર
પનીર ટિક્કાની રીત
અડધો કપ ક્યુબ પનીર, અડધો કપ સમારેલા કાંદા, અડધો કપ સમારેલા કૅપ્સિકમ (બન્નેને સ્ક્વેર શેપમાં કાપવા), બે ટેબલસ્પૂન દહીં અથવા યોગર્ટ, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો (બધું હાફ ટેબલસ્પૂન), ચપટી આમચૂર, મીઠું સ્વાદાનુસાર, હાફ ટેબલસ્પૂન બેસન. બધી સામગ્રીને મિક્સ કરી વીસ મિનિટ સાઇડમાં રહેવા દો. ત્યાર બાદ ડ્રાય થાય ત્યાં સુધી ગ્રિલ કરી લો.
પીત્ઝા સૉસની રીત
૩ ટમેટાંની પ્યુરી, એક ટેબલસ્પૂન વાટેલું આદું, બારીક સમારેલો એક કાંદો, એક ટેબલસ્પૂન મરી પાઉડર, એક ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, એક ટેબલસ્પૂન ચિલી ફ્લેક્સ, તેલ, ટમૅટો કેચપ. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં કાંદા, કૅપ્સિકમ અને આદું સાંતળી લો. ટમૅટો પ્યુરી અને બધા મસાલા નાખી ચડવા દો. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
પીત્ઝા બનાવવાની રીત
ઢોસા બનાવવાના તવા પર ભાખરી મૂકો. એના પર બટર, મેયોનીઝ અને પીત્ઝા સૉસ લગાવો. પનીર ટિક્કા પાથરી ચીઝ ભભરાવો. પીત્ઝાને ઢાંકી ધીમી આંચ પર પાંચ મિનિટ ગરમ થવા દો. ગરમાગરમ પીરસો.

બાર્લી ઍન્ડ બીન રિસોટો (બે વ્યક્તિ માટે)
સામગ્રી
અડધી વાટકી પલાળેલા જવ, ૧ ટેબલસ્પૂન બીન્સ, અડધી વાટકી સ્વીટ કૉર્ન અને બ્રૉકલી મિક્સ, અડધી ચમચી ઝીણા સમારેલા કાંદા, બે કળી બારીક સમારેલું લસણ, ૩-૪ ફુદીનાનાં પાન, ૧ ટેબલસ્પૂન લેમન જૂસ, ૧ ટેબલસ્પૂન ઘી, મરી પાઉડર અને મીઠું સ્વાદાનુસાર, બે કપ પાણી.
રીત
પ્રેશર કુકરમાં ઘી ગરમ કરો. એમાં કાંદા અને લસણ નાખી સાંતળો. ત્યાર બાદ જવ અને બીન્સ નાખી ફરી સાંતળો. બ્રૉકલી અને સ્વીટ કૉર્ન નાખો. મીઠું-મરી નાખી પાણી ઉમેરો. પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી ચાર વ્હીસલ વાગવા દો. કુકર ખોલ્યા બાદ જો પાણી રહી ગયું હોય તો એને બાળી નાખો. ગરમાગરમ પીરસો. બાળકોને સર્વ કરતી વખતે ઉપરથી ચીઝ ભભરાવી દો.

હું હેલ્થ કૉન્શિયસ છું અને બાળકોને જન્ક ફૂડ ભાવે છે તેથી નવા-નવા એક્સપરિમેન્ટ કર્યા કરતી હોઉં છું એમ જણાવતાં મલાડનાં ગૃહિણી ખુશ્બૂ દેસાઈ કહે છે, ‘કોઈ પણ નવી ડિશમાં મને ફ્યુઝન વધુ પસંદ છે. એને નામ પણ એવું આપું કે બાળકો ખાવા માટે લલચાય. જોકે આપણે પણ રોજ-રોજ રોટલી-ભાખરી ખાઈને બોર થઈ જઈએ છીએ. મારો પ્રયાસ એવો હોય કે આપણું સ્ટેપલ ફૂડ પેટમાં જાય અને કંઈક નવું ખાધું એવી ફીલિંગ પણ આવે. નવા-નવા પ્રયોગો બાદ ભાખરી પીત્ઝા અને બાર્લી રિસોટો ઘરમાં બધાને ખૂબ ભાવ્યાં. બાર્લી સાથે રિસોટો વર્ડ ઉમેરવાનું કારણ બાળકો જ છે. રિસોટો એટલે રાઇસ પાસ્તા, જેમાં ચીકાશ હોય. બાર્લીમાં પણ ચીકાશ હોય છે જે પાસ્તા જેવું લાગે છે. નામ બદલવાથી તેઓ હેલ્ધી ફૂડ ખાતાં શીખે એમાં ખોટું શું છે?’

આ બહેન દ્વારા બનતા તરી પોહા છે શિયાળાનો બેસ્ટ બ્રેકફાસ્ટ
તરી પોહાની રીત (ત્રણ વ્યક્તિ માટે)
સામગ્રી
એક મોટો વાટકો કાંદા પોહા (કાંદા પોહા બનાવતાં બધાને આવડતા જ હોય છે. બસ, એમાં સાકર નહીં નાખવાની), એક વાટકો બાફેલા કાળા ચણા, બે કાંદા મીડિયમ સાઇઝ સમારેલા, અડધી ચમચી વાટેલું લસણ, અડધી ચમચી આદું-મરચાંની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરું, ચપટી હળદર, એક ચમચી સમારેલી કોથમીર, બે ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર, એક ચમચો બારીક સેવ, એક ચમચો મિક્સ તીખો ચેવડો.
તરી બનાવવાની રીત
એક કડાઈમાં તેલ મૂકો. ગરમ થાય એટલે એમાં લસણ અને આદું-મરચાંની પેસ્ટ સાંતળો. ત્યાર બાદ કાંદા સાંતળો. કાંદાનો રંગ સહેજ બ્રાઉન થાય પછી એમાં મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાખો. બે મિનિટ બાદ ચણા નાખી સરખી રીતે મિક્સ કરો. પાણી ઉમેરી ઊકળવા દો. રસો પાતળો રાખવો.
સર્વ કરવાની રીત
સૌથી પહેલાં પ્લેટમાં કાંદા પોહાનું લેયર બનાવવું. એના પર તીખો ચેવડો પાથરવો. ઉપરથી ગરમાગરમ ચણાની તરી રેડવી. કાંદા, કોથમીર અને બારીક સેવથી ગાર્નિશ કરવું. સાઇડમાં પણ થોડી તરી પીરસવી. વાસ્તવમાં તરી પોહા પીરસતી વખતે ડાઇનિંગ ટેબલ પર તપેલી ભરીને ફળફળતી તરી રાખવી. પોહા ખાતાં-ખાતાં વચ્ચે વચ્ચે એને ઍડ કરતાં જવું.

વસઈનાં ગૃહિણી આરતી પરજિયાના ઘરે મહેમાન આવવાના હોય કે કોઈ નાની-મોટી પાર્ટી હોય, દર વખતે નવી ડિશ ટેસ્ટ કરવા મળે. તેઓ આ વખતે નવું શું બનાવવાનાં છે એનું એક્સાઇટમેન્ટ ઘરના સભ્યોમાં પણ એટલું જ જોવા મળે. તેઓ કહે છે, ‘મારું પિયર નાગપુર છે તેથી મહારાષ્ટ્રિયન અને ગુજરાતીનું ફ્યુઝન મારી સ્પેશ્યલિટી છે. જેમ મુંબઈમાં વડાપાંઉ ફેમસ છે એવી જ રીતે શિયાળામાં નાગપુરમાં તરી પોહા મળે છે. હવે તમને થશે પૌંઆમાં વળી શું? રેસિપી જાણતાં પહેલાં એક મજાની વાત કરું. મેં નાનપણથી કાંદા પોહા ખાધા છે, જ્યારે આપણે ત્યાં બટાટાપૌંઆ બને છે. ઘણા લોકો કાંદા નાખે છે પણ ગળપણના લીધે ઓરિજિનલ મરાઠી સ્ટાઇલનો ટેસ્ટ નથી આવતો. શિયાળામાં નાસ્તામાં આ વાનગી ખાસ ખાવી જોઈએ એનું કારણ છે એમાં પડતા તીખા તમતમતા મસાલા. પોહાની ઉપર ફળફળતી તરી નાખી ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. હેલ્ધી અને ટેસ્ટી તરી પોહા બનાવવાની રીત સરળ છે, પરંતુ એને સર્વ કરવાની રીત જુદી છે અને એ જ આ ડિશની વિશિષ્ટતા છે.’

એક આઇટમમાંથી ત્રણ ડિશ બનાવીને અંધેરીનાં આ બહેને કમાલ કરી નાખી
જૈન ઇડલી ખાઉસે (ચાર વ્યક્તિ માટે)
સામગ્રી
૨૦૦ મિ.લી. કોકોનટ મિલ્ક, ૨૦૦ મિ.લી. બટરમિલ્ક, બે ટેબલસ્પૂન બેસન, બે ટેબલસ્પૂન ઑઇલ, બે લીલાં મરચાં, બે લાલ સૂકાં મરચાં, સાત-આઠ પાન મીઠો લીમડો, બે-ત્રણ તમાલપત્ર, એક ટેબલસ્પૂન આદુંની પેસ્ટ, એક ટેબલસ્પૂન ચણાની દાળ, એક ટેબલસ્પૂન અડદની દાળ, એક ટેબલસ્પૂન રાઈ, ચપટી જીરું, ચપટી હળદર, સહેજ હિંગ, મીઠું સ્વાદાનુસાર, એક વાટકી સહેજ બાફેલાં વેજિટેબલ (ગ્રીન, યલો અને રેડ કૅપ્સિકમ, બ્રૉકલી અને ગાજર), ઇડલી (જે બધાને આવડતી જ હોય).
ગાર્નિશિંગ માટે
કેળાંની કાતરી, ચેવડો, બાફેલા નૂડલ્સ, ખારી શિંગ, ફુદીનો, કોથમીર
રીત
એક કડાઈમાં તેલ ગરમ કરી ચણાની દાળ, અડદની દાળ અને રાઈનો વઘાર કરો. એમાં લીમડો, તમાલપત્ર, હિંગ, આદુંની પેસ્ટ અને મરચાં નાખો. બટરમિલ્ક, કોકોનટ મિલ્ક અને બેસનને બ્લેન્ડર વડે સરખી રીતે કઢીની જેમ વલોવી નાખો. ઊકળે એટલે એમાં હળદર, મીઠું અને વેજિટેબલ નાખો. સર્વ કરવાનું હોય એ પહેલાં કરીમાં ઇડલી નાખી પાંચ મિનિટ ગરમ કરો. ધ્યાન રહે, ઇડલીને વધુ વખત કરીમાં રાખવાથી રસો ઘટ્ટ થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. પ્લેટમાં કરી લઈ એના પર નૂડલ્સ, કેળાંનો ચેવડો, ખારી શિંગ, કોથમીર અને ફુદીના વડે ડેકોરેટ કરી ગરમાગરમ પીરસો.
નોંધ
કાંદા-લસણ ખાતા હો તો એની પાતળી કાતરી કરી ફ્રાય કરી લો. સર્વ કરતી વખતે ઉપરથી નાખો. ઇચ્છો તો કેળાંના બદલે બટાટાનો કાતરી ચેવડો વાપરી શકાય.

મારાં હસબન્ડ અને બાળકોને ઇડલી બહુ ભાવતી નથી. નાળિયેરની ચટણી પણ ઓછી પસંદ છે, જ્યારે મારાં સાસુ-સસરાને સાઉથ ઇન્ડિયન ડિશ બહુ ભાવે છે એમ જણાવતાં અંધેરીનાં ગૃહિણી રિકિતા ગોસલિયા કહે છે, ‘એક વાર કોઈ ફંક્શનમાં અમે બર્મીઝ સૂપ પીધું હતું. બધાંને હોંશે-હોંશે સૂપ પીતા જોઈ મને થયું કે ઇડલી સાથે સંભારના બદલે કરી (બર્મીઝ સૂપ) ઍડ કરીને આપો તો કદાચ ઘરમાં બધાને પસંદ પડશે. હસબન્ડ અને બાળકોને ભાવતી કરી અને વડીલોની પસંદ પ્રમાણેની ઇડલીને મર્જ કરી પ્રયોગો કરી જોયા એમાંથી જૈન ઇડલી ખાઉસે બન્યું એટલું જ નહીં આ ડિશના કારણે ઓછી મહેનત અને ઓછા સમયમાં સાઉથ ઇન્ડિયન ડિશ, ચાઇનીઝ ઇડલી ચિલી અથવા ફ્રાઇડ ઇડલી અને ઇડલી ખાઉસે એમ ત્રણ પ્રકારની વાનગી પરસી મહેમાનોને વેરિએશન આપી શકાય.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK