મળીએ પોતાના બાળકને ઘરે મૂકીને કોરોના માટે સમર્પિત થયેલા હેલ્થ-વર્કર્સને

Updated: May 12, 2020, 20:15 IST | Shailesh Nayak | Mumbai

સામાન્ય સંજોગોમાં નર્સનું કામ ઘણું ડિમાન્ડિંગ હોય છે, પરંતુ હાલના મહામારીના સમયમાં તો હેલ્થ-વર્કર્સની જવાબદારી ઑર વધી ગઈ છે. પોતાના પરિવારથી દૂર રહીને ગુજરાતની આ બહેનો કોરોનાના દરદીઓ માટે સેવામાં લાગેલી છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય સંજોગોમાં નર્સનું કામ ઘણું ડિમાન્ડિંગ હોય છે, પરંતુ હાલના મહામારીના સમયમાં તો હેલ્થ-વર્કર્સની જવાબદારી ઑર વધી ગઈ છે. પોતાના પરિવારથી દૂર રહીને ગુજરાતની આ બહેનો કોરોનાના દરદીઓ માટે સેવામાં લાગેલી છે

1. ૧૭ મહિનાના દીકરાને સાસુ-સસરા પાસે મૂકીને કોરોના પેશન્ટ્સ માટે ડ્યુટી બજાવે છે આ નર્સ

અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓના વૉર્ડમાં ફરજ બજાવી રહેલી નર્સ રશ્મિ પરમાર કહે છે, ‘મારે ૧૭ મહિનાનો બાબો છે, પણ પેશન્ટની સારવાર બહુ જરૂરી છે. હું સ્ટ્રૉન્ગ છું, ઢીલી પડતી નથી. હાલ હું નર્સિંગ હૉસ્ટેલમાં રહું છું. અત્યારે મારી ડ્યુટી કોરોના દરદીઓનો ડી–૩ નંબરનો વૉર્ડ છે એમાં છે. અહીં પેશન્ટ આવે ત્યારે તેમને દવા આપવાની, ઇન્જેક્શન આપવાનાં, નવો પેશન્ટ આવે તેમ જ ટ્રાન્સફર થાય ત્યારે તેની માહિતી મોકલવા સહિતની કામગીરી કરીએ છીએ. ઘરની યાદ આવે ખરી પણ પેશન્ટની સારવાર બહુ જરૂરી છે. પેશન્ટ્સ નાજુક હાલતમાં હાય છે એટલે તેમનું વધુ ધ્યાન રાખવું પડે. દરદીઓને અમારા સપોર્ટની ખૂબ જરૂર છે, કેમ કે તેમના રિલેટિવ વૉર્ડમાં હોતા નથી એટલે તેમની સાથે વાત કરીએ છીએ. કોઈ તકલીફ હોય તો પૂછીએ છીએ.’

જ્યારે કોરોનાના વૉર્ડમાં પોતાને ડ્યુટી કરવાની આવી એ સમયને યાદ કરતાં રશ્મિ પરમાર કહે છે કે ‘મારું નામ જ્યારે આવ્યું ત્યારે પહેલાં તો મને ગભરામણ થઈ. ડર લાગ્યો હતો કે ઇન્ફેક્શન થશે તો? જોકે અહીં આવ્યા પછી ડર લાગતો નથી. અમે પીપીઈ કિટ પહેરીને સંપૂર્ણ રીતે સુરક્ષિત થ,ને દરદીઓની સારવાર માટે કામ કરીએ છીએ. અત્યારે હું ઘરથી દૂર છું. હા, જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે પરિવારથી દૂર જવાનું દુઃખ થયું હતું કે મારે કોવિડની ડ્યુટી પર જવાનું છે. મારે ૧૭ મહિનાનો બાબો છે, તેને છોડીને જવાનું હતું. ત્યારે દુઃખ થયું, રડી પડી હતી. પણ દરદીઓની કાળજી લેવાનું શરૂ કર્યું એટલે દુઃખ ઓછુ થતું ગયું.’

રશ્મિ નર્સની ડ્યુટી કરી શકે એ માટે તેના પતિએ તેની નોકરીમાંથી રજા લઈ લીધી છે. દીકરાની કાળજી માટે ચિંતિત રશ્મિ કહે છે ‘મારી ડયુટી કોવિડ હૉસ્પિટલમાં આવી હોવાથી મારા હસબન્ડ પંકજે રજા લઈ લીધી અને હું ડ્યુટી પર આવવા નીકળી ત્યારે તેમણે મને હિંમત આપતાં કહેલું કે તું ડ્યુટી પર ફરજ પૂરી કર અને ઘર-બાળકની ચિંતા ન કરીશ. મારા ઘરે મારાં સાસુ, સસરા અને મારા હસબન્ડ મારા દીકરાને સાચવે છે. મારો બાબો તેમની સાથે રહે છે. હવે તે મારા વગર રહી શકે છે. ડ્યુટી પરથી ફ્રી થાઉં ત્યારે પરિવાર સાથે વિડિયો કૉલ કરીને વાત કરું છું અને એકબીજાના ખબરઅંતર પૂછીએ છીએ.’

2.  પોતે અસ્થમાની પેશન્ટ હોવા છતાં દરદીઓનું દુઃખ જોઈને જીવ જોખમમાં મૂક્યો છે આ નર્સે

અમદાવાદના સિવિલ કૅમ્પસમાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓના વૉર્ડમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવી રહેલાં સરોજ પરમારને પરિવારથી દૂર થવાનું દુઃખ છે, પણ એટલું ઓછું છે કેમ કે તેમનાં દીકરો અને દીકરી મમ્મીની કાળજી લે છે અને ખબર છે કે મમ્મીને ડ્યુટી પર જવું પડશે એટલે બાળકો જ મમ્મીને કહે છે મમ્મી, તું સાચવજે.

સરોજ પરમારે મિડ-ડેને કહ્યું હતું, ‘હું કોરોનાના દરદીઓના વૉર્ડમાં ફરજ બજાવું છું. વૉર્ડનું મૅનેજમેન્ટ કરવું, દરદીઓને દવા, ઇન્જેક્શન, ચા, નાસ્તો, જમવાનું આપવાનું, તેમની સારસંભાળ રાખવા સહિતનાં કામ કરી રહી છું અને સ્ટાફ પાસે કરાવું છું. કોરોના વૉર્ડમાં કામ કરીએ એટલે સ્વભાવિક છે કે ડર લાગે પણ પીપીઈ કિટ પહેરીએ છીએ અને બીજી કાળજી રાખીને દરદીઓ પાસે જઈએ છીએ એટલે ડર ઓછો લાગે છે.’

પોતાના પરિવારની વાત કરતાં સરોજ પરમારે કહ્યું, ‘હું ઘરે નથી જતી. નર્સિંગ હૉસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી છે ત્યાં રહીએ છીએ. જોકે હું ડ્યુટી પરથી ફ્રી થયા બાદ ઘરે ફોન કરી વાત કરું છું. વિડિયો કૉલ કરું છું. મારા પરિવારમાં મારા હસબન્ડ રમેશ, મારો દીકરો પ્રતીક કે જે મેડિકલ ઑફિસર છે તે અને દીકરી હેમાક્ષી જે નર્સિંગનો અભ્યાસ કરે છે તે રહે છે. હું અહીં આવી ત્યારે બધાં રડતાં હતાં, પણ મારાં બાળકો મેડિકલ લાઇનમાં હોવાથી તેમને ખબર છે કે ડ્યુટી પર જવું પડશે. એટલે મને બાળકો સલાહ આપે છે કે મમ્મી, તું સાચવજે કેમ કે હું અસ્થમાની પેશન્ટ છું. કિટ પહેરી હોય એટલે ઘણી વાર ગભરામણ થઈ જાય ત્યારે પંખા નીચે બેસી જાઉં છું.’

દરદીઓ અંગે સરોજ પરમારે કહ્યું, ‘હૉસ્પિટલમાં સારવાર માટે આવતા દરદીઓનું હિત અમે ઇચ્છીએ છીએ

અટલે અમારો જીવ જોખમમાં મૂકીને અમે ડ્યુટી કરી રહ્યાં છીએ. બીજી તરફ અમારો પરિવાર છે, પણ અમે ફરજ બજાવીએ છીએ.’

3. દીકરાને ઘરે રડતો મૂકીને આ ડૉક્ટર કોરોનાની ડ્યુટી પર લાગ્યાં છે

અમદાવાદના સિવિલ કૅમ્પસમાં કોવિડ હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સારવાર કરનાર ડૉ. શ્રુતિ સાંઘાણી દોઢ વર્ષના દીકરાને મમ્મી પાસે મૂકીને કોરોના પેશન્ટ્સની સારવારમાં લાગેલા છે. પોતે આમ કરી શક્યા છે એ માટે મમ્મીનો આભાર માને છે. તેઓ કહે છે, ‘આઇ ઍમ ગ્રેટફુલ ટુ માય મધર કે જેના લીધે કોવિડમાં હું દરદીઓની સારવાર કરી શકું છું. મારું ટેન્શન ઓછું થઈ ગયું છે. મારાં મમ્મી (મુક્તાબહેન સાંઘાણી) મારું મનોબળ મજબૂત કરે છે. મમ્મી મને કહે છે કે ડૉકટર બન્યા છો તો સેવા કરવાની છે, ધૃવીશની ચિંતા ન કરતી.’

અમદાવાદના સિવિલ કૅમ્પસમાં કોવિડ હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સારવાર કરનાર ડૉ. શ્રુતિ સાંઘાણી ગૌરવ સાથે કહે છે, ‘દોઢ વર્ષનો મારો દીકરો ધૃવીશ મોટો થશે તો કહેશે કે મારી મમ્મી કોરોના વૉરિયર છે. મારા ઘરે મારાં મધર મુક્તાબહેન, મારા હસબન્ડ ડૉ. વિશાલ અને દોઢ વર્ષનો દીકરો ધૃવીશ રહે છે. ડૉ. વિશાલ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઑર્થોપેડિક ડૉક્ટર છે. એટલે ઘરે મમ્મી અને દીકરો ધૃવીશ એકલાં હોય છે. જો હું ઘરે જાઉં તો પરિવારના સભ્યોને ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. પરિવારથી દૂર થયાં હોઈએ એટલે થોડું દુઃખ તો લાગે પણ પછી વિચારી લઈએ છીએ કે બધા મારા જેવું વિચારીને નહીં જાય તો દરદીની સારવાર માટે કોણ જશે? હું ડૉક્ટર બની છું તો મારી ફરજમાં આવે છે કે દરદીની સારવાર કરીએ. એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સ માટે તાળીઓ–થાળીઓ વગાડી અને આર્મીએ પુષ્પવર્ષા કરી સન્માન આપ્યું એટલે અમારો જુસ્સો વધે છે, ગર્વ થાય છે.’

પરિવારથી દૂર રહેવાનું થોડુંક અઘરું છે એમ જણાવતાં શ્રુતિ સાંઘાણી કહે છે, ‘પરિવારથી દૂર રહેવું મારા માટે થોડું અઘરું છે. ઘરે દોઢ વર્ષનો દીકરો છે તેને યાદ કરું છું તો ઘણી વાર રડવું આવે છે. મારો દીકરો વિડિયો કૉલમાં મને જુએ તો રડે છે. આ એક બહુ જ ટફ સમય હોય છે. વિડિયો કૉલમાં જોઈને દુઃખી થાય છે. પણ મારા હસબન્ડે એનો રસ્તો કાઢ્યો છે. તેઓ મારા દીકરાનો વિડિયો ઉતારીને મને મોકલે છે. ડ્યુટી પરથી ફ્રી થાઉં ત્યારે ઘરે ફોન કરીને બધાના ખબર પૂછું છું કે બધું બરાબર છે ને.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK