Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચાલો બનાવીએ શિયાળાની શાનદાર વાનગીઓ જામનગરી ઘુટો અને ભગત મૂઠિયાંનું શાક

ચાલો બનાવીએ શિયાળાની શાનદાર વાનગીઓ જામનગરી ઘુટો અને ભગત મૂઠિયાંનું શાક

16 December, 2019 04:17 PM IST | Mumbai
Pooja Sangani

ચાલો બનાવીએ શિયાળાની શાનદાર વાનગીઓ જામનગરી ઘુટો અને ભગત મૂઠિયાંનું શાક

વાનગી

વાનગી


ગુજરાતમાં તો કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને તમામ પ્રકારનાં પૌષ્ટિક અને શરીરને પોષણ આપતાં શાકભાજી, ફળ અને દાળ આવવાની શરૂ થઈ ગઈ છે. આ મોસમ છે ખાઈ પીને મોજ જ મોજ કરવાની. દિવસમાં ચાર વખત ખાઓ તોય ઠંડીમાં ભોજન પચી જાય અને જાતજાતની ભોજનની વરાઇટી ખાવા મળે છે. તો ચાલો આજે આપણે બે એવી રેસિપીની વાત કરીશું જે શિયાળામાં અચૂક ખાવી જ જોઈએ.

સૌથી પહેલાં વાત કરીએ પૌષ્ટિકતાથી ભરપૂર એવા જામનગરી ઘુટોની. નામ સાંભળીને જ આશ્ચર્ય થયુંને, પરંતુ ખાધા પછી તો વધારે સરપ્રાઇઝ થશો. ઓછામાં ઓછી ૪૦ વાનગીઓ જેમાં શાકભાજી, ફળ, દાળ અને મસાલાનો સંગમ થતો હોય છે અને એને ઘોળીને વઘાર કરીને પીરસવામાં આવતી વાનગી એટલે જામનગરી ઘુટો. ઘુટો આખા સૌરાષ્ટ્રમાં ખવાય છે અને ત્યાંના લોકો તો ઘુટા-પાર્ટી રાખે છે. બધા ભેગા થઈને ઘુટો બનાવે અને મોજ કરે. પેટ ભરીભરીને ખાઈને સ્વાદની મોજ માણે.



ઘુટો મૂળ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની વાનગી છે. એનો ઉદ્ભવ થવાની વાત પણ  રસપ્રદ છે. જોડિયા તાલુકામાંથી ખળખળતી નદીના પ્રવાહ વહે છે અને જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. જ્યારે નદીમાંથી પાણીની આવક થાય ત્યારે પાક લેવા માટે ખેડૂતો બેથી ત્રણ દિવસ સુધી ખેતરમાં જ રહેતા. આથી અચાનક ભૂખ લાગે તો શું કરવું. તો ખેડૂતોએ ઉપાય શોધી કાઢ્યો. રોટલા તો પડ્યા જ હોય તો શાક કરવા માટે શું કરવું. તો હાજરમાં જે શાકભાજી હોય એને માટલામાં નાખીને લાકડા પ્રગટાવીને એને બાફીને રોટલા સાથે ખાઈ જતા. એટલે કે જે શાકભાજી હોય એનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વાનગી એટલે ઘુટો. અગાઉના સમયમાં વઘાર કરવામાં આવતો નહોતો, પરંતુ હવે તો આદું-મરચાં ને લસણની પેસ્ટનો વઘાર કરવામાં આવે છે.  


ઘુટાની રેસિપી પણ સિમ્પલ છે અને એ ઝડપથી બની જાય છે. એની અંદરની સામગ્રીની વાત કરીએ તો ચણાદાળ, મગદાળ, તુવેર, વટાણા, શક્કરિયાં, ટીંડોરાં, ગુવાર, મૂળાનાં પાન, તાંદળજાની ભાજી, ચોળી, મેથીની ભાજી, સફરજન, કોબિજ, ગલકાં,  સૂકી અને  લીલી ડુંગળી, ટમેટાં , રીંગણાં, લીલાં મરચાં, આદું, કેળાં, પપૈયું, દૂધી, કોથમીર, બટાટા, વાલોળ, પાલકની ભાજી, કાકડી, ફુદીનો, લીલી હળદર વગેરે જેપણ સામગ્રી પ્રાપ્ત હોય એ લઈ શકો છો. માત્ર બે જ શાક એની અંદર આવતાં નથી. એક છે કારેલાં જેને કારણે શાક કડવું થઈ જાય અને ભીંડો જેમાં ચીકાશ હોવાથી ઘુટાનો ટેસ્ટ બદલાઈ જાય એથી આ બે શાક સિવાયનાં તમને ગમે એક શાકભાજી, ફળ નાખવામાં આવે છે.

બધાં જ શાકભાજી ઝીણાં સમારીને એને કુકરમાં ચારથી પાંચ સિટી વગાડી લેવાની. બધાં જ શાકભાજી બફાઈ જાય એટલે એને અધકચરા કરી નાખવાનાં. એના પર મીઠું, લીંબુ અને સહેજ ખાંડ નાખી દેવાની. ત્યાર બાદ તેલ લઈ એની અંદર આદું-લસણની પેસ્ટ તેમ જ હળદર, મરચું અને ધાણાજીરું નાખી દેવું. પછી વઘાર કરી લેવો. જો ઘુટો વધારે ઘટ કરવો હોય તો એની અંદર શિંગદાણાનો ભૂકો અને ઘરમાં હોય એવી સાદી કે તીખી સેવ નાખી દેવાથી ઘુટો વધુ ટેસ્ટી અને ઘટ બનશે. એને ખાવાની રીત પણ મસ્ત છે; રોટલા કે જાડી ભાખરીનો ભૂકો કરીને ઉપર ઘુટો રેડી દેવાનો. લસણની ચટણી નાખીને ખાવાથી મોજપડી જાય છે. એક ટિપ આપું કે એક કિલો શાક હોય તો બાફવા માટે એક લિટર પાણી લેવું જેથી કુકરમાં શાક બળી ન જાય.


jamnagri-02

ઘુટો

સામગ્રી

☞ પા કપ ફોતરાવાળી મગદાળ

☞ પા કપ ચણાદાળ

☞ ૧ વાટકી લીલા વટાણા

☞ ૧ વાટકી લીલા ચણા

☞ ૧ વાટકી લીલી તુવેર

☞ ૧ વાટકી લીલી ચોળી

☞ ૧ વાટકી ગુવાર

☞ ૧ વાટકી વાલોળ - પાપડી

☞ ૧ વાટકી દૂધી

☞ ૧ વાટકી રીંગણ

☞ ૧ વાટકી ગાજર

☞ ૧ વાટકી કોબી

☞ ૧ વાટકી ટમેટાં

☞ ૧ વાટકી સુધારેલી પાલક

☞ ૧ વાટકી મેથી

☞ ૧ વાટકી કાકડી

☞ અટધી વાટકી ફ્લાવર

☞ અડધી વાટકી બટાટા

☞ પા વાટકી ડુંગળી

☞ અડધી વાટકી લીલું લસણ

☞ પા કપ લીલી હળદર

☞ ૧.૫ ઇંચ જેટલું આદું

☞ પોણો કપ લીલાં તીખાં મરચાં

☞ મીઠું

☞ ૩ મોટા ગ્લાસ પાણી

વઘાર

☞ ૧ ચમચો તેલ

☞ પોણી વાટકી ઝીણી સમારેલી ડુંગળી

☞ પોણી વાટકી ઝીણું સમારેલું ટમેટું

☞ ૧ ચમચી જીરું

બનાવવાની રીત 

સૌથી પહેલા મગ અને ચણાદાળને ૪-૫ કલાક માટે પલાળી દેવી. પછી બધું શાક ધોઈને સુધારી લેવું. કુકરમાં બધું શાક અને બન્ને પલાળેલી દાળ, મીઠું નાખી ૪-૫ સીટી વગાડી બાફી લેવું. પછી કુકરમાં બ્લેન્ડરથી અધકચરું પીસી લેવું. હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે જીરું, ડુંગળી, ટમેટાંનો વધાર કરવો. બરાબર ચડી જાય એટલે બાફેલો ઘુટો મિક્સ કરી દેવો અને લીંબુનો રસ ઉમેરીને ગૅસ બંધ કરી દેવો. ઉપર કોથમીરથી ગાર્નિશ કરવું. તૈયાર છે ગરમ-ગરમ ઘુટો. ઘુટો ને રોટલા, માખણ, લીલી ડુંગળી, પાપડ, ગોળ સાથે સર્વ કરવો.

jamnagari-03

વલસાડી ભગત મૂઠિયાંનું શાક

ભગત મૂઠિયાંનું શાક? એ શું વળી છે? અરે ભાઈ ખાશો તો જાણશો. ખૂબ ટેસ્ટી શાક હોય છે. દક્ષિણ ગુજરાતમાં સુરતથી પહેલાં નવસારી, વલસાડ, વાપી સુધીનાં શહેરોમાં ખૂબ ખવાય છે અને રેસિપી પણ ઈઝી છે. લોકો શિયાળામાં તો હોંશે-હોંશે ખાય છે, પરંતુ એની સામગ્રી પણ બારેમાસ મળે એવી હોવાથી વર્ષમાં ગમે ત્યારે ખાઈ શકાય છે.

આ બાબતે વાત કરતી સેલવાસમાં રહેતી અવનિ ગાંધી ઘીવાળા કહે છે, ‘જ્યારે કંઈક તીખું અને પૌષ્ટિક ખાવાની વાત આવે ત્યારે અમને તો ભગત મૂઠિયાંનું શાક જ યાદ આવે. દક્ષિણ ગુજરાતમાં નૅશનલ હાઇવે પર જય સ્વાદિષ્ટ નામની હોટેલનું આ શાક ખૂબ પ્રખ્યાત છે અને અમારા જેવી ગૃહિણીઓ તો અવારનવાર ઘરે બનાવે છે. રોટલી સાથે અથવા તો ભાત સાથે ખાઓ તો એટલો આનંદ આવે છે કે બસ હવે તો આના સિવાય કાંઈ ખાવું જ નથી.’

સામગ્રી

☞ ચણાની દાળ ૩ કપ

(૪થી ૫ કલાક પલાળી લેવી)

☞ કાદા ૧૨ નંગ

(૬ નંગ મૂઠિયાં માટે અને ૬ નંગ શાક માટે)

☞ મોટા ટુકડા કરેલા બટાટા - બે નંગ

(શાક માટે)

☞ મોટા ટુકડા કરેલી દૂધી, રીંગણ, સુરણ તથા લીલી તુવેરના દાણા જેવાં શાક લેવાં.

☞ ફુદીનો બારીક સમારેલો - ૧ મુઠ્ઠી

☞ વાટેલાં આદું-લસણની પેસ્ટ - ૪ ચમચી

☞ તજ પત્તાં ૨ નંગ

☞ લવિંગ ૩-૪ નંગ

☞ વાટેલું લીલું મરચું ૩ ચમચી

☞ હળદર ૨ ચમચી

☞ ગરમ મસાલો ૧ ચમચી

☞ બેસન ૨ ચમચા

☞ તેલ મોણ માટે ૨ ચમચી

☞ સોડા બાય કાર્બ - ચપટીક

☞ લાલ મરચું ૪ ચમચી

☞ મીઠું સ્વાદ મુજબ

☞ મરી દાણા પાંચ નંગ

રીત

સૌપ્રથમ મૂઠિયાં માટે પલાળેલી દાળને ઓછું પાણી લઈ વાટવી. વાટેલી દાળમાં ૬ ઝીણા સમારેલા કાંદા, ૨ ચમચી લસણ, ૨ ચમચી લીલું મરચું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર-મીઠું, ૨ ચમચા બેસન, ૧ ચમચી ગરમ મસાલો, ચપટી સોડા બાય કાર્બ, ૨ ચમચી તેલ, ૨ કપ ફુદીનો નાખી મિક્સ કરવું.

મિક્સ કરેલી દાળના ગોળા તૈયાર કરી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા.

તળેલાં મૂઠિયાંને બાજુમાં રાખી દેવાં. હવે શાક માટે એક કુકરમાં ૬ કાંદા ઝીણા સમારી લેવા અને એમાં તેલ નાખીને સાંતળી લેવા, એમાં આખા મસાલા જેમ કે લવિંગ, મરી, તમાલપત્ર નાખીને બે મિનિટ સાંતળી, ૨ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧ ચમચી હળદર, ૩ ચમચી લાલ મરચું, મીઠું નાખીને ૨ મિનિટ સાંતળવું.

કાંદા મસાલા સાથે સતળાઈ જાય એટલે બટાટાના ટુકડા તથા અન્ય શાકભાજી નાખી પ્રમાણસર પાણી ઉમેરવું. કુકરનું ઢાંકણ ઢાંકીને ૨ સીટી વાગે એટલે ગૅસ બંધ કરી કુકર ઠંડું પડે એટલે ઢાંકણ ખોલીને તળેલાં મૂઠિયાં ઉમેરવાં. મૂઠિયાં ઉમેરીને ઢાંકણ બંધ કરી ફરીથી ગૅસ પર સીટી વગર મૂકવું. બીજી ૩થી ૪ મિનિટ શાક ચઢવા દેવું. બધો મસાલો મૂઠિયાંમાં મિક્સ થઈ જશે પછી ગૅસ બંધ કરી કોથમીર ભભરાવીને શણગારવું. શાકમાં પાણી ઓછું હોય તો જરૂર મુજબ ઉમેરી શક્ય શાકમાં ઊકળો આવે એટલે ૧ ચમચી ગરમ મસાલો અને ફુદીનો ભભરાવવો. ભગત મૂઠિયાંનું શાક તૈયાર છે, લીંબુ નાખીને ખાવાથી સરસ લાગે છે, પરોઠાં અને જીરા-રાઇસ સાથે પણ ખાઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 04:17 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK