Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મેવામસાલા માર્કેટ પાસેની ખાઉગલીમાં દમ ચા અને છોલે-પરાઠાં ખાવા ચાલો

મેવામસાલા માર્કેટ પાસેની ખાઉગલીમાં દમ ચા અને છોલે-પરાઠાં ખાવા ચાલો

13 December, 2019 03:13 PM IST | Mumbai
Divyasha Doshi

મેવામસાલા માર્કેટ પાસેની ખાઉગલીમાં દમ ચા અને છોલે-પરાઠાં ખાવા ચાલો

થાળી

થાળી


બપોરે મસ્જિદ બંદર સ્ટેશનના છેલ્લા પુલ પરથી બહાર નીકળી મહમદઅલી રોડ તરફ ચાલો કે તમને કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયાનો અહેસાસ થાય. ચોમેર હાથલારી અને માણસો જ માણસો. એ બધામાંથી તમારે રસ્તો કાઢવો પડે. સંભાળીને ચાલતા હો કે તમારા નાકમાં તેજાનાની સુગંધ સ્પર્શે. ડાબી તરફ મેવામસાલા વેચનારા કચ્છીઓની દુકાનો જોવા મળે. એક જમાનામાં મુંબઈની ગૃહિણીઓ અહીંથી જ હોલસેલમાં મેવામસાલા મંગાવતી કે ખરીદી કરવા જતી. ફૂડ કૉલમ લખતા હો અને આ તરફ તમારું ધ્યાન ન ખેંચાય તો જ નવાઈ. ફૂડ ચૅનલો કે પ્રવાસી ચૅનલોમાં ઇજિપ્ત અને અરબ દેશોની મસાલાની બજારને જે ફૅસિનેશનથી દર્શાવતા હોય એ યાદ આવી ગયું. મદમસ્ત મસાલાઓને માણતાં આગળ ચાલો ત્યારે ડાબી બાજુ લાંબી ગલીઓ આવે. નરસી નાથા સ્ટ્રીટ, ઇસાજી સ્ટ્રીટ, દર્યાસ્થાન વગેરે-વગેરે. આ ગલીઓમાં એક જમાનામાં હોલસેલ માર્કેટ, ઑફિસો રહેતી. હવે મોટા ભાગની બજાર નવી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હોવા છતાં ગિરદી, લારી અને હાથલારીઓ ઓછી થઈ હોય એવું લાગ્યું નહીં. અધૂરામાં પૂરું રસ્તા પર બેસેલા ફેરિયાઓ. શિંગોડાની સીઝન આવી ગઈ એ પણ જણાય. સ્ટેશનરી, કૅલેન્ડર, ચોપડીઓ વગેરે અનેક વસ્તુઓની દુકાનો અને ફેરિયાઓને કારણે રસ્તો નાનો થઈ જાય. આજુબાજુનાં મકાનો ઓછાંમાં ઓછાં સો વરસ જૂનાં તો હશે જ એનો બાંધણી પરથી ખ્યાલ આવે.

આખોય વિસ્તાર કમર્શિયલ તેમ જ જૂની સ્ટાઇલનો રહેણાક વિસ્તાર છે. ઘણી ઑફિસો, પેઢીઓ અને દુકાનો હોવાને કારણે અહીં ખાવાપીવાની વસ્તુઓ પણ મળે જ.



દર્યાસ્થાન ખાઉગલીની વાત આજે કરવી છે. મસ્જિદ બંદર સ્ટેશન અને મહમદઅલી રોડની બરાબર વચ્ચે આ દર્યાસ્થાન ગલી છે. કૉર્નર પર સામે જ બ્લુ રંગનું દર્યાસ્થાન સ્ટ્રીટ, માંડવી-કોલીવાડા વંચાતું પાટિયું જોવા મળશે. આ ગલીમાં દરિયાદેવની અખંડ જ્યોતનું મંદિર છે. કહે છે કે આ જ્યોત ૧૪૦ વરસથી અખંડ છે. હાલના પાકિસ્તાનથી અહીં લાવવામાં આવી છે. એના નામ પરથી જ ગલીનું નામ  દર્યાસ્થાન પડ્યું છે. દર્યાસ્થાન સ્ટ્રીટમાં નજર કરો કે બન્ને તરફ ખાણીપીણીના સ્ટૉલ નજરે ચડે. જાણકારો કહે છે કે આ ખાઉગલી જૂની છે, પણ સ્ટૉલ હવે પ્રમાણમાં નવા છે. પહેલાં અહીંના ભજિયાં, ગાંઠિયા અને કાંજીવડાં ખાવા લોકો આવતા. હવે ત્યાં એ સ્ટૉલ દેખાતા નથી. સૌપ્રથમ દેખાશે ચા હાઉસનો માણસ. બહાર એક પૂતળું ચાનો કપ લઈને ઊભેલું દેખાશે. કપમાંથી વરાળ નીકળતી દેખાય. કપમાં દુકાનવાળાએ ધૂપબત્તી સળગાવી મૂકી હોય. તપાસ કરતાં ખબર પડી કે આ ચા હાઉસ હમણાં જ પાંચેક મહિના પહેલાં જ ખૂલ્યું છે. અહીં બે જાતની ચા અને કૉફી જ મળે. સાથે બન મસ્કા અને કુકીઝ ખાવા હોય તો મળે. દમ ચા અને મસાલા ચા. દમ ચા એટલે થોડી કડક અને ઓછી મીઠી અને મસાલા ચા એટલે થોડી ઓછી કડક અને મસાલાવાળી જ તો. ફક્ત દસ રૂપિયામાં દમ ચા પીધી અને આહ નીકળી ગઈ. ગાઢી, પર્ફેક્ટ ચા, દૂધ અને સાકર સાથે ચાનો સ્વાદ તમને ફ્રેશ કરી દે. બેસવાની જગ્યા નથી, બસ ઊભા-ઊભા ચા પીવાની. ચોખ્ખા પિત્તળના તપેલામાં ચા ઊકળતી હોય અને બને એટલે બે સ્ટીલના નળવાળા જગમાં ચા ભરી રાખી હોય. ચા માગતાં જ કપમાં ભરીને તમને આપી દે, સમય બગાડવાનો નહીં. અને હા, ચા ભરી રાખી હોય તો પણ એનો સ્વાદ ચાહ કરાવી દે એવો. ખાઉગલી છે એટલે તમારે ચા પહેલાં પીવી કે પછી એ તમારે નક્કી કરવાનું.


એની બાજુમાં જ શિવ પૂડલા અને પાપડનો સ્ટૉલ, ચણાના લોટના પૂડલાની અનેક આઇટમ. સૅન્ડવિચ, ચીઝ બટર, મૈસુર, કૉર્ન, ચાઇનીઝ જે સ્વાદમાં ખાવા હોય એ સ્વાદમાં ખાઈ શકો. વળી પાપડ પણ અનેક વરાઇટીમાં આઇ મીન મસાલા પાપડ, ચીઝ પાપડ. પાપડ શેકીને એના પર કાંદા, ટમેટા, કોબી અને ચટણીઓ નાખીને આપે. પૂડલાવાળાની સામે જ ઢોસાવાળો, પણ જે દરેક ગલીના કોર્નર પર મળે એવો જ. પણ અમારું ધ્યાન ગયું તેની બાજુના સ્ટોલ પર. મસ્જીદ બંદર, દર્યાસ્થાન સુધી  તમારે જવું જ પડે એવો સ્ટૉલ. આ સ્ટૉલ સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી જ હોય છે. અહીં મળે છે એક પર્ફેક્ટ થાળી. પરાઠા, બટાટાની સૂકી ભાજી, છોલે, કચુંબર અને અથાણું. જોઈએ તો લીલાં મરચાં પણ મળે. દીપક શર્મા અને તેના પિતાજી જાતે આ મસાલાઓ વાટીને તૈયાર કરે છે. થાળીની કિંમત છે ફક્ત ૫૦ રૂપિયા. હવે કરીએ સ્વાદની વાત. બટાટામાં જે લાલ મસાલો છે એ તીખો છે, પણ સ્વાદમાં એકદમ અદ્ભુત છે. છોલે એક સગડી પર ગરમ થતા હોય. કાબુલી ચણા જુદા અને મસાલાવાળી કરી સાઇડમાં ભરેલી હોય. તમને પીરસાય ત્યારે છોલે અને કરી મિક્સ કરીને આપે. છોલે મોઢામાં મૂકતાં તમને કાબુલી ચણા એકદમ સૉફ્ટ થઈ ગયેલા ઓગળી જતાં અનુભવાય. એનો સ્વાદ અને કરીનો સ્વાદ મિક્સ થતાં સ્વાદનો જે જાદુ સર્જાય કે તમને લાગતી ગરમી ભુલાઈ જાય. તમને થાય આ જ વસ્તુ હોટેલમાં બેસીને ખાવા મળે તો જલસો પડી જાય, પણ દીપકના આ છોલે-પરાઠાની કોઈ શાખા નથી. પરાઠા પણ તાજાં તમને સગડી પર બનાવી આપે. બટાટાનું શાક અને છોલેનું ડેડલી કૉમ્બિનેશન એ પણ છોલે બીજી વાર જોઈએ તો મળે. પ્રેમથી દીપક ખવડાવે છે. બહુ તીખું લાગ્યું હોય તો બાજુમાં જ વિકાસ ડેરીની નાનકડી દુકાન છે ત્યાં છાશ-લસ્સી અને રબડી મળે છે. ૧૦ રૂપિયામાં જીરા છાશ કે પછી ૨૪ રૂપિયામાં મલાઈ લસ્સી, ૩૦ રૂપિયામાં ડ્રાયફ્રૂટ લસ્સી પીઓ કે પછી ૩૫ રૂપિયામાં રબડી ખાઓ. તમને લાગશે કે મસ્જિદ બંદર જવું વસૂલ છે. ફક્ત સો રૂપિયામાં તમે પેટ અને સ્વાદ ભરીને ખાઈ-પી શકો. ખાઉગલી છે એટલે વડાપાંઉ, ભજિયાં, ચાઇનીઝ પણ અહીં મળે છે; પણ આ પંજાબી થાળી ખાવા જઈ શકાય. તમને લાગે કે ખૂબ ખવાઈ ગયું છે તો આખો વિસ્તાર ઇતિહાસ સાચવીને બેઠો છે. અનેક બજારો છે બસ, ચાલ્યા જ કરો.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 03:13 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK