ચાલો થઈ જાય ઑથેન્ટિક સિંધી સ્વાદની ઉજાણી

Published: Nov 05, 2019, 17:45 IST | Divyasha Doshi | Mumbai

ખારમાં આવેલી આ નાનકડી રેસ્ટોરાં સિંધી ચાટ અને સિંધી થાળી માટે જાણીતી છે. દાલ-પકવાન, કોકી, આલૂ ટુક, ભીઆન જી ટિક્કી, ભી પકોડા જેવી હટકે વાનીઓ પણ અહીં ટ્રાય કરવા જેવી છે

ઑથેન્ટિક સિંધી સ્વાદ
ઑથેન્ટિક સિંધી સ્વાદ

પંજાબી, ચાઇનીઝ, મોગલાઈ, કેરાલાઇટ, સાઉથ ઇન્ડિયન, કૉન્ટિનેન્ટલ વગેરે અનેક જાતના સ્વાદ આપણને દરેક વિસ્તારમાં મળી રહે છે; પણ ગુજરાતી કચ્છી જેવી બોલી બોલતા અને સિંધ પ્રાંતથી આવેલા સિંધીઓના ઘરે બનતું સિંધી ભોજન ખાવા ખાર (વેસ્ટ)માં જવું પડે. ખાર સ્ટેશનની નજીક જસ્સ બાય સિંધફુલ નામની નાનકડી છતાં રૂપકડી રેસ્ટોરાં આવેલી છે. કોઈ પણ રેસ્ટોરાંના ખાવાનો સ્વાદ આપણે સૌથી છેલ્લે અનુભવતા હોઈએ છીએ. પહેલાં તો બહારનું અને અંદરનું વાતાવરણ તમને અડતું હોય છે. પછી વાનગીનું પ્રેઝન્ટેશન તમને લલચાવે અને છેલ્લે સ્વાદ મોઢામાં અને પેટમાં રસ ઢોળે. એવો જ કંઈક સિંધફુલનો અનુભવ રહ્યો. એક જ ગાળાની રેસ્ટોરાંના કાચનો દરવાજો ખોલતાં જ તમને સ્મિત દ્વારા આવકાર મળે. માંડ પચીસ-ત્રીસ લોકો બેસી શકે એટલી નાની રેસ્ટોરાં પણ એની સજાવટ આંખોને અને મનને આનંદ આપે. ડાબી બાજુ પિત્તળ અને કાંસાની નાની-મોટી ડિશોને દીવાલ પર સજાવી છે અને એમાં કેટલાક સિંધી શબ્દો લખ્યા છે. ક્રીમ, પીળો અને લીલા રંગનો ઉપયોગ કરીને રેસ્ટોરાંને શાંત લુક આપ્યો છે. ફર્નિચર પણ સાદું, સિમ્પલ પણ રચનાત્મકતા દરેક ખૂણાથી ઝલકાય. દીવાલ પર મુંબઈનાં ચિત્રોનું રેખાંકન ધ્યાન ખેંચે.

મેનુ કાર્ડ પર પણ રચનાત્મકતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિંધી શબ્દો અહીં પણ દરેક વિભાગ પર લખ્યા છે. તેમની રેસ્ટોરાંનું નામ જસ્સ બાય સિંધફુલ છે, જસ્ટ બાય નહીં. જસ્સનો અર્થ મેનુની શરૂઆતમાં સમજાવ્યો છે. એ જસ્સ જ છે, જસ્ટ નથી. જસ્સ એટલે નૅચરલ, ઑથેન્ટિક, મૅજિક અને લવ. આ રેસ્ટોરાં દીકરાએ માની મદદથી શરૂ કરી છે. કંચન અને સનત આહુજા. કંચન પોતે શેફ છે અને પહેલાં ઘરેથી સિંધી ટિફિન સપ્લાય કરતાં હતાં. દીકરા સનતે મોટા થઈને કૉર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યું પણ મજા ન આવતાં તેને સિંધી રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર આવ્યો અને આમ મુંબઈની પહેલી ઑથેન્ટિક સિંધી રેસ્ટોરાં શરૂ થઈ. હા, એમાં આજના જમાનાને અનુરૂપ કન્ટેમ્પરરી ટચ જરૂર આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ સ્વાદ સિંધી જળવાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

sindhi-01

યુવાન સનત આહુજા જે આ રેસ્ટોરાં ચલાવે છે તેને પૂછો તો તે સિંધી વાનગીઓ અને શબ્દોનો અર્થ  સમજાવે છે. સનત ન હોય તો તેના પિતા પણ ખૂબ પ્રેમથી તમને સિંધી વાનગીઓની ઓળખ કરાવી આપે. આટલી નાની રેસ્ટોરાં હોવા છતાં વાતાવરણને લીધે તમને શાંતિ લાગે છે, ગૂંગળામણનો અનુભવ નથી કરાવતી.  ચાલો હવે સિંધી ખાણીપીણીની વાત કરીએ. સિંધી ચાટ વાંચીને સવાલ થયો કે પાણીપૂરી અને સેવપૂરીમાં સિંધી વળી શું હોય? સિંધી પાણીપૂરી આમ તો નૉર્મલ બહાર મળતી પાણીપૂરી જેવી જ લાગે, પણ થોડોક ફરક ધ્યાન ખેંચે. પૂરી મેંદાની હોય, રવાની નહીં. અહીંનું પાણી અને ચટણી ટેસ્ટી છે. પૂરીના બદલાવને કારણે પણ સ્વાદમાં ફરક પડે. મિર્ચી ભજિયા ચાટ વાંચતાં જ તીખાશથી મારી જેમ ડરી ગયા હો તો કૂ...લ! આ મરચાં તીખાં નથી હોતાં. ભજિયાં પર ચટણી અને દહીં તેમ જ મમરાનો ચેવડો નાખીને પીરસાય. સ્વાદિષ્ટ તો ખરું જ. સિંધી પકવાન સેવપૂરી. અગેઇન મેંદાનાં પકવાન અને એના પર છોલે, ચટણી અને દહીં નાખીને પીરસાય. દરેક વાનગીને સરસ રીતે પ્રેઝન્ટેબલ રીતે પીરસાય અને સ્વાદમાં સિંધીપણું અનુભવાય.

sindhi--02

મેંદો અને તળેલું ન ખાવું હોય તો મગની ભેળ પણ છે. એ છતાં જો સિંધી ખાવું હોય તો તળેલું અને મેંદો ખાવાની તૈયારી પણ રાખજો. મેનુમાં નાસ્તો, ખાદો, નમકીન, ઈઓ ભી અને કુછ મીઠો વિભાગ છે. નાસ્તોમાં ભીયાન જી ટિક્કી, સોયા કબાબ, અરબી ટુક, આલૂ ટુક, ભી પકોડા, સના પકોડા, ચુરા પકવાન ચાટ આ બધું જ પ્યૉર સિંધી સ્વાદ ધરાવે છે. ભી એટલે કમળની દાંડી. કમળની દાંડીની કટલેટ કે ભજિયાં અનોખાં તો ખરાં જ પણ ટુક તો ચાખવી જ પડી. આલૂ ટુક ઑથેન્ટિક સિંધી ભજિયું છે એમ કહી શકાય. બાફેલા બટટાને દાબીને એને તળીને એના પર સૂકો મસાલો નાખીને ફુદીના અને કોથમીરની ચટણી સાથે પીરસાય. અરબીની પણ ટુક અહીં ચાખવા જેવી છે. ટુક સિવાય ટીકરા એ સિંધી આઇટમ છે. સ્ટાર્ટર તરીકે મસ્ત ટાઇમ પાસ. રોટલીને તળીને ક્રિસ્પી બનાવાય અને સાથે ચટપટી ચટણી. નાચોઝનો દેશી અવતાર કહી શકાય.

 આમ તો આટલામાં જ પેટ ભરાઈ જાય એટલે મિત્રો સાથે જજો, કારણ કે હજી ભાણું તો બાકી. અહીં સિંધી થાળી પણ મળે છે. એ છતાં કંઈક જુદું ખાવું હોય અને આ પહેલાં સિંધી ન ખાધું હોય તો  દાલ-પકવાન તેમ જ સિંધી કોકી વ‌િથ દહીં, પાપડ અને અચારનો ઑર્ડર આપી શકાય. તળેલી મેંદાની પૂરી અને ચણાની દાળ એ દાલ-પકવાન. સિંધી કોકી એટલે પરાંઠાં. ઘઉંના લોટમાં કાંદા, કોથમીર અને લીલાં મરચાં નાખીને એનાં પરાંઠાં બનાવાય. એની સાથે ગાઢું દહીં પીરસાય. આ ખાધું તો થાળી ખાવા બીજી વાર જવું પડે. થાળીમાં આલૂ ટુક, સિંધી કઢી, ભી આલૂ સબ્જી, પીલી દાલ, ભાત, ભુગા ચાવલ, બુંદી રાયતા, એક સ્વીટ અને પૂરી-રોટલી પીરસાય. લગભગ ચારસો રૂપિયાની થાળી છે. આ સિવાય સિંધી ભાજી, સોયા કીમા પાંઉ, ગ્રીન સિયાલ પાંઉ. પનીર મખ્ખની પણ મળે છે. સાથે પીણું જોઈએ તો મસાલા છાશ, ઠંડાઈ, પાન મિલ્ક શેક, મૅન્ગો લસ્સી અને કાલા ખટ્ટા પણ મળે છે. છેલ્લે કુછ મીઠો ખાવું હોય તો સ્પેશ્યલ સિંધી મીઠા લોલા, યમ્મુ એટલે કે ગુલાબજાંબુ, સિંઘર જી મીઠાઈ અને કુલ્ફી ફાલૂદા છે. મીઠા લોલા એટલે ઘઉંની મીઠી ભાખરી, જે ધીમા તાપે ચૂલા પર પકાવી હોય. સિંઘર જી મીઠાઈ એટલે ટિપિકલ સિંધી રીતે માવો નાખીને બનાવેલી સેવ. ગુલાબજાંબુનો સ્વાદ પણ અહીં છે. ખૂબ જ સૉફ્ટ કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય. સિંઘરની મીઠાઈનો સ્વાદ અદ્ભુત છે.

બે વ્યક્તિ અહીં જમે કે નાસ્તો કરે તો હજારથી દોઢ હજાર રૂપિયા બિલ આવી શકે. જો તમે ખાવાના શોખીન હો તો એક વાર આ ઑથેન્ટિક સિંધી ખાવાનું માણવા જેવું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK