Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



થોડા રુમાની હો જાયે...

11 November, 2019 02:39 PM IST | Mumbai

થોડા રુમાની હો જાયે...

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


દિવાળી પૂરી થઈ ગઈ. સ્કૂલ, કૉલેજ અને ઑફિસ ફરી પાછી ચાલુ થઈ ગઈ. સ્કૂલ માટે બૅગ તૈયાર કરતી વેળા મારા દીકરાનું મોઢું રીતસરનું રડમસ થઈ ગયું. પતિદેવનો પણ મૂડ જરા બગડી ગયો. મારું પણ દિલ દુભાઈ ગયું. ફરી પાછું રોજિંદા જીવનની ભાગદોડમાં જોડાઈ જવાનું તો કોને ગમે? આપણી ભારતીય સંસ્કૃતિ પણ કેટલી રસપ્રદ છે નહીં? આપણે ત્યાં લગભગ આખું વર્ષ એકાંતરે એક નહીં તો બીજા તહેવારો આવતા રહે છે. એ તહેવારો પાછળ આપણાં સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કારણો તો હોય જ છે પરંતુ એમની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે એ આપણને આપણા રૂટીન સાથે રોમૅન્સ કરવાની તક આપે છે. તહેવારોના દિવસોમાં પણ આપણે સવારે ઊઠીએ છીએ, પરંતુ એ ઊઠવામાં એક પ્રકારનું એક્સાઇટમેન્ટ હોય છે. નહાઈને નવાં કપડાં પહેરીને તૈયાર થવાનું એક્સાઇટમેન્ટ, રોજિંદા પૂજાપાઠથી થોડી અલગ પૂજા કરવાનું એક્સાઇટમેન્ટ, નવી-નવી વાનગીઓ બનાવવાનું એક્સાઇટમેન્ટ તથા નવી-નવી વાનગીઓ ખાવાનું એક્સાઇટમેન્ટ. ટૂંકમાં કામ તો એનાં એ જ હોય છે; બસ એમાં થોડા એક્સાઇટમેન્ટનું, થોડા રોમૅન્સનું તત્ત્વ ઉમેરાઈ જાય છે. તેથી એક દિવસ માટે હોય, પાંચ દિવસ માટે કે દસ દિવસ માટે; પરંતુ તહેવારોના દિવસોમાં આપણું જીવન રસપ્રદ બની જાય છે. આમ આપણા સામાન્ય જીવન અને તહેવારો વચ્ચે જે ફરક છે એ ખરેખર તો માત્ર આ એક્સાઇટમેન્ટનો, આ રોમૅન્સના તત્ત્વનો જ છે.
આપણે માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, લગભગ આપણે બધા જ પોતપોતાના રૂટીનનો શિકાર હોઈએ છીએ. આપણે બધા જ સવારે ઊઠીએ છીએ, વિદ્યાર્થીઓ સ્કૂલ કે કૉલેજમાં જાય છે, પુરુષવર્ગ ઑફિસે અને મહિલાવર્ગ પણ ઘરના કે ઑફિસના કામમાં પરોવાઈ જાય છે. સાંજે એ જ ફરી પાછું રૂટીન. ઘરે આવવાનું, જમવાનું, થોડી વાર ટીવી જોવાનું અને સૂઈ જવાનું. આપણા રોજિંદા જીવનમાં ક્યાં કોઈ એક્સાઇટમેન્ટ કે રોમૅન્સ હોય છે?
એ વાત સાચી છે કે જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ કામ પાછળ મચી પડવું આવશ્યક છે. એ માટે એક રૂટીન બનાવવું પણ એટલું જ આવશ્યક છે. રૂટીન દ્વારા ન ફક્ત આપણે આપણા દિવસનું ટાઇમટેબલ નક્કી કરી શકીએ છીએ, પરંતુ જરૂરી કામને પ્રાધાન્ય પણ આપી શકીએ છીએ. આમ રૂટીનની ખાસિયત એ છે કે એ આપણા જીવનમાં વ્યવસ્થા લાવે છે અને સેન્સ ઑફ સિક્યૉરિટી આપે છે. અલબત્ત, રૂટીનની નકારાત્મક બાબત એ છે કે એ જીવનમાં થાક, કંટાળો અને ઉદાસીનતા પણ લાવે છે. આપણી મતિ અને ગતિ બન્નેને મંદ કરી મૂકે છે, જેને પગલે જીવનમાંથી આપણો રસ ઓછો થઈ જાય છે. આ જ કારણ છે કે મોટા ભાગના આપણે દુન્યવી દૃષ્ટિએ સુખી હોવા છતાં અંદરખાને થોડા નારાજ હોઈએ છીએ. આપણને આ નારાજગીનું કારણ સમજાતું નથી, પરંતુ વાસ્તવમાં આપણે આપણા રૂટીનથી થાકી ગયા હોઈએ છીએ.
મહદ્ અંશે આપણી આસપાસના બધા જ આ માનસિક કંટાળો લઈને ફરતા હોય છે, પરંતુ એકાંતરે આપણો ભેટો કેટલીક એવી વ્યક્તિઓ સાથે થઈ જાય છે જેઓ ફુલ ઑફ લાઇફ, ફુલ ઑફ એનર્જી હોય છે. જેમની ચાલમાં ઉત્સાહ અને અવાજમાં ખનક હોય છે. ક્યારેય વિચાર્યું છે કે એવું તે તેમનામાં શું છે જે આપણામાં નથી? શું તેઓ રોજ સવારે ઊઠતા નથી? અઠવાડિયાના અમુક દિવસ નહાતા કે ખાતા નથી? કામે નથી જતા કે પછી ઘરે પાછા ફરતા નથી?
ચોક્કસ તેઓ એ બધું જ કરે છે જે આપણે કરીએ છીએ. તો પછી તેઓ આપણાથી આટલા અલગ કેમ છે? તેઓ અલગ છે, કારણ કે તેઓ પોતાના રૂટીન સાથે રોમૅન્સ કરે છે. જીવનનાં જે કંટાળાજનક કામો છે એને કોઈ ને કોઈ રીતે રસપ્રદ બનાવતા રહે છે. સતત પોતાના મન અને મગજને ઍક્ટિવ રાખવા એવા સવાલો ઊભા કરતા રહે છે જેના જવાબો હજી તેમણે શોધવાના બાકી છે. જાતે જ નવા પડકારો ઊભા કરે છે અને પછી પોતે જ એનો સામનો કરવા નીકળી પડે છે, સતત સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.
આમ જોવા જાઓ તો આ વાત કેટલી સીધી અને સરળ છે. એકદમ શીરાની જેમ ગળે ઊતરી જાય એવી. વળી એમાં એવું શું છે જે તમને કે મને ખબર નથી તેમ છતાં આપણે એનાથી અજાણ છીએ, કારણ કે આપણે ક્યારેય જીવનને આ દૃષ્ટિથી જોતા નથી. રોમૅન્સની વાત આવે એટલે આપણને ફક્ત વ્યક્તિ જ યાદ આવે છે, જ્યારે હકીકત તો એ છે કે થોડું ખેલદિલીપૂર્વક વિચારીએ તો જીવનની દરેક નાનીમોટી બાબત સાથે રોમૅન્સ કરી શકાય છે. સમયાંતરે ઘરની ગોઠવણ બદલી ઘર સાથે રોમૅન્સ કરી શકાય છે, આપણો ગેટઅપ બદલી નવી હેરકટ કરાવી પોતાની જાત સાથે રોમૅન્સ કરી શકાય છે, ઑફિસના કામમાં નવીનતા લાવી, નવા પડકારો ઊભા કરી પોતાના નોકરી કે ધંધા સાથે રોમૅન્સ કરી શકાય છે, દિવસમાં થોડી વાર બાળકો સાથે રમીને, તેમને વહાલ કરીને કે પછી તેમને ભણાવવાની પ્રક્રિયામાં થોડાં તોફાનમસ્તી ઉમેરી તેમની સાથે પણ રોમૅન્સ કરી શકાય છે કે પછી તેમણે જેની અપેક્ષા પણ ન રાખી હોય એવી સરપ્રાઇઝ આપી કે એવું વર્તન કરીને વર્ષો જૂના એ જ પતિ કે પત્ની સાથે પણ રોમૅન્સ કરી શકાય છે.
આ માટે જરૂરી છે કે આપણે આપણા જ જીવનનો, આપણા જ વર્તનનો અભ્યાસ કરીએ અને ક્યાં તથા કેવી રીતે એ અવારનવાર ચોક્કસ માળખામાં જઈને સેટ થઈ જાય છે એ સમજવાનો પ્રયાસ કરીએ. ત્યાર બાદ જાણી જોઈને એમાંથી કેટલાંક ચોકઠાંને તોડી કશુંક નવું બનાવવાનો, નવું સર્જન કરવાનો પ્રયાસ કરી એમાં થોડું વૈવિધ્ય લાવીએ. જીવન સાથે રોમૅન્સ કરવાનો, લાઇફમાં એક્સાઇટમેન્ટ જાળવી રાખવાનો આનાથી વધુ આસાન રસ્તો બીજો કયો હોઈ શકે?


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 02:39 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK