ચાલો આજે જઈએ ચોળાફળી-ચટણીના બજારની સફરે

Published: 19th October, 2020 22:59 IST | Pooja Sangani | Mumbai

અમદાવાદના પાલડીમાં અડધો કિલોમીટરના પટ્ટામાં લગભગ દોઢ ડઝન જેટલી ચોળાફળી વેચતી દુકાનો તમને મળી જશે. નાસ્તામાં તીખી તમતમતી ચટણી સાથે એ ખાવાની મજા જ કંઈક ઑર છે. દશેરામાં હવે ઘણા લોકો આ ચોળાફળી ખાવાનું પ્રિફર કરવા લાગ્યા છે

ચોળાફળીની સાથે ફરસી પૂરી પણ બહુ ટેસ્ટી હોય છે
ચોળાફળીની સાથે ફરસી પૂરી પણ બહુ ટેસ્ટી હોય છે

કયા શહેરમાં કઈ વાનગી કેટલી પ્રખ્યાત છે એનો ખ્યાલ ત્યારે જ આવી જાય કે જ્યારે તમે એ વાનગી દુકાનો, લારીઓ કે ફેરિયાઓ પાસે ડગલે ને પગલે જુઓ. અને એમાં પણ એક જ વાનગીનું આખું બજાર હોય તો-તો જોવાનું જ શું? સમજી જવાનું કે આ વાનગી અહીં ભારે પ્રખ્યાત છે. તો અમદાવાદમાં રહેતા હશે કે વધુ આવનજાવન રહેતી હશે તેમને તો ખબર જ હશે કે પાલડી વિસ્તારમાં માત્ર ચોળાફળીની દુકાનો અને લારીઓનું બજાર છે. જેમ બજારમાં જાણે કે દુકાનોની હારમાળા હોય એમ નથી, પરંતુ અંદાજિત અડધો કિલોમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછી દોઢ ડઝન જેટલી દુકાનો અને લારીઓ હશે અને મહાલક્ષ્મી પાંચ રસ્તા તો જાણે ‘ચોળાફળી ચોક’ તરીકે જ જાણીતો થઈ ગયો છે.

food
દશેરાનો તહેવાર આવનાર હોય અને તમે ફાફડા-જલેબી અને ચોળાફળી-ચટણીની વાત ન કરો તો તહેવાર ક્યારે આવ્યો અને ક્યારે જતો રહ્યો એ ખબર જ ન પડે. ફાફડા-જલેબીની વાત તો જાણીતી છે જ, પરંતુ ચોળાફળીની વાત આજે કરીએ. આ એક વાનગી એવી છે કે ગુજરાતમાં અમદાવાદ જેટલી પ્રખ્યાત અને ટેસ્ટી ક્યાંય નથી. કદાચ ચોળાફળી મળતી પણ હશે તો એના જેવી ચટણીનો જોટો ન જડે ભાઈ. તીખી તમતમતી, ફુદીનો, આદું, લીલાં મરચાં, અજમો, મરીનો ભૂકો, સફેદ મરચું અને કોથમીર વાટીને બનાવેલી ચટણીનો સબડકો ગોળ ભૂંગળા જેવી ચોળાફળીમાં ભરીને લો ત્યારે ભલભલા તાવના દરદી સાજા થઈ જાય અને શરદી-કફ ભાગી જાય એવી હોય છે. અહીં અમદાવાદમાં એ ચટણીમાં બરફ નાખેલો હોય છે એટલે ચિલ્ડ ખાવાનો રિવાજ છે. 
નડિયાદ અને ઉત્તરસંડાની ફેમસ
અડદ અને ચણાના લોટ બાંધીને કુટી-કુટીને એને સૉફ્ટ બનાવીને એના રોટલા તૈયાર થયા બાદ એને એકસરખા આંગળી જેવા પાતળી પટ્ટીઓ કાપીને તળો એટલે એક વેંત જેટલી લાંબી અને ફૂલેલી ચોળાફળી બને. એની ઉપર સંચળ, મીઠું અને મરચાનો ખાસ તીખો મસાલો નાખવાનો  અને એને ચટણીમાં રગદોળીને, બોળીને કે ભરીને ખાઓ ત્યારે તો જાણે સ્વાદનો ખજાનો લૂંટી રહ્યાની મજા આવે. પણ એક રસપ્રદ વાત અહીં કરવી છે. ચોળાફળી ખવાય છે અમદાવાદમાં પણ બને છે નડિયાદ અને આણંદની વચ્ચે આવેલા ઉત્તરસંડા અને એની આજુબાજુનાં ગામોમાં. હા, ચોળાફળીના રોટલા અને મઠિયાં બનાવવાનો ગૃહઉદ્યોગ છે અને બારેમાસ ધમધમે છે. હવે તો દિવાળી વખતે તો બજારમાં ઠેર-ઠેર નડિયાદ અને ઉત્તરસંડાની ચોળાફળી દેખાશે. ઘરે બનાવવાની ઝંઝટ નહીં અને તળીને ઝટપટ ખાઈ લેવાની. 
અમદાવાદમાં બહુ જાણીતી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ છે એનાથી ચાલતા પગલે જઈ શકાય એટલા નજીક પ્રીતમનગર વિસ્તાર આવે અને ત્યાંથી લઈને મહાલક્ષ્મી પાંચ રસ્તા સુધીમાં તમને ચોળાફળીની અનેક દુકાનો અને લારીઓનાં નામ જોવા મળે. એમાં એક વાત કૉમન છે કે દરેકના નામ ‘નાગર’ બી. કે. નાગર, અશોક નાગર, શ્રી નાગર એવાં આગળનાં નામ અલગ હોય; પરંતુ મોટા અક્ષરે નાગર તો લખેલું જ હોય. આ તો આ વિસ્તારની વાત થઈ પરંતુ અમદાવાદમાં મોટા ભાગના ચોળાફળીવાળાઓ નાગરના નામથી જ ઓળખાય છે. એની પાછળનો ઇતિહાસ રસપ્રદ છે. 
ચોળાફળીનું રાજસ્થાન કનેક્શન
ગુજરાતમાં ખવાતી ચોળાફળીનું રાજસ્થાનમાં નામોનિશાન નથી પરંતુ એનું કનેક્શન જરૂર પાડોશી રાજસ્થાન સાથે છે, કારણ કે ચોળાફળીનું વેચાણ કરનારા મોટા ભાગના નાગર અટક ધરાવે છે અને તેમની એક વિશેષ આવડત છે કે ક્રિસ્પી અને મુલાયમ ચોળાફળી તેમના હાથે  બને છે. તેઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વતનીઓ છે અને અહીં ચાર-પાંચ દાયકા પહેલાં આવીને ચોળાફળીનો ધંધો શરૂ કર્યો હતો. શહેરમાં એક વાર નાગરના નામે ચોળાફળી પ્રખ્યાત થઈ ગઈ પછી ઠેર-ઠેર હવે આ જ નામે વેચાય છે. પરંતુ એની પાછળ ઓરિજિનલ કોણ છે એ શોધવા જવું મુશ્કેલ છે. પરંતુ નાગર સમાજના લોકોનો એમાં દબદબો છે. નૉન-નાગર લોકો પણ નાગરના નામે ચરી ખાય છે. શું કરવું ભાઈ? ધંધો તો કરેને બાપડા. 
એક જગ્યાએ બને ને બધે વેચાય
ચોળાફળી રોજે-રોજ બનાવીને સાચવવી એ ભારે ઝંઝટનું કામ છે, કારણ કે એક કિલો ચોળાફળી લો તો જાણે તમારે બે હાથે પકડવી પડે એટલી બધી આવે, કારણ કે એ વજનમાં હળવી અને એની સાઇઝ મોટી હોય છે. આથી રાયપુર દરવાજા બહાર આવેલી વસાહતોમાં ચોળાફળી બનાવવાનાં કારખાનાં છે. ત્યાં દિવસ-રાત ચોળાફળી બન્યા કરે. આ નાસ્તો બપોરે ચાર વાગ્યા પછી મળે. તેથી બાર વાગ્યાથી લારીઓવાળા ટોપલે-ટોપલા ભરીને ચોળાફળી લઈ જાય. તેમને ખાલી ચટણી જ બનાવવાની અને પછી ગ્રાહકને વેચાણ કરવાની. આથી તમે લારીઓમાં ચોળાફળી ખાઓ અને એકનો એક સ્વાદ લાગે તો મેં આ લખેલું એ યાદ કરજો. એટલે અમુક જ નાગર ચોળાફળીવાળા છે કે જેમનું ‘ઘરનું પ્રોડક્શન’ છે. 

કોણ ઓરિજિનલ?

food

ઓરિજિનલ નાગર ચોળાફળી કોણ છે એ તો દાવા સાથે ન કહી શકાય, પરંતુ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે અને પ્રીતમનગરના ઢાળ પાસે  ‘બી. કે. નાગર ચોળાફળી’ના નામે બે દુકાનો એક જ માલિકની છે. તેમની બીજી  બે દુકાનો અમદાવાદના પૉશ વિસ્તાર પ્રહલાદનગર અને બીજા એક વિસ્તારમાં છે. તેમના માલિક પ્રકાશભાઈ નાગર અને નરેશભાઈ નાગર બે ભાઈઓ છે. તેમનું કહેવું છે કે તેમના પિતા રાજસ્થાનથી અહીં આવેલા અને નાની ઉંમરે ચોળાફળીનો ધંધો 45 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. આ ચોળાફળી એટલી ચાલી કે આજે તેઓ બે પાંદડે થયા છે અને ચાર દુકાનો કરી છે. પ્રકાશભાઈ કહે છે કે તેમની ચોળાફળી તો શ્રેષ્ઠ આવે જ છે પરંતુ લોકો ખાસ ચટણી ખાવા આવે છે. ઘણા ગ્રાહકો તો એવા છે કે જેમ પાણીપૂરીનું પાણી પી જાય એમ ચટણી પી જાય. ખૂબ જ તીખી ચટણી હોય છે પરંતુ જીભ ચોખ્ખી થઈ જાય એવી ટેસ્ટી હોય છે.
હવે તો દશેરા આવી એટલે એક વાર આંટો મારજો ચોળાફળીની લારીએ કે દુકાને. સામાન્ય દિવસે પ્રેમથી બોલાવતા આ ભાઈઓને તમારી સામે જોવાનો પણ ટાઇમ નહીં હોય એટલી બધી ભીડ હશે અને લોકો એક દિવસમાં કિલોબંધ ચોળાફળી ઓહિયા કરી જશે. લો ત્યારે હજી તમે અહીંની ચોળાફળી ન ખાધી હોય તો ખાસ ખાજો અને આ ચોળાફળી બજારમાં લટાર મારો તો કોની ચોળાફળી અને ચટણી તમને ભાવી કે નહીં એ ખાસ જણાવજો.
આવજો ત્યારે ખાઈપીને મોજ. શનિવારથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો સૌને માર જય માતાજી.

સાથે ખારી બિસ્કિટ જેવી ફરસી પૂરી
ચોળાફળીની સાથે ફરસી પૂરી પણ બહુ ટેસ્ટી હોય છે. મેંદાના લોટની પૂરી એટલી સૉફ્ટ અને એકથી વધુ પડ હોય છે કે જાણે તમને ખારી બિસ્કિટ ખાતા હોય એવો અહેસાસ થાય છે. ફરસી પૂરીની સાથે મરચા, પપૈયાનું છીણ અને ચટણી મળે છે અને લોકો હોંશથી ખાય છે. એ જ રીતે પાપડી પણ ખાય છે.

food

નાગર શબ્દ ધરાવતી અનેક લારી, દુકાન અહીં જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK