Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વેસ્ટર્ન v/s ઇન્ડિયન

18 November, 2019 03:57 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

વેસ્ટર્ન v/s ઇન્ડિયન

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


મુંબઈના સ્લમ વિસ્તારો સિવાય હવે લગભગ ઘરે-ઘરે ટૉઇલેટની સુવિધા છે. જોકે માત્ર સુવિધા ઊભી થઈ જવી એટલું પૂરતું નથી. શું એ સારી અને સાયન્ટિફિક છે કે નહીં એ પણ ચકાસવું જોઈએ. આવતી કાલે વર્લ્ડ ટૉઇલેટ ડે છે ત્યારે નિષ્ણાતો પાસેથી જાણીએ કે કેવા પ્રકારનાં કમોડ ખરેખર હેલ્થ માટે બહેતર વિકલ્પ છે અને જે છે એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો?

છેલ્લાં બે વર્ષમાં ખરેખર જાહેરમાં શૌચમુક્ત ભારત બનાવવાની ઝુંબેશે ઘણું કામ કર્યું છે. ૨૦૧૭માં મુંબઈને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરાયેલું. જોકે એ પછીયે સ્લમ વિસ્તારોમાં અને પબ્લિક ટૉઇલેટના મામલે હજીયે મુંબઈની જરૂરિયાત પૂરી નથી થઈ. એ ખાધ પૂરવાનું કામ તો સરકાર કરશે, પણ આપણે આપણાં ઘરોમાં બનાવેલાં ટૉઇલેટ્સ વિશેની આજે વાત કરીએ. તમારા ઘરમાં કયું ટૉઇલેટ કમોડ છે? વેસ્ટર્ન કે ઇન્ડિયન સ્ટાઇલ? પોતાને મૉડર્ન ગણાવતા મોટા ભાગના લોકોના ઘરમાં વેસ્ટર્ન ટૉઇલેટ્સ જ બન્યાં હશે. જેમના ઘરે બેઠા ઘાટનું ઇન્ડિયન કમોડ હશે તેમને પણ એ તોડાવીને નવી સ્ટાઇલનું કમોડ કરાવવાની ઇચ્છા હશે જ. શું આ માત્ર પશ્ચિમના અનુકરણને કારણે થયેલો બદલાવ છે? શું વેસ્ટર્ન કમોડ વધુ સારું છે? શું ઇન્ડિયન સ્ટાઇલ કમોડ ઊતરતી કક્ષાનું છે? ચાલો, કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને આના જવાબ મેળવીએ. 



વેસ્ટર્ન કમોડ કેમ વધુ ફેમસ?


બન્નેમાંથી કયું કમોડ વધુ સારું છે એની ચર્ચા કરતાં પહેલાં એ જાણીએ કે કેમ વેસ્ટર્ન કમોડની ડિમાન્ડ વધુ છે. એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘આજકાલ આપણું જમીન પર બેસવાનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. પહેલાંના જમાનામાં રસોઈ બનાવવાથી માંડીને ખાવા સુધીનું તમામ કામ જમીન પર બેસીને થતું હતું. લોકો સૂવા માટે પણ જમીન પર ગાદલું પાથરતા. જોકે હવે એ ટેવ સાવ ઘટી રહી છે. એને કારણે લોકોને ઉભડક બેસવામાં બહુ તકલીફ પડે છે. માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, યંગસ્ટર્સને પણ ઉભડક બેસતાં ફાવતું નથી. એમાં વળી, ઘરમાં વડીલો હોય તો તેમને ઘૂંટણના દુખાવા, આર્થ્રાઇટિસ જેવી તકલીફ હોય છે. ઉંમરને કારણે બેસવા-ઊઠવામાં અસંતુલન થવાની સમસ્યા રહે છે એટલે જો તેમને વેસ્ટર્ન બેઠકવાળું કમોડ હોય તો વધુ સુવિધાજનક લાગે છે. જોકે યંગસ્ટર્સમાં હવે ઓબેસિટીને કારણે બૉડીની ફ્લૅક્સિબિલિટી પણ સાવ ઘટી ગઈ છે. જૂની પેઢી તો શારીરિક વિવશતાને કારણે ખુરશી-સ્ટાઇલનું કમોડ વાપરે છે, પણ નવી પેઢીને તો ઉભડક બેસવાની કદી આદત જ નથી પડી.’

અનુકૂળ હોવા છતાં અનહેલ્ધી


વેસ્ટર્ન કમોડ કમ્ફર્ટના મામલે વધુ માર્ક્સ લઈ જાય છે, પણ હેલ્થની વાત હોય તો ઇન્ડિયન સ્ટાઇલ વધુ બહેતર છે એમ સમજાવતાં ડૉ. ચેતન કહે છે, ‘હેલ્ધી રહેવા માટે પેટ સાફ થવું બહુ જરૂરી બાબત ગણાય છે અને એમાં તમે કયું કમોડ વાપરો છો એ પણ એક રિસ્પૉન્સિબલ ફૅક્ટર હોય છે. મતબલ કે જો તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો એમાં તમારું કમોડ પણ એક કારણ હોઈ શકે છે. એનું કારણ છે કે ગુદામાર્ગ વાટે મળ નીકળે છે ત્યારે જો તમે ખુરસી પર બેઠેલી અવસ્થામાં હો તો એનાથી એક ઍન્ગલ બને છે. મળદ્વાર અને મોટા આંતરડા વચ્ચે ખાંચો પડવાને કારણે મળનું સારણ સહેલાઈથી થવામાં અવરોધ પેદા થાય છે. જો તમે ઇન્ડિયન ટૉઇલેટમાં ઉભડક બેસો તો એનાથી આ ખાંચો હટી જતાં મળદ્વાર અને આંતરડા વચ્ચે સીધી લાઇન બને છે અને સહેલાઈથી જોર કર્યા વિના જ મળ સરી જાય છે.’

શું માત્ર કમોડને કારણે જ કબજિયાત થાય એવું સંભવ છે? એના જવાબમાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આપણે ત્યાં પરંપરાગત ધોરણે કહેવાતું આવ્યું છે કે સ્ક્વૉટ પોઝિશન ખુલાસાથી પેટ સાફ થઈ જાય એ માટે બેસ્ટ છે. તમે ઉભડક બેસો છો ત્યારે રેક્ટમ પાસેના ખાસ મસલ્સ રિલૅક્સ થતા હોવાથી અને પેટ પર પ્રેશર આવવાથી આપમેળે મળ સારણ સહેલું બને છે. જોકે માત્ર કમોડ બદલવાથી કબજિયાત ઘટી જાય એવું સીધું તારણ ન કઢાય. કબજિયાત થવાનું મૂળ છે ફૂડ-હૅબિટ. એ ન સુધારો ત્યાં સુધી કમોડ બદલ્યાનો ફાયદો નહીં થાય. તમે ભોજનમાં ફળ-શાકભાજી અને ફાઇબરવાળી ચીજોનો ભરપૂર ઉપયોગ કરતા હો એમ છતાં જો આંતરડાના મસલ્સની મૂવમેન્ટ ઘટી જવાથી પેટ સાફ થવામાં તકલીફ રહેતી હોય તો કમોડ ચેન્જ કરવું હિતાવહ રહે છે.’

વેસ્ટર્ન કમોડ જ હોય તો શું?

જેમના ઘરે વેસ્ટર્ન કમોડ જ હોય અને કબજિયાતની તકલીફ રહેતી હોય તો શું? એ તોડાવીને ફરી ઇન્ડિયન સ્ટાઇલનું ટૉઇલેટ બનાવવું જરૂરી છે? આવું કરવાની જરૂર નથી, એમ જણાવતાં ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘પહેલી વાત એ સમજો કે તમને કબજિયાત હોય તો જ ઇન્ડિયન વાપરવું એવું ન હોય. બને ત્યાં સુધી મળત્યાગની પ્રક્રિયા સરળ અને હેલ્ધી રહે એ માટે પણ ઉભડક કમોડ વધુ બહેતર છે. અલબત્ત, એ માટે કોઈ તોડફોડ કરાવવાની જરૂર નથી. વેસ્ટર્ન સ્ટાઇલમાં પણ તમે મૉડિફિકેશન કરીને ઉભડક જેવા ફાયદા મેળવી શકો છો. એ માટે તમારે બે કામ કરવાનાં. લગભગ ૯ ઇંચ જેટલું ઊંચું ટેબલ વેસ્ટર્ન કમોડની આગળ મૂકી દેવું. એના પર પગ મૂકશો એટલે તમારાં ઘૂંટણ હિપ જૉઇન્ટ કરતાં થોડા વધુ ઊંચા રહેશે. ચૅર પર બેઠા હો ત્યારે ઘૂંટણ અને થાપાનો સાંધો એક લાઇનમાં રહે છે, પણ ટેબલ મૂકવાથી ઘૂંટણ ઊંચાં થઈ જશે. એ પછી તમારે કમરથી આગળની તરફ વળવાનું છે. કમરને ૩૫ ડિગ્રી આગળની તરફ ઝુકાવશો તો આપમેળે રૅક્ટમ અને કોલન વચ્ચેનો ઍન્ગલ સીધો થઈ જશે અને આસપાસના મસલ્સ રિલૅક્સ થતાં મળસારણ સરળ બની જશે.’

વેસ્ટર્ન કમ્ફર્ટના ગેરફાયદા

ચૅરસ્ટાઇલ કમોડ બેસવામાં ખૂબ કમ્ફર્ટેબલ રહે છે, પણ એને કારણે લોકો લાંબો સમય ટૉઇલેટમાં ગાળે છે. ડૉ. ચેતન કહે છે, ‘મારી પાસે ઘણા ટીનેજર્સ અને યંગસ્ટર્સ કબજિયાતની તકલીફ લઈને આવે છે. તેઓ ટૉઇલેટમાં અડધો-પોણો કલાક પેટ સાફ કરવા બેસી રહે છે. આ લોકો મોબાઇલ કે છાપું લઈને અંદર ઘૂસે છે અને ક્યાંય સુધી બેસી રહે છે. આ આદત બહુ ખોટી છે. જોર કરતા રહેવાને કારણે લાંબા ગાળે આંતરડાંની અને રૅક્ટમની તકલીફો થાય છે. વધુપડતા જોરને કારણે મળદ્વારની અંદરના ભાગમાં સૉલિટરી રેક્ટલ અલ્સર થઈ શકે છે. લાંબા ગાળે હરસ, મસા અને ફિશર જેવી તકલીફો પણ દેખાય છે. એને નિવારવા માટે પણ મળસારણ સરળ અને સ્મૂધ રહે એ બહુ જરૂરી છે.’

ટૉઇલેટ હાઇજીન ઇઝ મસ્ટ

જેમ ખુલ્લામાં હાજત કરવાનું ટાળવાથી અનેક રોગોથી બચી શકાય છે એમ ટૉઇલેટનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવાની આદત પણ એટલી જ મહત્ત્વની છે. ડૉ. સુશીલ કહે છે, ‘કુદરતી હાજત પછી હૅન્ડ-વૉશિંગની આદત રાખવાથી બાળકોમાં મોર્ટાલિટી રેટ ઘટ્યો છે એટલું જ નહીં, એને કારણે નાની ઉંમરનાં બાળકોમાં ડાયેરિયા, ડિસેન્ટ્રી, ડિહાઇડ્રેશન જેવી તકલીફો નિવારી શકાય છે. બીજું, ગર્લ-ચાઇલ્ડમાં પૉટી ટ્રેઇનિંગ દરમ્યાન એક બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે. ઘણી વાર ગર્લ્સમાં યુરિન ઇન્ફેક્શન જોવા મળે છે એનું કારણ પણ ફિકલ કન્ટામિનેશન હોય છે. બેબીઝની પૉટી સાફ કરતી વખતે પાછળથી આગળની તરફ હાથ ફેરવવાને બદલે આગળથી પાછળની તરફ હાથ ફેરવીને સાફ કરવામાં આવે તો એનાથી કન્ટામિનેશનના ચાન્સિસ ઘટી જાય છે.’

ઇન્ડિયન ટૉઇલેટના ફાયદા

લાંબો સમય મળ ભરાઈ રહે તો ઍપેન્ડિસાઇટિસ, ઇન્ફલમેટરી બાવેલ ડિસીઝ અને કોલન કૅન્સર જેવા ગંભીર રોગ પણ થઈ શકે છે. ઇન્ડિયન ટૉઇલેટ વાપરવાથી મળ ભરાઈ રહેવાની સંભાવના ઘટે છે. સહેલાઈથી અને ઝડપથી પેટ સાફ થઈ જાય છે.

મળસારણ માટે જોર કરવું ન પડતું હોવાથી પ્રોસ્ટેટ, બ્લૅડર અને ગર્ભાશય જેવા આંતરિક અવયવો સાથે સંકળાયેલી નર્વ્સ પ્રોટેક્ટ થાય છે.

ઉભડક બેઠક હોય તો નાના આંતરડા અને કોલન વચ્ચે આવેલો ઇલિયોસિકલ વાલ્વ બરાબર સીલ થયેલો રહે છે અને મોશન પાસ થતી વખતે નાના આંતરડામાં કન્ટામિનેશન લીક થવાની સંભાવના ઘટે છે.

હરસ અને મસા થવાની સંભાવના ઘટે છે.

પ્રેગ્નન્ટ મહિલાઓ પહેલેથી જ જો ઉભડક કમોડ વાપરતી હોય તો એનાથી નૅચરલ ડિલિવરી થવાની સંભાવના વધે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 03:57 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK