શારીરિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે, શું થઇ શકે?

Published: 29th October, 2020 15:27 IST | Dr.Ravi Kothari | Mumbai

ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૨૬ વર્ષની છે. હજી લગ્ન નથી થયાં, પણ મારી વિચિત્ર સમસ્યાને કારણે લગ્ન કરવાનોય ડર લાગે છે. મને લાગે છે કે હું સાંસારિક જીવન માટે બન્યો જ નથી. અમારા ઘરમાં પહેલેથી જ ધાર્મિક અને ટ્રેડિશનલ વાતાવરણ રહ્યું છે. મને પણ એ બહુ ગમે છે. છતાં મને ફિઝિકલ ઇચ્છાઓ પણ ઘણી થાય છે. એ જ કારણોસર લગ્ન વિના મારી ગર્લફ્રેન્ડ સાથે હું ફિઝિકલી એક્ટિવ છું. હવે સમસ્યા એ છે કે જ્યારે પણ હું ફિઝિકલ ઇન્ટરકોર્સ કરું એ પછીથી મને ભયંકર માથું દુખવા લાગે છે. બાકી મને ક્યારેય માથું દુખતું નથી. ભૂખ્યો હોઉં, ખૂબ થાક્યો હોઉં કે પૂરતી ઊંઘ ન થઈ હોય તો પણ કદી માથું નથી દુખતું. મેં નોંધ્યું છે કે દરેક વખતે ઇન્ટરકોર્સ પછી મને વધતે ઓછે અંશે માથું દુખે જ છે. પેઇનકિલર લઉં પછી જ ફરક પડે. એમ છતાં મને ફરીથી જાતીય ઇચ્છા જાગે જ છે. મને સમજાતું નથી કે આ કેવું છે?
જવાબ- તમારી સમસ્યા ખરેખર પજવનારી છે, પણ આવું સાવ જ અનકૉમન નથી. સમાગમ કર્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય.
ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ ભ્રમણામાં ન રહેતાં એક વાર કોઈ સારા ન્યુરોલૉજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કૅનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK