Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અંબિકા વિયોગ ના સહેવાય, વહેલાં આવજો !

અંબિકા વિયોગ ના સહેવાય, વહેલાં આવજો !

08 October, 2019 04:58 PM IST | મુંબઈ ડેસ્ક
લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

અંબિકા વિયોગ ના સહેવાય, વહેલાં આવજો !

અંબિકા વિયોગ ના સહેવાય, વહેલાં આવજો !


લાખેણો કચ્છ

જેની આંખમાંથી અમી વરસે છે તે અંબા ! નવરાત્રિ પર્વમાં નૈસર્ગિક પવિત્રતા અને બાળસુલભ ભાવથી માતાજીનું આહવાન કરવું જોઈએ. આજે વિજયાદશમી, નવરાત્રીનો અંતિમ દિવસ ! નૈવેદ્ય ધરાવ્યા પછી માતાજીને આપણે વિદાય આપીએ છીએ અને તેમના પવિત્ર પ્રતીક એવા ગરબાને જળાશયમાં તારીએ છીએ. એ બધું મોટા ભાગે નવમા નવરાત્રના આપણે પૂર્ણ કરીએ છીએ, પણ નવરાત્રીનો અંતિમ દિવસ એટલે વિજયાદશમી. ત્રિલોકના નાથ ભગવાન શ્રીરામનો વિજય દિવસ. શક્તિનાં પૂજન-અર્ચન પૂર્ણ કર્યા પછી સમર્થતાના પૂજનનો દિવસ.



‘ગચ્છ ગચ્છ મા યથા સુખમ...’ એમ કહીને આપણે જે જગદંબાને વિદાય આપી તેના વિના શું આપણે રહી શકવાના છીએ? માતાજીના મહોત્સવને આપણે વિદાય આપી તેમની મહેર ને નહીં. ડગલે અને પગલે આપણે તેનું સ્મરણ અવિરત કરતા જ હોઈએ છીએ, કારણ કે જેની શક્તિથી જગતનાં સૌ દુ:ખ નાશ પામે, જેનાં સ્મરણથી જગતનાં સૌ સુખ આવે તે મા આશાપુરાનાં દર્શન જોવાની હવે આદત પડી ગઈ છે, બીજાને તો બહુ સગાંવહાલાં હશે પણ મારે તો આઈ આશાપુરા એક જ છે. આવો ભાવ આ વિદાય લેતાં નવરાત્રી પર્વએ આપનામાં જગાડ્યો હોય તો સાર્થક ગણાશે!
ત્રીજા નવરાત્રના રોજ આપણે નવ શક્તિઓમાંની ત્રણ શક્તિઓના માહાત્મ્યને યથાશક્તિ-યથામતિ વર્ણવ્યું હતું. દસમી દસ અવતાર જય વિજયાદશમી, તો ચોથા નોરતાંની અધિષ્ઠાત્રી દેવી કુષ્માંડા-શક્તિના સ્મરણથી શરૂ કરી નવમા શક્તિસ્વરૂપ સિદ્ધિદાત્રી શક્તિના સ્મરણ સાથે નવરાત્ર પર્વની પૂર્ણાહુતિ કરીશું.
મા ને ભજવા માટે પંડિત થવું પડતું નથી. મૂર્ખ, દુરાચારી કે પાપી પણ માના શરણે આવે તો મા તેને માફ કરે છે અને સાચા માર્ગે વાળે છે. આદિ શંકરાચાર્યએ કહ્યું જ છે કે, અપરાધથી છલોછલ હોય તેવા કુપુત્રને પણ શરણે આવે તો મા અંબા તેને માફ કરે છે. ચોથા નવરાત્રના દિવસે મા દુર્ગાનાં નવ સ્વરૂપો પૈકી જેનું નામ કુબુદ્ધિનો નાશ કરે છે તેવી માતા કુષ્માંડાનું સ્મરણ કરવાનું હોય છે. આખું જ બ્રહ્માંડ તેમની કુખેથી જન્મ્યું હોવાથી તેમનું નામ કુષ્માંડા શક્તિ પડ્યું છે અને તેથી જ તે જગતજનની કહેવાય છે. જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ પણ નહોતું, ચારે તરફ ઘોર અંધકાર છવાયેલો હતો ત્યારે આ દેવીસ્વરૂપે પોતાના ‘ઇષત્ત’ હાસ્યથી આ બ્રહ્માંડની રચના કરી તેથી તે આ સૃષ્ટિની આદિસ્વરૂપ શક્તિ છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ અને ક્ષમતા ફક્ત આ દેવીમાં જ છે તેથી તેમનાં શરીરની ક્રાંતિ સૂર્યપ્રકાશ જેવી છે. આ દેવીના તેજથી જ આ દસે દિશાઓ અને સંસાર તેજોમય બને છે.
નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડાદેવીની ઉપાસના કરનાર સાધકનું મન યોગ-સાધના પ્રમાણે ‘અનાહત’ચક્રમાં આવી જાય છે. મા કુષ્માંડા ભગવાન શિવની માફક આશુતોષ છે. મા કુષ્માંડાના ધ્યાનનો મંત્ર છે -
“સુરા સંપૂર્ણ કલશં રુધિરા લુનમે વય |
દધાના હસ્ત પદ્દ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મે ||”
નવદુર્ગાના સ્વરૂપોમાં પાંચમી નવરાત્રીએ સ્કંદમાતાનું પૂજન કરવાનું હોય છે. આ શક્તિ ભગવાન સ્કંદ ‘કુમાર કાર્તિકેય’ શિવના પુત્ર અને દેવોના સેનાપતિની માતા છે. સ્કંદ જેવા શૂરવીર પુત્રની માતા હોવાને કારણે તેની ઉપાસના પાંચમા નવરાત્રના રોજ કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધિ’ ચક્રમાં પહોંચે છે. દેવી કમળ પર બિરાજમાન હોવાથી તેમને ‘પદ્માસના’ના નામે પણ ઓળખવામાં આવે છે. સાધકનું મન તે દિવસે વિશુદ્ધિ ચક્રમાં પહોંચે છે. દેવીના આ સ્વરૂપમાં માતા-પુત્ર બંનેનું પૂજન થાય છે, જે એક વિરલ ઘટના ગણાય છે. સ્કંદ-કુમારની માતા તરીકે તેમનું પૂજન વિશેષ ફળ આપનારું માનવામાં આવે છે. સાધક વિશુદ્ધ ચિત્તવૃત્તિમાં માતાજીને વંદન કરતાં કહે છે -
“યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યેઈ નમસ્તસ્યેઈ નમસ્તસ્યેઈ નમો નમ : ||”
નવરાત્રિ એ માતૃશક્તિની વંદનાનો મહોત્સવ છે. સ્કંદ-માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. સાધકને તમામ અનિષ્ટ તત્ત્વોથી એ રક્ષણ આપે છે અને તેના યોગક્ષેમનું પણ વહન કરે છે. પાંચમા નવરાત્રની અધિષ્ઠાત્રી દેવી સ્કંદ માતાના સ્મરણનો મંત્ર છે :
“સિંહાસનગતા નિત્યં પદ્દ્માશ્રિત કરદ્રેયા |
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા
યશસ્વિની ||”
આ જગતની આદ્યશક્તિને નવરાત્રિ દરમ્યાન ભક્તો ભાવપૂર્વક પૂજન કરે છે. શબ્દ માત્રમાં મંત્રશક્તિ છે. વ્યવસ્થામાં તંત્રશક્તિ છે. સાધનોમાં યંત્રશક્તિ છે. સંન્યાસી, ચિન્મયી, આનંદમયી રૂપે શક્તિની ભક્તિ આખું જગત કરે છે. વિજ્ઞાન જેને ઊર્જાશક્તિ કહે છે તેને ઋષિરચિત શાસ્ત્રો આદ્યશક્તિ કહે છે. મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે. છઠ્ઠા નોરતાની તે અધિષ્ઠાત્રી છે. કત નામના એક બહુ મોટા તપસ્વી ઋષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્યના ગોત્રમાં પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો હતો જેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરી હતી. આ ઋષિની એવી ઈચ્છા હતી કે ભગવતી તેમના ઘેર પુત્રીરૂપે જન્મ લે. ઋષિની શ્રદ્ધા-ભક્તિ જોઈને ભગવતીએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. એક એવી કથા પણ મળે છે કે આ મહર્ષિ કાત્યાયનના ઘરે પુત્રીરૂપે જન્મ લીધો અને આસો સુદ સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ઋષિની સેવા-પૂજા સ્વીકારી વિજયાદશમના દિવસે ત્રિલોકમાં હાહાકાર મચાવનાર મહિષાસુર નામના અસુરનો નાશ કર્યો. મા કાત્યાયનીની ઉપાસનાનો મંત્ર છે :
“ચંદ્રહાસોજ્જ્વલ કરા, શાર્દુલ વર વાહના |
કાત્યાયની શુભમ દધાદેવી દાનવધાતિની ||”
મા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે કાલરાત્રિનું. શુભંકરી ભયંકર સ્વરૂપ! જ્યાં જ્યાં શક્તિ ત્યાં ત્યાં પ્રાણ, જ્યાં જ્યાં પ્રાણ ત્યાં ત્યાં ગતિ. ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ‘આ આત્મા દુર્બળને પ્રાપ્ત થતો નથી’ શરીરબળ એ પશુતા છે, તો આત્મબળ એ પ્રભુતા છે. મા દુર્ગાનું સાતમું સ્વરૂપ ‘કાલરાત્રિ’ છે, કારણ કે આ શક્તિના શરીરનો રંગ રાત્રિના ગાઢ અંધકારની માફક કાળો છે. માથાના વાળ વિખરાયેલા અને ગળામાં વીજળી જેવી માળા ચમકે છે. ત્રણ નેત્રો છે અને તે બ્રહ્માંડની માફક ગોળ છે. આ નેત્રોમાંથી વીજળી જેવાં ચમકદાર કિરણો નીકળે છે. તેમના નાકમાંથી ભયંકર અગ્નિની જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. માનું સમગ્ર સ્વરૂપ ભય પેદા કરનારું છે પરંતુ તે હંમેશાં શુભ ફળ આપનારું હોવાનું કહેવાય છે. એટલે જ એ ‘શુભંકરી’ કહેવાય છે. તેથી તેને ભજનારા ભક્તો ભયભીત થતા નથી. સાતમા દિવસે તેમની ઉપાસના કરવી જોઈએ અને સાધકનું મન સહસ્ત્રધાર ચક્રમાં સ્થિર થયું હોય છે. સંસારની સમસ્ત સિદ્ધિઓના દ્વાર સાધકના શરીરમાં ખૂલે છે. નિરંતર પૂજન કરીને ધ્યાન ધરવા માટે મા કાલરાત્રિ શક્તિનો -ધ્યાનનો મંત્ર જપવો જોઈએ :
“એક વેણી જયાકર્ણપૂરા નાગન ખરા સ્થિતા |
લમ્બોસ્થિ, કરણિકાકણી તૈલાભ્યક્ત
શરીરિણી ||
વામ પાદોલ્લ્સલ્લોહલતા કંટક ભૂષણા |
વર્ધ ન મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલ રાત્રિર્ભયન્કરી ||”
આઠમા નવરાત્રના દિવસે મહાગૌરી શક્તિનું અષ્ટવર્ષા મહાગૌરી સ્વરૂપ પૂજાય છે. અજવાળી આઠમ આમ પણ મહાગૌરીના ધૂપ-દીપનો દિવસ ગણાય છે ત્યારે આ તો નવરાત્રિની અને મહાગૌરીનો પોતાનો પર્વ! નવરાત્રના બધા જ દિવસો કરતાં આસો સુદ આઠમનું અદકેરું મહત્વ છે. દક્ષ રાજાના યજ્ઞનો નાશ ભદ્રકાળીએ આ દિવસે કરીને મહાગૌરી રૂપ ધારણ કર્યું હતું. આઠમના દિવસની તે અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉંમર પણ આઠ વર્ષની હોય છે. ‘અષ્ટવર્ષા ભવેદ ગૌરી.’ આઠ વર્ષની કન્યાને ‘ગૌરી’ કહેવાય છે. સમાજમાં જે ગૌરી વ્રતો થાય છે તે આ શક્તિનાં હોય છે. ચાર ભુજાઓવાળી આ દેવીનું વાહન વૃષભ છે. મુદ્રા અત્યંત શાંત અને તે જીવનમાં શાંતિ પ્રદાયિની છે.
તેમની કથા પણ અદ્દભુત અને પ્રેરક છે. મહાગૌરીના પૂર્વજન્મમાં તેઓ પાર્વતીજી હતાં. ભગવાન શિવને જ પતિરૂપે પ્રાપ્ત કરવા તેમણે કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે, ‘પ્રિયેહમ વરદમ શંભુ, નાન્યમ દેવ મહેશ્વરાત’ પરણીશ તો શિવને, અન્ય કોઈને નહિ! કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમની આવી ઘોર તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન ભોળાનાથે તેમના શરીરને ગંગાજળથી ધોયું ત્યારે તે શરીર વિધ્યુતસમ પ્રભાવાન અને ‘ગૌર’ થઈ ગયું - ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું!
મહાગૌરીના ચરણોનું સતત ધ્યાન, એકનિષ્ઠભાવથી કરેલી આરાધના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. આર્તવાણીથી કરેલી પ્રાર્થના મહાગૌરીને અંતરના ઓરડે પધારવા વિવશ કરે છે. સોળ પ્રકારે સાધક નવદુર્ગા શક્તિને પામી શકે છે. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિય નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, સંત સમાગમ, આત્મનિષ્ઠા, ઇષ્ટમાં નિશ્ચય ભક્તિ, સંતોષ, નિર્ભયતા, દયા, તપ, ગુરુભાવ, મિત્રભાવ અને શિષ્ય ભાવ. આ બધા ગુણો માની કૃપા વિના મળતા નથી. મહાગૌરીની સાધના અને આરાધનાનો મંત્ર આ પ્રમાણે છે :
“શ્વેતે વૃશે સમારુઢા શ્વેતામ્બરધરા શુચિ : |
મહાગૌરી શુભમ દધાન્મહાદેવપ્રમોદદા ||”
નવમું નવરાત્ર! ‘નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રીનાં પૂજન, શિવરાત્રીના અર્ચન કીધા હર બ્રહ્મા... ઓમ જયોમ જયોમ મા જગદંબે...! યોગ ક્રિયામાં નવની સંખ્યાને ‘અધિશક્તિ’ કહે છે. ચેતન જગતનું સંચાલન આ નવ શક્તિઓ દ્વારા થઈ રહ્યું છે. નવમું નવરાત્ર એટલે મા સિદ્ધિદાત્રી શક્તિનો મહિમા. સિદ્ધિદાત્રીમાં આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે. ‘અષ્ટ સિદ્ધિ નવ નિધિ કિ દાતા.’ દેવીપુરાણ કહે છે કે ‘ભગવાન શિવજીને આ દેવીની કૃપાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એ કૃપાના કારણે જ તેઓ ‘અર્ધ નારીશ્વર’ નામે પ્રસિદ્ધ થયાં. નવદુર્ગા શક્તિઓમાં આ શક્તિ અંતિમ છે. નિયમબદ્ધમાના સ્મરણ અને ધ્યાન ધરવાનો મંત્ર આ પ્રમાણે છે:
“સિદ્ધિગંધર્વયક્ષાધૈઈર સુરેઈસ્મરેઈરપિ |
સેવ્યા માના સદાભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની ||”
જય માતાજી


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 04:58 PM IST | મુંબઈ ડેસ્ક | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK