Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ચમકીલી ત્વચા માટે શ્રેષ્ઠ છે ડ્રાય સ્કિન બ્રશિંગ

ચમકીલી ત્વચા માટે શ્રેષ્ઠ છે ડ્રાય સ્કિન બ્રશિંગ

19 September, 2019 03:29 PM IST | મુંબઈ
લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

ચમકીલી ત્વચા માટે શ્રેષ્ઠ છે ડ્રાય સ્કિન બ્રશિંગ

બ્રશિંગ

બ્રશિંગ


ત્વચાની ખૂબસૂરતી એની કોમ‍ળતામાં છે. શુષ્ક અને બેજાન ત્વચાની અસર આપણા ઓવરઑલ લુક પર પડે છે તેથી જ મુલાયમ અને ચમકીલી ત્વચા માટે મહિલાઓ જુદા-જુદા ઉપચારો કરતી રહે છે. ત્વચાની દેખભાળમાં સ્વચ્છતા એટલે કે બ્રશિંગનું મહત્ત્વ સૌથી વધુ છે. ડસ્ટ અને ડેડ સેલ્સ માત્ર ચહેરા પરથી જ નહીં, બૉડી પરથી દૂર કરવામાં આવે ત્યારે ત્વચા સંપૂર્ણપણે સ્વસ્થ અને કોમળ બને છે. ડ્રાય બ્રશિંગને શરીર પર જામેલા ટૉક્સિનને દૂર કરવા માટેની શ્રેષ્ઠ અને અસરકારક ચિકિત્સા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરાગત બ્યુટી ટ્રીટમેન્ટ આજે પણ એટલી જ પૉપ્યુલર છે.

ઇતિહાસ



સૌંદર્ય માટેના વિવિધ પ્રાકૃતિક ઉપચારો પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે અને આજના મૉડર્ન યુગમાં પણ એટલા જ લોકપ્રિય છે. કહેવાય છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. ત્વચાની સુંદરતા માટે ક્લિયોપેટ્રા દૂધ, મધ અને સોનાની રજકણોના મિશ્રણથી સ્નાન કરતી હતી. પોતાના અસાધારણ અને અનુપમ સૌંદર્યને બરકરાર રાખવા વિવિધ પ્રકારના કુદરતી ઉપચારોની સાથે સુંદરતાની આ દેવી ડ્રાય બ્રશિંગ પણ કરતી હતી એવો ઇતિહાસમાં ઉલ્લેખ છે.


ગ્રીસ, ભારત, ચીન, જપાન અને રશિયાનો ઇતિહાસ ફંફોળશો તો એમાં પણ ડ્રાય બ્રશિંગ ટેક્નિકનો ઉલ્લેખ જોવા મળશે. ગ્રંથોમાં આ પરંપરાગત ચિકિત્સાને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવી છે. બૉડી બ્રશિંગ માટે ગ્રીક મહિલાઓ સ્ટ્રિગિલ્સ (કર્વ બ્લેડ ધરાવતું સાધન) વાપરતી હતી. પ્રાચીન ભૌતિકશાસ્ત્રી ઍરિસ્ટોટલ (ફાધર ઑફ મેડિસિન) સ્ટ્રિગિલના ચાહક હતા. ચીનમાં સિલ્ક સ્ક્વૉશ ફળના સૂકા ફાઇબરનો બ્રશિંગ માટે ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં એને લૂફા કહે છે તો ભારતની પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ ચિકિત્સા ઘર્ષણ પણ બૉડી બ્રશિંગ છે. હજી આજથી ત્રણ દાયકા પહેલાં વિખ્યાત નેચરોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ પાઓ એરોલા દરદીના શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢવા ડ્રાય બ્રશિંગ ચિકિત્સા આપતા હતા. મૉડર્ન યુગમાં ડ્રાય બ્રશિંગ પદ્ધતિને બ્યુટી ઍન્ડ વેલનેસ સાથે જોડી દેવામાં આવી છે.

બ્યુટી


બૉડીને ડિટૉક્સિફાઇડ કરવા અને સેલ્યુલાઇટ ઘટાડવા ડ્રાય બ્રશિંગ બેસ્ટ ઑપ્શન છે. સ્નાન કરતાં પહેલાં શરીર પરથી પરસેવો, કચરો, ચીકાશ અને તેલ દૂર કરવા બ્રશિંગ કરવામાં આવે છે એમ જણાવતાં મલાડનાં બ્યુટિશ્યન ઉર્વશી મસુરકર કહે છે, ‘પહેલાંના જમાનામાં આપણે નળિયાના ઠીકરાથી શરીર ઘસતા હતા. એ પછી પ્યુબિક સ્ટોન આવ્યા ને હવે લૂફા અથવા બ્રશ વાપરીએ છીએ. સમયની સાથે એની બનાવટમાં વેરિએશન આવ્યું છે પણ પ્રોસીજર એ જ છે. આખો દિવસ આપણે બહાર રહીએ છીએ. પૉલ્યુશનના લીધે ત્વચાનાં છિદ્રોમાં ડસ્ટ અને કચરો ભરાઈ જાય છે. બ્રશિંગથી છિદ્રોમાં ભરાયેલો કચરો બહાર નીકળી જાય અને ત્વચાને શ્વાસ લેવાની જગ્યા મળે. સ્કિનને ઑક્સિજન મળે એટલે નવા સેલ્સ ડેવલપ થાય. આ ઉપચારથી ઘૂંટણ, કોણી અને ગરદન પરની કાળાશ દૂર થઈ જાય છે. તડકામાં ટૅન થઈ ગયેલી સ્કિનને બ્રશિંગ કરવાથી સ્કિનનો ઓરિજિનલ કલર ફરી મેળવી શકાય છે. ડસ્ટ અને ડેડ સેલ્સ દૂર કરવા અઠવાડિયે ત્રણ વાર સ્નાન કરતાં પહેલાં પાંચેક મિનિટ

હળવે હાથે લૂફા વડે સ્ક્રબિંગ કરવું જોઈએ. શરીર પરથી રુવાંટી દૂર કરવામાં પણ હેલ્પ કરે છે. નિયમિતપણે ઊંધી દિશામાં બ્રશિંગ કરવાથી રુવાંટી ઓછી થાય છે. જોકે મારી અંગત સલાહ છે કે જૂનું તે સોનું. માર્કેટમાં જોવા મળતાં અલગ-અલગ સાઇઝ અને કલર્સનાં બ્રશ વાપરવા કરતાં નળિયાનાં ઠીકરાં બેસ્ટ છે.’

મેડિકલ બેનિફિટ

ડ્રાય બ્રશિંગના મેડિકલ બેનિફિટ્સ પણ છે. ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓમાં આ ઉપચારનાં અસરકારક પરિણામો સામે આવ્યાં છે. આ વિશે વધુ માહિતી આપતાં નૅચરલ હેલ્થ ઍન્ડ બ્યુટી ટ્રીટમેન્ટ એક્સપર્ટ નીતા સોલંકી કહે છે, ‘આધુનિક યુગમાં સિન્થેટિક મટીરિયલના લૂફા મળે છે એ પ્રમાણમાં સૉફ્ટ હોય છે. સૌંદર્યમાં આ લૂફા મહત્ત્વનો રૉલ ભજવે છે તો એના મેડિકલ બેનિફિટ્સ પણ છે. બ્રશિંગ કરતી વખતે બ્રશને સ્લો મોશનમાં બૉડી પર ફેરવો એટલે બ્લડ સર્ક્યુલેશન થાય. બ્લડ સર્ક્યુલેશનથી ઇમ્યુનિટી વધે અને ત્વચા નીરોગી રહે છે. લોહીનું પરિભ્રમણ નર્વ્સ સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે. એનાથી માંસપેશી મજબૂત બને છે. શરીર પરની ચરબી ઓછી કરવામાં પણ લૂફા ઉપયોગી છે. ચહેરા પર પિમ્પલ્સની સમસ્યામાં પણ ફાયદો થાય છે. પ્રેગ્નન્ટ મહિલાએ પણ આ ઉપચાર કરવો જોઈએ. બે હાથ વડે લૂફાના બન્ને છેડાને પકડી બ્રશિંગ કરશો તો આખા શરીર સુધી હાશ પહોંચશે. સર્ગભાવસ્થામાં સ્વેલિંગ આવે છે. લૂફા દ્વારા મસાજ કરવાથી સ્વેલિંગ ઓછું થાય છે. ત્વચાના રોગ બહુ હઠીલા હોય છે, જલદીથી મટતા નથી તેથી એની કાળજીમાં બાંધછોડ ન કરવી.’

સાવચેતી

પ્યુબિક સ્ટોન વાપરવાની સલાહ હું નથી આપતી એમ જણાવતાં ઉર્વશી કહે છે, ‘પ્યુબિક સ્ટોનની સપાટી ખરબચડી હોય છે અને એમાં કાણાં હોય છે. સ્ટોનથી શરીર પરથી ડસ્ટ દૂર થઈ જાય છે અને કાણાંમાં ભરાઈ રહે છે. એને ધોવાથી પણ ચીકાશ રહી જાય છે, જ્યારે નળિયાનાં ઠીકરાં લીસાં હોય છે અને લૂફામાં આવી સમસ્યા ઊભી થતી નથી. નૉર્મલ સ્કિન ધરાવતી વ્યક્તિ માટે ડ્રાય બ્રશિંગ પદ્ધતિ શ્રેષ્ઠ છે. ડ્રાય બ્રશિંગ પ્રોસેસની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પરંતુ સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિએ અવૉઇડ કરવું જોઈએ. તમારી સ્કિન ઑલરેડી ડ્રાય હોય ત્યારે તો જરા પણ ન કરાય. એનાથી સ્કિન પર રૅશિસ થવાની શક્યતા છે. બેસ્ટ રિઝલ્ટ માટે ડ્રાય બ્રશિંગ કરવાના બદલે શરીર પર સાબુ અથવા બૉડી વૉશ લગાવી લૂફા વડે ઘસો. પ્રાઇવેટ પાર્ટમાં જરૂર લાગે તો જ વાપરવું. બજારમાં સૉફ્ટ અને હાર્ડ સ્કિનના જુદા લૂફા આવે છે. તમારી સ્કિનની ક્વૉલિટી પ્રમાણે લેવા. સ્નાન કર્યા બાદ મૉઇશ્ચરાઇઝર અથવા કોપરેલ તેલ લગાવવું જરૂરી છે.’

ત્વચાની સ્વચ્છતાની સાથે લૂફાની સ્વચ્છતા પણ જરૂરી છે એવી ઍડ્વાઇઝ આપતાં નીતા કહે છે, ‘લૂફા હંમેશાં લાંબા હૅન્ડલવાળું પસંદ કરવું જોઈએ. એને ક્યારેય એક જ ડિરેક્શનમાં ન ઘસવું. શરીર પર ગોળ-ગોળ સર્ક્યુલર મૂવમેન્ટમાં વાપરવું. લૂફાને વાપર્યા બાદ ગરમ પાણીમાં બોળી સૂકવવા દેવું.

ભીના લૂફામાં બૅક્ટેરિયા પ્રસરે છે.

ફરીથી એ જ લૂફા વાપરો એટલે બૅક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશે. સૌથી મહત્ત્વની વાત દર મહિને લૂફા બદલી નાખવા અને ઘરની દરેક વ્યક્તિના લૂફા જુદા રાખવા. આટલી તકેદારી રાખી બ્રશિંગ કરવામાં આવે તો સ્કિન નૅચરલી ગ્લો કરશે.’

પહેલાં આપણે નળિયાના ઠીકરાથી શરીર ઘસતા હતા. એ પછી પ્યુબિક સ્ટોન આવ્યા ને હવે લૂફા વાપરીએ છીએ. સમયની સાથે વેરિએશન આવ્યું છે પણ પ્રોસીજર એ જ છે. બૉડીને ડિટૉક્સિફાઇડ કરવા સ્નાન કરતાં પહેલાં બ્રશિંગ કરવું જોઈએ. બ્રશિંગથી ડસ્ટ, પરસેવો અને શરીરની ચીકાશ દૂર થઈ જાય છે. શુષ્ક અને સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિને શરીર પર સાબુ લગાવીને બ્રશિંગ કરવાની સલાહ છે

- ઉર્વશી મસુરકર, બ્યુટિશ્યન

બ્રશને સ્લો મોશનમાં બૉડી પર ફેરવવાથી બ્લડ સર્ક્યુલેશન થાય. બ્લડ સર્ક્યુલેશનથી ઇમ્યુનિટી વધે અને ત્વચા નીરોગી રહે છે. ચહેરા પરના પિમ્પલ્સ અને શરીર પરથી વધારાની ચરબી ઓછી કરવામાં પણ લૂફા ઉપયોગી છે. લૂફાને વાપર્યા બાદ ગરમ પાણીથી ધોઈ સૂકવવા દેવા. ભીના લૂફામાં બૅક્ટેરિયા પ્રસરવાની શક્યતા રહે છે. દર મહિને એને ચેન્જ કરવા તેમ જ ઘરની દરેક વ્યક્તિ માટે સેપરેટ લૂફા હોવા જોઈએ

- નીતા સોલંકી, બ્યુટી એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 03:29 PM IST | મુંબઈ | લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK