Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બે દાયકાથી કચ્છના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે

બે દાયકાથી કચ્છના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે

25 August, 2020 06:10 PM IST | Kutch
Mavji Maheshwari

બે દાયકાથી કચ્છના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે

બે દાયકાથી કચ્છના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે


એક સમય એવો હતો કે કચ્છ દુકાળિયા મુલક તરીકે ઓળખાતો હતો. ચાર ચોમાસાં કદીય સારાં ગયાં નથી. ખેડૂતો વરસાદની રાહ જોઈ-જોઈને નિસાસા નાખતા. અધકચરા ચોમાસાની બેવડી માર ખમી-ખમીને કચ્છી માણસની હાલત એક સાંધતાં તેર તૂટે એવી રહેતી હતી, પરંતુ કોઈ કારણસર છેલ્લા બે દાયકાથી કચ્છના વરસાદે પોતાની ચાલ બદલી હોય કે પછી હવામાનમાં કોઈ જાતનો ફેરફાર થયો હોય એવું જણાય છે. કચ્છમાં નિયમિત અને વધારે વરસાદ પડવા માંડ્યો છે. કચ્છની આગલી પેઢી વરસાદને વરસવા હાથ-હાથ જોડતી હતી, તો હવે ક્યારેક ખમૈયા કરવાનું લોકો કહી રહ્યા છે. આ ફેરફાર હવામાનમાં આવેલા મોટા બદલાવની શરૂઆત છે કે ઉદ્યોગો આવવાને કારણે કચ્છના બદલાયેલા વાતાવરણને કારણે છે એનો અભ્યાસ થવો બાકી છે.

આજકાલ વર્તમાનપત્રો અને અન્ય માધ્યમો કચ્છના વરસાદ સંબંધી સમાચારોથી લથબથ છે. ચોમેરથી વરસાદના વાવડ મળી રહ્યા છે. જે નદીઓમાં કદી બે કાંઠે પાણી વહ્યાં નથી એ નદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે. તળાવ-તળાવડીઓ છલકાઈ ગયાં છે. સિંચાઈના ડૅમો ઓવરફ્લો થઈ રહ્યાના સમાચારથી વહીવટી તંત્ર પણ રાજી થઈ રહ્યું છે. માલધારીઓ, ખેડૂતો, વેપારીઓના ચહેરા પર આસમાની સુલતાને રોનક લાવી દીધી છે. આખા કચ્છની ધરતી પર આંખને ઠારતો લીલો રંગ છવાઈ ગયો છે. મેઘરાજા કચ્છ પર ભરપૂર રીઝ્યા છે. શ્રાવણ પૂરો થઈ ગયો છે ત્યારે હજી કચ્છનું આકાશ અષાઢી મેઘારવથી ગાજી રહ્યું છે.



જો અભ્યાસ કરવામાં આવે અને ફક્ત છેલ્લાં ૭૦ વર્ષના આંકડા મૂકવામાં આવે તો વીસમી સદીના અંત સુધી કચ્છમાં વરસાદના નામે મોટા ભાગનાં વર્ષો નાદારીનાં છે. આઝાદી પછીનાં વર્ષોનું સરવૈયું માંડવામાં આવે તો ઘેઘૂર ચોમાસું કહી શકાય એવાં વર્ષો બહુ જ ઓછાં છે. સામે અધકચરાં ચોમાસાં અને ભયંકર દુષ્કાળ નોંધાયેલા છે. એકસામટાં ત્રણ કે ચાર ચોમાસાં સાવ કોરાં ગયાં હોય એવાય બનાવો છે. ૧૯૬૦થી ૧૯૯૦ વચ્ચેના દુષ્કાળોએ કચ્છની આર્થિક કમર ભાંગી નાખી હતી. આ ગાળામાં જ કંઠી અને વાગડ વિસ્તારમાંથી મોટા ભાગના લોકોએ મુંબઈની વાટ ઝાલી હતી. વીસમી સદીનાં છેલ્લાં ૫૦ વર્ષોમાં બનેલાં કચ્છનાં મોટાથી મધ્યમ કક્ષાનાં ડૅમો, તળાવડીઓ, તળાવો, બાંધપાળા, સડકો એ બધું જ દુષ્કાળોની દેન છે. રાહતકામના નામે સરકાર તરફથી કરવામાં આવતા એ કામો જ રોજગારીનું એકમાત્ર સ્રોત હતું. દુષ્કાળોની એ અર્ધ-શતાબ્દીએ કચ્છમાં રાહતકામોનું એક કલ્ચર ઊભું કર્યું હતું. એ ગાળામાં ઘેર-ઘેર તગારા, ત્રીકમ, પાવડા જેવાં સાધનો જોવા મળતાં. ખામણું, માપ, ગેંગ, ગેંગબુક પાવડિયો, મિસ્ત્રી, ચુકાવો જેવા શબ્દો રોજબરોજની ભાષામાં વપરાતા હતા. કચ્છના માણસની આંખો જેઠ મહિનાથી આકાશ તરફ ચોંટી રહેતી. આજે આવ્યો કે કાલ આવશેની આશામાં દોહ્યલા દિવસો વિતાવતી એ પેઢી હજી હયાત છે. આજે એજ લોકો પોતાના સમય પર નિસાસો નાખતાં કહી રહ્યા છે, અમારા નસીબમાં સગવડો તો નહોતી, સારો વરસાદ પણ નહોતો. કોરાધાકોર દુષ્કાળ કરતાંય અધકચરા વરસાદે કચ્છના ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પહેલો વરસાદ પડે એટલે ખેડૂત લેણું કરીને પણ ખેતરો વાવતા. ઊભડ મજૂરો પણ એકાદ ખેતર વાવતા. એ પછી વરસાદ ખેંચાતો અને મોલ સુકાઈ જતો. ખેડૂતો બળદ રાખવા કે કાઢી નાખવાની અવઢવમાં ઘેરાઈ જતા. ઘાસચારાની ભયંકર તંગી વચ્ચે ખેડૂતો જેમ-તેમ કરીને દિવાળી સુધી ખેંચતા. વેચાતો ચારો લઈને ટકાવી રાખેલાં ગાય-બળદને બીજા આઠ મહિના રાખવા પોષાય એમ ન હોતાં ત્યારે નછૂટકે પાંજરાપોળમાં મૂકી દેતાં. થોડી-ઝાઝી બચતનું નાણું વરસાદની વાટ જોવામાં વપરાઈ જતું. ફરી અષાઢ મહિનો આવે ત્યારે એકડે એકથી ઘૂંટવું પડતું. મોટા ભાગનાં ગામડાંઓની આ સ્થિતિ હતી. સરવાળે કચ્છની વસ્તીના મોટા હિસ્સાનું ખીસ્સું ખાલી જ રહેતું. તેમ છતાં, જે કચ્છમાં જ રહ્યા, જેમણે કચ્છ ન છોડ્યું તેઓ આજે ઉદ્યોગોથી ધમધમતા કચ્છ અને જોશભેર ખાબકતા વરસાદના સાક્ષી બની રહ્યા છે.


વીસમી અને એકવીસમી સદીના સંધીકાળે કચ્છમાં બહુ જ મોટો ભૂકંપ વિનાશ વેરીને ચાલ્યો ગયો, પરંતુ એ ભૂકંપે જાણે કચ્છના નસીબ આડેથી પાંદડું હટાવી નાખ્યું. ઉદ્યોગોના આગમનને પરિણામે સદીઓથી રોજગારી શોધતા કચ્છીઓ માટે અનેક વિકલ્પો ખૂલી ગયા, પરંતુ એ તો માનવીય વ્યવસ્થાઓનું પરિણામ છે. કચ્છ પર કુદરતે પણ અમીદષ્ટિ કરી. ૨૦૦૧ના વર્ષનું ચોમાસું ભરપૂર વરસ્યું. ભૂકંપ પછીના પહેલા ચોમાસાએ લોકોની કેટલીક પીડાઓ ભુલાવી દીધી. એ પછી સળંગ દરેક ચોમાસાએ કચ્છને તરબોળ કરી નાખ્યું. જાણે વરસાદ ભૂતકાળમાં આ પ્રદેશને સંતાપ્યાનો પસ્તાવો કરતો હોય એમ છેલ્લાં ૨૦ વર્ષમાં એકાદ-બે અધકચરાં ચોમાસાં સિવાય મન મૂકીને વરસ્યો છે. એટલું જ નહીં, વરસાદના અભ્યાસુઓ અને હવામાનના જાણકારો વિચારી રહ્યા છે કે કચ્છમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, કેમ કે છેલ્લાં ૨૦ વર્ષમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે એવો વરસાદ ભૂતકાળમાં ક્યારે પડ્યો નથી. જે રીતની વીજળી થાય છે એવા વીજ લબકારા કચ્છની પ્રજાએ જોયા નથી. ૨૦૦૦ની સાલ પહેલાંના આંકડા જોતાં કચ્છનો સરેરાશ વરસાદ પાંચથી દસ ઇંચની વચ્ચે રહેતો. હવેનો સરેરાશ વરસાદ ૨૦ ઇંચથી વધારે નોંધાઈ રહ્યો છે. એટલું જ નહીં, કચ્છમાં એકધારો, તોફાની વરસાદ, સતત બેથી ચાર દિવસ પડી રહ્યો હોય એવું પણ છેલ્લાં વીસેક વર્ષથી દેખાઈ રહ્યું છે. વીસમી સદીમાં વીજપ્રપાતથી મૃત્યુ થયાના બનાવો જૂજ છે, જ્યારે છેલ્લા બે દાયકામાં વીજળી પડવાથી માણસો અને પશુઓનાં મૃત્યુ થવાના તેમ જ મકાનોને નુકસાન થયાના બનાવો દર વર્ષે બને છે. કચ્છના વરસાદને સ્થાનિક લોકો મંઢો મીં (લંગડો વરસાદ) કહેતા. સામાન્ય રીતે કચ્છમાં વરસાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોના વરસાદ પછી આવતો. કચ્છ જૂનમાં સારા વરસાદની આશા રાખતું નહીં. મોટા ભાગે જુલાઈમાં કચ્છમાં સારો વરસાદ પડતો, પરંતુ હવે કચ્છમાં જૂન મહિનામાં જ વરસાદ પડવો શરૂ થઈ ગયો છે. આ બધું હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે છે કે પછી કચ્છમાં ફેલાયેલા ઉદ્યોગોના કારણે કોઈ ફેરફાર થયો છે એનો અભ્યાસ થવો બાકી છે, પરંતુ એ હકીકત છે કે કચ્છમાં હવે વરસાદ ન પડવાની બીક નથી. ઊલટાનું વધુ વરસાદથી પાણી ભરાવાની, રસ્તાઓ બંધ થઈ જવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે.

આ વર્ષે કચ્છ પર મેઘરાજા મન મૂકીને રીઝ્યા છે. હજી હેત વરસવાનું ચાલુ છે. સરેરાશ વરસાદ કરતાં ત્રણ ઘણો વરસાદ કચ્છમાં વરસી ચૂક્યો છે. ઑગસ્ટના મધ્યમાં આવેલા તોફાની વરસાદે આખાય કચ્છને તરબોળ કરી દીધું છે. નદીઓ વહી રહી છે, જળાશયો છલકાઈ ગયાં છે. ખેતરોમાં ઊભેલો મોલ તડકાની રાહ જોઈ રહ્યો છે. સીમ અને અભ્યારણોમાં વૃક્ષો ફાલ્યાં છે. આ વરસાદથી ન માત્ર આર્થિક પાસાં પર અસર થવાની છે, આવા વરસાદથી કચ્છના ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે. જમીનોમાં ભેજ વધવાથી સીમનાં વૃક્ષો, વેલીઓ ફાલશે. કુદરતી ઘાસનો જથ્થો છેક માગસર મહિના સુધી જળવાશે, એથી પશુઓમાં દૂધનું પ્રમાણ વધશે. સીમ તળાવડીઓમાં પાણી રહેવાને કારણે પાળતું તેમ જ જંગલી પશુઓને પાણીની સમસ્યા નહીં રહે. વરસાદે આ વર્ષે સફાઈનું કાર્ય પણ કર્યું છે. કચ્છની નાની-મોટી તમામ નદીઓ વહેવા માંડી છે એથી સીમ અને રસ્તાઓનો મોટા ભાગનો પ્લાસ્ટિક કચરો દરિયામાં વહી જશે. અત્યારે આખાય કચ્છની ભૂમિ વિશાળ ઊર્જાક્ષેત્રમાં ફેરવાઈ ગઈ છે. પુષ્કળ વરસાદને કારણે થનારા જૈવિક ફેરફારોની અસર લાંબો સમય સુધી રહેવાની છે. અત્યારે કચ્છના સીમાડા જોઈને જાણીતી લોકોક્તિ યાદ આવી જાય, કચ્છડો બારેમાસ!


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 06:10 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK