Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોણાબસો વર્ષ પહેલાં મુંબઈમાં ઝળકેલું કચ્છી ખમીર શેઠ નરશી નાથા

પોણાબસો વર્ષ પહેલાં મુંબઈમાં ઝળકેલું કચ્છી ખમીર શેઠ નરશી નાથા

09 June, 2020 03:04 PM IST | Kutch
Mavji Maheshwari

પોણાબસો વર્ષ પહેલાં મુંબઈમાં ઝળકેલું કચ્છી ખમીર શેઠ નરશી નાથા

પોણાબસો વર્ષ પહેલાં મુંબઈમાં ઝળકેલું કચ્છી ખમીર શેઠ નરશી નાથા


આજના મુંબઈ અને પોણાબસો વર્ષ પહેલાંના મુંબઈની સરખામણીની કલ્પના જરા રોચક લાગે, પણ એવી કલ્પના જરા અઘરી છે કે જ્યારે હાથમાં એક પૈસો ન હોય, જ્યાં કોઈ ઓળખતું ન હોય, જ્યાંની ભાષા પણ આવડતી ન હોય ત્યાં જઈને ક્યાં ઊભા રહેવું? તેમ છતાં દેશના ખૂણે-ખૂણેથી માણસો મુંબઈ આવી રહ્યા હતા. તે એવા ઝુઝારુ માણસો હતા જેમની આંખોમાં ટકી જવાનું મનોબળ હતું. જેમનાં બાવડાંમાં બળ હતું અને હૈયા ઉકલત ઠાંસી-ઠાંસીને ભરી હતી. તેમાંના એક હતા, કચ્છના છેક છેવાડેથી આવેલા નરશી નાથા. તેમણે મુંબઈમાં પગ મૂક્યો ત્યારે તેમની પાસે ખાવા માટે કચ્છથી લાવેલાં ગાજર અને ચણા હતાં. તે નરશી નાથાને નામે આજે મુંબઈના મસ્જિદ બંદરમાં એક ચાલ છે. 

કચ્છી ઓસવાળ સમાજના બે ફાંટા છે દસા અને વીસા. કચ્છમાં કોઈ સમયે તેમના વસવાટના ચોક્કસ વિસ્તારો હતા. પૂર્વથી શરૂ કરતાં વાગડ અને આખાય કાંઠાળ વિસ્તારના ડુમરા સુધી વીસા ઓસવાળ રહેતા અને ડુમરાથી છેક લખપત સુધી દશા ઓસવાળ રહેતા હતા. એ સમયે તેરા, કોઠારા, સાંયરા, સુથરી, પરજાઉ, નલિયા જેવાં ગામોમાં દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. તેઓ ગામના મહાજન ગણાતા અને મહાજનપણું નિભાવતાય ખરા. ૧૮૧૯ના ધરતીકંપ પછી સિંધુ નદીનું વહેણ ફંટાયું અને કચ્છના માઠા દિવસો શરૂ થયા. લખપત બંદર ભાંગી પડ્યું, પરંતુ આખરે વેપારી પ્રજા એટલે ઉજ્જડ થતાં જતાં ગામોમાં કરે પણ શું? અબડાસા અને લખપત વિસ્તારની વેપારી અને ઉદ્યમી પ્રજાએ ધીમે-ધીમે સ્થળાંતર કરવાનું શરૂ કર્યું એટલે કેટલાક હિંમતવાન પુરુષોએ મુંબઈની વાટ ઝાલી.



પોણાબસો વર્ષ પહેલાં મુંબઈ હજી ઊભું થઈ રહ્યું હતું. કલકત્તા પછી આ શહેરની ઉપયોગીતા સમજી ગયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આ શહેર વિકસે એમાં રસ લઈ રહી હતી. કુદરતી બારું હોવાને કારણે કલકત્તા કરતાંય વેપારી દષ્ટિએ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મુંબઈની અગત્યતા વધારે હતી. મુંબઈ ત્યારે દરિયાઈ માર્ગે ગુજરાતના ઓખા, દ્વારકા, માંડવી બંદર સાથે જોડાયેલું હતું. જમીન માર્ગે મુંબઈ પહોંચવાની નહીંવત શક્યતાઓ વચ્ચે કચ્છને મુંબઈ સાથે જોડતો દરિયાઈ માર્ગ વધારે સુલભ હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વેપારી લોહી ધરાવતા એકલદોકલ લોકો મુંબઈ આવવા માંડ્યા હતા. આવા સમયમાં નલિયાનો એક નવયુવાન કચ્છથી મુંબઈ પહોંચી તો ગયો, પણ તેને ત્યાં કોઈ જ ઓળખતું નહોતું. અછત અને અભાવનો એ કાળઝાળ સમય. કચ્છથી તેણે જે ભાતું સાથે લીધેલું એ તો વાટમાં જ ખવાઈ ગયું. વધ્યાં માત્ર ગાજર અને ચણા. તેણે પોતાની પછેડીમાં બાંધેલાં ચણા અને ગાજર ખાતાં-ખાતાં મુંબઈને જોયા કર્યું. તેણે નક્કી કર્યું હતું કે અહીંથી નિરાશ થઈને પાછા તો નથી જ જવું. ભલે ભૂખ્યા સૂવું પડે, છતાં ચિંતા એ પણ હતી કે આ ચણા અને ગાજર છે એ તો કાલે ખૂટી જશે પછી શું? જીવતા રહેવા કશુંક ખાવું તો પડશે ને? તેની મોટી મુસીબત એ પણ હતી કે તેના માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા. હતો વાણિયાનો દીકરો, પણ સાવ અભણ હતો. કચ્છના વીસા અને દસા ઓસવાળ જ્ઞાતિના લોહીમાં અપાર ધૈર્ય હોય છે. મુશ્કેલ અને અણગમતી પરિસ્થિતિમાં અકળાયા વગર માર્ગ કાઢવાની તેમની કુશળતાએ તેમને તળથી ટોચ ઉપર પહોંચાડ્યા છે. તે યુવાનમાં તેની જ્ઞાતિના બધા જ ગુણ મોજુદ. તેણે અઠવાડિયા સુધી અડધા ભૂખ્યા રહીને, અજાણ્યા ઓટલા પર સૂઈને રાતો પસાર કરી. તેને સમજાતું ન હતું કે કામ શું કરવું? તે યુવાનનું નામ હતું નરશી નાથા.


મુંબઈમાં આજે પણ દાણા બજારમાં કચ્છીઓનો દબદબો છે. મસ્જિદ બંદર વિસ્તારમાં દાણાનો મોટો વેપાર ચાલે. વેપારીઓથી માંડીને મજૂરો સુધીના અનેક માણસો કામ કરે. નરશીએ જોયું કે સામે અગાધ સમુદ્ર લહેરાય છે, પણ લોકોને માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેણે ઠંડા પાણીનો ઘડો અને એક ટબુડી લઈને લોકોને પાણી પાવાનું શરૂ કર્યું. બંદર પર તડકામાં તનતોડ મજૂરી કરતા માણસોને ઠંડું પાણી મળતાં તેમને આ યુવાનમાં રસ જાગ્યો. પોતાના મીઠા સ્વભાવથી નરશી ત્યાંના લોકોમાં પ્રિય થવા માંડ્યો. ધીમે-ધીમે તેની પાસે બે પૈસા બચવા લાગ્યા. તેણે ધીરજ ન ખોઈ. તેના મનનો નિર્ધાર તેણે જરાય છોડ્યો ન હતો. તેણે માસિક બાર આનાના ભાડાથી એક નાની ઓરડી રહેવા માટે ભાડે રાખી. લોકોને ધીમે-ધીમે ખબર પડી કે બંદર પર પાણી પાતો આ યુવાન કચ્છી છે. ત્યાં કચ્છી ભાઈઓ પણ હતા. માતૃભાષાની સહાનુભૂતિનું વર્તુળ રચાયું. એક જણે નરશીને બારદાનની ફેરી કરવાની સલાહ આપી, કારણ કે એ વખતે શણના બારદાનની ખૂબ જ માગ હતી.  તે યુવાનને થયું આ ધંધો જરૂર તેને જશ અપાવશે. તેણે બારદાનની ફેરી શરૂ કરવા માંડી. વેપારીઓને સીધા બારદાન મળતા હોય તો રખડવું ન પડે એટલે તેના વેપારી સંબંધો બંધાયા. નરશીને લાગ્યું કે આ બારદાન ક્યાંક તો બનતા હશે ને? શા માટે જથ્થાબંધ બારદાન ન મંગાવવા? એમ કરતાં બારદાન બનાવતી કંપનીઓ સાથે સંપર્કો વધ્યા. પ્રામાણિકતા અને કાર્યનિષ્ઠાએ નરશીને એવો તો જસ અપાવ્યો કે થોડા જ સમયમાં તે બંદરીય વિસ્તારમાં જાણીતો જ નહીં, માનીતો થઈ ગયો.

મસ્જિદ બંદરમાં રહેતા લોકોને કદાચ ખબર ન પણ હોય કે નરશી નાથા કોણ હતો, પરંતુ મસ્જિદ બંદરની એક ચાલના લોકો પોતાના સરનામામાં નરશી નાથા સ્ટ્રીટ લખાવે છે એ હકીકત છે. નરશી નાથા નામની ચાલ તે કોઈ સામાન્ય માણસ ન હતો એ પ્રતીતિ કરાવે છે. કચ્છના નલિયાથી આવેલા નરશી નાથાની કાર્યપદ્ધતિ અને નિષ્ઠાથી આકર્ષાઈને મુંબઈની શો વેલેસ કંપનીએ તેને કંપનીમાં સુપરવાઇઝર (એ વખતે મુકાદમ શબ્દ વપરાતો) તરીકે નિમણૂક આપી. નરશી નાથાની કિસ્મતના દરવાજા અહીંથી ખૂલી ગયા. એક અભણ કચ્છી યુવાને ભણેલા લોકોને અચંબામાં નાખી દીધા. કેટલાક માણસો એવું નશીબ લઈને આવે કે તે જ્યાં પગ મૂકે ત્યાં સામેવાળાના કિસ્મત પણ ચમકી જાય. નરશી નાથા એવા જ વ્યક્તિ હતા. બહુ જ ટૂંકા ગાળામાં તેમણે આર્થિક સધ્ધરતા તો પ્રાપ્ત કરી જ લીધી, સાથે-સાથે તેમની અન્યોને પગભર કરવાની ભાવના ખીલતી ગઈ. તેમણે કચ્છમાંથી કેટલાય યુવાનોને મુંબઈ બોલાવી આર્થિક રીતે સમૃદ્ધ કર્યા. તેઓ હવે શેઠ નરશી નાથા તરીકે ઓળખાવા લાગ્યા. જૈનોની એક ખાસિયત છે કે કોઈને મદદ કરવી, પણ તેને જાણ ન કરવી. એવું કહેવાય છે કે શેઠ નરશી નાથા પ્રસાદના લાડુમાં સોનાના સિક્કા મૂકી ગરીબ ભાઈઓને મદદ કરતા.


તેમની ખ્યાતિ છેક કચ્છના રાજ દરબાર સુધી પહોંચી. એ વખતના કચ્છના મહારાઓ શ્રી દેશળજીએ નરશી શેઠનું નામ સાંભળી રાજના મહેમાન બનવાની ઉત્સુકતા દર્શાવી. તેઓ મુંબઈથી વહાણ મારફતે કચ્છ આવ્યા ત્યારે તેમને જોવા માટે માંડવી બંદરે લોકોની ભીડ જામી હતી. તેઓ કચ્છમાં સખાવતી શેઠની ખ્યાતિ તો પામ્યા જ હતા. તેમણે લોક કલ્યાણનાં કેટલાંય કાર્યો કરાવ્યાં. પાલિતાણા તેમ જ માંડવીમાં અને નલિયામાં તેમણે મોટી ધર્મશાળાઓ બંધાવી હતી. કર્ણાટકના કુમઠા ગામથી થોડે દૂર વાલગિરિ જંગલમાં વિશાળ જમીન ખરીદી ત્યાં તેજાનાનું વાવેતર કરાવ્યું અને ત્યાં જ્ઞાતિજનોને વસાવ્યા. નલિયા ગામે ચંદ્રપ્રભુજી જિનાલયનું બાંધકામ પૂર્ણ થતાં પ્રતિષ્ઠા પ્રસંગે તેમણે એ વખતે બાવન ગામની નાતને જમાડી હતી. શેઠ નરશી નાથાનું અવસાન થયું ત્યારે આખાય કચ્છ અને મુંબઈમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અઢારમી અને ઓગણીસમી સદી માનવજાતની પ્રગતિના પાયા નાખવાની સદીઓ હતી. એ સદીમાં એવા પુરુષાર્થી માનવો થયા જેમણે જુદાં-જુદાં ક્ષેત્રોમાં પોતાની સૂઝથી જે કાર્યો કર્યાં, જેના થકી આજે પણ તેમનું નામ લોકજીભે છે. શેઠ નરશી નાથા એ પૈકીના એક છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 03:04 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK