હોળીની પરંપરામાં પણ કચ્છની અનોખી ભાત...

Published: Mar 03, 2020, 13:47 IST | Sunil Mankad | Mumbai

જે પરંપરાને હોળીના તહેવાર સાથે કંઈ લેવા-દેવા ન હોય એવી ઉજવણી કચ્છનાં પણ કેટલાંક ગામોમાં જોવા મળે છે.અંજાર શહેરમાં તો દાયકાઓથી એક વિચિત્ર પરંપરા હોળીની ઘેર સાથે જોવા મળે છે.

અંજારમાં થતી હોળીની ઘેર
અંજારમાં થતી હોળીની ઘેર

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું મહત્ત્વ અદકેરું છે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં તહેવારોની ઉજવણી પણ જુદી-જુદી ભાત પાડતી હોય છે. વસંતનું આગમન થઈ ચૂકયું છે અને વસંતના પ્રહરી સમો ઉત્સવ એટલે હોળી. ઉત્તર પ્રદેશ અને ઉત્તરનાં અન્ય રાજ્યોમાં લઠ્ઠમાર હોળીની પરંપરા અને રંગોત્સવની પરંપરા અનોખી હોય છે, પરંતુ જે પરંપરાને હોળીના તહેવાર સાથે કંઈ લેવા-દેવા ન હોય એવી ઉજવણી કચ્છનાં પણ કેટલાંક ગામોમાં જોવા મળે છે. એમાં થોડી હટકે કહી શકાય એવી હોળીની પરંપરા જ્યાં થાય છે એવા અંજાર શહેર અને નખત્રાણા તાલુકાના બિબ્બર ગામની આપણે વાત કરીશું.

કચ્છનાં મોટા ભાગનાં ગામોમાં હોળીની ઘેર નીકળવાની પરંપરા તો છે જ, પણ અંજાર શહેરમાં તો દાયકાઓથી એક વિચિત્ર પરંપરા હોળીની ઘેર સાથે જોવા મળે છે. હોળીની ઘેરમાં એક લગ્નની અનોખી વિધિ અને પરંપરા જોડાયેલી છે. હોળીના દિવસે શહેરમાં ગુલાલના રંગોની છોળો સાથે વાજતેગાજતે સરઘસ આકારે વિશાળ ઘેર નીકળે છે. ઘેરમાં યુવાનિયાઓ મનભરીને નાચતા-કૂદતા અને સંગીતના લાઉડ સ્પીકરના ઘેરા અવાજ સાથે શહેરના રસ્તાઓ પર નીકળે છે. આ ઘેરની વિશેષતા એ છે કે એમાં ઇશાકનો વરઘોડો પણ સામેલ હોય છે.

અંજારની આ પરંપરા કચ્છમાં બીજે ક્યાંય જોવા નથી મળતી અને અંજારમાંય આ પ્રથા ક્યારથી શરૂ થઈ અને શા માટે એની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી.

નખત્રાણા તાલુકાના બિબ્બર ગામે તો વળી હોળીની પરંપરા સાવ જુદી જ અને આશ્ચર્ય સાથે રોમાંચ આપે એવી છે. કચ્છનાં અનેક ગામો પોતાની વિશિષ્ટતાના અલગ-અલગ રંગોથી રંગાયેલા છે. રંગોના તહેવાર હોળીનું આગમન થઈ રહ્યું છે ત્યારે પૂર્વ કચ્છના બિબ્બર ગામની હોળીની પરંપરા વિશે જાણવું પ્રસંગોચિત ગણાશે.

ભુજથી આશરે ૪૫ કિલોમીટરના અંતરે આવેલું બિબ્બર ગામ પાંચ દાયકા જૂનું અને ઐતિહાસિક હોવા સાથે અનોખી કોમી મિસાલનું પ્રતીક છે. અહીં હોળીની ઉજવણી સંભવત: ગુજરાતમાં ક્યાંય નહીં થતી હોય એવી વિશિષ્ટ હોય છે. આ વિશિષ્ટ હોળીના સાક્ષી બનવા એક વખત તો બિબ્બર જવું જ જોઈએ. જોકે બિબ્બરના ઇતિહાસનાં અનેક પૃષ્ઠો આકર્ષક છે. બિબ્બરની હોળીદહનની વિધિ કચ્છમાં તો ઠીક, ગજરાતમાં પણ અનોખી કહી શકાય એવી છે. ગામમાં સાડાત્રણસો ઘર છે. તમામ ઘરના આંગણામાં એક-એક નાની હોળી પ્રગટાવાય છે. ગામની મોટી હોળી ગામના ચોકમાં પ્રથમ પ્રગટે એ પછી જ એનાં પ્રજ્વલિત છાણાંમાંથી દરેક ઘરની હોળી પ્રગટે. પહેલાં ગામની મોટી હોળી પ્રગટે ત્યારે ગામમાં નવપરિણીત યુગલોએ આ હોળીના ફેરા ફરવાના હોય છે. તે યુગલો પૈકીના (વર) યુવાનોએ સ્થળથી દોઢ કિલોમીટર દૂર આવેલા મંદિર સુધી બળતું છાણું લઈ શ્વાસ લીધા વિના પહોંચાડવાનું હોય છે. સ્વાભાવિક રીતે જ એક યુવાન એટલો શ્વાસ રોકી ન શકે એથી જ્યાં એક જણનો શ્વાસ ખેંચાય ત્યાંથી બીજો યુવાન એ છાણું હાથમાં લઈ આગળ વધે છે. આ એક અનોખી પરંપરા છે.

કચ્છમાં એક સમયે હોળાષ્ટક શરૂ થાય એ સાથે જ હોળીની ઉજવણી વિવિધ પરંપરાઓથી શરૂ થઈ જતી. હોળાષ્ટક શરૂ થાય ત્યારથી જ દરેક શેરીઓમાં ગુરિયાપીરની સ્થાપના કરવામાં આવતી. ગુરિયાપીર એટલે એક પથ્થરને સિંદુરથી રંગી એને આંખો વગેરે ચોડી આસ્થાના એક પ્રતીક તરીકે મૂર્તિ સ્થાપિત કરાતી. જોકે શેરીનાં નાનાં બાળકોથી માંડીને તરુણો એ કરતા. દરરોજ ગુરિયાપીરની આરતી થતી અને ગુરિયાપીરના નામે બાળકો ફાળો પણ ઉઘરાવતા અને પ્રસાદ વગેરે કરતા. હોળી સુધી આ બધું ચાલતું. ભૂતકાળ એટલે વાપરવો પડે છે કે હવે ભાગ્યે જ કચ્છમાં ક્યાંય આવી પરંપરા જળવાતી હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK