Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આજના આધારકાર્ડની જેમ હડપ્પીઓ પણ ઓળખપત્ર ધરાવતા હતા !

આજના આધારકાર્ડની જેમ હડપ્પીઓ પણ ઓળખપત્ર ધરાવતા હતા !

08 October, 2019 05:07 PM IST | મુંબઈ ડેસ્ક
નરેશ અંતાણી

આજના આધારકાર્ડની જેમ હડપ્પીઓ પણ ઓળખપત્ર ધરાવતા હતા !

આજના આધારકાર્ડની જેમ હડપ્પીઓ પણ ઓળખપત્ર ધરાવતા હતા !


કચ્છનું અતીત

કચ્છમાં આવેલી હડપ્પીય વસાહતોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ જિલ્લામાં કેટલીય વસાહતોનું ઉત્ખનન દર વર્ષે શિયાળામાં કરવામાં આવતું હોય છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ તથા દેશ–વિદેશના વિશ્વ વિદ્યાલયો તેના સંશોધનમાં સામેલ થતાં હોય છે. આવું જ એક નગર ઈ.સ. ર૦૧પમાં કચ્છના પ્રાચીન વાગડ વિસ્તારમાંથી ખનનકાર્યના આરંભમાં જ એક સુંદર નગરરચના ધરાવતું નગર મળી આવ્યું હતું. રાપર તાલુકાના કાનમેર ગામ નજીક આવેલી ટેકરી પર આ હડપ્પીય નગર ધરબાયેલું રહ્યું છે.
સમગ્ર આયોજન ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ, રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરના પુરાતત્વ વિભાગ તથા જાપાન સરકારના માનવસંસાધન અને પ્રાકૃતિક સંપદા સંશોધન વિભાગના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
રપ૦૦ની વસતી ધરાવતા કાનમેરના ઉત્ખનન કાર્યની વિગતો આપતા રાજસ્થાન વિદ્યાપીઠના પુરાતત્વ વિભાગના વડા પ્રા. ડૉ. જીવનસિંહ ખરકવાલે આ લેખકને જણાવ્યું હતું કે ‘આમ તો અહીં આ નગર હોવાની સંભાવના ઈ.સ. ૧૯૯૬માં જ ધોળાવીરાના ઉત્ખનનમાં જેમનો સિંહફાળો છે તેવા પદ્મશ્રી ડૉ. આર. એસ. બિસ્ટને જણાઈ હતી. એ પછી ર૦૦૬માં આ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું અને એ જ વર્ષના એપ્રિલ મહિનાથી પ્રારંભિક ઉત્ખનનકાર્ય આરંભવામાં આવ્યું હતું અને તેનું વિધિવત્ કાર્ય ર૦૧પમાં શરૂ કરવામાં આવ્યું.’
આ લખનારની કાનમેરની મુલાકાત સમયે મળી આવેલાં નગરની વધુ વિગતો પ્રો. ખરકવાલે આપી હતી તે મુજબ ખનનના આરંભે જ અહીંથી ૮૦×૮૦ મીટરની દીવાલ તથા હડપ્પીય લિપિઅંકિત પૉટરી મળી આવી છે. ઉત્ખનનના આરંભમાં જ આટલી સફળતા મળતાં પુરાતત્વીય સંશોધકો આનંદમાં આવી ગયા હતા. કાનમેરની સંપૂર્ણ હડપ્પીય વસાહત ૧પ૦×૧પ૦ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અહીંથી મળી આવેલી ૧૭ મીટર લાંબી અને ૧૧ મીટર ઊંચી દીવાલ જોતાં સુરક્ષાના મજબૂત કવચથી આ નગર રક્ષિત હશે એવું અનુમાન કરી શકાય છે. આ દીવાલનો દરવાજો પણ મળી આવ્યો છે. આ દીવાલોમાં વાપરવામાં આવેલા પથ્થરો અહીંથી નજીકના કચ્છના જ વાગડ વિસ્તારના મરડક બૅટના છે. આ બૅટમાંથી દરિયાઈ માર્ગે હોડીઓમાં પથ્થરો અહીં લાવી અહીં જ ઘડી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડૉ. એમ. કે. ધવલીકરના અનુમાન મુજબ આ નગર એક કૅમ્પ હશે, કારણ કે આ નગરમાં એક જ સામૂહિક રસોડાના અવશેષો મળ્યા છે. નગરની અંદર મકાનો તથા માર્ગો પણ દેખાય છે.
ઉત્ખનનકાર્યના આરંભના કામ દરમ્યાન અહીંથી જંગલી ભેંસના હાડકાં, માટીનાં પાત્રો, ઘઉં, મગ અને ચોખાના દાણા પણ મળી આવ્યા છે. ખંભાતથી મળતાં મોતી જેવાં જ મોતી પણ અહીંથી મળી આવ્યાં છે. અહીંથી મળી આવેલાં માટીપાત્રો રાજસ્થાન અને ગુજરાતની હડપ્પીય વસાહતોમાં સામ્યતા ધરાવે છે.
કાનમેરનું આ હડપ્પાકાલિન નગર એક સમયે દરિયાથી વધુ નજીક હોવાની સંભાવના છે અને જે તે સમયે તે એક મોટું વ્યાપારીમથક હોવાની સંભાવના પુરાતત્વવિદો વ્યકત કરે છે.
શિકારપુર તથા કાનમેર બંને નગરોની તુલના કરતાં જણાય છે કે શિકારપુરની દીવાલો માટીની બનેલી છે. જ્યારે કાનમેરની દીવાલો મજબૂત પથ્થરોની બનેલી છે. આથી કાનમેર વધુ સુરક્ષિત અને મહત્ત્વનું હશે.
ધોળાવીરા જેમ સમાજના વિવિધ સ્તરોને વિભાજિત કરતી નગરરચના ધરાવે છે, તેમ વિપરીત કાનમેર એક જ કિલ્લામાં રક્ષિત હોઈ બે સંભાવના વ્યકત કરી શકાય, એક તો આ નગરમાં માત્ર ઉચ્ચ વર્ગના લોકો જ વસવાટ કરતા હશે અથવા તો આ નગરમાં તમામ સ્તરના લોકો એક સંપથી રહેતા હશે. ભવિષ્યમાં કાનમેર ખાતે જ પુરાતત્વીયસંગ્રહાલય બનાવવાનું આયોજન હોવાનું ડૉ. ખરકવાલ તથા પુરાતત્વ વિભાગના ગુજરાતના પૂર્વ નિયામક ડૉ. યદુબીર સિંહ રાવતે જણાવ્યું હતું.
વસાહતના સંશોધનનો હવાલો ધરાવતા અધિકારી કે. પી. સિંઘે આપેલી વિગતો મુજબ કાનમેરની આ વસાહતકચ્છની અન્ય વસાહતો કરતાં અનન્ય છે, કારણ કે આ વસાહતના વસાહતીઓ એ સમયે ધોળાવીરા, લોથલ તથા તેની સમકાલિન વસાહતો સાથે દરિયાઈ સબંધો ધરાવતા હોવાની સંભાવના પણ દેખાય છે.
કાનમેરના છેલ્લા ઉત્ખનન સમયે વસાહતમાંથી ગોળ મોટા મણકાઓ મળી આવ્યા છે જેનો ઉપયોગ વસાહતીઓપોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા ઓળખકાર્ડ તરીકે કરતા હશે એવું અનુમાન પણ તેમણે કર્યું હતું. આ મણકાઓમાં એક કાણું છે જેમાં દોરો આરપાર પરોવી શકાય તેવી વ્યવસ્થા છે. તેમાં સિલ્ક જેવા કાપડના દોરા પણ પરોવેલી હાલતમાં મળ્યા છે આથી જ તે ઓળખપત્ર હોવાનું માની શકાય છે. આ મણકાઓમાં તીર જેવું કોતરેલું નિશાન પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જે વ્યક્તિની અધિકૃતતા વ્યક્ત કરવા માટે હોઈ શકે તેવું પણ અનુમાન આ સંશોધનકર્તાઓએ કર્યું છે. એક વસાહતથી બીજી વસાહતમાં આવન-જાવન સમયે આ ઓળખકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોઈ શકે.
આ પ્રકારનું ઓળખપત્ર કચ્છમાંની વસાહતોમાંથી સૌપ્રથમ વાર મળી આવ્યું હોઈ તેને અતિ મહત્ત્વની શોધ ગણાવાય છે. આ સીલ મણકાઓ પાકી લાલ માટીના બનેલા છે અને મજબૂત પણ છે.
આ ઉપરાંત આ વસાહતમાંથી આસમાની તથા સફેદ રંગનાં મોતી પણ મળી આવ્યાં છે. તેને લેપ્ટીસ કહેવામાં આવે છે. આ પ્રકારનાં મોતી અફઘાનિસ્તાનની વસાહતોમાંથી મળી આવ્યાં છે, પણ ત્યાં કાણાં કર્યા વગરનાં છે જ્યારે કાનમેરથી મળેલાં મોતી કાણાંવાળા આરપાર દોરો પરોવી શકાય તેવા પ્રકારનાં છે. અહીંથી જ મોતીમાં કાણાં કરવાનું ઓજાર પણ મળી આવ્યું છે . એ રીતે અફઘાનિસ્તાન કરતાં કાનમેરની વસાહત આધુનિક કહી શકાય. વળી એવું પણ અનુમાન કરવામાં આવે છે કે સંભવી શકે કે અફઘાનિસ્તાનથી મોતીઓ અહીં કાણાં પાડવા માટે આવતા હોઈ શકે. આ મોતીઓ પકાવવા માટેની ભઠ્ઠી પણ અહીંથી મળી આવી છે.
કાનમેર વસાહતમાં છેલ્લે કરાયેલા ઉત્ખનન દરમ્યાન સમ્રાટ અશોક સમયનાં માટીપાત્રો પણ મળી આવતાં એવુંઅનુમાન કરી શકાય કે, હડપ્પીઓના આ વસાહત છોડી ગયા પછી અન્ય સંસ્કૃતિના લોકો પણ અહીં વસવાટ કરી ગયા હશે.
સૌરાષ્ટ્રના બગસરામાંથી એ કાળમાં મળતી શંખની બંગડીઓ જેવી જ બંગડીઓ અહીંથી પણ મળી આવી છે. તેના બનાવવાના કોઈ ઓજાર મળ્યા નથી એટલે સંભવી શકે છે કે, એ સમયે આદાન-પ્રદાનના વ્યવહારથી બગસરાથી આ બંગડીઓ અહીં લાવવામાં આવતી હશે.
માત્ર બે જ વખતના ઉત્ખનન દરમ્યાન આટલી મોટી ઉપલબ્ધી મળી આવતાં તથા અહીંથી મળતાં પ્રમાણો કાનમેર વસાહતને અદ્વિતીય સાબિત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 05:07 PM IST | મુંબઈ ડેસ્ક | નરેશ અંતાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK