કચ્છની અંદર જ જુદી-જુદી ઓળખ ધરાવતાં કચ્છ વસે છે

Published: Oct 15, 2019, 18:31 IST | માવજી મહેશ્વરી | મુંબઈ ડેસ્ક

ભાષાની દૃષ્ટિએ કચ્છના બે મુખ્ય ભાગ પડે છે. પશ્ચિમ કચ્છ કચ્છીભાષી છે, જ્યારે પૂર્વ કચ્છ ગુજરાતીભાષી છે. એક અર્થમાં જોઈએ તો કચ્છી બોલતી જ્ઞાતિઓ મૂળે પશ્ચિમ કચ્છની છે, જ્યારે ગુજરાતી બોલતી જ્ઞાતિઓ મૂળે પૂર્વ કચ્છની છે.

ધીણોધર ડુંગર
ધીણોધર ડુંગર

રણ અને મહેરામણ

રણોત્સવ પછી કચ્છ વિશ્વમાં ચમક્યું એટલું જ નહીં, ગુજરાતીઓ પણ રણોત્સવ થકી જ કચ્છને જાણી શક્યા છે. કચ્છ બહાર કોઈ‍ ઊંટ, આહિર, રણ અને રબારીનાં ચિત્રો જોઈને કહે છે કે આ કચ્છ છે. એ વાસ્તવિકતા છે કે એ કચ્છની ઓળખનો એક ભાગ છે, પરંતુ એ સિવાય એવું કેટલુંય છે જે હજી પ્રચલિત થયું નથી કે એની નોંધ લેવાઈ નથી. એક જિલ્લા તરીકે કચ્છ ગુજરાત રાજ્યનો એક ભાગ છે, પરંતુ કચ્છ એટલું વિશાળ અને વિશિષ્ટ છે કે એની અંદર જ જુદી-જુદી ઓળખ ધરાવતા વિસ્તારો છે, જેના વિશે કચ્છની જ ઊછરતી પેઢી પણ અજાણ છે

જ્યારે સંચાર-માધ્યમો નહોતાં અને માર્ગ પરિવહન નહીંવત્ હતું ત્યારે કચ્છના ખાવડા કે ખડીર વિસ્તારની કોઈ વ્યક્તિ ભુજ કે માંડવી આવે તો તે કહે કે કચ્છ જાઉં છું. તો માંડવીનો માણસ રાપર જાય તો કહે કે વાગડ જાઉં છું. આજે પણ કોઈ એવું કહેતું હશે. આવું કેમ બન્યું હશે? ગુજરાતના અન્ય વિસ્તારના લોકો માટે તો કચ્છ એટલે એક જિલ્લો જ છે, પરંતુ કચ્છની અંદર જ જુદાં-જુદાં કચ્છ છે એ બહુ ઓછા લોકો જાણે છે. એ હકીકત છે કે કચ્છ વિસ્તારની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. વિસ્તાર એટલે અધધધ કહી શકાય. ૪૫,૬૭૪ વર્ગ કિલોમીટરનો કોઈ જિલ્લો હોય એ ભારતની આઝાદી પછી થોડી ન સ્વીકારી શકાય એવી બાબત છે, પરંતુ એ વાસ્તવિકતા છે. મોટા વિસ્તાર સામે વસ્તી સાવ પાંખી છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ૨૦.૯ લાખ એટલે આજની સ્થિતિએ કદાચ બાવીસ લાખ થાય. આટલા મોટા વિસ્તારમાં માત્ર વીસ-બાવીસ લાખ લોકો રહેતા હોય ત્યારે તેમની વચ્ચે મજબૂત એકતા કે ઝનૂન ટુકડામાં વહેંચાઈ જાય એ શક્ય છે. ઉપરાંત એવું પણ બને કે એક જ જિલ્લાની પ્રજા વચ્ચે સામાજિક વ્યવહારો પણ ચોક્કસ અંતરે જઈને અટકી જાય. પરિણામે વૈચારિક અંતર પણ ઊભું થાય. કચ્છમાં આ સ્થિતિનું નિર્માણ થવાનું કારણ બે છેડા વચ્ચેનું અંતર છે. કચ્છના પ્રવેશદ્વાર આડેસરાથી કોટેશ્વર વચ્ચેનું ૩૧૭ કિલોમીટરનું અંતર એક જિલ્લા માટે વધારે પડતું કહેવાય. હવેના સમયમાં માર્ગો બન્યા છે, વાહનવ્યવહાર સુલભ છે, પરંતુ જ્યારે આ નહોતું ત્યારે કચ્છના વાગડ વિસ્તારના લોકો લખપતથી અજાણ હતા અને લખપત વિસ્તારના લોકો વાગડથી. પરિણામે કચ્છની અંદર જ જુદી-જુદી ઓળખ ધરાવતા વિસ્તારો ઊભા થયા. પૂર્વના આડેસરથી પશ્ચિમના કોટેશ્વર સુધી વિસ્તરેલા કચ્છના અંદરના વિસ્તારો જુદા-જુદા નામે ઓળખાય છે અને એ નામ પાછળનાં કારણો પણ છે. એમાંનાં કેટલાકની તો બહુ ઓછા લોકોને જાણ છે. કચ્છની અંદર જ અલગ ઓળખ ધરાવતા વિસ્તારો પૂર્વથી પશ્ચિમ તરફ જતાં પ્રાંથળ, વાગડ, કાંઠો, ખડીર, આહિરપટ્ટી, પચ્છમ, બન્ની, કંઠીપટ્ટ, મોડાસો, અબડાસો, ગૅડો, પાવરપટ્ટ, માકપટ્ટ અને પટેલ ચોવીસી જેવાં નામે ઓળખાય છે.
રાપર તાલુકાનો ઉત્તર છેડો જે મોટા રણને અડીને આવેલો છે એ પ્રાંથળ તરીકે ઓળખાય છે. શિવગઢ, બેલા, મૌઆણાં જેવાં મોટાં ગામો ધરાવતા આ વિસ્તારનો કચ્છ જેટલો જ સંબંધ બનાસકાંઠા સાથે છે. પૂર્વ કચ્છનો રાપર તાલુકો અને ભચાઉ તાલુકાનો થોડો વિસ્તાર વાગડ કહેવાય છે. વાગડ અલગ જ તાસીર ધરાવે છે. અન્યાય સામે તીખી પ્રતિક્રિયા આપનાર આ વિસ્તાર જેટલો સમૃદ્ધ છે એટલા જ સમૃદ્ધ વાગડવાસીઓ કચ્છની બહાર પણ છે. ભુજ અને અંજારની ઉત્તરીય પટ્ટીને જોડતા ભાગને આહિરપટ્ટી કહેવાય છે. આહિર અને ઢેબર રબારીઓની વધારે વસ્તી ધરાવતો આ વિસ્તાર પણ રણને અડીને આવેલો છે. આ વિસ્તારમાં જ કચ્છના સંત મેકરણ થઈ ગયા. કચ્છના પૂર્વીય પ્રવેશદ્વાર સૂરજબારીના પુલને અડીને આવેલો વિસ્તાર કાંઠો કહેવાય છે. આ વિસ્તાર દરિયા સાથે જોડાયેલો હોવાં છતાં એના લોકજીવન પર દરિયાની અસર નથી. ભુજની આસપાસ આવેલા કચ્છના અતિ સમૃદ્ધ લેઉવા પટેલોનાં ગામો પટેલ ચોવીસી કહેવાય છે. આ ગામો પૈકી બળદિયા ગામમાં આવેલી બૅન્ક ઑફ બરોડા ભારતની સૌથી સમૃદ્ધ શાખા ગણાય છે. આ વિસ્તારમાં બિનનિવાસી ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. ભુજની ઉત્તરે આવેલો વિસ્તાર આમ તો બન્ની તરીકે હવે આખાય વિશ્વમાં એની વિરલ લોકા સંસ્કૃતિ અને રણવિસ્તારને કારણે જાણીતો છે. બન્નીમાં યોજાતા રણોત્સવ થકી સફેદ રણ શબ્દ પ્રચલિત થયો એ વિસ્તાર એટલે કચ્છનો અજોડ બન્ની વિસ્તાર. પરંતુ ખાવડા પછીના કાળા ડુંગર અને એની આસપાસનો વિસ્તાર બન્ની નહીં પણ પચ્છમ છે. એટલે જ કાળા ડુંગર ઉપર આવેલા દત્ત ભગવાનને ત્યાંના લોકો પછમાઈ પીર કહે છે. કાળા ડુંગરથી પૂર્વમાં રણદ્વીપ આવેલું છે જે ખડીર વિસ્તાર છે. બારેક ગામો ધરાવતું ખડીરબેટ ત્યાં આવેલી પુરાતત્ત્વીય સાઇટ ધોળાવીરાને કારણે વિશ્વમાં જાણીતું બન્યું છે. ખડીર બેટની કમનસીબી એ છે કે એ રાપરથી નજીક આવેલું હોવા છતાં એને ભચાઉ તાલુકામાં સમાવાયો છે, જે દોઢસો કિલોમીટર દૂર આવેલું છે.
ભવ્ય ભૂતકાળ ધરાવતાં માંડવી અને મુંદ્રા બંદરો જે વિસ્તારમાં આવેલાં છે એ કચ્છનો દરિયાઈ પટ્ટો એટલે કંઠીપટ્ટ. મુંદ્રાના વડાલા અને છસરા ગામથી શરૂ થતો અને લાયજા ગામે પૂરો થતો કંઠીપટ્ટ કચ્છનો વાડીઓ ધરાવતો વિસ્તાર હતો. મોટાભાગે કચ્છી વીસા ઓસવાળ જૈનોનાં ગામ અને દેરાસરો સૌથી વધુ આ વિસ્તારમાં આવેલાં છે. પૂર્વથી આવતા કંઠીપટ્ટથી જ કચ્છી ભાષા શરૂ થાય છે. આ વિસ્તારને અડીને આવેલો લાયજા, ડુમરા અને ગઢશીશા વચ્ચેના ત્રિકોણીય પટ્ટાને મોડાસો કહેવાય છે એ બહુ જ ઓછા કચ્છીઓ જાણે છે. કચ્છના રાજવી ભાયાત મોડને આ વિસ્તાર ભાગમાં આવેલો એથી મોડાસો કહેવાતો. મોડાસાથી આગળ જતાં ડુમરાથી છેક રામપર અબડાવાળી સુધીનો વિસ્તાર અબડાસો કહેવાય છે. કચ્છના શૂરવીર જામ અબડાનો આ રાજ વિસ્તાર હોવાથી એ અબડાસા કહેવાય છે. અબડાસાથી નારાયણ સરોવર સુધીના વિસ્તારને ગૅડો અથવા ગરડાપંથક કહેવાય છે. અબડાસા અને ગરડાપંથક એની ફળદ્રુપ જમીન માટે જાણીતા છે. કોઈ સમયે સૂનકારભર્યા આ વિસ્તારો હવે સિમેન્ટ કંપનીઓ, પવનચક્કીઓ અને બોક્સાઇટની સરકારી ખાણોને કારણે ધમધમે છે. લખપત તાલુકાના દયાપરથી ભુજ તરફ આવતાં નખત્રાણા આસપાસનો વિસ્તાર માકપટ કહેવાય છે. કચ્છી ભાષામાં માકનો અર્થ ઝાકળ થાય છે. આ વિસ્તારમાં ઝાકળ વધારે પડતી હોવાથી આ વિસ્તાર માકપટ તરીકે જાણીતો બન્યો છે. નખત્રાણાનો ઉત્તરીય વિસ્તાર જ્યાં ધીણોધર ડુંગર આવેલો છે. ધીણોધરની આસપાસનો વિસ્તાર પાવરપટ કહેવાય છે. આમ તો કચ્છીમાં પાવર શબ્દ પાટ પરંપરા સાથે જોડાયેલો છે. ભક્તિમાર્ગની એક ધારા એ પાટ પરંપરા છે. આ વિસ્તારમાં કોરીપાટમાં માનનારી જ્ઞાતિઓની સંખ્યા પણ સારીએવી છે. એના પરથી આ શબ્દ આવ્યો હોય એવી શક્યતા છે, પણ એ સાચું જ છે એવો કોઈ પુરાવો નથી.
કચ્છની આંતરિક ઓળખ ધરાવતા વિસ્તારો માત્ર જુદાં-જુદાં નામ ધરાવતાં નથી, ત્યાંનું લોકજીવન અને પહેરવેશ પણ હજી એ પ્રદેશની સ્વતંત્ર ઓળખનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. કોઈ ધારે કે આખાય કચ્છની પોતાની ભાષા કચ્છી છે, પરંતુ એવું નથી. અડધોઅડધ કચ્છની માતૃભાષા ગુજરાતી છે. ભાષાની દૃષ્ટિએ કચ્છના બે મુખ્ય ભાગ પડે છે. પશ્ચિમ કચ્છ કચ્છીભાષી છે, જ્યારે પૂર્વ કચ્છ ગુજરાતીભાષી છે. એક અર્થમાં જોઈએ તો કચ્છી બોલતી જ્ઞાતિઓ મૂળે પશ્ચિમ કચ્છની છે, જ્યારે ગુજરાતી બોલતી જ્ઞાતિઓ મૂળે પૂર્વ કચ્છની છે. કચ્છને સમજવા ઘણાંબધાં પાસાંને જાણવાં પડે. કચ્છી લોકોનું લોકજીવન અને એના વ્યવહારોનાં કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ થવો હજી બાકી છે. જે પણ લખાયું છે એ મોટા ભાગે રણપ્રદેશના ટુકડાનો જ અભ્યાસ થયો છે એટલે કચ્છના મહત્ત્વના બે છેડા લખપત અને રાપર બાજુના તળનાં સંશોધનો હજી થયાં નથી.
કચ્છને સમજવા કચ્છમાં રહેવું પડે, લાંબો સમય ગાળવો પડે. આ શબ્દો માત્ર આ વિલક્ષણ પ્રદેશની ઝલક માત્ર છે. વાસ્તવિકતા તો હંમેશાં એ ભૂમિ પર રહેનાર સાથે જોડાયેલી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK