લોકસંસ્કૃતિ
બાબા રામદેવજીએ યોગને આરોગ્ય માટેનો રામબાણ ઇલાજ ગણાવી અનેક રોગો મટતા હોવાની વાત કરી એ પહેલાં પણ ભારતમાં યોગપદ્ધતિ તો હતી જ. હા, એનો પ્રચાર-પ્રસાર હવે વધુ થવા માંડ્યો છે, પરંતુ શરીરના રોગો મટાડતો યોગ, માનસિક રોગો માટે રામબાણ બની શકે ખરો? શા માટે નહીં? આવો વિચાર આવ્યો ભુજના એક મનોચિકિત્સકને અને તેમણે ભારતનું પ્રથમ એવું યોગ સાઇકો થેરપી કેન્દ્ર પણ ખોલી નાખ્યું.
એવું શું કર્યું છે તે મનોચિકિત્સકે? યોગ એ ભારતનો અમૂલ્ય વારસો છે જે વિશ્વને આપણે આપ્યો છે. ભુજના મનોચિકિત્સક ડૉ. દેવજ્યોતિ શર્માએ અત્યાર સુધી વિશ્વભરમાં પ્રચલિત પશ્ચિમી સાઇકો-થેરપી સામે પ્રથમ વખત પૂર્વની યોગના મનોવિજ્ઞાન-ધ્યાનને સાંકળતી યોગ સાઇકો-થેરપી વિકસાવી છે. આ પદ્ધતિને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન પણ મળી ગયું છે.
આપણને સહેજે વિચાર થાય કે કેવી રીતે વિચાર આવ્યો હશે આવી સારવારનો? આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાના નિષ્ણાત જૂથના સભ્ય અને ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. શર્મા કહે છે કે ‘વિશ્વમાં છેલ્લી એક સદીમાં કોગ્નેટિવ બિહેવિયર થેરપી સહિતની કેટલીયે સાઇકો-થેરપી ચલણમાં છે, પણ પૂર્વીય દેશોની-ભારતની આવી કોઈ સાઇકો-થેરપી ઉપયોગમાં આવી નથી. યોગ એ ભારતની ૫૦૦૦ વર્ષ જૂની પદ્ધતિ છે તો એનો ઉપયોગ શા માટે ન કરી શકાય? એવો વિચાર મારા મનમાં આવ્યો અને મનોવિજ્ઞાન તથા યોગનાં ૨૦૦૦થી વધુ પુસ્તકોના અભ્યાસ અને કેટલાય સેમિનારના આયોજનના અનુભવ બાદ મેં આસન-ધ્યાન સાથે યોગના મનોવિજ્ઞાનને અને કુંડલી જાગૃત કરવાને, ખાસ તો ભારતીયોના ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ અકબંધ રહે એ રીતે યોગ સાઇકો-થેરપીનું નિર્માણ કર્યું છે જેમાં મનની રક્ષાત્મક પ્રણાલી, ચેતા રસાયણ વગેરેને સાંકળી લીધા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એને અનુમોદન મળ્યું છે.
કચ્છમાં ભુજ અને માધાપરમાં એમ બે સ્થળે ‘યોગ સાઇકો થેરપી પોસ્ટ વેન્શન કૅર ક્લિનિક’ નામે બે કેન્દ્ર શરૂ કરનારા અને કચ્છમાં આપઘાત અટકાવ ફોરમના નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા ડૉ. શર્મા કહે છે કે દરદીઓ પર યોગ સાઇકો-થેરપીની વધુ હકારાત્મક અસર જોવા મળે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે.
ભારતમાં ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના અનેક દેશો કરતાં પ્રમાણમાં વધારે છે છતાં ભારત કરતાં વિદેશોમાં સાઇકો-થેરપી વધુ પ્રચલિત છે. ડૉ. શર્મા એ વિશે પ્રકાશ પાડતાં કહે છે કે ‘અત્યારે દુનિયાના ભારત સહિત દરેક દેશોમાં પશ્ચિમી પદ્ધતિથી મનોચિકિત્સા વધુ થાય છે. સિગ્મોન્ડ ફ્રોઇડે સૌથી પહેલાં આવી સારવાર વિકસાવી હોવાનું કહેવાય છે ત્યારે એ પદ્ધતિમાં મહદ અંશે ભારતીય યોગ-ધ્યાનનો ઉપયોગ જ થાય છે. અત્યારના દર્શનશાસ્ત્ર (ફિલોસૉફી)થી પહેલાં ઈ.સ. ૧૯૦૦ની આસપાસ મનોવિજ્ઞાન શોધાયું, જ્યારે યોગ તો ઈ.સ. પૂર્વે ૨૭૦૦થી ભારતમાં ચલણમાં છે, પરંતુ કમનસીબે ભારતની જ ધ્યાન સહિતની પદ્ધતિઓનો યશ પશ્ચિમે લીધો છે. ફ્રોઇડની થિયરીમાં ચેતન, અર્ધચેતન, અચેતન અને તુરિયા અવસ્થાનો પ્રયોગ થાય છે. ફ્રોઇડના મતે ઇગો-આઇ એટલે કે ‘હું’ને મનોવિકાસનું સાધન માનવામાં આવે છે. જ્યારે હું અહીં જે યોગના મનોવિજ્ઞાનની વાત કરું છું એને આધ્યાત્મિક-પવિત્ર સ્પર્શ આપવામાં આવ્યો છે.’ આપણે ઇગોને ‘હું’ નહીં, પણ આત્મા જાણી સારવાર કરીએ છીએ. યોગ સાઇકો-થેરપી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. એમાં સારવારના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સમાધિવસ્થા એમ પાંચ તબક્કાઓ છે.
શું છે આ યોગ સાઇકો-થેરપીમાં? ડૉ. શર્મા કહે છે કે ‘હું પણ એક મનોચિકિત્સક તરીકે વિદેશી સાઇકો-થેરપી જ ઉપયોગમાં લેતો હતો, પણ જેમ-જેમ પ્રૅક્ટિસમાં આગળ વધતો ગયો ત્યારે મને લાગ્યું કે આ થેરપીમાં જો ભારતીય સંસ્કૃતિને સાંકળી લેવાય તો વધુ સારાં પરિણામો મેળવી શકાય. એથી મેં છેલ્લાં ૩ વર્ષથી યોગ સાઇકો-થેરપી પ્રયોગાત્મક રીતે શરૂ કરી જેમાં યોગનું મનોવિજ્ઞાન, ધ્યાન, પ્રાણાયામ, તાણનો સકારાત્મક ઉપચાર અને આપઘાતના વિચારોમાંથી મુક્તિ એમ તબક્કા વાર દૃશ્ય-શ્રાવ્ય અને પ્રૅક્ટિકલ કાર્યક્રમ બનાવ્યો અને આજે એમાં અકલ્પનીય સફળતા મળી રહી છે. આ માટે જુદાં-જુદાં સ્થળે હું સેમિનાર કરી આ પદ્ધતિ પ્રત્યે લોકોને જાગૃત કરું છું. મનોવિજ્ઞાનના શિક્ષકો, યોગના જાણકારોને આ વિશે તાલીમ આપી તેમને પણ આ કાર્યક્રમમાં જોડું છું.’
૨૧ જૂન વિશ્વ યોગ દિવસે ભારત સહિત અન્ય દેશો પણ યોગ કરે છે, પરંતુ યોગને માનસિક તણાવમુક્તિ મેળવવા કે માનસિક રોગમાંથી છૂટકારો મેળવવા સાંકળવાનું શ્રેય જાય છે કચ્છને. હા, કચ્છે આ માટે વિશ્વભરમાં ગયા વર્ષે પહેલ કરી દીધી છે.
યોગ દ્વારા માનસિક રોગમાંથી પણ મુક્તિ મેળવી શકાય એવા આયામો કચ્છના તબીબ ડૉ. શર્મા યોગ સાથે સાઇકો-થેરપી વિકસાવી પહેલ કરી જ ચૂક્યા છે. ૨૧ જૂન વિશ્વ આરોગ્ય દિવસ પહેલાં જ તેઓ આ માટે સંખ્યાબંધ તાલીમ શિબિરો કરી સાઇકો-થેરપી સાથે યોગ કરાવી શકે એવા તાલીમબદ્ધ યોગશિક્ષકો તૈયાર કરી ચૂક્યા હતા.
યોગને સાઇકો-થેરપી સાથે કઈ રીતે જોડી શકાય? ડૉ. દેવજ્યોતિ શર્મા કહે છે કે ‘૧૪૦ વર્ષ પહેલાં વિલહેલ્મ વુડે જર્મનીમાં લિપજિંગ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ પ્રયોગશાળા ૧૮૭૯માં શરૂ કરી હતી. ત્યાંથી આધુનિક મનોવિજ્ઞાનનો યુગ આરંભ થયો હતો. પશ્ચિમી દેશોની સાઇકો-થેરપીથી વધારે જૂનું તો યોગ મનોવિજ્ઞાન છે. આ બાબતે કોઈ મતભેદ નથી. પૂર્વીય દેશો ખાસ કરીને ભારતના લોકો પેઢી દર પેઢીએ સદીઓથી મનની શાંતિ, સંતૃષ્ટિ અને ખુશહાલી મેળવવા યોગ કરતા આવ્યા છે. આ રીતે દુનિયાના પ્રથમ મનોપચારની પદ્ધતિ યોગ પદ્ધતિ છે. એને ધ્યાનમાં લઈને અત્યાર સુધી પશ્ચિમના દેશો દ્વારા વિકસાવાયેલી પશ્ચિમી સાઇકો-થેરપી સામે પ્રથમ વખત ભારતના યોગને મનોવિજ્ઞાન સાથે સાંકળતી યોગ સાઇકો-થેરપીનો વિકાસ કરવામાં આવેલ છે જેમાં દુ:ખ, ચિંતા, નિરાશા, હતાશા, આત્મહત્યાના નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મેળવીને દરદીઓના માનસિક, શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે વિશેષ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિશિષ્ઠ વિધિઓ જેવી કે લાઇફ સ્કીલ્સ ડાયનેમિક મેડિટેશન, આરએમસી વેવ જનરેશનો જેવી નવીન વિશ્રામ પદ્ધતિઓ, કુંડલીની જાગૃત કરવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.’
સામાન્ય યોગશિક્ષક કરતાં આ માટે વિશેષ તાલીમની જરૂર પડે છે. સાઇકો-થેરપી સાથે મનોરોગીઓને સફળ યોગ કરાવી શકે એ માટે ભુજ અને નજીકના માધાપરમાં તાલીમશિબિર કરી ૭૬ જેટલા તાલીમબદ્ધ સાધકો તૈયાર કરાયા છે અને તેમની સહાયથી કચ્છે ભારતભરમાં યોગ દિવસે માનસિક તણાવમાંથી મુક્તિ અપાવવા યોગ દ્વારા પ્રથમ વખત પહેલ કરી હતી.
ભારત આત્મહત્યાના બનાવો અને મનોરોગના દરદીઓની સંખ્યામાં વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકે છે એથી જ યોગને સાઇકો-થેરપી સાથે જોડીને આપણી પ્રાચીન પદ્ધતિનો પ્રયોગ ભારતભરમાં થવો જોઈએ. કચ્છ આમાં નિમિત્ત બન્યું છે એનું ગૌરવ દરેક કચ્છીઓને હોય જ.