Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કચ્છના અભયારણ્યમાં ઘોરાડ બચ્યાં છે ખરાં?

કચ્છના અભયારણ્યમાં ઘોરાડ બચ્યાં છે ખરાં?

16 February, 2021 11:31 AM IST | Kutch
Mavji Maheshwari

કચ્છના અભયારણ્યમાં ઘોરાડ બચ્યાં છે ખરાં?

ઘોરાડ પક્ષી - ફાઈલ તસવીર

ઘોરાડ પક્ષી - ફાઈલ તસવીર


જગત વિસ્મયકારી પક્ષીસૃષ્ટિથી ભરેલું છે. એમાંનાં કેટલાંય પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. કેટલીક લુપ્ત થવાને આરે છે. લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા જે-તે દેશની સરકારો વિશેષ આયોજનો કરતી રહે છે. એવું જ એક પક્ષી છે ઘોરાડ. અંગ્રેજીમાં જેને Great Indian Bustard કહે છે. એ પક્ષી કચ્છ અને રાજસ્થાનમાં જોવાં મળે છે. ઘોરાડને બચાવવા માટે ૧૯૯૨માં અબડાસા તાલુકાના જખૌ નજીક ૨૦૨ વર્ગ કિલોમીટરના વિસ્તારને ગુજરાત સરકારે ‘ઘોરાડ અભયારણ્ય’ તરીકે રક્ષિત વિસ્તાર જાહેર તો કરી દીધો, પરંતુ ત્રણ દાયકામાં આ અલભ્ય પક્ષીની સંખ્યા વધવાને બદલે ઘટતી ગઈ.

કચ્છની જૈવ સંપત્તિ અને વિવિધતાઓ વિશે મહત્ત્વનાં સંશોધનો અને તારણો વીસમી સદીમાં જગત સામે આવ્યાં છે. જીવ જગતની કેટલીક એવી પ્રજાતિઓ છે જે કચ્છમાં છે અથવા હતી. રોજગારીની દોડધામ અને અંતરિયાળ વિસ્તારોમાં માહિતીના અભાવે કચ્છની જૈવ સંપત્તિ વિશે સ્થાનિક પ્રજા અજાણ રહી. કચ્છમાં રહીને કચ્છીઓએ પોતાના પ્રદેશનું સંશોધન કર્યું હોય એવી ઘટનાઓ જૂજ છે. એટલે કચ્છની વિશેષતાઓ બહુધા કચ્છ બહારના લોકોએ પ્રકાશમાં આણી છે. એનું એક ઉદાહરણ છે ઘોરાડ પક્ષી. અંગ્રેજીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે ઓળખાતું આ પક્ષી એટલા માટે મહત્ત્વનું છે કે એની સંખ્યા જૂજ રહી છે. જો એનું સંવર્ધન કરવામાં નહીં આવે તો આ પક્ષીની પ્રજાતિ વિલુપ્ત થઈ જશે. આવનારા સમયમાં કદાચ આ પક્ષી માત્ર પુસ્તકમાં દેખાશે. વિશ્વમાં માત્ર ભારતના પશ્ચિમ ભાગમાં જોવા મળતું આ પક્ષી કોઈ સમયે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળતું હતું. હાલમાં આ પક્ષી રાજસ્થાનના રક્ષિત વિસ્તારમાં જોવા મળે છે. આ પક્ષીની પ્રજાતિના સંવર્ધન અને એની સંખ્યા વધે એ માટે ૧૯૯૨માં કચ્છના અબડાસામાં ૨૦૨ વર્ગ કિલોમીટર વિસ્તાર ‘ઘોરાડ અભયારણ્ય’ તરીકે રક્ષિત જાહેર કરવામાં આવ્યો. બાવીસ વર્ષમાં એ અભયારણ્યમાં ઘોરાડનાં ટોળાં હોવાં જોઈતાં હતાં, એને બદલે આ અભયારણ્યમાં હવે એક પણ ઘોરાડ નથી રહ્યું એવું અંદરનાં વર્તુળો જણાવી રહ્યાં છે. પ્રસાર માધ્યમો છેલ્લાં કેટલાંય વર્ષોથી ઘોરાડ અભયારણ્યની જમીની હકીકતો મૂકી રહ્યાં છે. સમય-સમય પર જ્યારે ઘોરાડની હકીકતો સામે આવી છે ત્યારે વન ખાતું બધું બરોબર છે એવા અહેવાલો આપતું રહ્યું છે. છેલ્લે પરિસ્થિતિ એટલી હદે ગઈ કે જાગૃત નાગરિકોએ સુપ્રીમ કોર્ટનું શરણું લેવું પડ્યું હતું. આ અભયારણ્યમાં ઘોરાડની સંખ્યા ઘટવાનું અને છેલ્લે નામશેષ થઈ જવા માટે જાણકારો અને પ્રકૃતિપ્રેમીઓ ઔદ્યોગિકીકરણને જવાબદાર માની રહ્યા છે. પશ્ચિમ કચ્છથી ફેલાયેલો પવનચક્કી નાખવાનો પવન એટલો વેગીલો બન્યો છે કે થોડાં વર્ષો પછી કચ્છમાંથી અનેક વનજીવો નાશ પામશે અથવા સ્થળાંતર કરી જશે એવી શંકા પર્યાવરણના નિષ્ણાતો કહી રહ્યા છે. ઘોરાડ અભયારણ્યમાંથી પવનચક્કીઓની સંખ્યાબંધ વીજલાઇન પસાર થાય છે. અભયારણ્ય વાસ્તવમાં તો કશી જ ખલેલ વિનાનું હોવું જોઈએ. એના બદલે ઘોરાડ અભયારણ્ય માનવ પ્રવૃત્તિઓથી ધમધમે છે.



ghorad-02

ભારતમાં ઘોરાડ પક્ષી છત્તીસસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ હતાં. એ રાજ્યોમાં લુપ્ત થઈ ગયાં પછી માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં જ રહ્યાં હતાં. હવે ગુજરાતમાંથી પણ આ શાંત અને રૂપાળું પક્ષી નામશેષ થઈ ગયું છે. ગુજરાત વન વિભાગની વેબસાઇટ પર મૂકેલી માહિતી મુજબ ૨૦૦૭માં આ પક્ષીની વસ્તીગણતરી કરવામાં આવી હતી. ત્યારે અભયારણ્યમાં ૪૮ ઘોરાડ પક્ષીઓ નોંધાયાં હતાં. જોકે નવાઈની વાત એ છે કે વન વિભાગની સાઇટ એક દાયકા સુધી અપડેટ થઈ નથી. ૨૦૧૭માં ગુજરાત સરકાર દ્વારા વિલુપ્ત થતી જતી પ્રજાતિ ઘોરાડના સંવર્ધન માટેની એક મીટિંગ મળી હતી, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અભયારણ્યમાંથી પસાર થતી વીજલાઇન્સ ભૂગર્ભ કરવામાં આવે. આ માટે ફરી ૨૦૧૮માં સંબંધીત વિભાગ અને ઊર્જા વિભાગની બેઠક મળી હતી. એ બેઠકમાં પણ ઘોરાડનાં મૃત્યુ વીજરેસામાં અથડાઈને થતાં હોવાની માહિતી આપવામાં આવી હતી. ઘોરાડ પક્ષી ઊંચે ઊડી શકતાં ન હોવાથી વીજળીના વાયરો તેમના માટે જીવલેણ નીવડે છે. ગુજરાત સરકારે એ વખતે ખાતરી આપી હતી કે પવનચક્કી કંપનીઓ સાથે બેઠક કરીને નીતિ ઘડવામાં આવશે. આ બાબત સામે કંપનીઓએ સરકાર પાસે રજૂઆત કરી કે વીજરેસાઓને અન્ડર ગ્રાઉન્ડ કરવાથી તેમને બહુ મોટું આર્થિક ભારણ આવશે. આ વિસ્તારમાં વધારે વીજલાઇન્સ સુઝલોન કંપનીની છે. સુઝલોન કંપની પોતાના બચાવમાં કહે છે કે એ સર્વિસ પ્રોવાઇડરનું કામ કરી રહી છે, જ્યારે અન્ય કંપનીઓ રિયલ યુઝર છે. એ વાતને ત્રણ વર્ષ નીકળી ગયાં. હજી કોઈ કંપનીએ પોતાની વીજલાઇન્સ અન્ડર ગ્રાઉન્ડ કરી નથી અને સરકારે એમ કરવા માટે કોઈ દબાણ કર્યું નથી. જોકે વન વિભાગે ૨૦૧૯માં આખરે માન્યું કે કચ્છના અભયારણ્યમાં માત્ર ચાર જ માદા બચી છે અને જો નર ઘોરાડ હોય તો જ આ અભયારણ્યમાં ઘોરાડનું પ્રજનન શક્ય બને. જાગૃત નાગરિકોએ આ પક્ષીને બચાવવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતાં ગુજરાત સરકાર સફાળી જાગી અને ઘોરાડને બચાવવા અને એની વસ્તી વધારવા માટે શું થઈ શકે એ બાબત પર ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ. એ બેઠકોમાં એવું નક્કી થયું કે રાજ્સ્થાન સરકાર પાસેથી નર ઘોરાડ મેળવવો, પરંતુ રાજસ્થાન સરકારે કચ્છના અભયારણ્યની ખુલ્લી વીજલાઇન્સ જ્યાં સુધી અન્ડર ગ્રાઉન્ડ ન થાય ત્યાં સુધી નર ઘોરાડ આપવાની ના કહી દીધી.


શાહમૃગ જેવું દેખાતું આ પક્ષી એકાદ મીટર ઊંચાઈ ધરાવે છે અને એનું વજન ૧૮થી ૨૦ કિલો જેટલું હોય છે. સ્વાભાવે શાંત અને શરમાળ આ પક્ષીને કચ્છમાં ગુદડ કહે છે. સફેદ ગળું અને લાંબી પૂંછડી ધરાવતું આ પક્ષી બન્નીના ઘાસિયા મેદાનમાં જોવા મળતું હતું, પરંતુ બન્નીનાં મેદાનોમાં ગાંડા બાવળ ઊગી નીકળતાં આ પક્ષીએ સ્થાળાંતર કર્યું. આ પક્ષી ઊડવાનું પસંદ કરતું નથી. એ ન તો માળો બાંધે છે કે ન ઝાડ પર બેસે છે. ઘોરાડ વર્ષમાં માત્ર એક ઈંડું મૂકે છે. એ સીધું જમીન પર ઈંડાં મૂકતું હોવાથી એનાં ઈંડાં વરુ, કૂતરા અને શિયાળ જેવાં પ્રાણીઓ ખાઈ જાય છે. એની ઊડવાની ક્ષમતા ઓછી હોય છે એમ એની દૃષ્ટિ પણ અન્ય પક્ષીઓ કરતાં ઓછી હોવાથી એ વીજરેસાઓ સાથે અથડાઈ જાય છે. ચણીબોર, કેરડાં, વઢાઈ ગયેલાં ખેતરમાં પડેલાં બી એનો ખોરાક છે. સિમ્બોપોંગન નામનું ઘાસ આ પક્ષીને વધુ અનુકૂળ આવે છે. ભારતના પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલીએ ૧૯૬૦માં ઘોરાડને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાનું સૂચન કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે ઘોરાડ અભયારણ્યના રેન્જ ઑફિસરને ઘોરાડ બચાવવા માટે અવૉર્ડ મળી ચૂક્યો છે, એ છતાં આ અભયારણ્યમાં ઘોરાડ બચી શક્યાં નથી. ઘોરાડ અભયારણ્ય બનાવવાના કેટલાક વિચિત્ર નિર્ણયો પણ આ પક્ષીના નાશ થવા માટે જવાબદાર છે. અભયારણ્ય માત્ર ૨૦૨ કિલોમીટર જ છે. વાસ્તવમાં આ અભયારણ્ય ૨૫૦ કે ૩૦૦ ચોરસ કિલોમીટર હોવું જોઈતું હતું. ઓછા વિસ્તારના કારણે પણ આ પક્ષીએ સ્થળાંતર કર્યાની શક્યતા છે. આ અભ્યારણની ફરતે ઈકો સેન્સેટિવ ઝોન જાહેર થયેલો છે, પરંતુ એનો કોઈ અર્થ સર્યો નથી. ઘોરાડનાં ઈંડાં કૂતરા ખાઈ જતાં હોવાથી વન વિભાગના સહયોગથી કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા અબડાસાનાં ૨૦ ગામોના ત્રણેક હજાર કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. આટઆટલું થવા છતાં આ રૂપકડું પક્ષી બચી શક્યું નથી. એને કુદરતનો ખેલ ગણવો કે માનવીય ઉદાસીનતા, એ આવનારો સમય કહેશે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2021 11:31 AM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK