હડપ્પિયન યુગમાં કચ્છનું ખીરસરા વેપારઉદ્યોગનું ધમધમતું મથક હતું

Published: 10th September, 2019 16:42 IST

અતિપ્રાચીન એવા કચ્છ પ્રદેશનું ભારતીય સંસ્કૃતિના પુરાતત્ત્વ, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં અદકેરું પ્રદાન છે. અતીતની ગવાહી આપતાં અનેક પ્રમાણો કચ્છમાંથી ઠેર-ઠેર પ્રાપ્ત થાય છે

અતિપ્રાચીન એવા કચ્છ પ્રદેશનું ભારતીય સંસ્કૃતિના પુરાતત્ત્વ, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં અદકેરું પ્રદાન છે. અતીતની ગવાહી આપતાં અનેક પ્રમાણો કચ્છમાંથી ઠેર-ઠેર પ્રાપ્ત થાય છે. હંમેશાં યાયાવર ટોળાંઓ અને નિર્વાસિતોએ કચ્છને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી અર્વાચીન કાળ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવા પામી છે. આ પ્રદેશમાં અનેક જાતિઓ અને પ્રજાતિઓએ વસવાટ કરી પોતાની સંસ્કૃતિનું બીજારોપણ કર્યું છે, જેને કારણે કચ્છ પ્રદેશમાં અનોખી સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. આવી કેટલીય સંસ્કૃતિઓનો સુમેળ કચ્છમાં થયેલો છે. અનેક ધર્મ અને સંપ્રદાયો માટે કચ્છમાં સાનુકૂળ વાતાવરણ રહેલું છે. આ જ કારણે કચ્છમાં અનેક જાતિઓ-જનજાતિઓ આવીને કાયમ માટે સ્થાયી થઈ ગઈ છે. આ સંસ્કૃતિના પદચિહ્ન મેળવવાનો વ્યાયામ એટલે પુરાતત્ત્વીય વારસાનું સંશોધન અને ઉત્ખનન અને ઉત્ખનનની વાત આવે એટલે સૌપ્રથમ આપણને ધોળાવીરાનું સ્મરણ થાય, પરંતુ કચ્છમાં ૨૦૦થી વધારે હડપ્પિય વસાહતો હોવાનું પુરાતત્ત્વ સંશોધકોએ શોધી કાઢ્યું છે અને એ પૈકી સાઠ વસાહતોની તો ઓળખ પણ કરી લેવામાં આવી છે અને એમાંથી કેટલીક વસાહતોનું ઉત્ખનનકાર્ય કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના પદચિહ્ન પર લટાર મારવાના આ ઉપક્રમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા)ની હડપ્પિય વસાહતમાં લટાર મારીએ.

સીમાવર્તી કચ્છ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસામાં મહત્ત્વનું સ્થાન ધરાવતી હડપ્પિય વસાહતોમાં ચાલી રહેલા અને સંપન્ન થયેલા ઉત્ખનનકાર્ય પછી વર્તમાનમાં ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગ દ્વારા હડપ્પિય વસાહતોના જતન તથા સંવર્ધન માટે કેવા પ્રયાસ કરાય છે એની વિગતો સાથે આ વસાહતોનો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ છે.

કચ્છના વાગડ વિસ્તારના ધોળાવીરા સહિતનાં અનેક સ્થાનો અને પચ્છમના કુરન પછી પશ્ચિમ કચ્છમાં પણ હડપ્પિય વાસહતીઓના પદચિહ્ન મળી આવ્યાં છે. નખત્રાણા તાલુકાના ખીરસરા નેત્રા (માતાજીના)થી ચાર કિલોમીટર દૂર ખીરસરાની સીમમાં હડપ્પિય નગર મળી આવ્યું છે. ધોળાવીરા અને કુરન પછીની કચ્છની સૌથી મોટી હડપ્પિય વસાહતના ઉત્ખનનકાર્યના સર્વેસર્વા અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ ખાતાના ઉત્ખનનનિયામક ડૉ. જિતેન્દ્રનાથે ઈ. સ. ર૦૧૦ના વર્ષમાં ખીરસરાનું ઉત્ખનનકાર્ય આરંભ્યું હતું. ખીરસરાની ભૂમિમાં હડપ્પિય નગર હોવાના અણસાર તો છેક ૭૦ના દાયકામાં જ આવી ગયા હતા, કેમ કે કચ્છના જાણીતા કવિ નારાયણ જોષી ‘કારાયલ’ને શાળાના એક પ્રવાસ દરમ્યાન હડપ્પિય મુદ્રા મળી આવી હતી જે કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ છે. આ પછી છેક ર૦૧૦ ડિસેમ્બરથી ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગે ઉત્ખનનકાર્યનો આરંભ કર્યો. આ કાર્યના આરંભે જ મોટી વસાહત હોવાના અણસાર મળી રહ્યા છે. ડૉ. જિતેન્દ્રનાથે આપેલી વિગતો અનુસાર અહીં ધરબાયેલું નગર પણ ધોળાવીરાની માફક જ ત્રણ સ્તરનું છે, જેમા ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્યમમાં મધ્યમ વર્ગ અને છેલ્લે શ્રમિક વર્ગ નિવાસ કરતો હશે એવું અનુમાન છે.

અહીં મળી આવેલા નગરના અવશેષોમાં આયોજનબદ્ધ રીતે ચણાયેલી મકાનની દીવાલો પીળા રંગના પથ્થરની છે. સાતથી આઠ ફુટની હારબંધ દીવાલો સુધીનું કરાયેલું ઉત્ખનનકાર્ય જોતાં જ પ્રથમ નજરે ભવ્ય સંસ્કૃતિનો અહેસાસ જોનારને થાય છે. ઉત્ખનન દરમ્યાન વિવિધ આભૂષણો અને એમાં ઉપયોગમાં લેવાતાં મોતી મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. અહીંથી મળી આવેલાં અનેક અશ્મિઓને પુણેની લૅબોરેટરીમાં મોકલી અપાયા છે, જેના પૃથક્કરણ પછી એ સમયે કેવાં પ્રાણીઓ અહીં વિચરતાં હતાં એની પણ જાણકારી મળી શકશે.

અહીંથી મળી આવેલા ‘વેરહાઉસ’ અનાજ સંગ્રહવાનો કોઠાર એ આ સ્થળની ‘યુનિક’ની સૌથી મોટી શોધ છે. આપણા પૂર્વજોની સ્મૃતિઓ સાચવતી આ વસાહતમાંથી મળી આવેલાં માટીનાં વાસણો (પોટરી) મજબૂત અનાજ ભરવાની કોઠીના નમૂનાઓ અખંડ હશે ત્યારે કેવાં હશે એનું કુતૂહલ જોતાં જ જરૂર થાય છે. એ સમયના કામની ચોકસાઈ વગેરે અભ્યાસનો વિષય છે.

અહીંથી મળેલા અશ્મિઓ, મોતીઓ, નાની-મોટી સાઇઝનાં શંખ અને છીપલાં, શંખમાંથી બનતી અવનવી બંગડીઓ, ધાતુનાં આભૂષણોના નમૂના વગેરે પણ આ વસાહતનું આકર્ષણ છે. અહીંનાં મકાનોની બાંધણી, ઓરડાનાં માળખાં, તત્કાલીન ગઢના ચાર ખૂણાઓ પણ ઉત્ખનન દરમ્યાન મળી આવ્યાં છે. અહીંથી ગોળ પિલર અને બેઝ પણ મળી આવ્યાં છે. વધુ ઉત્ખનન પછી અહીંની આયોજનબદ્ધ નગરરચના અને તત્કાલીન લોકજીવનની વધુ જાણકારી મળવાની પણ સંભાવના છે.

ડૉ. જિતેન્દ્રનાથના જણાવ્યા અનુસાર ખીરસરા વસાહત પશ્ચિમ કચ્છનું હડપ્પીઓનું સૌથી મોટું ઉદ્યોગ અને વેપારનું મથક હશે એવું અનુમાન અહીંથી મળેલાં પ્રમાણો પરથી કરી શકાય છે. ખીરસરા વસાહતના કુલ ક્ષેત્રફળમાંથી ૩૦૦ ચોરસ મીટર જેટલો વિસ્તાર અહીંનું ઉદ્યોગમથક હોવાની ધારણા તેઓ કરે છે; કેમ કે, આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં શંખ અને એની બનાવટો, મોતી, આભૂષણ, તાંબાની બંગડીઓ, સફેદ મોતી વગેરે મળી આવ્યાં છે. સમગ્ર ઉદ્યોગ પરિસરને ૩ મીટર જાડી દીવાલથી રક્ષિત કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ પરિસરમાં જ કારીગરો માટે આવાસ પણ તૈયાર કરવામાં આવ્યા હોવા જોઈએ, કારણ કે આ પ્રકારના ખંડોની દીવાલ પણ જોવા મળે છે. 

ઔદ્યોગિક પરિસરમાં જ વર્કશૉપ આવ્યું હશે એવા અવશેષો પણ ઉત્ખનન દરમ્યાન જોવા મળ્યા છે. વર્કશૉપમાં આભૂષણો તૈયાર કરવા માટેની ભઠ્ઠીની રાખ સ્પષ્ટ જોવા મળે છે. આ રાખમાંથી કેટલાક પથ્થર એવા પણ મળી આવ્યા છે જેને અગ્નિ આપવાથી તએ લાંબા સમય સુધી ગરમ રહે છે. એનો ઉપયોગ આભૂષણો તૈયાર કરવામાં કરાતો હશે એવું સંશોધકોનું અનુમાન છે.

અહીંના ઉત્ખનન દરમ્યાન માલ સંગ્રહવા માટેનાં બે મોટાં ગોદામ પણ મળી આવ્યાં છે. આ ગોદામની દીવાલ એકથી દોઢ મીટર જેટલી જાડી છે. ગોદામમાં રાખવામાં આવેલા માલને પૂરતા પ્રમાણમાં હવા-ઉજાશ મળી રહે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ગોદામની ઉત્તરે માટીનાં વાસણો પકવવા માટેની એક વિશાળ ભઠ્ઠી પણ મળી આવી છે. આ ભઠ્ઠી ત્રણ મીટર જેટલો વિશાળ ઘેરાવો ધરાવે છે. કચ્છની હડપ્પિય વસાહતોમાંથી સૌપ્રથમ વખત મળી આવેલી આ ભઠ્ઠીની અંદરની દીવાલો પાકી અને લીસી સપાટી ધરાવે છે.

આ પણ વાંચો:ત્ર્યંબકેશ્વર મહાદેવ અને રામચરણ ધૂલી ધન્યા ધ્રબુડી

અહીં તૈયાર કરવામાં આવતાં માટીનાં રમકડાંને અવનવા તેર જેટલા રંગોથી સજાવવામાં આવતાં હતાં; જેમાં મોટે ભાગે સફેદ, ગુલાબી અને કાળા રંગનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાયાનું જોવા મળે છે. માટીપાત્રો પર ત્રણ થરમાં રંગ ચડાવી એને પકવવામાં આવતાં. એક વધુ જુદો જ રંગ આપોઆપ બહાર આવી જાય એવાં પાત્રો પણ અહીંથી મળ્યાનું શ્રીનાથે જણાવ્યું હતું.

ઉત્ખનન દરમ્યાન મળી આવેલા આવાસોની દીવાલો જોતાં સ્પષ્ટ જણાય છે કે અહીં હડપ્પીઓએ અનેક પેઢી સુધી વસવાટ કર્યો હશે, કારણ કે જુદા-જુદા સમયે આ મકાનોનું પુનર્નિર્માણ કરાયાનું પણ એના થર પરથી જાણવા મળે છે. આમ, ખીરસરા હડપપ્પિય વસાહત પુરાતત્ત્વ સંશોધકો અને રસિકો માટે અભ્યાસ માટે એક સુંદર તક ઊભી કરી આપે છે.

પ્રવાસન નકશામાં દેશના એક મહત્ત્વના કેન્દ્ર તરીકે ઊપસી રહેલા આ સીમાવર્તી જિલ્લાનો પ્રવાસન ઉદ્યોગ વધુ વિકસે એ માટે કચ્છની ખીરસરા સહિતની તમામ હડપ્પિય વસાહતો પ્રત્યે પ્રવાસીઓ આકર્ષાય એ માટેની પ્રાથમિક સુવિધાઓ પણ સ્થાનિકે ઉપલબ્ધ કરાવાય એ જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK