Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છ બની રહ્યું છે કેરલા

કચ્છ બની રહ્યું છે કેરલા

28 July, 2020 09:30 AM IST | Kutch
Sunil Mankad | feedbackgmd@mid-day.com

કચ્છ બની રહ્યું છે કેરલા

કચ્છ બની રહ્યું છે કેરલા


ભારત આઝાદ થયું ત્યારે કચ્છ એક સૂકો પ્રદેશ ગણાતો. દરિયો અને સૂકાભઠ્ઠ રણથી ઘેરાયેલા પ્રદેશની બંજર તપતી જમીન પર સરકારી કર્મચારીઓની બદલી સજારૂપે કચ્છમાં કરાતી. સમય બદલાઈ ગયો છે. હવે કચ્છ વિશ્વભરને આકર્ષી રહ્યું છે. ઉદ્યોગો, પ્રવાસન, શ્વેત રણનો પ્રચાર-પ્રસાર અને એમાં એક નવું છોગું ઉમેરાયું છે, જે કલ્પનાતીત છે, કચ્છના વાતાવરણથી વિપરીત છે અને એ છે લીલાછમ્મ કચ્છનું. કચ્છમાં બધું જ શક્ય છે, પણ લીલોતરીભર્યું પર્યાવરણ!  સાવ જ અશક્ય લાગતી વાત ન મનાતી હોય તો તમારે મોદી સાથેના લાભદાયી સંબંધો માટે બહુ જાણીતા અદાણી પોર્ટ અને એના આસપાસના વિસ્તારની મુલાકાત લેવી પડે.

કચ્છી લોકો પણ અહીં ભૂલેચૂકે આવી ચડે તો ક્ષણભર વિચાર કરે કે આ કચ્છ છે કે કેરલા? હા, એશિયામાં નંબર વન પોર્ટમાં સ્થાન પામી ચૂકેલું અદાણી પોર્ટ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી કે તેમના અન્ય ઉદ્યોગો કે તેમના રાજકીય સંબંધોની ચર્ચાથી પર વિચારવા લાચાર કરી મૂકે એવું બની ચૂક્યું છે. દક્ષિણના અન્ય દરિયા કિનારાઓથી વિપરીત અપવાદ જેવા કચ્છના મુંદ્રાના દરિયા કાંઠે કેરલાની જેમ અઢી લાખ નારિયેળી? અદાણીના હૉર્ટિકલ્ચરલ સાયન્ટિસ્ટ ડૉ. અમોલકુમાર જૈન કહે છે કે આ તો કંઈ નથી, નથિંગ. આ તો ટ્રેલર માત્ર છે. હજી મુખ્ય કામ તો બાકી છે. સાડાચાર લાખ પામ ટ્રી તો મોટાં થઈ જ ગયાં છે, એનાથી પણ બમણું કામ થવા લાગ્યું છે.



હૉર્ટિકલ્ચરલ સાયન્સ સાથે અનુસ્નાતક થયા પછી ઇઝરાયલ, ઇંગ્લૅન્ડ, હોલૅન્ડ, સિંગાપોરમાં સફળતાપૂર્વક કામ કરી ચૂકેલા ડૉ. અમોલકુમાર જૈને અમેરિકાથી આ વિષયમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. નજર સામે મુંદ્રાનો વેરાન દરિયા કિનારો કેવો હરિયાળો બની શકે એની દીર્ઘદૃષ્ટિ હતી એથી ડૉ. જૈને મુંદ્રા વિસ્તાર કેરળ જેવો હરિયાળો અને કચ્છની જૂની છાપને સાવ ભૂંસી નાખે એવો બનાવ્યો છે.


અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ સાથે વ્યાપાર સંબંધોમાં સર્વોત્તમ ગેટ વે બની શકતા મુંદ્રાના કિનારાને આજે કલ્પનાતીત લુક મળી ગયો છે. હવા અને પાણીનાં પ્રદૂષણો, અવાજ અને રેતીનાં પ્રદૂષણને ઘટાડવા ગ્રીન બેલ્ટ જરૂરી છે. આ માટે પોર્ટ અને સેઝના વિસ્તારને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા અને એક જવાબદાર કૉર્પોરેટ ભાગીદાર બનવા અદાણી પોર્ટમાં જે કામ થયું છે એ ભારતભરના લોકો જુએ એ જરૂરી છે. જે ગતિએ ગ્રીન બેલ્ટનું કામ આગળ વધી રહ્યું છે એ જોતાં મુંદ્રા પોર્ટ વિશ્વનું એક નંબરનું ગ્રીન પોર્ટ બને એવું ચોક્કસ લાગી રહ્યું છે.

મેં આ કામ શરૂ કર્યું ત્યારે અવઢવ હતી કે આ જગ્યાએ આવું કેવી રીતે શક્ય બનશે? ડૉ. જૈન કહે છે કે જમીનમાં મીઠાનું પ્રમાણ ચિંતાજનક હતું, પણ ઇઝરાયલમાં જે રસાયણ વપરાય છે એનો ઉપયોગ કર્યો, જેથી કિનારા નજીક પાણી અથડાય ત્યારે એ કેમિકલને કારણે મીઠું શોષાયા વગર પાછું જતું રહે અને ત્યાં વાવેલા છોડને માત્ર શુદ્ધ પાણી મળે એવો પ્રયોગ સફળ સાબિત થયો. દુબઈના પામ બીચનો અભ્યાસ પણ મેં ઉપયોગમાં લીધો. અહીં દુબઈ જેવો જ પામ બીચ પણ બની શકે છે. તમામ જેટી અને જેટી તરફ જતા દરેક માર્ગોની આસપાસ હરિયાળી એ યંત્રવત કામ કરતા કર્મચારીઓને ઉત્સાહ પ્રેરે એવી છે. એટલું જ નહીં, બૉટનિકલ ગાર્ડન અને કર્મચારીના પરિવારો રોજબરોજ ઉપયોગમાં લઈ શકે એ માટે કૉલોનીમાં શાકભાજી વાવવાની શરૂઆત ક્યારનીય થઈ ગઈ છે. પોર્ટની તમામ કચેરીઓ, કૉલોનીઓ અને અન્ય સંકુલમાં દરેક રંગનાં ગુલાબ તથા અન્ય ફૂલો સાથે બગીચાઓ આંખો ઠારે છે તો વસાહતની આસપાસ ઑર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલાં શાકભાજી પણ ઉત્તમ ગુણવત્તાનાં થાય છે.


આટલાં બધાં છોડ, વૃક્ષો માટે પાણી પણ ખૂબ જોઈએ એવી સહજ ચિંતા થાય, પણ ના, પાણી પણ બહુ નથી વપરાતું. તમામ જગ્યાએ ડ્રિપ પદ્ધતિથી અને કમ્પ્યુટરાઇઝ્ડ વ્યવસ્થાથી પાણી સમયસર અને ખપપૂરતું જ મળે છે અને કોઈ છોડ પાણી વગરનો રહી ન જાય એ પણ શક્ય બને છે. બધું જ કમ્પ્યુટરાઇઝ્ડ હોવાથી એકરોમાં ફેલાયેલા ગ્રીન બેલ્ટમાં સેક્ટર દીઠ માત્ર બે જ કર્મચારી નિગરાની રાખે છે. ટાઇમ સેટ કરેલા હોવાથી ક્યારે પાણી આપવું અને ક્યારે બંધ કરવું એ પણ તેમણે જોવું નથી પડતું.

આટલા બધા પ્લાન્ટેશન માટે છોડ પણ બહારથી નથી લવાતા. અહીં જ બે મોટી નર્સરીઓ બનાવવામાં આવી છે. આ નર્સરીઓમાંથી પોર્ટના સમગ્ર વિસ્તારને હજી પણ લીલુછમ્મ બનાવવા માટેના છોડ સતત તૈયાર થઈ રહ્યા છે. સાડાચાર લાખ નારિયેળીમાં બટકી નારિયેળી અને સામાન્ય ઊંચા નારિયેળનાં ઝાડમાંથી ઊતરતાં નારિયેળ અદાણીની જ એક કંપની વિલમાર કે જ્યાં કોકોનટ ઑઇલ બને છે ત્યાં કામ આવી જાય છે. એથી રો મટીરિયલ તરીકે પણ આ ગ્રીન ઝોન જ ઉપયોગી થાય છે.

પોર્ટ સેક્ટરમાં ગ્રીન ઉત્પાદકતામાં પહેલ કરનારા પોર્ટ અને હાર્બર માટેના આંતરરાષ્ટ્રીય અસોસિએશન દ્વારા સી-૪૦ વર્લ્ડ પોર્ટ્સ પૈકી મુંદ્રા પોર્ટને ર૦૦૮-’૦૯માં અવૉર્ડ મળ્યા પછી ર૦૧૧-’૧રમાં પણ ૪૪૭ સ્પર્ધક પોર્ટમાંથી અદાણી પોર્ટને બુસાન ઓપન અવૉર્ડ મળ્યો છે. ડૉ. અમોલકુમાર જૈને ૧પ૩પ હેકટર જમીન પૈકી પ૮૦ હેકટરમાં બૉટનિકલ ગાર્ડન અને અન્ય હરિયાળીનું કામ પૂરું કરી નાખ્યું છે. ઇઝરાયેલથી બીજ લાવી નવું વાવેતર પણ થઈ ગયું છે. ચોરસ આકારનાં ટમેટાં હોય કે મનમોહક ડ્રૅગન ફ્રૂટ, આ પોર્ટ એશિયાના તમામ પોર્ટ કરતાં ક્યાંય આગળ છે.

ખાનગી પોર્ટ છે એથી આવું શક્ય છે, પરંતુ સરકારી જગ્યાઓ પર આવું શક્ય બનાવી શકાય. જો સરકાર આ બાબત પરત્વે ગંભીર બને તો દરેક સરકારી કચેરી, જાહેર જગ્યાઓ, રેલવે સ્ટેશન, ઍરપોર્ટ બધું જ આવું હરિયાળું બની શકે. ડૉ. જૈનને અનેક જગ્યાએ ગ્રીન બેલ્ટ તૈયાર કરવા માટે આમંત્રણ મળે છે. કચ્છના કલેક્ટરે ડૉ. જૈનને ભુજના ઍરપોર્ટ રોડને હરિયાળું બનાવવા કહ્યું છે. ડૉ. જૈને આ માટે નકશો પણ બનાવ્યો છે. ડૉ. જૈન કહે છે કે મારે અદાણી પોર્ટને વિશ્વનું નંબર વન ગ્રીન પોર્ટ બનાવવું છે. મને ખાતરી છે કે એ દિવસો દૂર નથી.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 09:30 AM IST | Kutch | Sunil Mankad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK