Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તો કચ્છમાં વરસાદી પાણીના માર્ગો નક્કી કરવા જ પડશે

તો કચ્છમાં વરસાદી પાણીના માર્ગો નક્કી કરવા જ પડશે

21 July, 2020 01:54 PM IST | Kutch
Mavji Maheshwari

તો કચ્છમાં વરસાદી પાણીના માર્ગો નક્કી કરવા જ પડશે

તો કચ્છમાં વરસાદી પાણીના માર્ગો નક્કી કરવા જ પડશે


કચ્છમાં છેલ્લા બે દાયકાના વરસાદે દુકાળિયા મુલક હોવાની કચ્છની છાપ ભૂંસવા માંડી છે. જોકે એમાં ભૂકંપ જવાબદાર હોવાનો કોઈ પુરાવો નથી, કદાચ હોઈ પણ ન શકે. તેમ છતાં એ હકીકત છે કે ભૂકંપ પછીના ચોમાસાં પ્રમાણમાં સારાં ગયાં છે. તેમ કચ્છના વરસાદે ઝાઝી રાહ પણ જોવડાવી નથી. પરંતુ ભૂકંપ પછી એક નવી સમસ્યા પણ પાધરી થઈ છે. હા એ સમસ્યા ભૂકંપ પછીની છે. તે છે થોડા વરસાદ પછી રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં ભરાઈ જતાં વરસાદી પાણી. આ સમસ્યા વરસાદને કારણે નથી, પણ આયોજન વિનાનાં બાંધકામોને કારણે છે. કચ્છમાં જો એક સાથે દસ-બાર ઈંચ વરસાદ થાય તો શું થાય એ કલ્પના ધ્રુજાવી દે તેવી છે

તાજેતરમાં કચ્છમાં ટુકડે-ટુકડે બહુ જ સારો વરસાદ પડી ગયો. હજી વરસાદ પડશે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. જોકે  આ કચ્છના સદનસીબ છે કે જુલાઈની શરૂઆતમાં જ સારો વરસાદ થાય. કેમ કે કચ્છની આગળની પેઢીઓ વરસાદની રાહ જોઈ જોઈને ચાલી ગઈ છે. ૨૦૦૧ પછીનાં ચોમાસાં બહુ જ સારાં રહ્યાં છે, પરંતુ કચ્છમાં એક સમસ્યા જે ક્યારેય નહોતી તે છે પાણી ભરાવાની સમસ્યા. થોડા વરસાદમાં પણ કચ્છનાં શહેરો અને અમુક મોટાં ગામડાઓમાં પણ વરસાદનું પાણી ભરાઈ રહેવાની સમસ્યા પ્રસાર માધ્યમો અને સોશ્યલ મીડિયામાં દેખાઈ રહી છે. આમ થવાનું કારણ શું? શું કચ્છમાં વસ્તી એકાએક વધી ગઈ છે? કે પછી પાણી અવરોધાય છે?



કચ્છના છેલ્લાં ચાલીસ વર્ષની વસ્તીગણતરીના આંકડાઓ પર નજર કરતા જણાય છે કે કચ્છમાં વસ્તીવધારાનો દર અત્યંત ધીમો છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે વસ્તીગણતરીની પ્રક્રિયા મુલતવી રહી છે, પરંતુ આવતા ફેબ્રુઆરી સુધી જો એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો કચ્છની વસ્તી ૨૫ લાખથી વધુ ન હોવાનું જાણકારો માની રહ્યા છે. ૧૯૮૧ની કચ્છની વસ્તી ૧૦,૫૦,૧૬૧ નોંધાયેલી છે, જ્યારે ૨૦૧૧ની સાલમાં થયેલી વસ્તીગણતરી દરમ્યાન કચ્છની વસ્તી ૨૦,૯૦,૦૦૦ નોંધાયેલી હતી. એનો અર્થ ત્રીસ વર્ષમાં માત્ર દસ લાખ ચાલીસ હજારનો જ વધારો થયેલ છે. જે પ્રતિ વર્ષ ૩૫.૫ હજારનો થયો. એક વિશાળ જિલ્લામાં ૨.૮૩ ટકાનો વસ્તીવધારો મામૂલી ગણી શકાય. અહીં એ પણ નોંધવું મહત્ત્વનું છે કે ૧૯૭૧ની ગણતરીમાં વસ્તીવધારાનો દર ૨.૧૪ ટકા હતો જે ૧૯૯૧માં ઘટીને ૧.૮૬ ટકા થઈ ગયો છે. આ તબક્કો કચ્છમાં ઘટતી રોજગારીની સ્થિતિ અને સ્થળાંતર સૂચવે છે. ૧૯૯૧થી ૨૦૧૧ દરમ્યાન વસ્તી વધી તે સાથે આખાય જિલ્લામાં મકાનો અને માર્ગોનું અભૂતપૂર્વ નિર્માણ થયું. આ માટેના સત્તાવાર આંકડાને ભૂલી જઈએ તો પણ ૨૦૦૧ પહેલાં વ્યક્તિદીઠ ઓરડાની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે. એટલું જ નહીં ૨૦૦૧ પછી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઓરડા, રસોડા, બાથરૂમ્સ, ટૉઇલેટ જેવી આવાસીય સુવિધાની સંખ્યા કુટુંબદીઠ ખાસ્સી સંખ્યામાં વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ પર વ્યક્તિગત અને સામુદાયિક ઉપયોગનાં બાંધકામો પણ વધારે સંખ્યામાં થયાં છે, જે મોટાભાગના આયોજન વગરના છે. વરસાદી પાણી અને પાણીનાં વહેણોને ધ્યાનમાં લીધા વિના થયેલાં છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. કચ્છમાં છ નગરપાલિકા વિસ્તારો છે. એક ભચાઉને બાદ કરતાં બાકીની પાંચેય નગરપાલિકા વિસ્તારમાં આડેધડ થયેલાં બાંધકામોને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, જે આવનારા સમયમાં વધુ વણસે તેવા ચિહનો દેખાઈ રહ્યાં છે.


૨૦૦૧ પછી કચ્છમાં રસ્તાઓનો વિકાસ અભૂતપૂર્વ કહી શકાય. એકાએક આવી ચડેલા ઉદ્યોગોએ પરિવહનને એટલું વિકસાવી દીધું કે માર્ગો બાંધવા અનિવાર્ય બની ગયા. નૅશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપરાંત ગામડાંઓને જોડતાં આંતરિક માર્ગોનું એક મજબૂત જાળું કચ્છમાં પથરાયેલું છે અને તે ૨૦૦૧ પછીની દેન છે. આ માર્ગોએ પણ ક્યાંક વરસાદી પાણીને અવરોધવાનું કામ કર્યું છે. રસ્તાઓની ઊંચાઈને કારણે સરળતાથી જમીનના કુદરતી ઢોળાવ પરથી વહેતું પાણી નીચાણવાળા વિસ્તારોમાં વહેવા માટેની સમતલ સપાટી ધારણ કરે ત્યાં સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું હોય છે. ૨૦૦૧ પછી ભુજ, ભચાઉ, રાપર અને અંજાર શહેરનું નવેસરથી ટાઉન પ્લાનિંગ થયું છે. આ ચારેય શહેરોની હાલત જોતાં એવું જરાય નથી લાગતું કે આ ટાઉન પ્લાનિંગ સંપૂર્ણ યોગ્ય છે. ફાળવાયેલા પ્લોટ્સ ઉપર જમીનધારકોએ મકાનો અને દુકાનો ખડકી દીધાં છે. ટાઉન પ્લાનરોએ વરસાદી પાણી વહેવા માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઉપર જ મદાર રાખ્યો છે. જમીનની અંદર નખાયેલા ગટરના પાઇપ્સની પહોળાઈ ઓછી હોવાને કારણે વરસાદના સમયે છલોછલ થઈ જાય છે અને પરિણામે પાણી રસ્તા ઉપર વહેવા માંડે છે. આ ચારેય શહેરોમાં ભચાઉને બાદ કરતાં મૂળ શહેરની આસપાસ સોસાયટીઓ અને અન્ય બાંધકામોએ ખુલ્લી જમીન રોકી લીધી છે. અંજાર, ભુજ બેય શહેર મૂળ શહેરની દક્ષિણ તરફ વધુ વિકસ્યાં છે, જે પાણી વહેવાની એક કુદરતી દિશા છે. પાણી વહેવાની દિશા બંધ થવાથી અથવા અવરોધાવાથી પાણી જ્યાંથી વહેતું વહેતું આવે છે એ વિસ્તારમાં પાણી ભરાય છે. નવેસરથી વિકસેલાં ચાર શહેરોના આંતરિક માર્ગો ઉપર થોડા વરસાદમાં જે રીતે પાણી ભરાઈ રહે છે તે જોતાં જો એક સાથે આઠ કે દસ ઇંચ વરસાદ પડે તો શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા વધારે ઊભી થશે. ૨૦૦૧ના સપ્ટેમ્બર માસમાં ભુજ શહેર આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે. ગાંધીધામ આમ તો કચ્છનું પ્રથમ આયોજનબદ્ધ રીતે વિકસાવેલું શહેર છે, પરંતુ ચોમાસામાં આ શહેરને વરસાદી પાણી ઘેરી લે છે. ગાંધીધામમાં વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લા નાળાની વ્યવસ્થા શહેરની સ્થાપના સમયે જ રાખવામાં આવેલી છે, પરંતુ લોકોની બેદરકારીને કારણે વર્ષભર ઠલવાતો કચરો સમયસર સાફ ન થવાથી નાળાઓ ભરાઈ જાય છે. આપણા દેશમાં જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે થીગડું મારવાની માનસિકતા મુજબ ઉકેલ મેળવી સંતોષ લેવાય છે. પરિણામે સમસ્યા જેમની તેમ જ રહે છે. વરસાદી પાણીની સમસ્યા ભલે આજના સમયે નાની લાગતી હોય, પરંતુ આવનારા સમયમાં આ સમસ્યા અત્યંત વરવી સ્થિતિ સર્જવાની છે. જ્યારે પણ કચ્છમાં ધાર્યા બહારનો વરસાદ આવશે ત્યારે કચ્છનાં શહેરો અને કેટલાંક ગામડાંઓ પાણીથી ઘેરાઈ જવાનાં છે. બે વર્ષ પહેલાં અબડાસાના કોઠારા ગામનો એક વિસ્તાર ડૂબમાં જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એ વિસ્તાર વાસ્તવમાં વરસાદી પાણીનો માર્ગ છે. આગળ ધોરી માર્ગ બંધાઈ જવાને કારણે નાના એવા ગામમાં પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ જવાનો બનાવ બન્યો હતો. આવાં તો અનેક ગામડાંઓ છે. કચ્છના શહેરોમાં રહેણાકની સોસાયટી બનાવનારાએ માગણીઓ મૂકી હશે ત્યારે તંત્રે એ જમીનની તપાસ કરી હશે કે કેમ એ એક સંશોધનનો વિષય છે. કેમ કે કેટલીય સોસાયટીઓ વરસાદી પાણીના માર્ગો ઉપર બની ગઈ છે.

એક સમય એવો હતો કે કચ્છમાં મકાનોનાં વેચાણ દસ્તાવેજમાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ બતાવવામાં આવતો હતો. નેવાનું પાણી કઈ તરફ પડશે તે પણ દર્શાવવામાં આવતું હતું. એ વાતો ભૂતકાળ બની ગઈ છે. હવેના વેચાણ દસ્તાવેજમાં વરસાદી પાણીના માર્ગોનો કોઈ નિર્દેશ કરવામાં આવતો નથી. પરિણામે પોતાનાં મકાનો આગળ માટી નાખીને જમીન ઊંચી કરી નાખનારને અટકાવી શકાતું નથી. જો આમને આમ મકાનોની સંખ્યા વધતી રહી તો તંત્રે વરસાદી પાણીના માર્ગો નક્કી કરવાં પડશે અને તે મુજબ પ્રજાએ વર્તવું પડશે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 01:54 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK