Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છના કોટનીસ ડૉ. મોરારજીબાપા

કચ્છના કોટનીસ ડૉ. મોરારજીબાપા

26 May, 2020 09:59 PM IST | Gujarat
Vasant Maru

કચ્છના કોટનીસ ડૉ. મોરારજીબાપા

કચ્છના કોટનીસ ડૉ. મોરારજીબાપા


મૂળ સોલાપુરના ડૉ. દ્વારકાદાસ કોટનીસે બીજા વિશ્વયુદ્ધમાં છેક ચીન જઈ ઘાયલ સૈનિકોની પાંચ-પાંચ વર્ષ સુધી, અઢારથી વીસ કલાક સેવા કરી ચાઇનાના લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ડૉ. કોટનીસનો જન્મ ૧૯૧૦માં સોલાપુરમાં થયો હતો અને એ જ વર્ષે કચ્છના રાયણ ગામમાં એવા જ સેવાભાવી ડૉ. મોરારજી શામજી શાહનો જન્મ થયો હતો.

ડૉ. કોટનીસની કથા વાંચીને કચ્છમાં એ સમયે થઈ ગયેલા સેવાભાવી ડૉક્ટર્સ વિશે સંશોધન કરવાની મને ઇચ્છા થઈ અને કચ્છના વિવિધ વિસ્તારોમાં થઈ ગયેલા થોડાક સેવાભાવી ડૉક્ટર્સનાં નામ સપાટી પર આવ્યાં. એમાં કોડાયના ડૉ. મોરારજીબાપા ઉપરાંત માંડવીના ડૉ. બાબુભાઈ દેપાડા, બિદડાના ડૉ. હરિયા, વાગડના ભચાઉથી છેક કચ્છના બેરાજા ગામમાં માનવસેવા કરવા આવેલા ડૉ. વેરસીભા ફરિયાની ચકિત થઈ જવાય એવી વાતો જાણવા મળી.



ડૉ. મોરારજીબાપાનો જન્મ ભલે રાયણમાં થયો હોય, પણ પૂરી જિંદગી કોડાય નામના ગામમાં ડૉક્ટર તરીકે વિતાવી. તેમના પિતા શામજીબાપા જાણીતા વૈદ્ય હતા અને માતા દેવકામા પણ આયુર્વેદની જાણકારી ધરાવતાં ગૃહિણી હતાં. બાળપણમાં જ પિતા પાસે ઉપચાર કરાવવા આવતા ગરીબ દરદીઓને જોઈ બાળક મોરારજીમાં કરુણાભાવ જાગતો. અધા (બાપુજી)ને દરદીઓને સાજા કરતા જોઈ તેમને પણ માનવસેવા કરવાની હોશ જાગતી. પરિણામે દિલ્હીથી એ સમયની ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી સેવાયજ્ઞનો આરંભ કર્યો. આમ પણ કોડાય ગામ કચ્છની કાશી કહેવાય છે. એ સમયે કચ્છના કોઈ ગામમાં ડૉક્ટર હોય એ ગામ સમૃદ્ધ ગણાતું! અને કોડાયનું એ સદભાગ્ય હતું. કોડાયની આજુબાજુનાં માંડવી પંથકનાં ગામોમાંથી અને ક્યારેક તો ભુજ અને ગઢસીસા જેવા દૂરનાં સ્થળેથી આ ડાકધર સાયબ (ડૉક્ટર સાહેબ) પાસે દરદીઓ આવતા. એ જમાનામાં સ્ટ્રૅચર કે ઍમ્બ્યુલન્સ કચ્છમાં કોઈએ જોયાં નહોતાં એટલે દરદીને સ્વજનો ખાટલામાં નાખીને કે ગંધી (કપડાની જોળી)માં સૂવડાવીને દૂરથી પગે ચાલીને આવતા, ક્યારેક સાવ ગરીબ હોય તો દરદીને ખભા પર ઊંચકીને લાવતા, તો ક્યારેક પામતા-પોંચતા માણસો ગાડામાં સૂઈને દૂર-દૂરથી કોડાય આવતા. માણસાઈના દીવા પ્રગટાવનાર ડૉ. મોરારજીબાપા દૂરથી આવેલા આ દરદીઓના સ્નેહીજનોને જરૂરત પડે તો શિરામણ (નાસ્તા)ની વ્યવસ્થા કરતા કે ગાડાના બળદ માટે ઘાસચારો નાખવા માણસને કહેતા. શરૂઆતના દિવસોમાં ઘરે જ દવાખાનું હતું એટલે રોજના ૪૦-૫૦ માણસોથી ઘરનું આંગણું ઊભરાતું. ચાર-પાંચ કલાકનો પંથ કાપીને દવા લેવા આવેલાઓને ડૉક્ટરનાં પત્ની ભચીમા રોટલા-પાણીનું નિમંત્રણ પ્રેમથી આપતાં. ભચીમા પોતે પણ એ સમયની તબીબી ક્ષેત્રે પ્રચલિત ‘બાયોકેમિક’ પદ્ધતિની ડિગ્રી ધરાવતાં હતાં.


 એ જમાનામાં એક્સ-રે, એમ.આર.આઇ. જેવી મશીનરી હજી શોધાઈ નહોતી. મોટાં ઑપરેશન પણ નહોતાં થતાં. માત્ર ડૉક્ટર કોઠાસૂઝથી વાઢકાપ કરતા. ઉપરાંત શરીરના અલગ-અલગ અવયવો માટે એક્સપર્ટ ડૉક્ટર્સ પણ નહોતા એટલે દરેક ડૉક્ટરને માનવશરીરના તમામ અવયવોનો ઉપચાર કરવાનો રહેતો અને ડૉક્ટર મોરારજીબાપા માનવશરીરના નિષ્ણાત તો હતા જ સાથે-સાથે માનવમનને વાંચવામાં પણ નિષ્ણાત હતા એટલે કે પ્રત્યેક દરદીનું પોતાની પ્રેમાળ વાતોથી અડધું દર્દ દૂર કરવાનો કસબ તેમણે મેળવી લીધો હતો. દૂર-દૂરનાં ગામડાંઓમાં તેમની ખ્યાતિ વધવા લાગી. નાના-મોટા, દરેક વયના દરદીઓના મિત્ર બની, તેમના મનની વાત જાણી રોગના મૂળ પર ઘા કરવાની સારી ફાવટ હતી આ માનવીને!

ધરખમ કમાણી હોવા છતાં સાત દીકરી અને ત્રણ દીકરા અને પતિ-પત્ની મળી બાર જણનું વસ્તારી કુટુંબ ચલાવવું સરળ નહોતું, કારણ કે આ મોજીલા ડૉક્ટર પોતાની મોટા ભાગની કમાણી ગરીબ દરદીઓ પાછળ વાપરી નાખતા. ગરીબ અને બેસહારા દરદીઓ પાસે પૈસા ન લેવાનો નિયમ આ તબીબ દંપતીએ કર્યો હતો. સામેથી ગરીબ દરદીઓને પોષણયુક્ત ખોરાક અને દૂધ માટે પોતાના ખિસ્સાના પૈસા આપી દેતા.


         અંદાજે ૪૦ વર્ષની તેમની પ્રૅક્ટિસમાં જવલ્લે જ એવો દિવસ હશે જ્યારે બીજા ગામમાં વિઝિટે જવાનું ન થયું હોય. પ્રૅક્ટિસ પત્યા પછી વિઝિટે જતા. ક્યારેક દૂરના ગામડામાં વિઝિટે જવાનું હોય તો ઘરે પાછા આવતા રાત પડી જતી. ભચીબા સંતાનો સાથે ફફડતા જીવે રાહ જોતાં હોય, પરંતુ ઘરે આવે ત્યારે ડૉક્ટર સાહેબના ચહેરા પર દરદીનો દર્દ દૂર કરવાનો સંતોષ દેખાતો હોય!

 એ સમયે સ્ત્રીઓ પુરુષોની ઘૂંઘટ સહિતની મર્યાદાઓ જાળવતી. પરપુરુષનો સ્પર્શ કરવામાં નહોતો આવતો, પણ સ્ત્રીઓ મોરારજી ડાકધર (ડૉક્ટર)ને વિના સંકોચે નાડીના ધબકારા માપવા હાથ આપતી, કપાળ પર તાવ જોવો હોય કે ભૂંગળી (સ્ટેથોસ્કોપ)થી તપાસણી કરવી હોય તો વિના સંકોચે ડૉક્ટર સાહેબ પાસે તપાસ કરાવતી. માંડવી પંથકમાં ઘણાં ગામોની બહેનો તેમને અધા (બાપુજી)ના સંબોધનથી બોલાવતી, કારણ કે દરદી બહેનોને તેમનામાં પિતાનું વાત્સલ્ય જોવા મળતું. એ સમયે વિધવાના પુનઃલગ્નની પ્રથા તો કોઈ વિચારી પણ ન શકે. ઘણી નાની ઉંમરમાં વિધવા થયેલી એકલવાયી વૃદ્ધાઓની સ્થિતિ ઘણી દારુણ હતી. આવી વૃદ્ધાઓ ડૉક્ટર મોરારજીભાને પોતાના દીકરો માનતી અને મોરારજીભા તેમની માની જેમ કાળજી લેતા. દવાના પૈસા લેવાનું તો બાજુએ રહ્યું, પણ જરૂર પડે તેમના ઘરે વિઝિટે જાય અને ઇન્જેક્શન માટે જાતે ચૂલામાં છાણાં નાખી પાણી ગરમ કરી લેતા.

ડૉ. મોરારજીબાપા હરિજનો, ઠકરાઈયો, બારોટો ઇત્યાદીઓમાં દેવ તરીકે પૂજાતા. કચ્છના મહારાજા હિંમતસિંહબાપુ વિજયવિલાસ પૅલેસ (માંડવી)માં મુકામ કર્યો હોય ત્યારે દવા માટે ડૉ. મોરારજીબાપાને જ કોડાયથી તેડાવતા. કચ્છના કાળા ડુંગર, ભોજિયા ડુંગર પર તપસ્યા કરતા સાધુબાવાઓ પણ જરૂર પડે મોરારજી ડાકધરની જ સેવા લેતા. સોનગઢ બૉર્ડિંગના સ્થાપક મુનિ કલ્યાણબાપા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી જબરુ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

 એક વાર તેમની દીકરી રસિકબેન ટાઇફોઇડમાં પટકાયાં. તેમની દવા કરી નિરાંતે ઘરમાં બેઠા ત્યાં વરસાદ શરૂ થયો અને અચાનક મદનપુરા ગામથી એક કણબી બેનની સુવાવડનું કહેણ આવ્યું. બીમાર દીકરીને ભચીમાને સોંપી ગાડામાં બેસી વરસતા વરસાદમાં રુક્માવતી નદી પાર કરી મદનપુરા ગામ પહોંચી ગયા. તેમના આગમનથી બેનને પણ હિંમત આવી ગઈ અને ડૉક્ટર સાહેબે બેનની સુવાવડ કરાવી પાછા ફરતા હતા ત્યારે રુક્માવતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ચૂકી હતી. નદીની વચ્ચે ગાડું પહોંચ્યું ત્યારે પાણી તોફાની પ્રવાહમાં ફંગોળાયું અને ડૉક્ટર સાહેબ પણ ફંગોળાયા. પાણી સાથે સંઘર્ષ કરી જેમ-તેમ મહાદેવના મંદિર સુધી કિનારે આવ્યા પણ આ સંઘર્ષમાં તેમની તબિયત લથડી. બીજા દિવસે માંડવીમાં તેમણે પ્રાણ તજ્યા ત્યારે માંડવી પંથકના ગામડાંઓમાં હાહાકાર મચી ગયો. ફરજ બજાવવા જતાં દેહ ત્યાગનાર ડૉ. મોરારજી શામજી શાહની અંતિમ યાત્રામાં ગામડાંઓમાંથી માનવ મહેરામણ ઊભરાયું અને કચ્છના આ કોટનીસને રડતી આંખે વિદાય આપી. ‘મિડ-ડે’ વતીથી કચ્છના આ મહામાનવીને શ્રદ્ધાંજલિ આપી વિરમું છું. અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 09:59 PM IST | Gujarat | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK