આસનોનો રાજા શીર્ષાસન કરવાનો અભરખો છે તમને?

Published: Dec 05, 2019, 13:24 IST | Ruchita Shah | Mumbai

ઍડ્વાન્સ્ડ આસનોની વધી રહેલી પૉપ્યુલરિટી વચ્ચે સૌથી માનીતું આસન કોઈ હોય તો એ છે શીર્ષાસન.

આપણા દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું શીર્ષાસન મનગમતું આસન હતું : નિર્લંબ શીર્ષાસન
આપણા દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું શીર્ષાસન મનગમતું આસન હતું : નિર્લંબ શીર્ષાસન

ઍડ્વાન્સ્ડ આસનોની વધી રહેલી પૉપ્યુલરિટી વચ્ચે સૌથી માનીતું આસન કોઈ હોય તો એ છે શીર્ષાસન. એના અનેક હેલ્થ-બેનિફિટ્સ છે. જોકે શીર્ષાસન કરવાની ખોટી રીત અને ઉતાવળને લીધે નેક ઇન્જરીના બનાવ સૌથી વધુ બને છે. ડૉક્ટરો તો ત્યાં સુધી કહે છે કે શીર્ષાસનમાં ડોક પર સિવિયર પ્રેશર આવે અને એ વળી જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે

યોગાસનોમાં આજકાલ જિમ્નૅસ્ટિક અપ્રોચ ઉમેરાયો છે. લોકો ઍડ્વાન્સ્ડ આસનો પર વધુ ફોકસ કરી રહ્યા છે. ઍડ્વાન્સ્ડ આસનોની વાત આવે એટલે સૌથી પહેલું ધ્યાન શીર્ષાસન પર જ સ્થિર થાય. યોગીઓએ આ આસનને આસનોના રાજા તરીકે બિરદાવ્યું છે. સાદી ભાષામાં શીર્ષાસન એટલે માથા પર ઊભા રહેવું. આપણી સ્વાભાવિક સ્થિતિથી તદ્દન ઊલટું હોવાને કારણે બ્લડ- સર્ક્યુલેશન અને નર્વસ સિસ્ટમને સૌથી વધુ પ્રભાવિત કરનારું આસન છે. જોકે શીર્ષાસનને કારણે સૌથી વધુ ઇન્જરી થવાના બનાવો બન્યા છે. જો પદ્ધતિસર અને પ્રૉપર રીતથી ન થયું તો શીર્ષાસનમાં ગરદન જે શરીરનો સૌથી નાજુક હિસ્સો ગણાય છે એના પર સૌથી વધુ પ્રેશર આવતું હોય છે. આ પ્રેશર નેક ઇન્જરી તો ઠીક, પણ મૃત્યુનું કારણ પણ બની શકે છે. આજે જાણીએ આ આસનની બીજી ખાસિયતો અને રીત વિશે વિસ્તારથી...

શું છે સાચી રીત?

તમારી ઉંમર, ફિઝિકલ કન્ડિશન અને અનુભવ એમ બધાનો વિચાર કરીને શીર્ષાસન કરવું જોઈએ એમ નિષ્ણાતો કહે છે. યોગનિષ્ણાત અને વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં આસનો શીખવતા યોગગુરુ સંદીપ સોલંકી કહે છે, ‘આ માત્ર ઇન્વર્ઝન (ઊલટું થવું) આસન નથી, પરંતુ એમાં બૅલૅન્સિંગ પણ આવે છે. ઍડ્વાન્સ્ડ આસનોની વાત કરતા હોઈએ ત્યારે પદ્ધતિસર તાલીમ જરૂરી છે. શીર્ષાસન કરતાં પહેલાં પણ સર્વાંગાસન અને વિપરીત કરણી જેવાં આસનો કરી લીધાં હોય તો વધુ સારું. શીર્ષાસન કરતી વખતે બૉડી પૉશ્ચરની સમજ હોય એ મહત્ત્વનું છે. કેટલાક લોકો સ્પીડમાં તરત જ પગ ઊંચા કરીને ઊંધા ઊભા રહેવાની કોશિશ કરે છે જે અયોગ્ય છે. એકદમ હેપ્હેઝર્ડલી ન કરવાનું આસન છે. સામાન્ય રીતે શીર્ષાસનમાં હાથનું મેઝરમેન્ટ જરૂરી છે. ઘણા લોકોની બાહુની લેન્ગ્થ નાની હોય છે, જેથી પ્રૉપર મેઝરમેન્ટ સાથે હથેળી દ્વારા માથાને જોઈએ એટલો સપોર્ટ નથી આપી શકતા. આવા સમયે યોગ બ્લૉક જેવા પ્રૉપ્સનો ઉપયોગ કરીને તમારા ખભા બ્લૉક પર રેસ્ટ કરે એ રીતે શીર્ષાસન થાય તો બિનજરૂરી રિસ્ક અવૉઇડ કરી શકાય. બીજું, માથા નીચે બ્લૅન્કેટ જેવું કુશનિંગ રાખવું અનિવાર્ય છે.’

નો પ્રેશર

શીર્ષાસનમાં મોટા ભાગે માથા પર, ડોક પર અને શોલ્ડર પર બહુબધું પ્રેશર આવતું હોય છે. જોકે એવું થવું ન જોઈએ એવી સ્પષ્ટતા ઇન્વર્ઝન આસનમાં માસ્ટર ગણી શકાય અને લગભગ ૪૫ મિનિટ સુધી શીર્ષાસનમાં રહી શકનારાં શમ્મી ગુપ્તા કરે છે. તેઓ કહે છે, ‘શીર્ષાસન ત્યારે જ સાચું થયું કહેવાય જ્યારે  આખા શરીરનું વેઇટ ઇક્વલી ડિસ્ટ્રિબ્યુટેડ હોય. જેમ તમે પગ પર ઊભા હો અને નૉર્મલ અનુભવ કરો એવો જ અનુભવ શીર્ષાસનમાં થાય ત્યારે તમે કરેક્ટ મેથડથી આ આસનને હસ્તગત કર્યું કહેવાય. શીર્ષાસનમાં શરીર હલકું ફૂલ જેવું લાગવું જોઈએ, ક્યાંય વધારાનું પ્રેશર ન હોય. તમે આસાનીથી ડીપ બ્રીધિંગ કરી શકતા હો અને એકદમ રિલૅક્સ રહી શકતા હો એ શીર્ષાસન સાચું.’

જ્યારે નવા નિશાળિયા હો ત્યારે સ્થિતિ જુદી હોઈ શકે પરંતુ એમાં પણ સભાનતા જરૂરી છે એવી સ્પષ્ટતા કરતાં શમ્મી કહે છે, ‘લગભગ ૨૦૦૦ની સાલમાં હું અમેરિકા હતી ત્યારે યોગગુરુ બીકેએસ આયંગરની ‘લાઇટ ઑન યોગ’ પુસ્તકમાંથી યોગાસનો શીખી રહી હતી. સેલ્ફ-ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં ૧૪મા અઠવાડિયામાં શીર્ષાસન આવ્યું. એમાં કોઈકનો સપોર્ટ હોય ત્યારે જ શીર્ષાસન કરવાનું લખવામાં આવ્યું હતું. છતાં મેં જાતે કરવાનો પ્રયાસ કર્યો અને પહેલા જ પ્રયાસમાં પડી અને ગરદનમાં ઇન્જરી થઈ. સોજો આવી ગયો. ગરમ શેકથી પંદર દિવસમાં સોજો ઉતાર્યો અને ફરી પ્રયત્ન કર્યા. ધીમે-ધીમે એની ટેક્નિક સમજાતી ગઈ અને શીર્ષાસન કરવાનો અનુભવ પણ. એ સમયથી લઈને આજ સુધી શીર્ષાસન કર્યા વિનાનો એક પણ દિવસ ગયો નથી. ૧૮ વર્ષમાં ટોટલ કેટલા કલાક શીર્ષાસનમાં રહી છું એ ગણું તો હજારોમાં આંકડો આવે. જોકે અનુભવ પરથી એટલું શીખી કે શીર્ષાસન જો સાચી રીતે થાય તો ખૂબ ફાયદાકારક છે. જેમ પગ પર ઊભા હોઈએ તો સરળતાથી ઊભા રહી શકીએ છીએ એવું જ શીર્ષાસનમાં શક્ય છે, પરંતુ પ્રૉપર ટ્રેઇનિંગ લો તો. મોટે ભાગે લોકો શીર્ષાસનમાં વજન હાથ પર અને માથા પર લઈ લેતા હોય છે, પણ એના બદલે તો કરોડરજ્જુને ઉપરની તરફ પગની બાજુએ ખેંચીએ તો ધીમે-ધીમે બૉડી વેઇટ સમપ્રમાણમાં ડિવાઇડ થઈ જાય.’

અનેક રીતે ઉપયોગી

શીર્ષાસનમાં શરીરનો બ્લડ ફ્લો મસ્તિષ્કની દિશામાં જતો હોય છે, જેને કારણે બ્રેઇન માટે તો એ હેલ્ધી છે જ એમ જણાવીને સંદીપ સોલંકી કહે છે, ‘શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓ, લિવર, કિડની અને કરોડરજ્જુને પણ પ્રભાવિત કરે છે. આપણા શરીરની લગભગ દરેક સિસ્ટમને શીર્ષાસનથી લાભ થાય છે. શીર્ષાસનમાં પેટના સ્નાયુઓનો ઉપયોગ થાય છે એટલે કોર મસલ્સને સ્ટ્રેંગ્થ આપે છે. મેનોપૉઝનાં લક્ષણો ઓછાં કરવા, અસ્થમા, માઇલ્ડ ડિપ્રેશન, ડાયાબિટીઝ, ઇન્ફર્ટિલિટી જેવા પ્રૉબ્લેમમાં શીર્ષાસનથી રાહત મળે છે.’ 

શરૂઆતમાં થોડોક સમય તમને ન્યુરો-મસ્ક્યુલર કો-ઑર્ડિનેશન સમજવામાં, બૅલૅન્સ કરવામાં સમય જાય, પરંતુ અનુભવ થતો જાય એમ શીર્ષાસન વધુ બહેતર પરિણામ આપી શકે છે. શમ્મી ગુપ્તા કહે છે, ‘શીર્ષાસનથી મેં મારામાં જોરદાર બદલાવો જોયા છે. મારા ચહેરા પર સહેજ પિગમેન્ટેશન હતું એ શીર્ષાસનથી ગયું છે. વાળનું ટેક્સ્ચર સુધર્યું છે. શીર્ષાસન જ્યારે સાચી રીતે કરો છો ત્યારે તમે સહજ રીતે પેટથી શ્વાસ લેતા હો છો જે તમારા તમામ સ્ટ્રેસને હળવું કરી નાખે છે. સ્પાઇનને લેન્ગ્થનિંગ કરતા હોવાથી હાઇટ ન વધતી હોય એવા લોકો શીર્ષાસનની નિયમિત પ્રૅક્ટિસથી સહેજ લાંબા દેખાય એવા અનુભવો પણ અમે અમારા ક્લાસ દરમ્યાન મેળવ્યા છે. તમારી એકાગ્રતા વધે, સ્પાઇનની હેલ્થને પણ શીર્ષાસનથી ખૂબ લાભ થતો હોય છે, કારણ કે જ્યારે તમે માથા પર ઊંધા થતા હો છો ત્યારે તમારી સર્વાઇકલ ડિસ્કને ગુરુત્વાકર્ષણ બળ જમીન તરફ ખેંચતું હોય છે એમાં જો તમે પગની દિશામાં કરોડરજ્જુને ખેંચો ત્યારે સ્વાભાવિક રીતે બન્ને કરોડરજ્જુના મણકાની હેલ્થને સુધારે છે.’

નિયમિત શીર્ષાસન કરનારા આ આંખના ડૉક્ટર શું કહે છે?

કાંદિવલીમાં રહેતા આંખના નિષ્ણાત ડૉ. નીતિન મલકાણ છેલ્લાં ૪૫ વર્ષથી તો શીર્ષાસન કરે જ છે. તેઓ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘જ્યારે હાર્ટ ફોર્સફુલી પમ્પ કરે ત્યારે સ્વાભાવિક રીતે બ્લડ શરીરના દરેકેદરેક હિસ્સાને પૂરતા પ્રમાણમાં મળી જતું હોય છે. જોકે ઉંમર થાય એમ એમ શરીરમાં ડીજનરેશન શરૂ થતું હોય છે. વધતી ઉંમર સાથે ડીજનરેશનની અસર હાર્ટના પમ્પિંગ પર પણ પડે છે. એવા સમયે આપણું માથું જે ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ દિશામાં છે ત્યાં પૂરતી માત્રામાં બ્લડ ફ્લો ન પહોંચે એવું બની શકે. તેમ જ એજિંગ સાથે બ્લડ વેસલ્સ પણ સાંકડી થતી હોય છે. એ રીતે પણ બ્રેઇનને ઓછા પ્રમાણમાં બ્લડ મળે છે. એવા સમયે જો આપણે શીર્ષાસન નિયમિત કરીએ તો બ્લડ ફ્લો બ્રેઇનને પૂરતા પ્રમાણમા મળે જેથી બધા જ એ હિસ્સામાં રહેલાં ટૉક્સિન્સ બ્લડ ફ્લોના માધ્યમે રિમૂવ થાય છે. બ્રેઇન શાર્પ થાય છે. મેમરી ઇમ્પ્રૂવ થાય છે. બ્રેઇનની કૅપેસિટી વધે તો આખા શરીરમાં બધું જ એની સાથે ઇમ્પ્રૂવ થાય છે. જોકે જે લોકો નાની ઉંમરથી કરતા હોય એવા જ લોકોએ શીર્ષાસન કરવું. મોટી ઉંમરે આ આસન શીખતા હો તો વધુ કાળજી રાખવી. ઉંમર સાથે નેક બોન્સમાં ડીજનરેટિવ ચેન્જિસ આવ્યા હોય એટલે ખૂબ ધ્યાન રાખવું, કારણ કે બાય ચાન્સ નેક ટ‍્વિસ્ટ થઈ જાય તો કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. જો તમારું પેટ વધારે હોય, વધારે વજન હોય, આંખમાં ગ્લુકોમા હોય, વર્ટિગોનો પ્રૉબ્લેમ હોય, ગરદનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો શીર્ષાસન ન કરવું જોઈએ.’

નીતિન મલકાણ

જેમ શીર્ષાસન આસનોનો રાજા કહેવાય છે એમ સર્વાંગાસન આસનોની રાણી કહેવાય છે. જેટલો સમય તમે શીર્ષાસનને આપો છો એનાથી બમણો સમય તમે સર્વાંગાસનને આપો એ જરૂરી છે

- શમ્મી ગુપ્તા, શીર્ષાસન એક્સપર્ટ

શીર્ષાસન કરતી વખતે બૉડી પૉશ્ચરની સમજ હોય એ મહત્ત્વનું છે. કેટલાક લોકો સ્પીડમાં તરત જ પગ ઊંચા કરીને ઊંધા ઊભા રહેવાની કોશિશ કરે છે એ અયોગ્ય છે.

- સંદીપ સોલંકી, યોગ એક્સપર્ટ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK