Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તમને શું, મને પણ રસોઈ નથી આવડતી!

તમને શું, મને પણ રસોઈ નથી આવડતી!

18 March, 2020 05:17 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

તમને શું, મને પણ રસોઈ નથી આવડતી!

વંદના પાઠક

વંદના પાઠક


હસતાં-હસતાં સસરાએ કહેલા આ શબ્દોએ વંદના પાઠકના મનનો ભાર હળવો કરી નાખ્યો હતો. ટીવી, ફિલ્મ અને નાટકનાં ઍક્ટ્રેસ વંદના પાઠક સાસરે આવીને રસોઈ શીખ્યાં છે તો રોટલી વણતાં અને ચા બનાવતાં તે પાડોશી પાસેથી શીખ્યાં છે. વંદનાએ પહેલી વાર ચા બનાવીને તેમનાં મમ્મીને આપી ત્યારે તેમનાં મમ્મીની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં હતાં. આવા તો અનેક કુકિંગ એક્સ્પીરિયન્સ વંદના પાઠક અહીં રશ્મિન શાહ સાથે શૅર કરે છે

હું જમવાનું બનાવતાં જ લગ્ન પછી શીખી. મારાં મમ્મી જયશ્રીબહેન એલઆઇસીમાં કામ કરતાં એટલે પહેલેથી જ ઘરમાં એવું કોઈ વાતાવરણ હતું નહીં કે જેમાં દીકરા-દીકરીનો કોઈ ભેદભાવ હોય. દીકરીએ કિચનમાં જવું જ પડે એવું પણ કશું નહીં. રમવું હોય તો રમવાનું અને ભણવું હોય તો ભણવાનું. કંઈ ન કરીને એમને એમ પડ્યા રહેવું હોય તો એમ પણ છૂટ. આ પ્રકારના વાતાવરણને લીધે હું દીકરી છું એટલે મારે રસોઈ તો બનાવવી જ પડે કે પછી શીખી જ લેવી પડે એવી કોઈ માનસિકતા ક્યારેય આપવામાં નહોતી આવી કે ન તો મને એવું કોઈ પ્રેશર પણ આપવામાં આવ્યું હતું.



સવારની સ્કૂલ એટલે હું સ્કૂલ જવા નીકળી જાઉં, પછી મમ્મીએ જૉબ પર જવાનું હોય એટલે તે પહેલાં રસોઈ કરીને પછી જૉબ પર નીકળી જાય. સાંજે પાંચ-છ વાગ્યે તે આવે અને પછી તે રાતનું જમવાનું બનાવે. મને ખબર નથી પણ મમ્મી પણ મને કહેતી કે તેને પણ બધું સાસરે આવ્યા પછી આવડી ગયું એટલે તને પણ આવડી જશે, ચિંતા નહીં કરવાની. મમ્મીનો એક પૅટર્ન ડાયલૉગ હતો, માથે પડે એટલે બધું આવડી જાય. હું પણ એ જ માનું છું કે રસોઈ શીખવી એ છોકરી માટે બહુ મોટી વાત નથી. મમ્મીની વાત આજે મને સો ટકા સાચી લાગે છે. આજે હું બધી જ રસોઈ બનાવી લઉં છું. આપણી ગુજરાતી દાળ મારી સૌથી સ્પેશ્યલ રેસિપી છે. આપણી ગુજરાતી દાળ તીખી નહીં પણ ખાટીમીઠી હોય અને મારી દાળ એની ખટાશ માટે વધારે જાણીતી છે. પરણી ત્યારે મને કશું નહોતું આવડતું અને સાસરે આવ્યા પછી મને બધેબધું આવડી ગયું એ પણ હકીકત છે.


મને અત્યારે મારી એક ફ્રેન્ડ યાદ આવે છે. નામ તેનું દક્ષા. હું અમદાવાદમાં રહેતી ત્યારે તે બાજુમાં જ રહેતી. બાજુમાં રહે અને એમાં પણ ફ્રેન્ડ એટલે વેકેશનમાં આખો દિવસ સાથે જ રમતાં હોઈએ. હું નવમા ધોરણમાં હતી એ વખતે દક્ષાની મમ્મી જયાબહેન તેને જમવાનું બનાવતાં શીખવાડે અને હું પણ સાથે હોઉં. વેકેશન એટલે ત્યાં જવાનું બને. એક દિવસ દક્ષાને તેની મમ્મી રોટલી બનાવતાં શીખવાડે, હું ગઈ તો મને પણ કહ્યું કે રોટલી બનાવ જોઈએ. આમ હું જિંદગીમાં પહેલી વાર વણતાં તેમને ત્યાં શીખી. મેં વણેલી પહેલી રોટલી એકદમ પર્ફેક્ટ ગોળ હતી. મને રોટલી માટે કોઈએ ટિપ નથી આપવી પડી. મારા સસરા તો મજાકમાં કહેતા પણ ખરા કે વંદના જેવી ગોળ રોટલી કોઈની ન હોય અને જરા પણ નાનીમોટી ન હોય. એવું જ લાગે કે વંદનાની રોટલીઓ એકસરખા માપની જ હોય. એ જ વેકેશનમાં હું પહેલી વાર દાળ-ભાત બનાવતાં પણ શીખી હતી. એ વખતે ડબલ કુકર આવતાં જેમાં દાળ અને ભાત બન્ને સાથે બને. આ દાળભાત બનાવવાનું પણ મને રોટલીના કારણે જ આવડ્યું એવું કહું તો ચાલે. નવમા ધોરણમાં ભણતી વખતે પહેલી વાર રોટલી બનાવી ત્યારે મારે મન એ રમત થઈ ગઈ હતી. મારા ઘરે રોટલી બનાવવાની હોય નહીં એટલે હું ભાગીને મારી ફ્રેન્ડના ઘરે જાઉં અને ત્યાં રોટલી બનાવું. મારે એક બીજી વાત પણ કહેવી છે. મને લોટ બાંધવાનું જરા પણ ગમતું નથી. લોટ હાથે બાંધવાનો હોય અને હાથ ગંદા થાય એ મને જરા પણ પસંદ નથી એટલે હું લોટ બાંધવાનું ત્યારે પણ ટાળતી અને આજે પણ ટાળું છું.

દક્ષા અને દક્ષાની મમ્મી મારા માટે બહુ મહત્ત્વનો રોલ ભજવી ગયાં છે. ચા બનાવતાં પણ મેં તેમને જ કહ્યું હતું. તેમના ઘરે જાણે કે રસોઈ બનાવવી એ રમત હોય એમ હું રમવા જઈને તેમને ત્યાં આ બધું બનાવતાં શીખી હતી. એક દિવસ મેં તેમને કહ્યું કે આન્ટી મને ચા બનાવતાં શીખવાડોને. આન્ટીને એમ કે એમાં શું મોટી વાત છે, દક્ષાને તો ચા બનાવતાં તેમણે જ શીખવ્યું હતું એટલે તેમણે પણ મને ચા બનાવતાં શીખવવાનું શરૂ કરી દીધું અને મને આવડી પણ ગયું. માપમાં સહેજ બીક લાગતી, પણ બધું ગોખી જ નાખ્યું. કેટલું દૂધ હોય તો કેટલી ચાની પત્તી લેવાની અને કેટલી ચા બનાવવા માટે કેટલી સાકર નાખવાની. એ દિવસે સાંજે મમ્મીનો જોબ પરથી આવવાનો સમય થયો એ પહેલાં મેં સરસ મજાની ચા બનાવી લીધી અને મમ્મી આવીને જેવી ફ્રેશ થઈને બેઠી કે હું તેમની સામે ચા લઈને આવી. મમ્મી પહેલેથી બહુ ઇમોશનલ, મને આજે પણ યાદ છે કે એ બિચારીની આંખમાં પાણી આવી ગયાં કે મારી દીકરીએ મારા માટે ચા બનાવી. મને હજી પણ યાદ છે કે મને એવું થયું હતું કે મેં કોઈ ભૂલ કરી એટલે મેં એ દિવસે સમજ્યા વિના પહેલાં તેની પાસે માફી માગી હતી પણ મમ્મીએ પછી મને કારણ કહ્યું કે હું રાજી થઈ એટલે આંસુ આવી ગયાં.


નીરજ પાઠક સાથે મારાં મૅરેજ ૧૯૯૨માં થયાં. શરૂઆતમાં તો મને રસોઈ ફાવે નહીં એટલે રસોઈ મારાં સાસુ વીણાબહેન બનાવતાં. એક દિવસ મારા સસરા દ્વારકાપ્રસાદ પાઠકે મને કહ્યું કે વંદના, આજે પૌંઆ બનાવને. સાચું કહું? હું તો આ સાંભળીને જ ડરી ગઈ અને રૂમમાં જઈને રડવા લાગી. થોડી વાર પછી મારા સસરા રૂમમાં આવ્યા તો તેમણે મને રડતાં જોઈ. તેને નવાઈ લાગી કે શું થયું. નીરજ પણ ત્યાં જ હતો. તેમણે નીરજને પૂછ્યું કે એવું તે શું થયું કે હું રડું છું? નીરજ તો બિચારો કશું બોલી શક્યો નહીં પણ બહુ પૂછ્યું એટલે મેં કહ્યું કે મને પૌંઆ બનાવતાં નથી આવડતા. તે તો એકદમ હસવા લાગ્યા. મારા માથે વહાલથી હાથ મૂકીને કહે કે તો શું થઈ ગયું બેટા, મને પણ નથી આવડતા. આપણે બેઉ સરખાં. મારા ચહેરા પર સ્માઇલ આવ્યું એટલે મને કહે કે ચાલ, ઊભી થા. આજે આપણે સાથે પૌંઆ બનાવીએ.

મને મારાં સાસુ-સસરાએ ખૂબ સપોર્ટ કર્યો છે એ મારે કહેવું જ જોઈએ. મને આજે જે કંઈ બનાવતાં આવડે છે એની પાછળ તેમનો બહુ મોટો ફાળો રહ્યો છે. એક કિસ્સો કહું તમને. લગ્નના શરૂઆતના દિવસોમાં નીરજ માટે પાલક-પનીર બનાવ્યું. નવું-નવું જ શાક બનાવતાં શીખી હતી એટલે ચીવટ પણ રાખી. શાક તૈયાર થઈ ગયું એટલે હું અને નીરજ જમવા માટે બેઠાં. આ અમારો રેગ્યુલર નિયમ. જમતાં પહેલાં મેં નીરજ સામે જોયું કે તું પહેલાં ચાખીને કહે કે કેવું બન્યું છે. નીરજને પાલક-પનીર બહુ ભાવે એટલે મને એમ કે એ જ પહેલાં ચાખે અને મારાં વખાણ કરે નીરજે ચાખ્યું. એક પીસ, બે પીસ, ત્રણ પીસ. મેં તેને પૂછ્યું કે જવાબ તો આપ. નીરજે કહ્યું કે મીઠું થોડુંક વધારે છે, બાકી સરસ છે.

મેં કોળિયો લીધો અને મોઢામાં મૂક્યો. મીઠું થોડું વધારે નહીં પણ અતિશય વધારે હતું. નીરજ ખાવા રાજી હતો પણ મેં જ તેને એ દિવસે ખાવા નહોતું દીધું. બીજી એક વાત કહું તમને. એક દિવસ તેણે મને સરસ અપ્રતિમ સરપ્રાઇઝ આપી.

શરૂના દિવસોમાં હું નાટકો કરતી અને નીરજ અધિકારી બ્રધર્સમાં જૉબ કરે. રાત્રે ઘાટકોપરનો શો પૂરો કરીને હું ઘરે જવાની તૈયારી કરતી હતી ત્યાં તે મને લેવા આવી ગયો. રાતનો શો હોય એટલે સાંજે હું રસોઈ બનાવીને નીકળું પણ એ રાતે મેં બનાવ્યું નહોતું. મેં તેને કહ્યું કે બહાર ખાઈ લઈએ પણ તેણે ના પાડી. કહે કે મને ઘરનું ખાવાનું મન થયું છે. આખા રસ્તે મેં મનમાં ને મનમાં નીરજ પર ગુસ્સો કાઢ્યો કે હવે મારે ઘરે જઈને જમવાનું બનાવવાનું. ઘરે આવીને જોઉં છું તો શું?

સરસ મજાનું રીંગણનું ભડથું, વઘારેલા ભાત, રોટલી અને એ પણ પાછી એકદમ પર્ફેક્ટ ગોળ. બધું જમવાનું નીરજે બનાવ્યું હતું. ગોળ રોટલીનું કારણ પૂછ્યું ત્યારે મને નીરજે વધેલા કટકાનો ઢગલો બતાવ્યો. તેણે મોટા વાસણથી રોટલી ગોળ બનાવી હતી અને વધેલો લોટ ત્યાં ભેગો કરીને રાખ્યો હતો. બહુ સરસ જમવાનું બનાવ્યું હતું નીરજે. એ દિવસે મને પહેલી વાર ખબર પડી હતી કે નીરજ પણ પોતાની રીતે જમવાનું બનાવતાં શીખતો હતો. એ રસોઈમાં એક જ ભૂલ હતી. રીંગણાંની છાલ કાઢી નહોતી, જેને લીધે જમતી વખતે એ છાલ મોઢામાં આવતી અને એ ચવડ થઈ ગઈ હોવાથી વારંવાર કાઢવી પડતી હતી.

મારી દાળની ખાસિયત

મારી ગુજરાતી દાળના બહુ બધા ફૅન્સ છે. મારી દાળની ખાસિયત કહું તમને. આપણી ગુજરાતી દાળ ખાટીમીઠી હોય, પણ હું દાળમાં ખટાશ માટે બને ત્યાં સુધી લીંબુ વાપરતી નથી. દાળમાં હું કોકમ વાપરું છું અને તીખાશ માટે કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચાની તીખાશ માઇલ્ડ છે પણ એનો રંગ ખૂબ સરસ આવે છે. કોકમ અને મરચાંના કૉમ્બિનેશનને લીધે સ્વાદ પણ બદલાય છે તો સાથોસાથ લીંબુના કારણે ઉમેરાતી આછીસરખી કડવાશ પણ દૂર થાય છે. કોકમ શરીર માટે લાભદાયી છે. એ શરીરની ગરમીનું શોષણ કરે છે. પહેલાં દાળમાં કોકમનો ઉપયોગ થતો, પણ હવે એનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. પણ મારે ત્યાં આજે પણ દાળમાં કોકમ જ વપરાય છે.

મને લોટ બાંધવાનું જરા પણ ગમતું નથી. લોટ હાથે બાંધવાનો હોય અને હાથ ગંદા થાય એ મને જરા પણ પસંદ નથી એટલે હું લોટ બાંધવાનું ત્યારે પણ ટાળતી અને આજે પણ ટાળું છું.

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2020 05:17 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK