Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘અમૃત-સૌરભ’ પ્રસરાવનાર ચાંપસીબાપા!

‘અમૃત-સૌરભ’ પ્રસરાવનાર ચાંપસીબાપા!

09 June, 2020 03:01 PM IST | Kutch
Vasant Maru

‘અમૃત-સૌરભ’ પ્રસરાવનાર ચાંપસીબાપા!

‘અમૃત-સૌરભ’ પ્રસરાવનાર ચાંપસીબાપા!


વાત છે ભચાઉના ૧૭ વર્ષના નવયુવાન લાલજીભાની. જીવનમાં કઈક કરી દેખાડવા માગતો આ પ્રજાપતિ નવયુવાન ભણતો હતો ત્યાં અચાનક તેની આંખની રોશની ચાલી ગઈ. દેખાવાનું બંધ થઈ ગયું. લાલજીના જીવનમાં ચારેબાજુ અંધકાર છવાઈ ગયો. દિવસ-રાત અંધકાર માત્ર એનો સાથીદાર બની ગયો. શરૂઆતમાં લાલજી ખૂબ હતાશ થઈ ગયો, પરંતુ અચાનક તેના મનના ઊંડાણમાંથી ઊર્જાનો ધોધ વહેવા લાગ્યો. લાલજી અમદાવાદ જઈ વિકલાંગોની કૉલેજમાં સાઇકોલૉજીના ગ્રેજ્યુએટ થયા, પછી જામનગર જઈ સંગીતવિશારદ બન્યા અને સંગીતશિક્ષક તરીકે નોકરી સ્વીકારી. સ્થિર થયા ત્યારે તેમની ઉંમર હતી બાવીસ વર્ષની.

દિવ્યાંગ તરીકે કરવો પડતો સંઘર્ષ લાલજીને જંપવા નોતો દેતો. એ અજંપામાંથી એક નવો માર્ગ દેખાયો એટલે ભચાઉ અને આજુબાજુના પરિસરમાં વસતા દિવ્યાંગો અને મંદબુદ્ધિની વ્યક્તિઓની સેવા કરવાનું નક્કી કર્યું અને સાબિત કરી દીધું કે એક નેત્રહીન વ્યક્તિ પણ પૉઝિટિવલી વિચારે તો સમાજમાં કેટલું મોટું કાર્ય કરી શકે. લાલજીભાએ ભચાઉમાં ‘નવચેતન અંધજન મંડળ’ શરૂ કર્યું જેમાં બેસહારા અંધ વૃદ્ધોની સારસંભાળ માટે અંધ વૃદ્ધાશ્રમ, દિવ્યાંગો માટે ઉદ્યોગગૃહ, બ્રૅઇલ લિપિની લાઇબ્રેરી, ગૌશાળા ઇત્યાદિ પ્રવૃત્તિથી ‘નવચેતન અંધજન મંડળ’ને ધમધમતું કરી દીધું. ત્યાં તાલીમ પામીને અંદાજે સાડાત્રણસો દિવ્યાંગો રોજીરોટી કમાતા થઈ ગયા. લાલજીભાના આ કાર્યના પ્રેરણાદાતા અને ‘નવચેતન અંધજન મંડળ’ના પ્રમુખ હતા આ લેખના નાયક ચાંપસીભા દેવસી નંદુ. ચાંપસીભાએ ૨૦-૨૦ વર્ષ સુધી મંડળના પ્રમુખપદે રહી, લાલજીભાના સારથિ બની આર્થિક અને વ્યવહારિક પીઠબળ પૂરું પાડ્યું.



સમય જતાં આ મંડળનો વ્યાપ વધારવા ભુજમાં પણ ‘નવચેતન અંધજન મંડળ’ શરૂ કરવા માટે લાલજીભાને ચાંપસીબાપાએ જબરજસ્ત પીઠબળ પૂરું પાડ્યું. પરિણામે ભુજમાં શરૂ થયેલ મંડળમાં બારમા ધોરણ સુધીની દિવ્યાંગ સ્કૂલ, બ્રૅઇલ લિપિની લાઇબ્રેરી, ફિઝિયોથરપી સેન્ટર, બ્રૅઇલ લિપિની પ્રિન્ટિંગ પ્રેસ, દિવ્યાંગો માટે કમ્પ્યુટર લૅબ, સીવણ કળા જેવી સગવડો ઊભી કરી, સાથે-સાથે ત્રણસો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે હૉસ્ટેલ સુધ્ધાં શરૂ કરી. પરિણામે આજે ગુજરાતનું જ નહીં, સંભવિત ભારતનું નંબર વન દિવ્યાંગ સેન્ટર બની ગયું છે. ચાંપસીબાપાની નિવૃત્તિ પછી સદનસીબે આ મંડળના પ્રમુખ કચ્છી સમાજના દાનવીર દામજીભાઈ એન્કરવાલા બન્યા અને વિદેશોથી ખાસ કરીને લંડનથી યુવાન અર્જુન વેકરિયા અને તેમના પિતા કરસનભાઈ મેઘજી વેકરિયાએ વારંવાર દાનનો ધોધ વહાવી આ સંસ્થાને વટવૃક્ષ બનાવી દીધી છે.


૨૦-૨૦ વર્ષ સુધી પ્રજ્ઞાચક્ષુ લાલજીભાને તન-મન-ધનથી સહાય કરનાર ચાંપસીબાપા વાગડના કકરવા ગામના છે. ચાંગ નદી પર ઓસવાળ અને આહીરોએ વસાવેલા આ નાનકડા ગામના અનેક નામી લોકો પ્રસિદ્ધિ પામ્યા છે. નાટ્યકાર લતેશ શાહ કકરવાના છે, તો મુંબઈના પાંચારિયા લધાભાઈ કારિયાએ મુંબઈમાં રહીને છેક કકરવામાં લોકોને રોજીરોટી મળી રહે માટે કાગળની થેલીઓ બનાવવાનો લઘુ ઉદ્યોગ શરૂ કર્યો હતો. કકરવાથી પુણે જઈ મુરજીભા પાંચારિયા નંદુ પુણેના ગુજરાતી બંધુ સમાજના ટ્રસ્ટી, ગુજરાતી શિક્ષણ પ્રસારક મંડળના ચૅરમૅન, હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના ઇત્યાદિ સામાજિક કાર્યોથી કકરવાનું નામ રોશન કર્યું હતું. ચંપકભા નંદુ વાગડ ચોવીસી મહાજનના મંત્રીપદે સક્રીય છે એ કકરવાના છે એ કકરવા ગામના ખેડૂત દેવશીબાપા અને ગૃહિણી ખેતઈબાના ઘરે ચાંપસીભાનો જન્મ થયો (જન્મસ્થળ મનફરા ગામ). ચાંપસીભા કકરવામાં ચારેક ધોરણ ભણ્યા. ત્યાં દેવશીબાપા નસીબ અજમાવવા મુંબઈ આવ્યા અને મસ્જિદ બંદર-ઈસ્ટના માંડવી કોલીવાડા વિસ્તારમાં દુકાન શરૂ કરી. અનાજની તેમની છૂટક દુકાનમાં ગોદીના કામદારો, વખારોમાં કામ કરતા મજૂરો સામાન લેવા આવતા. તેમની મહેનતકસ જિંદગી જોઈ ચાંપસીભાને મહેનત કરવાની ચાનક ચડતી. ભણવામાં તેજસ્વી હતા એટલે પાલા ગલી હાઈ સ્કૂલમાં મેટ્રિક પાસ કરી અને કે. સી. કૉલેજ સાયન્સ સ્ટ્રીમમાં ઍડ્મિશન લીધું. બારમું ધોરણ સારા માર્ક્સે પાસ કર્યું ત્યાં સંજોગોવસાત્ પિતા સાથે ધંધામાં

જોડાવું પડ્યું.


થોડો સમય જતાં દાદરના ધમધમતા વેપારી વિસ્તારમાં રાયચંદભા નિસરને સથવારે સાડીની દુકાન કરી. ભણતર પૂરું કરી કરીઅર બનાવવા માગતા યુવાનોને વાગડથી તેડી લાવી પોતાની આ દુકાનમાં રાખી ટ્રેઇનિંગ આપતા અને સમય જતાં તેમની પોતાની દુકાન શરૂ કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપતા. તેમને ત્યાં તૈયાર થઈ અનેક લોકોએ આજે વિકાસ

કર્યો છે.

વર્ષો પહેલાં એક વાર ચાંપસીબાપા કચ્છ જતા હતા ત્યારે ટ્રેનમાં એક મલ્ટિનૅશનલ કંપનીના ઑફિસર સાથે ઓળખાણ થઈ. તે ઑફિસર કચ્છમાં પોતાની કંપની માટે પીલુ નામનાં ફળ ખરીદવા જતાં હતાં, કારણ કે પીલુનાં ફળમાંથી નીકળતું તેલ મશીનોમાં લ્યુબ્રીકેટર તરીકે વપરાતું. ચાંપસીબાપાને પણ મુંબઈમાં વેપારની સાથે-સાથે કચ્છમાં ખેતી કરવાની ઇચ્છા જાગૃત થઈ, કારણ કે તેમના પિતા ખેડૂતપુત્ર હતા. પોતાના મિત્રો પાંચાલાલ કારિયા સાથે મળીને છેક વાગડમાં ૬૦૦ એકરની મસમોટી જમીનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પીલુનું વાવેતર શરૂ કર્યું અને અઢળક સફળતા મેળવી. એટલું જ નહીં, સ્ટ્રૉબેરીની ખેતી પણ સફળતાપૂર્વક કરી. અનેક લોકોને રોજીરોટી પણ મળી. ત્યાર પછીનાં વર્ષોમાં તો મુંબઈથી વતન જઈ ખેતી કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો. બિદડાના ડૉ. પંકજ શાહ, આધોઈના ઋષભ ચરલા, કોડાયના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નરેન્દ્ર મારુ, મનફરાના ચેતન વેલજી દેઢિયા જેવા અનેક યુવાનો કચ્છમાં ખેતીની સાથે પ્રવૃત્તિ કરી ગ્રામ્ય જીવનનો આનંદ લઈ રહ્યા છે!

ચાંપસીબાપા ખૂબ આગળના ભવિષ્યનું વિચારી શકતા એટલે જ વર્ષો પહેલાં તેમણે સુવઈના ચીમનભા સાવલા સાથે મુંબઈમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર ખોલવાનો કન્સેપ્ટ વિચાર્યો. પરિણામે ભુલાભાઈ દેસાઈ રોડ પર છ વર્ષની અથાગ મહેનત પછી આ ડિપાર્ટમેન્ટ સ્ટોર ખુલ્યો અને મુંબઈ આખામાં પ્રસિદ્ધ થયો. આવી બધી પ્રવૃ‌ત્ત‌િઓ પાછળ તેમનો હેતુ ધન કમાવાનો નહીં, પણ કચ્છ વાગડના લોકોને નવાં-નવાં ક્ષેત્રોમાં લઈ આવવાનો હતો. એટલે જ સમય પારખી તેમણે મુંબઈનો પ્રથમ મૉલ નવી મુંબઈમાં ચીમનભા અને પુણેના મુરજીભા નંદુ સાથે બાંધી કચ્છીઓ માટે એક નવું ક્ષેત્ર ખોલી આપ્યું. ત્યાર પછી તો મુંબઈ, પુણે, મદુરાઈ ઇત્યાદિમાં કચ્છીઓએ મૉલ બાંધ્યા. કચ્છ વાગડના લોકોની ઉન્નતિ થાય એવી ભાવના સાથે શરૂ થયેલી આવી પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવી અનેક લોકોએ પ્રગતિ કરી.

સામાજિક ક્ષેત્રે વાગડ માટે તેમણે અદ્ભુત પ્રદાન કર્યું છે. વાગડવાસીઓ એક જગ્યાએ ભેગા થઈ શકે, સાથે મળીને પ્રસંગો ઊજવી શકે, લગ્નથી માંડી પહેડી સુધીનાં અનેક સામાજિક કાર્યોનું કેન્દ્ર બની શકે એ માટે મુંબઈમાં વાગડ સમાજની મહાજન વાડી હોવી જરૂરી હતી. સમાજની મહાજન વાડી માટે હેમરાજ શાહ સાથે વાગડ વિકાસ સમાજની રચના કરી. એમાં બીજા પણ સમાજ હિતેચ્છુ જોડાયા. ચાંપસીબાપાએ એ વાગડ વાડી માટે પોતાનાં પત્ની ચંપાબેનના નામે માતબર દાન આપ્યું અને વાડી ઓળખાઈ ચંપા વાડી તરીકે. લોખંડવાલા (ઓશિવરા) એરિયામાં આવેલી આ વાગડ વાડી આજે વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમે છે.

કચ્છી સમાજના વિકાસમાં પત્રિકા નામની દૈનિકખબર પત્રિકાએ પાયાનું કામ કર્યું છે. વાગડના સમાચાર કચ્છી પત્રિકામાં આવતા, પણ વાગડની પોતાની પત્રિકા હોય તો? આ વાત ત્યારના વાગડ ચોવીસી મહારાજના પ્રમુખ લક્ષ્મીચંદભાના ચરલા મનમાં ઘૂંટાતી. ચોવીસી મહાજનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપતા ચાંપસીબાપાએ વાગડ પત્રિકાના માનદ્ પ્રકાશક તરીકે કાર્ય કરવા કમર કસી અને પત્રિકા શરૂ કરી સમાજને એકસૂત્રે બાંધ્યા. વાગડ પત્રિકા અને વાગડ વાડી માટે વાગડ સમાજ સદાય ચાંપસીબાપાનું સ્મરણ કરશે.

મુંબઈમાં ઘર લેવું આજે બહુ અઘરું કામ છે. આખી જિંદગીની કમાણી હોમી દઈએ તો પણ ઘર લેવું સરળ નથી હોતું. બાંધી આવકના વાગડવાસીઓ માટે ઘરનું સ્વપ્ન પૂરું કરવા પોતાના મિત્ર પોપટભા ભચુ નંદુને સથવારે ‘પાનબાઈ પોપટલાલ મુરજી આવાસ યોજના’ (પાનબાઈ નગર) દ્વારા ૩૦૦ જેટલાં સાધર્મિક કુટુંબોને નાલાસોપારામાં વસાવ્યાં. એ જ રીતે વર્ષો પહેલાં મહેનતકસ વાગડવાસીઓ મુંબઈ નજીક હવાફેર કરવા જઈ શકે એ માટે સમાજનું પ્રથમ સૅનિટોરિયમ દેવલાલીમાં ‘શાંતાબેન પ્રેમજી ધનજી નંદુ સૅનિટોરિયમ’ વાગડ વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે બનાવી નવી દિશા ખોલી નાખી. ત્યાર બાદ તો દેવલાલીમાં વાગડ સમાજનાં બીજાં ઘણાં સૅનિટોરિયમો પણ બંધાયાં અને દેવલાલી જાણે મિની વાગડ બની ગયું.

ચાંપસીબાપાએ સ્થાનકવાસી સંપ્રદાયનાં સાધુ-સાધ્વીઓ માટે ઠેર-ઠેર વૈયા-વચ્છ કેન્દ્ર શરૂ કર્યાં. જાણીતા સામાજિક કાર્યકર અને બાપાના જમાઈ વિનોદભા કાનજી ગડાના કહેવા પ્રમાણે બાપાના હાથમાં જશરેખા હતી એટલે નવચેતન અંધજન મંડળ, કચ્છની ખેતી, વાગડ વાડી, વાગડ પત્રિકા, આવાસ યોજના જેવી યોજનાઓને માત્ર સફળતા નથી મળી, પણ તેમના હસ્તે ઉદ્ઘાટન પામેલા ૩૦૦થી વધુ પ્રકલ્પો ધમધોકાર ચાલી રહ્યા છે. જીવનનાં છેલ્લાં પંદરેક વર્ષ વ્યાવસાયિક પ્રવૃત્તિ દીકરા રોહિતને સોંપી પોતે કાનજીસ્વામીને અનુસરણ કરતાં-કરતાં આત્મકલ્યાણ માર્ગ અપનાવી આ જગતમાંથી વિદાય લીધી ત્યારે વાગડને એક સપુતને ગુમાવવાનું દુઃખ થયું. તેમના જીવન પરથી પ્રખ્યાત લેખક રજનીકુમાર પંડ્યાએ ‘અમૃત-સૌરભ’ કથા લખી છે. એ પુસ્તક વાંચીને અલગ ભાવવિશ્વમાં પહોંચી જવાય છે. ‘મિડ-ડે’ વતી ‘અમૃત-સૌરભ’ પ્રસરાવનાર ચાંપસીબાપાને વંદન કરી વિરમું છું. અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 03:01 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK