થઈ જાય એક કપ વાઇટ ટી

Published: Sep 11, 2020, 14:23 IST | Varsha Chitalia | Mumbai

અન્ય ચાની જેમ વાઇટ ટીમાં પણ કૅફીનની માત્રા અવેલેબલ હોવાથી આખા દિવસમાં એક કપ ચા પર્યાપ્ત છે.

 આખો દિવસ ચા પીવાની ટેવ ધરાવતા લોકોએ વાઇટ ટીનો ચસકો ન લગાડવો
આખો દિવસ ચા પીવાની ટેવ ધરાવતા લોકોએ વાઇટ ટીનો ચસકો ન લગાડવો

ચા પીને વૃદ્ધત્વને આવતું ધીમું પાડી શકાય છે એવું સંશોધકો કહે છે ત્યારે કૅમીલિયા સિનેન્સિસ પ્લાન્ટના અત્યંત કુમળા પાનમાંથી તૈયાર કરવામાં આવતી આ ચા તાજગીનો અહેસાસ કરાવવાની સાથે અકાળે આવતા વૃદ્ધત્વને અટકાવી તબિયત ટકાટક રાખે છે. કહેવાય છે કે એ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો જાણીએ વાઇટ ટીમાં એવું તો શું છે અને એના બીજા સ્વાસ્થ્યવર્ધક ફાયદા શું છે

ચાના ચાહકોની પોતાની એક અલાયદી દુનિયા છે. આ એવું એનર્જી ડ્રિન્ક છે જે ગમે ત્યારે ચાલી જાય. આજની ડેટમાં બજારમાં જુદા-જુદા પ્રકારની સેંકડો ચા મળે છે. ટી આઉટલેટ્સ પણ ખાસ્સાં પૉપ્યુલર થઈ રહ્યાં છે. કડક મસાલા ચાથી લઈને ગ્રીન ટીની અઢળક વરાઇટીમાં હવે નવું નામ ઉમેરાયું છે. તમે ક્યારેય વાઇટ ટી વિશે સાંભળ્યું છે? નામ સાંભળીને ચાના શોખીનોના કાન સરવા થઈ ગયા હશે. રેગ્યુલર ચાને સ્વિચ કરી નવું ટ્રાય કરવાનો શોખ હોય તેમણે કૅમીલિયા નામની વનસ્પતિનાં પાનમાંથી તૈયાર કરવામાં આવતી વાઇટ ટીનો પ્રયોગ કરવા જેવો છે.
થોડા સમય પહેલાં કિંગસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ ૨૧ પ્રકારની ઔષધિય વનસ્પતિના ગુણધર્મો પર કેટલાંક સંશોધનો કર્યાં હતાં જેમાંથી વાઇટ ચાના છોડમાં ઍન્ટિઑક્સિડન્ટ અને ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ સૌથી વધુ હોવાનું તારણ નીકળ્યું હતું. યુનિવર્સિટીના લાઇફ સાયન્સના પ્રોફેસર ડેકલાન નોગ્હટનનું કહેવું છે કે ત્વચાના માળખાકીય પ્રોટીન, ખાસ કરીને ઇલાસ્ટિન અને કોલાજનને સુરક્ષિત રાખવામાં વાઇટ ટી હેલ્પ કરે છે. કૅમીલિયાના છોડનાં પાનમાંથી બનાવેલી ચા પીવાથી રોગ સામે લડવાની શક્તિ મળે છે અને અકાળે આવતા‍ વૃદ્ધત્વને અટકાવી શકાય છે. આ સંદર્ભે વાત કરતાં કાંદિવલીનાં ડાયટિશ્યન કિલ્પા કચેરિયા કહે છે, ‘વાઇટ ટી એક પ્રકારની હર્બલ ટી છે. હાથેથી ચૂંટીને એકત્ર કરવામાં આવેલા આ પ્લાન્ટ ખૂબ મોંઘા આવે છે. કૅમીલિયા ફૂલના છોડનાં પાનને કૂંપળ ફૂટે પછી થોડા સમયમાં જ તોડી લેવામાં આવે છે. યંગ એજનાં પાનમાંથી તૈયાર કરવામાં આવેલી ચા તાજગીનો અહેસાસ કરાવે છે. આરોગ્ય પ્રદાન કરતાં રાસાયણિક સંયોજનોને જાળવી રાખવાની પ્રક્રિયામાં વાઇટ ટીનો પ્રયોગ ઉપયોગી છે. એના બીજા પણ ઘણા હેલ્થ બેનિફિટ્સ છે.’
પાવરફુલ ડ્રિન્ક
ભારતમાં આસામ, નીલગિરિ, દાર્જિલિંગ વગેરે સ્થળોએ વર્ષમાં થોડા દિવસ માટે કૅમીલિયાના છોડની ખેતી થાય છે. વાઇટ ટીમાં સિલ્વર નીડલ ટી, વાઇટ પીઓની, ટ્રિબ્યુટ આઇબ્રો, લૉન્ગ આઇબ્રો, મૂનલાઇટ એમ ઘણી વેરાઇટી આવે છે. જુદા-જુદા સમયે ચૂંટવામાં આવેલાં પાન પ્રમાણે ગુણધર્મોની માત્રામાં સહેજ તફાવત જોવા મળે છે. અન્ય ચાની તુલનામાં એમાં ઍન્ટિઑક્સિડન્ટ્સની માત્રા ઘણી વધારે હોય છે જે શરીરને ફ્રી રૅડિકલ્સથી બચાવવાનું કાર્ય કરે છે. વાસ્તવમાં ફ્રી રૅડિકલ્સની હાજરીના કારણે આપણા શરીરનાં અંગોની કામગીરી નબળી પડે છે. વાઇટ ટીમાં ઍન્ટિઑક્સિડન્ટ જેવું કામ કરતાં પૉલિફિનૉલ્સ કેમિકલ્સ સારીએવી માત્રામાં હોય છે જે કોષોનું ઑક્સિડેશન થતું અટકાવીને ફ્રી રૅડિકલ્સના પ્રભાવને ઓછો કરવામાં સહાય કરે છે અને એનાથી એજિંગ પ્રોસેસ ધીમી પડે છે. રોજ એક કપ વાઇટ ચાનો તમારા રૂટીનમાં સમાવેશ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. હાઈ ઍન્ટિઑક્સિડન્ટની પ્રૉપર્ટી હોવાથી કોરોનાકાળમાં ઇમ્યુન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવામાં વાઇટ ટી સહાયકની ભૂમિકા ભજવી વિવિધ પ્રકારના બૅક્ટેરિયા અને વાઇરસના ઇન્ફેક્શનથી આપણને બચાવે છે. અન્ય હર્બલ ટીની જેમ વાઇટ ટી પણ પાવરફુલ ડ્રિન્કમાં સ્થાન ધરાવે છે.
રોગ સામે ટક્કર
આજની ફાસ્ટ લાઇફમાં હાઈ બ્લડપ્રેશરની બીમારી ઝડપથી વધી રહી છે. કૉલેસ્ટરોલની સમસ્યા સામાન્ય થતી જાય છે. લાઇફસ્ટાઇલ ડિસીઝના જોખમને ટાળવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે. હેલ્ધી ઈટિંગ હૅબિટ્સને ડેવલપ કરવાની શરૂઆત વાઇટ ટીના પ્રયોગથી કરો. એમાં રહેલું ફ્લેવનૉઇડ્સ નામનું તત્ત્વ હૃદય સંબંધિત રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. રોજ એક કપ વાઇટ ટી પીવાથી કૉલેસ્ટરોલને કાબૂમાં રાખી શકાય છે. આ ચા પીવાથી રક્ત પાતળું રહે છે તેમ જ રક્તવાહિનીની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આર્થ્રાઇટિસ જેવા ઇન્ફ્લમૅટરી ડિસીઝનો સામનો કરતા દરદીઓએ રોગપ્રતિકારક શક્તિ વધારવા વાઇટ ટી પીવી જોઈએ.
હૃદયના રોગો ઉપરાંત ડાયાબિટીઝના દરદીઓ માટે પણ વાઇટ ટી હેલ્ધી અપ્રોચ છે. કિલ્પા કહે છે, ‘અનુવંશિક કારણોસર શરીરમાં થતી હૉર્મોનની ઊથલપાથલથી શરીરમાં શર્કરાનો સ્તર વધી જાય છે. પરિણામે ડાયાબિટીઝના દરદીઓને વારંવાર ઇન્સ્યુલિન પર આધાર રાખવો પડે છે. પૉલીફીનોલ્સમાં શુગરની માત્રાને કાબૂમાં રાખવાની ક્ષમતા છે. કૅન્સરના દરદીઓ પણ નિયમિતપણે આ ચાનો પ્રયોગ કરી શકે છે. ઍન્ટિઑક્સિડન્ટનો ગુણધર્મ હોવાથી કૅન્સર સેલ્સ સામે લડવાની ક્ષમતા વધે છે. બ્રેઇન સંબંધિત રોગોમાં પણ ફાયદેમંદ છે. સામાન્ય ફૂડ પૉઇઝન કે ખોરાકના કારણે પેટમાં તકલીફ થઈ હોય તો વાઇટ ટી પીવાથી રાહત થાય છે. આમ આ હર્બલ પીણામાં આપણા ઓવરઑલ સ્વાસ્થ્યને ટકાટક રાખવાની ક્ષમતા હોવાથી અજમાવવામાં વાંધો નથી.’
યૌવન ટકાવી રાખે
વધતી વયની સાથે ઍન્ટિ-એજિંગની સમસ્યા સ્વાભાવિક છે, પરંતુ સ્ટ્રેસફુલ લાઇફના લીધે હવે નાની ઉંમરે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. સ્ટ્રેસ અત્યારનો સૌથી કૉમન રોગ છે. કૅમીલિયાના પાનમાં રહેલું થીનાઇન નર્વસ સિસ્ટમને આરામ આપી તાજગીનો અહેસાસ કરાવે છે. જન્ક ફૂડની હૅબિટ, સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણોનો પ્રભાવ અને ભાગદોડભરી જિંદગીના કારણે ત્વચા પર થતી વિપરીત અસરને અટકાવવા ઉપરાંત ત્વચાને અંદરથી સ્વચ્છ કરી સ્કિન ટેક્સચર અને ટાઇટનેસને જાળવી રાખવામાં સહાય કરે છે. લાંબા સમય સુધી યુવાનીને ટકાવી રાખવા વાઇટ ટી પીવાની સલાહ છે. ઍન્ટિ-એજિંગ પ્રૉપર્ટી હોવાના કારણે વાઇટ ટી
તમારી બ્યુટીને નિખારે છે એમ જણાવતાં કિલ્પા કહે છે, ‘વાસ્તવમાં ચા એવું પીણું છે જે તમને યૌવન બક્ષે છે એમાંય જુદા-જુદા પ્રકારની હર્બલ ટીમાં બ્યુટીને મેઇન્ટેઇન રાખવાની ક્ષમતા છે. શરીરમાંથી કચરો બહાર ફેંકાય એટલે સ્વાભાવિક છે ત્વચા સ્વચ્છ થાય. બૉડી ડિટૉક્સ થતાં સ્કિન ગ્લો કરે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં પાન (જુદા-જુદા સમયે ચૂંટેલા)માંથી બનાવેલી વાઇટ ટીમાં વેરિએશન ઍડ કરવાની આવશ્યકતા નથી. એનો સ્વાદ કુદરતી રીતે જ
થોડો સ્વીટ હોય છે. બ્યુટીના પૉઇન્ટ ઑફ વ્યુથી ઇચ્છો તો ત્રણ-ચાર ડ્રૉપ લેમન જૂસ અથવા સહેજ હની ઉમેરી શકો છો.’

કૅમીલિયા પ્લાન્ટનાં તાજાં ચૂંટેલાં પાનમાંથી બનાવવામાં આવેલી વાઇટ ટીમાં ઍન્ટિઑક્સિડન્ટ અને ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છુપાયેલો છે. પર્યાપ્ત માત્રામાં આ ચા પીવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, સામાન્ય ફૂડ પૉઇઝન, બ્રેઇન સંબંધિત રોગો, કૉલેસ્ટરોલ જેવી બીમારીમાં ફાયદો થાય છે. રોજ એક કપ વાઇટ ટી પીવાથી સ્કિન અંદરથી સ્વચ્છ થાય છે અને ગ્લો કરે છે. નૅચરલ સ્વીટ હોવાથી એમાં વેરિએશન ઍડ કરવાની આવશ્યકતા નથી, પરંતુ બ્યુટીના પૉઇન્ટથી ઇચ્છો તો લેમન જૂસ અથવા હની મિક્સ કરી શકાય
- કિલ્પા કચેરિયા, ડાયટિશ્યન

આટલી તકેદારી રાખો
અન્ય ચાની જેમ વાઇટ ટીમાં પણ કૅફીનની માત્રા અવેલેબલ હોવાથી આખા દિવસમાં એક કપ ચા પર્યાપ્ત છે. ચાના શોખીનોએ આ બાબતની ખાસ નોંધ લેવી.૨૦૦થી ૩૦૦ મિલીલિટર પાણીમાં વધુમાં વધુ પાંચ ગ્રામ જેટલાં કૅમીલિયાનાં પાન વાપરવાં.હાઈ કૅફીનના લીધે બ્લડપ્રેશરના દરદીએ ચા પીવામાં ધ્યાન રાખવું.આજકાલ એક જ વસ્તુની પાછળ પડી જવાની લોકોને ટેવ હોય છે..વાઇટ ટીનો ચસકો ઍન્ગ્ઝાયટી અને ઇન્સૉમ્નિયાની બીમારીને આમંત્રણ આપી શકે છે.કૅફીન અને હાઈ ફ્લોરાઇડથી તમારા દાંતને નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં વાઇટ ટી પીશો તો દાંતના રોગોનો શિકાર બનવાની શક્યતા વધી જશે.દાંતનાં પેઢાં ઉપરાંત હાડકાંની સંભાળ માટે પણ વાઇટ ટીના અતિરેકથી બચવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK